કોવિડ-19નું ભારત બુલેટીન

દિલ્હી, 5 મે 2020

કોવિડ-19 અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાંથી અપડેટ

દેશમાં અત્યાર સુધીમાં 12,726 દર્દીઓ સાજા થઇ ગયા છે. જે 27.41% દર્દીઓ સાજા થવાનો દર બતાવે છે. અત્યાર સુધીમાં દેશમાં કોવિડ-19ના પુષ્ટિ થયેલા પોઝિટીવ કેસોની કુલ સંખ્યા 46,433 થઇ છે. ગઇકાલ સુધીમાં ભારતમાં કોવિડ-19ના નવા 3,900 કેસો પોઝિટીવ મળ્યા હોવાની પુષ્ટિ થઇ છે. ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કારણે 1568 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે જ્યારે ગઇકાલથી અત્યાર સુધીમાં 195 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. છેલ્લા 24 કલાકમાં પુષ્ટિ થયેલા કેસો અને મૃત્યુની સંખ્યામાં સૌથી વધુ વૃદ્ધિ જોવા મળી હોવાથી, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ તમામ કેસોનું સંપર્ક ટ્રેસિંગ, સક્રિય કેસોની શોધખોળ અને તબીબી વ્યવસ્થાપનના પગલાંનો અસરકારક રીતે અમલ સુનિશ્ચિત કરે.

કોવિડ-19ના વ્યવસ્થાપન અંગેની સ્થિતિ, તૈયારીઓ અને અત્યાર સુધી લેવાયેલા પગલાંની મંત્રીઓના સમૂહે સમીક્ષા કરી

મંત્રીઓના સમૂહે કોવિડ-19ના નિયંત્રણની વ્યૂહરચના ને વ્યવસ્થાપનના પરિબળો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી તેમજ કેન્દ્ર અને રાજ્યો દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાં અંગે પણ ચર્ચા થઇ હતી. મંત્રીઓના સમૂહે જણાવ્યું હતું કે હાલમાં મૃત્યુ દર 3.2% છે જ્યારે સાજા થવાનો દર 25%થી વધારે છે જે ક્લસ્ટર વ્યવસ્થાપન અને નિયંત્રણ વ્યૂહનીતિ સાથે લૉકડાઉનની સરકારાત્મક અસર કહી શકાય. દેશના વિવિધ ભાગોમાં દર્દીઓમાંથી અલગ કરવામાં આવેલા નોવેલ કોરોના વાયરસના સ્ટેઇનનું જીનોમ સિક્વન્સિંગ શરૂ કરવામાં આવ્યું છે. મંત્રીઓના સમૂહને માહિતી આપવામાં આવી હતી કે, PPE, માસ્ક, વેન્ટિલેટર, દવાઓ અને અન્ય આવશ્યક ઉપકરણો જરૂરિયાતાની સામે પર્યાપ્ત માત્રામાં છે અને ઉપલબ્ધ છે. 4 મે 2020 સુધીમાં PMGKP હેઠળ 29.38 લાખ મેટ્રિક ટન ખાદ્યાનનો જથ્થો 58.77 કરોડ લાભાર્થીઓમાં પહેલા મહિનાની રેશન સહાય પેટે વિતરિત કરવામાં આવ્યો છે અને બીજા મહિનાની લાભાર્થી સહાય પેટે અત્યાર સુધીમાં 5.82 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનો જથ્થો 11.63 કરોડ લાભાર્થીઓમાં વિતરિત કરવામાં આવ્યો છે. એપ્રિલ અને મે 2020માં PMUYના 4.98 કરોડ સિલિન્ડરનું બુકિંગ થયું છે અને તેમાંથી 4.72 કરોડ સિલિન્ડરની ડિલિવરી કરી દેવામાં આવી છે. 20-21 દરમિયાન દરેક ખેડૂતને રૂ. 2000/-ની આર્થિક સહાય રૂપે 8.18 કરોડ લાભાર્થીઓને સહાય ચુકવી દેવામાં આવી છે. વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને દિવ્યાંગોને આર્થિક સહાય રૂપે દરેક લાભાર્થીને રૂ. 500 દર મહિને આપવાના છે તેમાં યોગ્યતા ધરાવતા તમામ 2.512 કરોડ લાભાર્થીઓને ચુકવણી કરી દેવામાં આવી છે. 20.05 કરોડ મહિલાઓના પ્રધાનમંત્રી જન ધન ખાતામાં રૂપિયા 500 દર મહિને જમા કરાવવામાં આવી રહ્યા છે. EPFOના 9.27 લાખ સભ્યોને ઑનલાઇન ઉપાડ સુવિધા દ્વારા રૂ. 2895 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ NAM સંપર્ક સમૂહની ઑનલાઇન બેઠકમાં ભાગ લીધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 4 મે 2020ના રોજ હાલમાં ચાલી રહેલી કોવિડ-19 મહામારી સામે પ્રતિક્રિયા અંગે ચર્ચા માટે યોજાયેલી નોન અલાઇન્ડ મૂવમેન્ટ (NAM) સંપર્ક સમૂહની ઑનલાઇન બેઠકમાં ભાગ લીધો હતો.

