BJP MLA રૈયાણીનું રૂપાણીના રાજકોટમાં કુ-રાજ

રાજકોટ તાલુકા પંચાયતમાં પાંચ દિવસ પહેલાં તાલુકા પંચાયતના સભ્ય અને માર્કેટીંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ ઝાલા ઉપર હુમલો થયો હોવાનું ગણાવીને પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા માટે તેઓ દોડી ગયા હતા. હવે તેઓ એકદમ પોતાનું વલણ બદલી નાખ્યું છે. પોલીસ ફરિયાદ કરવા માગતા નથી,  એવું તેને સ્પષ્ટ પણે જણાવ્યું હતું. ભાજપના અગ્રણીઓએ રિવોલ્વર કાઢીને ધમકી આપી હોવાના સીસીટીવી ફૂટેજ પણ છે. આ ફૂટેજ તેમણે પત્રકારોને આપ્યા હતા. પોલીસને પણ આપ્યા હતા. છતાં પોલીસ આ અંગે ગુનો નોંધવા તૈયાર નથી.

રાજકોટ તાલુકા પંચાયતના સત્તાધારી જૂથે સામે હરદેવસિંહ દ્વારા વાંધા વિરોધ કરાયો હતો. સભ્યોની સહી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. ચેમ્બરમાં આ બાબતે હરદેવસિંહ ઉપર ચાલુ બેઠકે હુમલો થયો હતો. અને આ દિવસે મીડિયા સમક્ષ જાડેજા વિજય દેસાઈ, ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સહિતનાઓએ હુમલો કર્યો હોવાના આક્ષેપો કર્યા હતા અને મીડીયાને સીસીટીવી ફૂટેજ પણ આપવામાં આવ્યા હતા કે જેમાં ત્રણ શખ્સોએ રિવોલ્વર તાકી હોવાનું પણ જણાયું હતું. આ અંગે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં હરદેવસિંહ જાડેજા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન જીતુ રાઠોડ પોલીસ ફરિયાદ કરવા ગયા હતા. પરંતુ બાદમાં અગમ્ય કારણોસર આજ સુધી ફરિયાદ લેવામાં આવી નથી. ગોંડલના પૂર્વ ધારાસભ્યો અને રાજકોટના એક પૂર્વ ધારાસભ્યોએ આ મામલે મધ્યસ્થી માટે ચક્રો ગતિમાન કર્યા હતા. જો કે હવે એવું કહે છે કે, ફરિયાદ પણ નથી કરી અને સમાધાન પણ નથી કરવું.

શું હતી ઘટના

રાજકોટ તાલુકા પંચાયતમાં 3.5 કરોડની ગ્રાન્ટની ફાળવણી મામલે યોજાયેલી સમીક્ષા બેઠકમાં હોબાળો થયો હતો. એક સભ્યના પુત્ર દ્વારા રિવોલ્વર બતાવવામાં આવતા મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા. અને સહકારી ક્ષેત્રના આગેવાન હરદેવસિંહ જાડેજાએ આ હોબાળામાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર ઘટના બાદ રૈયાણી અને હરદેવસિંહની વાતચીતની ઓડિયોક્લિપ વાઈરલ થઈ હતી.

વાઈરલ ઓડિયોક્લિપના ડાયલોગ

હરદેવસિંહ : તમારૂ પ્લાનીંગ સારૂ હતું. (રિવોલ્વર બતાવી હુમલો કરાવાનું પ્લાનીંગ)

MLA રૈયાણી : તમારે આવવું જ ન જોઈએ.

હરદેવ : સભ્ય તરીકે મને આવવાનો અધિકાર નથી?

MLA રૈયાણી : અધિકાર બધાને છે પણ અમે બેઠા હોઈએ ત્યારે તમારે આવવું ન જોઈએ

હરદેવ : હું તો ખાલી તમારા વખાણ કરૂ છું કે, પ્લાનીંગ સારૂ હતું.

MLA રૈયાણી : આ બધું ચાલતું તું તો તમારે શું કામ આવવું જોઈએ

હરદેવ : મને થોડી ખબર હતી કે તમે હુમલો કરશો કે રિવોલ્વર લઈને આવ્યા હશો.

