પ્રો. હેમન્તકુમાર શાહ
મોદી સરકાર અમેરિકા સાથે એક મુક્ત વ્યાપાર સમજૂતી કરવા જઈ રહી છે અને તેથી ભારતના કરોડો પશુપાલકો અને 621 જેટલી નાની ખાનગી ડેરીઓ તેમ જ અમૂલ સહિતની સહકારી ડેરીઓના અસ્તિત્વ સામે જ ધીમે ધીમે મોટો ખતરો ઊભો થઈ શકે છે.
ફેબ્રુઆરી-2020માં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ભારતની મુલાકાતે આવ્યા ત્યારે નરેન્દ્ર મોદી સાથેની તેમની મંત્રણા પછી જે નિવેદન જારી કરવામાં આવ્યું હતું તેમાં અમેરિકા અને ભારત વચ્ચેના વ્યાપારને વધુ મુક્ત કરવા માટે એક સમજૂતી કરવાનું નક્કી થયું હોવાનો મુદ્દો હતો. 2020ના અંત સુધીમાં આવી સમજૂતી કરવી એમ પણ નક્કી થયું હતું. આ સમજૂતી પ્રાથમિક હશે અને પછી સર્વગ્રાહી મુક્ત વ્યાપાર સમજૂતી કરવામાં આવશે એમ નક્કી થયું છે. આ સમજૂતીથી દેશના પશુપાલકો અને સહકારી તથા ખાનગી ડેરી ઉદ્યોગને ભારે નુકસાન થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી કારણ કે જે વસ્તુઓનો વેપાર મુક્ત કરવા માટે સમજૂતીથવાની છે તેમાં દૂધ અને દૂધની પેદાશોનો પણ સમાવેશ થાય છે.
અમેરિકાએ ભારતના ડેરી ક્ષેત્રમાં પ્રવેશવા માટે 2003થી ભારે ધમપછાડા કર્યા છે પણ તેમાં તે સફળ થયું નહોતું. તેને માટે ભારતે અમેરિકાની ડેરી પેદાશો પર સફાઈ અને આરોગ્ય સંબંધી ધોરણો અંગેનાં પગલાં લીધેલાં હતાં. તેથી અમેરિકા માટે ભારતમાં તેની ડેરી પેદાશો મોટા પ્રમાણમાં નિકાસ કરવાનું શક્ય બનતું નહોતું. ડિસેમ્બર-2018માં જ ભારત સરકારે એ માટે કેટલીક છૂટછાટો આપી છે.
લેખક દ્વારા: ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશે કેટલાક અગત્યના મુદ્દા
અત્યારે ભારત સરકાર અમેરિકાની ડેરી પેદાશો પર 30થી 60 ટકા કસ્ટમ જકાત નાખે છે અને તે હવે ઘટાડીને 5 ટકા કરવા માટેની વાટાઘાટો ચાલી રહી છે. પછી મુક્ત વ્યાપાર વિસ્તાર સમજૂતી હેઠળ પાંચ ટકા પણ નહિ રહે. જો આમ થશે તો ભારતનાં બજારોમાં અમેરિકાનું દૂધ અને ડેરી પેદાશો બેફામપણે ઘૂસશે અને તેથી ભારતના આશરે 15 કરોડ પશુપાલકો એટલે કે આશરે 70 કરોડ લોકોના જીવનનિર્વાહ પર ઓછીવત્તી વિપરીત અસર થશે. આમાંના આશરે 80 ટકા તો ભૂમિહીન ખેડૂતો હોવાનો અંદાજ છે એ ના ભૂલવું જોઈએ. અમેરિકા સાથેની આ સમજૂતીથી માત્ર નાની ડેરીઓ જ ખતમ થાય એવું નથી પણ અમૂલ જેવી મોટી ડેરીઓ પણ ધીમે ધીમે ખતમ થાય એમ બની શકે છે.
અમેરિકા પોતે ડેરી પેદાશોની આયાત પર 60થી 70 ટકા કસ્ટમ જકાત નાખે છે અને પોતાની ડેરીઓને રક્ષણ આપે છે. એ હવે ભારતને કહે છે કે તમે કસ્ટમ જકાત ઘટાડો. ડાહી સાસરે ના જાય અને ગાંડીને શિખામણ દે એવો આ ઘાટ થયો. જો ભારતના રાજકીય નેતાઓ ટ્રમ્પનું કહ્યું માને તો એ જ ખરો દેશદ્રોહ કહેવાય!
ભારત સરકાર કસ્ટમ જકાત ઘટાડે તો અમેરિકાની સસ્તી ડેરી પેદાશો ભારતનાં બજારોમાં ઘૂસે. તેને લીધે સહકારી અને ખાનગી ડેરીઓએ સસ્તામાં દૂધ અને ડેરી પેદાશો વેચવાં પડે. તેને પરિણામે પશુપાલકોને દૂધના ઓછા ભાવ મળે એવી સંભાવના પણ રહે છે. અત્યારે પણ ભારતમાં 10,000 જેટલા દૂધના પાવડરની આયાત થઇ રહી છે. દર વર્ષે ભારતમાં આશરે રૂ. 250 કરોડની ડેરી પેદાશોની આયાત થઇ રહી છે. સાચ્ચે જ જો આત્મનિર્ભર બનવું હોય તો આ આયાતો બંધ કરી દેવી જોઈએ અને દેશના પશુપાલકો અને ડેરીઓને પ્રોત્સાહન આપવું જોઈએ.