કોવિડ-19 સંબંધે જૂથ નિરપેક્ષ ચળવળ સંપર્ક સમૂહની વીડિયો કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

“આજે, સમગ્ર માનવજાત દાયકાઓના સૌથી ગંભીર સંકટનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં જૂથ નિરપેક્ષ ચળવળ વૈશ્વિક ચળવળ વૈશ્વિક એકતાને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. જૂથ નિરપેક્ષ ચળવળ મોટાભાગે દુનિયાનો નૈતિક અવાજ રહી છે. તેની ભૂમિકા યથાવત જાળવી રાખવા માટે, જૂથ નિરપેક્ષ ચળવળને આવશ્યકરૂપે સૌની સહિયારી બનાવી રાખવી પડશે. આપણને એવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની જરૂરિયાત છે, જે આજના વિશ્વનું વધુ પ્રતિનિધિત્વ કરી શકે. આપણે માત્ર આર્થિક પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત નથી કરવાનું બ્લકે, માનવ કલ્યાણને પણ પ્રોત્સાહન આપવાની જરૂર છે. ભારત લાંબા સમયથી આવી પહેલોનું સમર્થક રહ્યું છે.”

કેન્દ્રીય HRD મંત્રીએ વેબિનારના માધ્યમથી દેશભરના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો
આ વાર્તાલાપ દરમિયાન કેન્દ્રીય માનવ સંસાધન અને વિકાસમંત્રીએ બાકી રહેલી પ્રવેશ પરીક્ષાઓની તારીખો જાહેર કરી હતી. તેમણે માહિતી આપી હતી કે, NEFT 26 જુલાઇ 2020ના રોજ યોજાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે JEE મેઇનની પરીક્ષા 18, 20, 21, 22 અને 23 જુલાઇ 2020ના રોજ યોજાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, JEE (એડવાન્સ)નું આયોજન ઑગસ્ટ મહિનામાં કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, UGC NET 2020 અને CBSE 12મા ધોરણ બોર્ડની પરીક્ષાની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે. શૈક્ષણિક વર્ષ 2020-21 માટે IIT, IIIT અને NITની ફીમાં કોઇ વધારો કરવામાં આવશે નહીં.

પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો લૉકડાઉન દરમિયાન દવાની ખરીદીની સુવિધા માટે વોટ્સએપ અને ઇમેલ દ્વારા ઓર્ડર સ્વીકારી રહ્યાં છે

હાલમાં દેશના 726 જિલ્લામાં 6300થી વધુ PMBJK કાર્યરત છે જે પરવડે તેવી કિંમતે ગુણવત્તાપૂર્ણ દવાનો પૂરવઠો સુનિશ્ચિત કરે છે. આ દવાઓ બજારની કિંમત કરતા સરેરાશ 50 થી 90 ટકા જેટલા સસ્તા ભાવની હોય છે. એપ્રિલ 2020ના મહિનામાં સમગ્ર દેશમાં આ કેન્દ્રો પરથી રૂપિયા 52 કરોડની કિંમતની દવાઓ લોકોએ ખરીદી હતી.