MLA રૈયાણી : મને કંઈ ખબર નથી રિવોલ્વર વિશે કે અંદર શું થયું તેના વિશે હું તો બહાર નીકળી ગયો હતો.

હરદેવ : જે હશે એ CCTV માં આવશે હું પેન ડ્રાઈવમાં લવ છું.

MLA રૈયાણી : જોઈ લ્યો તમ તમારે.

હરદેવ : પણ પ્લાનીંગ સારૂ હતું.

MLA રૈયાણી : આ બધું જુનું થઈ ગયું બાપુ છોડો ને હવે

હરદેવસિંહ : Ok પણ પ્લાનીંગ સારૂ હતું.

હા હું ત્યાં હતો – BJP MLA

ઓડિયોક્લિપ વાઈરલ થયા બાદ મુખ્યમંત્રી રૂપાણીનો કાર્યક્રમ છોડીને ધારાસભ્ય અરવિંદ રૈયાણી એ એવી જાહેરાત કરી હતી કે મંજુર થયેલા રોડ-રસ્તા કેન્સલ કરાતા હું ત્યાં ગયો હતો. તેમજ રોડ-રસ્તા મુદ્દે ટીડીઓને રજુઆત કરી હતી. ઉપરાંત હરદેવસિંહને કહ્યું હતું કે, પાસ થયેલા રસ્તા શા માટે અટકાવો છો ? મંજુર થયેલા રસ્તા ન અટકાવવા જણાવ્યું તો તેમણે મને ગંદી ગાળો આપી હતી. ત્યારબાદ બોલાચાલી થતા હું બહાર નિકળી ગયો હતો. કોઈના હાથમાં રિવોલ્વર હતી કે નહીં તે મને ખ્યાલ નથી. તેઓ ભ્રષ્ટાચારનું ઘર છે. સત્તા માટે ગમે ત્યારે પક્ષપલ્ટો કરી શકે છે. તેમના આજના વલણથી તેઓ ફરી કોંગ્રેસમાં જતા રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમજ આ મામલે સાવ ખોટી રીતે પોતાની સંડોવણી થઈ હોવાનું જણાવી કહ્યું હતું કે, જો હું દોષિત હોવ તો મને અને બીજું કોઈ દોષિત હોય તો તેને સજા મળશે. મને પોલીસની કાર્યવાહી પર પૂરતો ભરોસો છે.

BJP MLAની આ એક કહાની નથી પણ આવી અનેક કહાની રાજકોટમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના વિસ્તારમાં પણ સાભળવા મળે છે.

MLA સામે પરણીને નવદંપતી સીધું ફરિયાદ કરવા પહોંચ્યું

ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સતત વિવાદમાં રહે છે. ધારાસભ્ય રૈયાણી અને તેના સાગરીતોના ત્રાસથી રાજકોટમાં રહેતો એક પરિવાર પોતાના દીકરાની જાન સાથે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યો હતો. ભાજપના આ ધારાસભ્ય રૈયાણીએ સોસાયટીના મુખ્ય દરવાજાને દૂર કરવા માટે રૂ.10 લાખની માંગણી કરી હતી તેવો આક્ષેપ આ પરિવાર દ્વારા કરવામાં આવ્યો હતો.

કોર્પોરેટરમાંથી ધારાસભ્ય પણ ગુણો ન ગયા

વિધાનસભા ચૂંટણીમાં મ્યુ. કોર્પોરેશન શાસક પક્ષના નેતા અને કોર્પોરેટર અરવિંદભાઈ રૈયાણી ધારાસભ્ય બની ગયા હતા. નિયમ મુજબ તેઓને ધારાસભ્ય અથવા કોર્પોરેટર બેમાંથી એક પદનું જ માનદ વેતન મળે. રૈયાણી મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના જમણા હાથ સમાન છે. તે રૂપાણીના તમામ ઓપરેશન પુરા કરે છે. એવું પક્ષના કાર્યકરો પણ કહે છે.

