બિહારમાં કોરોના વાયરસના સંક્રમણમાં અનેક કોરોના વોરિયર્સ પણ સપડાયા છે. આ જ ક્રમમાં પ્રદેશની સૌથી મોટી હોસ્પિટલ પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં ફરીથી ત્રણ ડોક્ટર કોવિડ પોઝિટિવ આવ્યા છે. બે નર્સનો કોરોના પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ પીએમસીએચમાં કોવિડ પોઝિટિવ કર્મીઓની સંખ્યા વધીને 44 થઈ છે. જ્યારે પટના એઇમ્સમાં પણ એક નર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણ ડોક્ટર કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે એઇમ્સના અત્યાર સુધીના આઠ કર્મીઓ પોઝિટિવ જાહેર કરવામાં આવ્યા છે.
બિહારના મુખ્યમંત્રી આવાસ કાર્યાલયમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. અહીં અત્યાર સુધી 80થી વધારે લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે સીએમ આવાસમાં કેન્ટીનમાં તહેનાત કર્મીઓથી લઈને સચિવનો ડ્રાઇવર પણ કોરોના વાયરસ સંક્રમિત થયો છે. મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. જે બાદમાં મુખ્યમંત્રી સચિવાલયના કર્મીઓના પણ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે પટનામાં એક દિવસમાં સૌથી વધારે 985 પોઝિટિવ કેસ મળ્યાં છે. જેમાંથી પીએમસીએચના મુખ્ય આકસ્મિક ચિકિત્સા પદાધિકારી સહિત 28 કર્મીઓ અને બિહટા ફાયર ટ્રેનિંગ સેન્ટરના 23 ફાયરમેન તેમજ ચાલક સામેલ છે. સિવિલ સર્જન ડોક્ટર રાજકિશોર ચૌધરીએ જણાવ્યું કે પટનામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,888 થઈ છે. જેમાંથી 1,180 લોકો અલગ અલગ આઇસોલેશન સેન્ટરમાં દાખલ છે. અત્યાર સુધી જિલ્લામાં કોરોનાને કારણે 17 લોકોનાં મોત થયા છે.
નોંધનીય છે કે બિહારમાં કોરોના વાયરસના 352 નવા કેસ સામે આવ્યા છે. જેનાથી કોરોના વાયરસની સંખ્યા વધીને 14,330 થઈ છે. સૌથી વધારે 84 દર્દીઓની ઓળખ ભાગલપુરમાં થઈ છે. બીજા નંબર પર પાટનગર પટના છે. અહીં 73 દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. જોકે, બિહારમાં 10,251 દર્દીઓ સ્વસ્થ થયા છે.