EPFOએ પોતાના પેન્શનરોને રૂ. 764 કરોડ ચુકવ્યા

EPFO પોતાની પેન્શન યોજના હેઠળ 65 લાખ પેન્શનરો ધરાવે છે. EPFOની તમામ ફિલ્ડ કચેરીઓએ કોવિડ-19ના પગલે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના કારણે પેન્શનરોને કોઇપણ અગવડ ઉભી ન થાય તે માટે એપ્રિલ 2020ના પેન્શનની ચુકવણી અગાઉથી કરી આપી છે. EPFOના અધિકારીઓ અને સ્ટાફે તમામ અવરોધોનો સામનો કરીને સમગ્ર ભારતમાં પેન્શન વિતરણ કરતી બેંકોની તમામ નોડલ શાખાઓમાં રૂ. 764 કરોડની ચુકવણી કરી છે. તમામ બેંકોની શાખાઓને નિર્દેશો આપવામાં આવ્યા છે કે, આ રકમ પેન્શરોના ખાતામાં નિર્ધારિત શિડ્યૂલ પ્રમાણે પેન્શન પેટે જમા થાય તે સુનિશ્ચિત કરવામાં આવે..

સંરક્ષણ મંત્રીએ કોવિડ-19 સામેની દેશની લડાઇમાં NCCના યોગદાનની સમીક્ષા કરી
શ્રી રાજનાથસિંહે આજે કોવિડ-19નો ફેલાવો રોકવામાં નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) ના યોગદાનની વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી. શરૂઆતની ટિપ્પણીમાં સંરક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, દેશ અત્યારે પડકારજનક તબક્કામાંથી પસાર થઇ રહ્યો છે અને સરકારે કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વમાં કેટલાક અસરકારક પગલાં લીધા છે. NCCના કેડેટ્સ લોજિસ્ટિક્સ અને પૂરવઠા સાંકળના વ્યવસ્થાપનની ફરજો નિભાવવામાં સંકળાયેલા છે અને આવશ્યક ચીજો, ખાદ્ય સામગ્રી, દવાઓની પૂરવઠા સાંકળ જળવાઇ રહે તેમજ ટ્રાફિક વ્યવસ્થાનમાં મદદ વગેરે માટે તેઓ યોગદાન આપી રહ્યા છે. કેટલાક કેડેટ્સ સોશિયલ મીડિયા માટે માહિતીપ્રદ વીડિયો બનાવી રહ્યા છે જ્યારે અન્ય કેટલાક સ્થાનિક સ્તરે માસ્કનું વિતરણ કરી રહ્યા છે.

ડૉ. જીતેન્દ્રસિંહે 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 30 માર્ચથી 4 મે 2020 સુધીના DARPGના કોવિડ-19 જાહેર ફરિયાદ નિવારણ પ્રગતિ અહેવાલની સમીક્ષા કરી
આ સમયગાળામાં DARPGના રાષ્ટ્રીય કોવિડ 19 જાહેર ફરિયાદ નિવારણ દેખરેખ (https://darpg.gov.in)માં 52,327 કેસોનો નિકાલ થયો છે જેમાંથી કેન્દ્રીય મંત્રાલય અને વિભાગોએ 41,626 કેસનું નિવારણ કર્યું છે. કેન્દ્ર સરકારના કોવિડ-19 જાહેર ફરિયાદ નિવારણનો સરેરાશ સમય 1.45 દિવસ પ્રતિ ફરિયાદ નોંધાયો છે.

