પોસ્ટ વિભાગના તમામ કર્મચારીઓને રૂ. 10 લાખનું વળતર

પોસ્ટ વિભાગ આવશ્યક સેવાઓ અંતર્ગત આવે છે અને તારીખ 15.04.2020ના રોજના ગૃહ મંત્રાલયના OM નં. 40-3/2020-DM-I (A)ના ફકરા નંબર -11 (iii)માં આ બાબતનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો. ગ્રામીણ પોસ્ટ સેવાઓ સહિત પોસ્ટ વિભાગના કર્મચારીઓ ગ્રાહકોને પત્રોની ડિલિવરી, પોસ્ટઓફિસ બચત બેંક, પોસ્ટ જીવન વીમા આપવા, AePS સુવિધા અંતર્ગત કોઇપણ બેંક અથવા કોઇપણ શાખાના ગ્રાહકોને તેમના દરવાજા સુધી નાણાં પહોંચાડવાનું સરળ બનાવવું વગેરે વિવિધ જવાબદારીઓ નિભાવે છે. આ ઉપરાંત, પોસ્ટઓફિસ સ્થાનિક રાજ્ય વહીટવટીતંત્ર અને પોલીસ અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને કોવિડ-19 કીટ્સ, રેશન અને અનિવાર્ય દવાઓ વગેરેની ડિલિવરી પણ કરી રહી છે. આ પ્રકારે, પોસ્ટ ઓફિસ વિભાગીય જવાબદારીઓની સાથે સાથે કોવિડ-19ના સંકટના સમયમાં સામાજિક હિતનું કાર્ય પણ કરી રહી છે.

કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ગ્રામીણ પોસ્ટ સેવક (GDS) સહિત તમામ પોસ્ટ કર્મચારીઓને તેમની ફરજ નિભાવતી વખતે બીમારીના શિકાર થાય તો તેમને રૂપિયા 10 લાખ વળતર પેટે આપવામાં આવશે. આ દિશાનિર્દેશનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવશે અને કોવિડ-19નું સંકટ પૂરું થઇ જાય ત્યાં સુધીમાં તે અમલમાં રહેશે.