 

રાજકોટમાં ‘રૈયાણી’રાજ

15 ફેબ્રુઆરી 2018માં નાના અમથા ઝઘડામાં ભાજપના MLA રૈયાણીના નાના ભાઈ સુરેશએ ખુલ્લેઆમ ફાયરિંગ કર્યું હતું. જેનો વિડિયો પણ બહાર આવ્યો હતો. આવી બાબતોમાં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું નામ બહુ કુખ્યાત ગણાય છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના નાના ભાઈ  સુરેશ  અને તેના સાગરિતો ભૂપત ભરવાડ અને શૈલેષની પોલીસ દ્વારા 29 વર્ષના પ્રદીપ પટેલની હત્યા કરવાના પ્રયાસ બદલ ધરપકડ કરી હતી. ભંગાર ફેંકવા જેવા નાના મુદ્દે આંગડિયા પેઢીના કર્મચારીની મારપીટ કરતા અને ગોળી મારતાં ગુનો નોંધાયો હતો. ભંગાર રૈયાણીની દુકાનના કંપાઉન્ડમાં ફેંક્યો હતો. આ મુદ્દે રૈયાણી અને તેના માણસોએ આંગડિયાવાળા સાથે ગાળાગાળી કરી હતી. પહેલા બંને વચ્ચે મુક્કાબાજી થઈ, ત્યાર પછી સુરેશ રૈયાણીએ ભૂપત ભરવાડ અને તેના સાથીદારોને બોલાવ્યા. ભુપત ભરવાડે પછી પ્રદીપ પટેલ પર બે વાર ગોળી ચલાવી જેના કારણે તેને ગંભીર ઈજા પહોંચી હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

ખરડાયેલો ભૂતકાળ

નજીકના જ ભૂતકાળમાં જાન્યુઆરી 2018માં સુરેશ, તેના ભાઈ અને રાજકોટ પૂર્વના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને તેના પિતા ગોરધન રૈયાણી હિંસક હુમલો કરવાના મામલે ધરપકડ થઈ હતી. તેમને પાછળથી જામીન પર છોડી દેવામાં આવ્યા હતા. ત્રિપુટી સામે રાજકોટના સંત કબીર રોડ પર ઈમિટેશન જ્વેલરીની દુકાન ધરાવતા બે ભાઈઓ પર હુમલો કરવાનો આરોપ હતો. આ બંને ભાઈઓ ચૂંટણી દરમિયાન કોંગ્રેસ માટે પ્રચાર કરતા હોવાથી તેમના પર હુમલો થયો હતો.

વેપારીને માર માર્યો

15 ડિસેમ્બર 2017માં ચૂંટણીના પ્રચાર અને છેડતી સહિતના કારણે રાજકોટ વિધાનસભાની  પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણી, તેનાભાઇ સહિતના શખસોએ ગૌત્તમભાઇ ખોડાભાઇ લીંબાસિયાની ઇમિટેશનની દુકાનમાં ઘુસીને વેપારી સહિત બે લોકોને બેહરમીથી માર માર્યો હતો. જે અંગેનો વેપારીએ ઉતારેલો વિડિયો પણ પોલીસને આપવામાં આવ્યો હતો. પછી સોશિલ મીડિયા પર ધૂમ વાયરલ થયો હતો. બાદમાં અરવિંદ રૈયાણી અને વેપારીઓ સામે ફરિયાદો થઇ છે.

ભાજપના તે સમયે ઉમેદવાર રૈયાણીએ ચૂંટણી જીતવા માટે દાદાગીરી કરી હતી. તે દુકાનમાં આવીને તમે મને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર મિતુલ દોંગાનો પ્રચાર કેમ કર્યો હતો તેમ કહીને ગાળો દઇને ઢીકાપાટુનો માર માર્યો હતો. 17 જાન્યુઆરી 2018ના રોજ રૈયાણીની ધરપકડ કરવામાં આવી હતી. પછી તુરંત છોડી મૂકવામાં આવ્યા હતા. રાજકોટ-૬૮ (પૂર્વ) વિધાનસભામાંથી પહેલી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા અને મહાપાલિકાના શાસકપક્ષના નેતા કોર્પોરેટર અરવિંદ રૈયાણીની વેપારી પર હુમલો કરવાના અને લોકપ્રતિનિધિત્વ ધારાના ભંગ બદલ એમ એક સાથે બે ગુનામાં બી ડિવિઝન પોલીસે ધરપકડ કરીને બન્ને ગુનામાં પોલીસે તેમને તુરંત જામીન પર છોડી પણ દીધા છે.