લાઇફલાઇન ઉડાન અંતર્ગત એરઇન્ડિયા, અલાયન્સ એર, IAF અને ખાનગી કેરિઅર્સ દ્વારા 443 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું
અત્યાર સુધીમાં એર ઇન્ડિયા, અલાયન્સ એર, ભારતીય વાયુ સેના અને ખાનગી કેરિઅર્સ દ્વારા કુલ 443 ફ્લાઇટ્સનું પરિચાલન કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટ્સથી કુલ 4,34,531 કિલોમીટર હવાઇ અંતર કાપીને અંદાજે 821.07 ટન માલસામાનનું પરિવહન કરવામાં આવ્યું છે. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ટાપુઓ અને પૂર્વોત્તરના પ્રદેશોમાં મહત્વપૂર્ણ તબીબી સામાનની હેરફેર અને દર્દીઓને લઇ જવા માટે પવન હંસ લિમિટેડ સહિત હેલિકોપ્ટર સેવાની મદદ લેવામાં આવે છે. પવન હંસ હેલિકોપ્ટર્સમાં 3 મે 2020 સુધીમાં 7,729 કિમી અંતર કાપીને 2.27 ટન માલસામાનની ડિલિવરી કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ અવેજ નીતિ અંગે વિચારવિમર્શ ચાલી રહ્યો છે: શ્રી નીતિન ગડકરી
કેન્દ્રીય MSME અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી શ્રી નીતિન ગડકરીએ આજે માહિતી આપી હતી કે, કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી નવી આર્થિક પરિસ્થિતિના પગલે આયાતની અવેજ અંગે નવી નીતિ ઘડવા પર વિચારવિમર્શ ચાલી રહ્યો છે. તેમણે વિવિધ હિતધારકોને તેમના હસ્તક્ષેપ દ્વારા ગુણવત્તામાં સુધારો કરીને અને ખર્ચ ઓછો કરીને જ્ઞાનને સમૃદ્ધિમાં પરિવર્તિત કરવા માટે આહ્વાન કહ્યું હતું.

MSMEનું કેન્દ્રીય મંત્રાલય કૃષિ MSME માટે નીતિ ઘડવા કામ કરી રહ્યું છે: શ્રી નીતિન ગડકરી

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, નિકાસમાં વૃદ્ધિ પર ધ્યાન આપવાની જરૂર છે તેમજ વિદેશમાંથી થતી આયાતની અવેજ અપનાવવા સ્થાનિક ઉત્પાદન પર પણ ધ્યાન આપવું જરૂરી છે. તેમણે ઉમેર્યું હતું કે, ઉદ્યોગોએ ઇનોવેશન, ઉદ્યમશીલતા, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંશોધન, કૌશલ્ય અને જ્ઞાનને સમૃદ્ધિમાં પરિવર્તિત કરવા માટે અનુભવો પર ધ્યાન આપવાની પણ જરૂર છે. જાપાની રોકાણને ચીનમાંથી ખસેડીને અન્યત્ર લઇ જવા માટે જાપાનની સરકારે પોતાના ઉદ્યોગોને વિશેષ પેકેજ આપ્યું છે તે વાત પણ તેમણે યાદ કરી હતી. તેમણે ટાંક્યું હતું કે, ભારતે પોતાની સમક્ષ આવેલી આ તક ઝડપી લેવી જોઇએ.

શ્રીમતી હરસિમરતકૌર બાદલે કોલ્ડ ચેઇન પ્રોજેક્ટના પ્રમોટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

શ્રીમતી હરસિમરતકૌર બાદલે ભારપૂર્વક કહ્યું હતું કે, કોવિડ-19ના કારણે ખાદ્ય પદાર્થોની વર્તમાન પૂરવઠા સાંકળ સામે ઉભા થયેલા ગંભીર પડકારોનો સામનો કરવા માટે એકીકૃત કોલ્ડ ચેઇન નેટવર્કની સંકલિત તાકાતનો ફાયદો ઉઠાવવાની જરૂર છે. તેમણે ફ્રોઝન શાકભાજીના વધતા સ્ટોક અને પ્રસંસ્કરણ કરેલા ડેરી ઉત્પાદનોને લૉકડાઉનના કારણે રેસ્ટોરન્ટ, બેન્ક્વેટ, હોટેલ વગેરેમાં પરંપરાગત બજાર ન મળી રહ્યું હોવાથી ઉભા થતા પ્રશ્નો અને આ ઉત્પાદનોની નિકાસમાં આવી રહેલી મુશ્કેલીઓની પણ ચર્ચા કરી હતી

