BJP અને PAAS આમને સામને, ભાજપની વિરૃદ્ધ કામ કરશે

મોરબીના આમરણ ગામે PAAS કન્વીનરોની બેઠક યોજાઈ હતી. લોકસભાની ચૂંટણીમાં PAASનું કેવું સ્ટેન્ડ રહેશે તે નિર્ણય કરવા માટે આ બેઠકની આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકના અંતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આ લોકસભાની ચૂંટણીમાં PAAS ભાજપની વિરુદ્ધમાં પ્રચાર કરશે.

PAASના કન્વીનરો અને કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. લોકસભાની ચૂંટણીને લઇને મહત્ત્વની ગણાતી આ બેઠકમાં હાર્દિક પટેલની સુચક ગેરહાજરી રહેતા અનેક સવાલો ઉઠ્યા હતા.

બેઠક બાદ મનોજ પનારાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનમાં અમારા યુવાનો શહીદ થયા છે અને આજે પણ અમારા યુવાનો જેલમાં છે. એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટીની સામે લડવાના છીએ. આજે ખેડૂતોના પાણીથી લઇને પાક વીમાના પ્રશ્નો છે અને ખેડૂતોની સમસ્યા પણ આ સરકારે ઘણી પૂર્ણ નથી કરી.

મનોજ પનારાએ વધુમાં જણાવ્યું હતું કે, આ સૌરાષ્ટ્ર ઝોનની બેઠક પછી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષીણ ગુજરાતની પણ બેઠકો આજ રીતે થવાની છે. ગુજરાતની અંદરથી 1,000 જેટલા યુવાનો વિસ્તારક તરીકે એક અઠવાડિયા એટલે કે, 15 એપ્રિલથી 21 એપ્રિલ સુધી પાટીદાર સમાજ અને અન્ય સમાજના ગામડાઓ અને સોસાયટીઓમાં જઈને ભારતીય જનતા પાર્ટી વિરુધ્ધ પ્રચાર કરવાના છે.

ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલનો મુખ્ય ચહેરો હાદિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ ગયા પછી PAASના કન્વીનરો કોંગ્રેસ પાસે ટિકિટ માગી હતી અને હાર્દિક પટેલે પણ પેટા ચૂંટણી લડવા માટે ગીતા પટેલની રજૂઆત કોંગ્રેસમાં કરી હતી. એટલે હવે PAASની રણનીતિ જોતા એવું લાગી રહ્યું છે કે, PAASના કન્વીનરો અને કાર્યકર્તાઓ કોંગ્રેસ માટે કામ કરી રહ્યા છે. જેન પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સહીત અન્ય કન્વીનરોએ વિધાનસભાની ચૂંટણી સમયે કોંગ્રેસને સમર્થન આપ્યું હતું, તેમાં હવે લોકસભામાં પણ PAASના કાર્યકર્તાઓ ખુલીને કહી રહ્યા છે કે, તેઓ ભાજપની વિરુદ્ધ પ્રચાર કરશે.