મતદાન મથકે કેસરી ખેસ પહેર્યો

પોલીસ રેકોર્ડ મુજબ આ ઉપરાંત ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી સામે મતદાનના દિવસે ભાજપનો ખેંસ પહેરીને બુથ સુધી પહોંચી જઈ પ્રચાર કરવા બદલ લોકપ્રતિનિધિત્વ ધારા મૂજબ ગુનો નોંધાયો હતો તેમાં પણ આ ધારાસભ્યની રાત્રે 8.30  કલાકે ધરપકડ કરી હતી. આમ, અર્ધી કલાકના સમયમાં પોલીસે ધારાસભ્ય અરવિંદ રૈયાણીની બે ગુનામાં ઉપરાઉપરી ધરપકડ કરીને ઉપરાઉપરી જામીન પર પણ મુક્ત કરી દીધા હતા. ત્યારે આવી ‘સવલત’ સામાન્ય નાગરિકને પોલીસ આપતી નથી. જેલમાં જ ધકેલી દે છે.

BJP MLA રૈયાણીએ પક્ષમાં જૂથવાદ ઊભો કરી દીધો

રાજકોટ મહાનગર પાલિકાના રાજમાં શાસકપક્ષ ભાજપમાં વ્યાપક જૂથવાદ ચાલે છે. જેમાં એક વિવાદ બહાર આવ્યો હતો. શાસકપક્ષના નેતા અરવિંદ રૈયાણી અને બાંધકામ સમિતિના ચેરમેન મુકેશ રાદડિયા વચ્ચે સરુ થયેલું શીતયુધ્ધ સપાટી પર આવ્યું હતું. કાળા ડામરકામના ખાતમુહૂર્તના મામલે બન્ને વચ્ચે અસ્તિત્વનો જંગ બહાર આવ્યો હતો. પાર્ટીશિસ્તમાં માનતા ભાજપ પક્ષના બન્ને જવાબદાર નેતાઓ વચ્ચે ચાલતો મામલો પ્રદેશકક્ષાએ પહોંચ્યો હતો. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સમક્ષ તે અંગે રજૂઆત થઈ હતી. પછી તેમણે વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી. તેમને ન આપતાં ટિકિટ મળતા પક્ષપલટા સહિતની ચીમકી પ્રદેશની નેતાગીરીને આપી હોવાનું સરાજાહેર સામે આવ્યું હતું. વારંવાર બનતા આવા બનાવોથી ભાજપની પ્રતિષ્ઠા ખરડાય છે. તેવો વસવસો પણ અનેક કાર્યકરોએ વ્યક્ત કર્યો હતો.

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારની દાદાગીરી સામે આવી છે. ભાજપ ઉમેદવાર અરવિંદ રૈયાણીની ખુલ્લેઆમ દાદાગીરીનો એક વીડિયો વાયરલ થયો છે. અરવિંદ રૈયાણીને એક શખ્સે કોંગ્રેસ જીતશે તેવો અભિપ્રાય આપતા રૈયાણીનો ગુસ્સો સાતામા આસમાને પહોંચી ગયો હતો. શોરૂમમાં ઘુસીને કોંગ્રેસ જીતશે તેવો અભિપ્રાય આપતાં માર માર્યો. અને મુક્કા અને લાતો વરસાવી. એટલું જ નહીં અરવિંદ રૈયાણી સાથે અન્ય કેટલાક શખ્સો પણ શોરૂમમાં ધસી આવ્યા અને દાદાગીરી કરી. ચૂંટણી પૂરી થતાં જ આવું તેમણે કર્યું હતું.

આમ મુખ્ય પ્રધાનના ખાસ નજીકના ભાજપના આ ધારાસભ્ય વારંવાર વિવદમાં આવે છે. તેમનો વધું એક વિવાદ સામે આવ્યો છે. જેમાં ભાજપની રહીસહી આબરૂ પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં ગુમાવી દીધી છે અને ભાજપનું ગુંડાગીરી કલ્ચર કઈ રીતે વિકસી ચૂક્યું છે તે બહાર આવ્યું છે.