કોવિડ 19 કટોકટીએ બતાવ્યું છે કે DST કેવી રીતે ઝડપથી ગહન વિજ્ઞાનના સ્થપતિ તરીકે ઉભરી રહ્યો છે: પ્રો. આશુતોષ શર્મા

ફિલ્ડ ઇનપુટ્સ

● ચંદીગઢ: ચંદીગઢના વહીવટી અધિકારીએ વરિષ્ઠ અધિકારીઓને બાપુધામ કોલોની, સેક્ટર 30-બે અને અન્ય ચેપગ્રસ્ત ઝોન પર વધુ ધ્યાન આપવાના નિર્દેશો આપ્યા છે. તેમણે આરોગ્ય સેવા નિદેશકને વિસ્તારમાં શંકાસ્પદ કેસોના સ્ક્રિનિંગ અને પરીક્ષણ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવાના પણ નિર્દેશો આપ્યા છે. તેમણે સ્ટાફને ફિલ્ડમાં કામ કરતી વખતે યોગ્ય સુરક્ષાત્મક ઉપકરણોનો ઉપયોગ કરવાની સલાહ આપી છે જેથી તેમને ચેપ લાગવાનું જોખમ ઘટાડી શકાય.

● પંજાબ: આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોરોના વાયરસના કારણે ઉભી થયેલી સ્થિતિમાં ખાસ કરીને વૃદ્ધ લોકો અને વરિષ્ઠ નાગરિકોની વિશેષ કાળજી લેવા માટે એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. આ એડવાઇઝરી 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે છે કારણ કે કોરોના સામે લડવાની તેમની પ્રતિકારક ક્ષમતા ઓછી હોવાથી તેમજ શ્વાસ, હૃદય, કિડની અને લીવર જેવી અન્ય લાંબી બીમારીથી ઘણા પીડાતા હોવાથી તેઓ ઝડપથી ચેપગ્રસ્ત થઇ શકે છે. સતત લૉકડાઉનના કારણે ખૂબ નાના, માઇક્રો, ગૃહ અને નાના ઉદ્યોગોને પડતી સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરતા પંજાબના મુખ્યમંત્રીએ આવા ઉદ્યોગોને પરિવારમાંથી અથવા આસપાસમાંથી કામદારોને સાથે રાખીને તેમની કામગીરી શરૂ કરવા માટે કેન્દ્ર પાસે મંજૂરી માંગી છે.

● હરિયાણા: આયુષ મંત્રાલયની માર્ગદર્શિકાના પગલે આયુષ વિભાગે કોરોના વાયરસ સામે પ્રતિકારક ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય તેવી દવાઓનું વિતરણ કરી રહ્યો છે.

● હિમાચલ પ્રદેશ: આર્ટ ઓફ લિવિંગ દ્વારા દાનમાં આપવામાં આવેલી ખાદ્ય અને આવશ્યક સામગ્રીઓના વિનામૂલ્યે વિતરણ માટે ત્રણ ટ્રકોને મુખ્યમંત્રીએ લીલી ઝંડી બતાવી રવાના કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ પરોપકારની કામગીરી અન્ય સંગઠનોને પણ સમાજ માટે યોગદાન આપવા માટે આગળ આવવાની પ્રેરણા આપશે.