હરીફાઈથી હંમેશાં ગ્રાહકોને ફાયદો થાય છે એવી એક જાડી અર્થશાસ્ત્રીય સમજ છે. પણ હરીફાઈ કોની વચ્ચે થાય છે એ મહત્ત્વનું છે. ભારતમાં બે-ચાર ગાય કે ભેંસ રાખીને પશુપાલનનો વ્યવસાય કરનારા પશુપાલકો લાખોની સંખ્યામાં છે. બીજી તરફ, અમેરિકામાં 35 ટકા દૂધ 2500થી વધુ ગાય ધરાવનારા અને 45 ટકા દૂધ 1000થી ઓછી ગાય ધરાવનારા પશુપાલકો પેદા કરે છે. કેટલીક બહુ મોટી ડેરીઓ ધરાવનારા તો 30,000 ગાય પણ ધરાવે છે! શા માટે ભારતના સાવ નાના પશુપાલકોને આવા મહાકાય પશુપાલકો સાથે હરીફાઈમાં ઉતારવા જોઈએ?
લેખક દ્વારા: સંસદ અને વિધાનસભાઓ ચાલુ કરો: સરકાર પાસે બુદ્ધિનો ઈજારો નથી
1995માં અસ્તિત્વમાં આવેલા વિશ્વ વ્યાપાર સંગઠન(WTO)માં પણ એક આંતરાષ્ટ્રીય ડેરી સમજૂતી થયેલી છે. તેમાં ભારતે સહી કરેલી જ છે. તેમાં દૂધ, મલાઈ, છાશ, દહીં, માખણ, ઘી, ચીઝ વગેરે જેવી તમામ ડેરી પેદાશોનો વેપાર મુક્ત કરવાની જોગવાઈ છે જ. પણ અમેરિકા સાથેની સમજૂતી એ કંઈ WTOની આ સમજૂતીનો ભાગ નહિ હોય. એ તો WTOની બહારની સમજૂતી હશે. એનો અર્થ એ થાય કે મોદી ટ્રમ્પને ખુશ કરવા માટે કે અમેરિકાના પશુપાલકોને ખુશ કરવા માટે જ આ સમજૂતી કરી રહ્યા છે. ટ્રમ્પને તો આવી સમજૂતીની જરૂર છે કારણ કે અમેરિકામાં નવેમ્બર મહિનામાં રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણી આવે છે!
વળી, અમેરિકન સરકાર અત્યારે પોતાના પશુપાલકોને આશરે બે લાખ કરોડ રૂ.ની સબસિડી આપતી હોવાનો અંદાજ છે. જ્યારે ભારતમાં પશુપાલકોને સબસિડી આપવા માટે ભારત સરકાર પાસે રૂ. 2000 કરોડ પણ નથી! એટલે અમેરિકા સાથે જે સમજૂતી થાય તેનાથી અમેરિકાના પશુપાલકોને ફાયદો થશે કારણ કે તેમની સરકારી સહાયવાળી ગાયોથી પેદા થયેલાં દૂધ અને દૂધની પેદાશો ભારતનાં બજારોમાં વેચાતાં થશે. ભારતનો પશુપાલન વ્યવસાય અને ડેરી ઉદ્યોગ વર્ષે આશરે રૂ. 7 લાખ કરોડનું ટર્નઓવર ધરાવે છે. એનું હવે આવી બનશે.
હવે દેશી દૂધમાં શું દાટ્યું છે, અમેરિકન દૂધ પીઓ. અને હા, જન્માષ્ટમી ઊજવો અને અમેરિકન માખણ ખાઓ!! જેમણે બાપજન્મારામાં ઘી ખાધું નથી, માખણથી જેઓ આગળ વધ્યા જ નથી અને એટલે અંગ્રેજી ભાષામાં ઘી માટે કોઈ શબ્દ જ નથી, એ લોકો હવે આપણને ઘી ખવડાવશે!!
એમ કહેવાય છે કે ગોકુળની ગોપીઓ જ્યારે દૂધ, દહીં અને માખણ ગોકુળની બહાર વેચવા જતી ત્યારે બાળકૃષ્ણ પોતાના દોસ્તો સાથે ગોપીઓ પાસેથી છાશ કસ્ટમ જકાત તરીકે માગતા હતા. પછી ગોપીઓ શરત મૂકે કે તમે નૃત્ય કરો તો છાશ આપીએ. અને ભગવાન કૃષ્ણ ગોપીઓના પ્રેમને વશ થઈને નૃત્ય કરતા!! હિન્દી ભાષાના મહાન કવિ રસખાન દ્વારા એમનાં પદોમાં એનું સરસ નિરૂપણ કરાયું છે: ता हरि छोहरिया छछिया भरी छाछ पे नाच नचावै।
પણ આ તો છે ને આપણે વિશ્વ ગુરુ હતા ત્યારની વાત છે. હવે જમાનો वसुधैव कुटुंबकमનો છે, જરા સમજો! ચાલો તો બોલી નાખો, હવે એક વાર, ના, કોઈ બોલાવે તેટલી વાર, ભારત માતા કી જય!!