કૃષિના યાંત્રિકરણ વડે ભારતીય કૃષિ વાણિજ્યિક કૃષિના રૂપમાં પરિવર્તિત થઇ જશે: આર્થિક સમીક્ષા
છેલ્લા પાંચ વર્ષોમાં પશુધન ક્ષેત્રમાં 7.9 ટકાની વૃદ્ધિ નોંધાઈ
મત્સ્યપાલનના ક્ષેત્રમાં સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 7 ટકા નોંધવામાં આવ્યો
ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રમાં સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર 5.06 ટકા રહ્યો
નવી દિલ્હી, 31-01-2020
સંસદમાં આર્થિક સમીક્ષા, 2019-20ની રજૂઆત કરી. ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવાના સરકારના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો. તેમણે કૃષિના યાંત્રિકરણ, પશુધન અને મત્સ્યપાલન ક્ષેત્ર, ખાદ્ય પ્રક્રિયા, નાણાકીય સમાવેશીતા, કૃષિ ધિરાણ, પાક વીમા, સુક્ષ્મ સિંચાઈ તથા સુરક્ષિત ભંડાર વ્યવસ્થા પર ભાર મૂક્યો.
કૃષિનું યાંત્રિકરણ:
આર્થિક સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે જમીન, જળ સંસાધન અને શ્રમ શક્તિમાં ઘટાડો થવાની સાથે ઉત્પાદનનું યાંત્રિકરણ અને પાક લણણી પછીના કાર્યો ઉપર જવાબદારી આવી જાય છે. કૃષિના યાંત્રિકરણ વડે ભારતીય કૃષિ વાણિજ્યિક કૃષિના રૂપમાં પરિવર્તિત થઇ જશે. કૃષિમાં યાંત્રિકરણને વધારવાની જરૂરિયાત પર ભાર મૂકતા આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે ચીન (59.5 ટકા) અને બ્રાઝીલ (75 ટકા)ની સરખામણીએ ભારતમાં કૃષિનું યાંત્રિકરણ 40 ટકા થયું છે.
પશુધન તથા મત્સ્યપાલન ક્ષેત્ર
લાખો ગ્રામીણ પરિવારોની માટે પશુધનની આવક એ આવકનું બીજું મહત્વનું સાધન છે અને આ ક્ષેત્ર ખેડૂતોની આવકએ બમણી કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. આર્થિક સર્વેક્ષણમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષોમાં પશુધન ક્ષેત્ર 7.9 ટકાના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દરે (સીએજીઆર) વધી રહ્યો છે.
આર્થિક સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે મત્સ્યપાલન એ ખોરાક, પોષક આહાર, રોજગાર અને આવકનું મહત્વપૂર્ણ સાધન રહ્યું છે. મત્સ્યપાલન વડે દેશમાં લગભગ 16 મિલિયન માછીમારો અને મત્સ્યપાલક ખેડૂતોની આજીવિકા રળાય છે. મત્સ્યપાલનના ક્ષેત્રમાં તાજેતરના વર્ષોમાં વાર્ષિક સરેરાશ વૃદ્ધિ દર 7 ટકાથી વધુનો નોંધવામાં આવ્યો છે. આ ક્ષેત્રના મહત્વને સમજતા 2019માં સ્વતંત્ર મત્સ્યપાલન વિભાગ બનાવવામાં આવ્યો છે.
ખાદ્ય પ્રક્રિયા:
આર્થિક સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવા માટે ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. પ્રક્રિયાના ઉચ્ચ સ્તર વડે નુકશાન ઓછું થાય છે, મૂલ્ય ઉમેરણમાં સુધારો થાય છે, પાકની વિવિધતાને પ્રોત્સાહન મળે છે, ખેડૂતોને વધુ સારો લાભ મળે છે અને રોજગાર પ્રોત્સાહનની સાથે સાથે નિકાસ આવકમાં પણ વૃદ્ધિ થાય છે. આર્થિક સમીક્ષા જણાવે છે કે 2017-18માં સમાપ્ત થનારા છેલ્લા છ વર્ષો દરમિયાન ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્ર લગભગ 5.6 ટકાના સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દરે (એએજીઆર) વધી રહ્યો છે. વર્ષ 2017-18માં 2011-12ની કિંમતો પર ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રમાં ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રનું કુલ મૂલ્ય ઉમેરણ (જીવીએ) અનુક્રમે 8.83 ટકા અને 10.66 ટકા રહ્યું છે.
નાણાકીય સમાવેશીતા, કૃષિ ધિરાણ અને પાક વીમા
આર્થિક સમિક્ષામાં પૂર્વોત્તરમાં ધિરાણના ઝડપી વિતરણમાં સુધારો લાવવા માટે પૂર્વોત્તરના ક્ષેત્રોમાં નાણાકીય સમાવેશીતાને વધારવાની જરૂરિયાત પર ભાર મુકવામાં આવ્યો છે. પાક વીમાની જરૂરિયાત પર ભાર મૂકતા આર્થિક સમીક્ષામાં પ્રધાનમંત્રી પાક વીમા યોજના (પીએમએફબીવાય)ના ફાયદાઓ અંગે જણાવવામાં આવ્યું છે, જેની શરૂઆત 2016માં પાકના વાવેતર પહેલાથી લઈને, પાક લણણી પછી સુધીના કુદરતી જોખમોને આવરી લેવા માટે કરવામાં આવી હતી. પીએમએફબીવાયના કારણે સકલ પાક ક્ષેત્ર (જીસીએ) વર્તમાન 23 ટકાથી વધીને 50 ટકા થઇ ગયું છે. સરકારે એક રાષ્ટ્રીય પાક વીમા પોર્ટલની પણ રચના કરી છે, જેમાં તમામ હિતધારકોની માટે ઇન્ટરફેસ ઉપલબ્ધ છે.
કૃષિમાં સકલ મૂલ્ય વૃદ્ધિ
વિકાસ પ્રક્રિયાની સ્વાભાવિક રાહ અને અર્થવ્યવસ્થામાં થઇ રહેલા માળખાગત પરિવર્તનના કારણે કૃષિ અને તેની સાથે જોડાયેલ ક્ષેત્રોનું યોગદાન વર્તમાન મૂલ્ય પર દેશના સકલ મૂલ્ય વૃદ્ધિમાં વર્ષ 2014-15ના 18.2 ટકાથી ઘટીને વર્ષ 2019-20માં 16.5 ટકા થઇ ગયું છે.
બફર સ્ટોક વ્યવસ્થાપન
આર્થિક સમીક્ષામાં વધતા ખાદ્ય સબસીડી બીલને ઘટાડવા માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત દરોની સમીક્ષાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આર્થિક સમીક્ષામાં ભારતીય ખાદ્ય નિગમના બફર સ્ટોકના વિવેકપૂર્ણ વ્યવસ્થાપનની પણ સલાહ આપવામાં આવી છે.
સુક્ષ્મ સિંચાઈ
ખેતરોના સ્તર પર પાણીના ઉપયોગની ક્ષમતા વધારવા માટે આર્થિક સમીક્ષામાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (પીએમકેએસવાય) જેવી યોજનાઓના માધ્યમથી સુક્ષ્મ સિંચાઈ (ટપક અને છંટકાવ સિંચાઈ)ના વપરાશની સલાહ આપવામાં આવી છે. આર્થિક સમીક્ષામાં નાબાર્ડની સાથે 5000 કરોડ રૂપિયાના પ્રારંભિક ભંડોળની રચનાની સાથે સમર્પિત સુક્ષ્મ સિંચાઈ ભંડોળની પણ ચર્ચા કરવામાં આવી છે.