● કેરળ: રાજ્ય સરકારે ઉચ્ચ ન્યાયાલયને જણાવ્યું છે કે, તે વિદેશીઓને સંસ્થાકીય ક્વૉરેન્ટાઇનમાંથી હોમ ક્વૉરેન્ટાઇનમાં લાવવા અંગેના કેન્દ્ર સરકારના ક્વૉરેન્ટાઇનમાં રાહત આપતા સૂચનો માટે અપીલ કરશે. અખાતી દેશોમાં કેરેલિયનોને લઇને આવતી પ્રથમ ફ્લાઇટ 7 મેના રોજ કેરળ આવશે. માત્ર કેરળમાં જ 15 સેવાઓ હશે. પડોશી રાજ્યોમાંથી પરત ફરી રહેલા મોટી સંખ્યામાં મલયાલીનો ધસારો આજે છ પ્રવેશ પોઇન્ટ પર જોવા મળ્યો હતો. દરમિયાન, કેરળના ઉચ્ચ ન્યાયાલયે સરકારી કર્મચારીઓના પગારમાં કાપ મૂકવાના રાજ્ય સરકારના વટહુકમ પર મનાઇહુકમ લાવવાનો ઇનકાર કરી દીધો હતો. કુલ પુષ્ટિ થયેલા કેસો- 499, સક્રિય કેસો – 34, સાજા થયા – 465, મૃત્યુ- 4.

● તામિલનાડુ: અમ્મા કેન્ટિન, અવીન મિલ્ક પ્લાન્ટના કર્મચારીને કોવિડનો પોઝિટીવ રિપોર્ટ આવ્યો. ચેન્નઇમાં, લૉકડાઉનમાં સોમવારથી આંશિક રાહત આપવામાં આવતા સેંકડો લોકો માર્ગો પર જોવા મળ્યા. ચેન્નઇ હોસ્પિટલોમાં બેડ સંપૂર્ણ ભરાઇ ગયા, લક્ષણો વગરના અને સ્થિર સ્થિતિ હોય તેવા દર્દીઓને ખાનગી કોલેજો અને ચેન્નઇ વ્યાપાર કેન્દ્રમાં ઉભા કરાયેલા સંભાળ કેન્દ્રમાં ખસેડવામાં આવશે. રાજ્યમાં કોયામ્બેદુ બજારમાં 600થી વધુ કેસ નોંધાયા છે. ગઇકાલ સુધીમાં કુલ કેસ- 3550, સક્રિય કેસ- 2107, મૃત્યુ- 31

● કર્ણાટક: આજે 8 નવા કેસની પુષ્ટિ થઇ: બેંગલોરમાં 3, બાગલકોટમાં 2 અને બેલ્લારી તેમજ દક્ષિણ કન્નડા અને ઉત્તર કન્નડામાં એક-એક કેસ. વિજયપુરમાં આજે 62 વર્ષની મહિલાએ કોવિડના કારણે છેલ્લા શ્વાસ લીધા. અત્યાર સુધીમાં કુલ કેસ- 659, મૃત્યુ -28, સાજા થયા- 324

● આંધ્રપ્રદેશ: રાજ્યએ દારુના ભાવમાં વધુ 50 ટકાની વૃદ્ધિ કરી; વ્યવસાયના કલાકો ઘટાડ્યા; અગાઉ ભાવમાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. રાજ્યમાં તમામ ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં સબ રજિસ્ટ્રારની કચેરીઓ ફરી શરૂ થઇ; લોકોની ભીડ ટાળવા માટે ટોકન સિસ્ટમ શરૂ કરવામાં આવી. છેલ્લા 24 કલાકમાં કોવિડના 67 નવા કેસ નોંધાયા (તેમાંથી 14 ગુજરાતથી પરત આવેલામાંથી છે), 65ને રજા આપવામાં આવી જ્યારે 1 વ્યક્તિનું મૃત્યુ થયું. રાજ્યમાં કુલ નોંધાયેલા કેસ 1717 થયા, સક્રિય કેસ- 1094, સાજા થયા -589, મૃત્યુ-34, સૌથી વધુ પોઝિટીવ કેસ ધરાવતા જિલ્લા: કુર્નૂલ (516), ગુંતૂર (351), ક્રિશ્ના (286)

