અશુભ મૂહૂર્તમાં રામમંદિરનું શિલાન્યાસ ભાજપ અને પૂજારીઓને ભારે પડ્યો, દિગ્વિજય

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજયસિંહે રામ મંદિરનિર્માણ માટે 5 ઓગસ્ટે યોજાનારા ભૂમિપૂજન કાર્યક્રમને અશુભ ગણાવી વડાપ્રધાન પર નિશાન તાક્યું છે. શિલાન્યાસ કાર્યક્રમ પર ભાર મુકીને તેમણે કહ્યું કે મોદીજીની અનુકૂળતા મુજબ ભૂમિપૂજન અશુભ સમયમાં કરવામાં આવી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે વડાપ્રધાન માટે સનાતન ધર્મની માન્યતાઓની અવગણના કરવામાં આવી રહી છે. દિગ્વિજય સિંહે એક પછી એક રામ મંદિર મુદ્દે 2 ટ્વિટ કરી છે. જેમાં તેમણે શિલાન્યાસ કાર્યક્રમ અંગે પ્રશ્ન કર્યો છે.

તેમણે લખ્યું છે કે, ” હિંદુ ધર્મની માન્યતાઓને અવગણવાનું પરિણામ છે કે રામ મંદિરના તમામ પૂજારીઓ કોરોના પોઝિટિવ બન્યા. આટલું જ નહીં ઉત્તર પ્રદેશના મંત્રી કમલા રાની વરૂણનું મોત કોરોનાથી થયું હતું. ઉત્તર પ્રદેશ ભાજપ અધ્યક્ષ પણ કોરોના પોઝિટિવ છે. ગૃહપ્રધાન અમિત શાહ પણ ચેપ લાગ્યા બાદ હોસ્પિટલમાં દાખલ છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને પ્રદેશ પ્રમુખ પણ કોરોના પોઝિટિવ છે. કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદુરપ્પાને પણ ચેપ લાગ્યો છે. મોદીજી અશુભ મુહૂર્તમાં શિલાન્યાસ કરી કેટલાક લોકોને હોસ્પિટલ પહોંચાડશો ?”