● તેલંગાણા: રાજ્યએ સોમવારથી દેશવ્યાપી લૉકડાઉનના ત્રીજા તબક્કા પછી ચેપગ્રસ્ત ઝોનમાં આવતા વિસ્તારોની સંખ્યા ઘટાડી અને નોંધપાત્ર છૂટછાટ આપી. શ્રમિક વિશેષ ટ્રેન આજે સવારે 3.05 કલાકે 1200 પરપ્રાંતીય શ્રમિકોને લઇને હૈદરાબાદના ઘાટકેશ્વરથી બિહારના ખગરિયા જવા માટે રવાના થઇ. શહેરમાંથી શ્રમિકોને લઇ જતી આ બીજી ટ્રેન રવાના થઇ છે. રાજ્યમાં કોવિડના કુલ કેસો 1085 નોંધાયા જેમાંથી સક્રિય કેસ- 471, સાજા થયા -585, મૃત્યુ થયા- 29

● મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં સોમવારે કોવિડ-19ના કેસોની સંખ્યા વધીને 14,541 થઇ જેમાં 1567 જેટલા વિક્રમી સંખ્યામાં કેસો એક દિવસમાં વધ્યા હોવાનું રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આ વધારો છેલ્લા એક અઠવાડિયાથી કેસોનો બ્લોકેજ દૂર કરવાના કારણે થયો હોવાનું વિભાગે કહ્યું હતું. રાજ્યમાં સોમવારે વિક્રમી સંખ્યામાં વધુ 35 દર્દીનાં મૃત્યુ થતા કોવિડના કારણે કુલ મૃત્યુ આંક 583 થયો. સત્તાધીશોએ જણાવ્યા અનુસાર, મુંબઇમાં 9310 કેસ નોંધાયા છે અને અત્યાર સુધીમાં 361નાં મોત નીપજ્યાં છે. એશિયાની સૌથી મોટી ઝુંપડપટ્ટી ધારાવીમાં જ 42 નવા કેસ નોંધાતા કુલ 632 કેસ અહીં થાય છે. ધારાવી અત્યાર સુધીમાં 20 વ્યક્તિ મૃત્યુ પામી છે. કોવિડ 19ના આક્રમણથી મુશ્કેલીમાં આવેલી મહારાષ્ટ્ર સરકારે તમામ નવા કેપિટલ બજારો માર્ચ 2021 સુધી ફ્રીઝ કરવાની જાહેરાત કરી છે. સરકારે વિભાગોને આદેશ આપ્યો છે કે, નવી ખરીદી અંગેના ઓર્ડર સ્થગિત કરવામાં આવે અને નવી પરિયોજનાઓની મંજૂરી રોકી દેવામાં આવે. આગામી આદેશ સુધી તમામ નવી ભરતીઓ રોકી દેવામાં આવી છે.

● ગુજરાતઃ છેલ્લા અહેવાલ અનુસાર નવા 376 કેસ અને વધુ 29 લોકોના મૃત્યુ સાથે ગુજરાતનો કોવિડ-19 સંક્રમણ દર ઊંચો રહેવા પામ્યો છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા વધીને 5,804 થઇ ગઇ છે અને 319 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. આ સાથે જ સોમવારે 153 દર્દીઓ સાજાં થતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાતા સાજા થયેલા કુલ લોકોની સંખ્યા 1,195 થઇ ગઇ છે.

● રાજસ્થાનઃ રાજસ્થાનના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર 5મી મેના રોજ સવારે આઠ વાગ્યાં સુધી કોરોનાના નવા 175 કેસ નોંધાયા હતા. આ સાથે જ રાજસ્થાનમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા વધીને 3,061 થઇ ગઇ છે. આજ દિન સુધી સંક્રમિત થયેલા લોકોમાંથી 1,394 લોકો સાજા થયા છે અને 77 લોકોના મરણ નીપજ્યાં છે. દારૂની દુકાનની બહાર સર્જાયેલી અરાજકતા બાદ જયપુરના એક્સાઇઝ વિભાગે નવા નિર્દેશો જારી કરીને દારૂની દુકાન ધારકોને ગ્રાહકોને કૂપન આપવા માટે આદેશ આપ્યો છે, જેથી કૂપનમાં દર્શાવવામાં આવેલા નંબરના આધારે નિર્ધારિત સમયે જ ગ્રાહકો દુકાન ઉપર આવી શકે અને સામાજિક અંતર જાળવી શકાય.

● મધ્યપ્રદેશઃ મધ્યપ્રદેશમાં 165 લોકોના મરણ સાથે કોવિડ-19ના પોઝિટીવ કેસોની સંખ્યા વધીને 2,952 પર પહોંચી ગઇ છે. અત્યાર સુધી કુલ 798 લોકો સાજા થયા છે. રાજ્યમાં સૌથી વધુ પ્રભાવિત શહેર ઇન્દોર પછી રાજધાની ભોપાલમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધારે છે. ઉજ્જૈન મૃત્યુદરમાં ઝડપી વધારા સાથે રાજ્યના નવા હોટસ્પોટ તરીકે ઊભરી આવ્યું છે.

● અરૂણાચલ પ્રદેશઃ રાજ્ય સરકારે ફસાયેલા લોકોને તેમના ઘરે પાછા લાવવા માટેની અવરજવરમાં સુવિધા પુરી પાડવા માટે નિયુક્ત કરાયેલા નોડલ અધિકારીઓના સંપર્ક નંબર પ્રસિદ્ધ કર્યા છે.

● આસામઃ આરોગ્ય મંત્રી હિમંતા બિશ્વા શર્માએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે ગુવાહાટીના સરૂસજાઇ સ્ટેડિયમમાં ક્વોરન્ટાઇન કરાયેલા કોટાના 124 વિદ્યાર્થીઓના પ્રથમ સમૂહને તેમનો કોવિડ-19 ટેસ્ટ નેગેટિવ આવ્યાં બાદ મુક્ત કરી દેવામાં આવ્યાં છે.

● મણીપૂરઃ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં રાજ્યમાં ખાદ્યાન્નની સ્વનિર્ભરતા સુનિશ્ચિત કરવા માટે કૃષિ અને બાગાયત વિભાગની ટાસ્ક ફોર્સની બેઠક યોજવામાં આવી હતી.

● મણીપૂરઃ રાજ્ય સરકારે વધુ માનવબળને તાલીમ આપીને અને સુસંગત સાધનોની ખરીદી કરીને કોવિડ-19ની ટેસ્ટિંગ ક્ષમતા વધારવાનો નિર્ણય લીધો છે.

● મિઝોરમઃ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મણીપૂર રાજ્યમાંથી લોંગતલાઇ જિલ્લાના 173 રહેવાસીઓ પરત ફરતાં તેમને નિર્ધારિત ક્વૉરેન્ટાઇન કેન્દ્રોમાં રાખવામાં આવ્યાં છે.

● નાગાલેન્ડઃ કોહિમા અને દિમાપુરમાં નાગરિક સચિવાલય અને વડામથકો નાયબ સચિવ/નિર્દેશક સ્તરના અધિકારીઓ અથવા તેમની ઉપરની કક્ષાના વડાઓ અને જિલ્લામાં તેમની તરત નીચેના જુનિયર કર્મચારીઓ સાથે કાર્યરત રહેશે. સુધારવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર નાગાલેન્ડ રાજ્યમાં નિર્ધારિત નિયમોને આધીન ટેક્સી અને રિક્ષામાં મુસાફરી કરતાં લોકોની આંતર-જિલ્લા અવરજવરને મંજૂરી આપવામાં આવી છે. બસોમાં મુસાફરો ઉપર પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો છે.

● ત્રિપૂરાઃ અન્ય રાજ્યોમાં ફસાઇ ગયેલા અને વતનમાં પરત ફરવા ઇચ્છતાં લોકોની નોંધણી કરવા માટે રાજ્ય સરકારે નવું પોર્ટલ covid19.tripura.gov. શરૂ કર્યુ છે.