બનાસકાંઠા જીલ્લાની નર્મદા કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડાં પડવાનો સીલસીલો યથાવત છે. વારંવાર ગાબડાં પડવાથી પંથકના ખેડુતો માટે પડતાં પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. આજે રાછેણાં ડીસ્ટ્રી કેનાલમાં ર૦ ફુટનું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાયુ હતુ. કેનાલ તુટતાં પાણી ખેતરોના ઉભા પાકમાં ફરી વળતાં ખેડુતોને મોટુ નુકશાન થયુ છે.
બનાસકાંઠા જીલ્લાના વાવ-સુઇગામ પંથકમાં વધુ એક કેનાલમાં ગાબડું પડ્યુ હોવાનું સામે આવ્યુ છે. ઢેરીયાણા પાસે રાછેણા ડીસ્ટ્રી કેનાલમાં ર૦ ફુટનું ગાબડું પડ્યું છે. કેનાલ તુટતાં અંદાજીત ર૦ હેક્ટર જમીનમાં પાણી ફરી વળતાં ખેડુતોને જીરાના પાકમાં લાખોનું નુકશાનની ભિતી સેવાઇ રહી છે. સ્થાનિક ખેડુતોનો આક્ષેપ છે કે, નર્મદાના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી બનાવાયેલી કેનાલોમાં હલકી કક્ષાનો સામગ્રી વાપરવામાં આવી હોવાથી વારંવાર ગાબડાં પડી રહ્યા છે.
બનાસકાંઠા જીલ્લાની નર્મદાની કેનાલોમાં વારંવાર ગાબડાં પડવાને લઇ વાવ ધારાસભ્ય લાલઘૂમ બન્યા છે. ગઇકાલે ધારાસભ્યએ નર્મદા મુખ્ય ઇજનેર કચેરી પાટણ ખાતે પહોંચી રોષ ઠાલવ્યો હતો. આ સાથે તેમણે ખેડુતોના વાંકે ગાબડાં પડતા હોવાની વાત પણ નકારી હતી. તેમણે આક્ષેપ કર્યા છે કે, ભાજપના સમયમાં બનાવાયેલી કેનાલોમાં ભ્રષ્ટાચાર થયો હોવાથી વારંવાર ગાબડાં પડી રહ્યા છે. નોંધનિય છે કે, બનાસકાંઠા જીલ્લામાં એક માસમાં ૨૦થી વધુ ગાબડાં પડ્યા હોવાનું સામે આવ્યુ છે.
બનાસકાંઠા જીલ્લાના વાવ-સુઇગામ પંથકની કેનાલોમાં છાશવારે ગાબડાં પડી રહ્યા છે. સમગ્ર મામલે વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લાલઘૂમ બની નર્મદા મુખ્ય ઇજનેર કચેરી પહોંચી રોષ વ્યક્ત કરી ગંભીર આક્ષેપો કર્યા છે. ધારાસભ્યએ જણાવ્યુ હતુ કે, ભાજપના શાસનમાં બનાવેલી કેનાલોમાં ભ્રષ્ટ અધિકારીઓ અને ખાનગી કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી હલકી કક્ષાની ગુણવત્તાવાળું કામ કરેલુ હોવાથી વારંવાર કેનાલોમાં ગાબડાં પડી રહ્યા છે. આ સાથે વારંવાર રજૂઆતો કર્યા છતાં પણ આજદિન સુધી એકપણ એજન્સીને બ્લેકલીસ્ટ કરવામાં નથી આવી અને તેની તપાસમાં પણ ઢીલી નિતી અપનાવવામાં આવી રહી હોવાના આક્ષેપોથી હડકંપ મચી ગયો છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, બનાસકાંઠા જિલ્લાની માઈનોર-ડિસ્ટ્રિક્ટ કેનાલોમાં છાશવારે ગાબડાં પડતાં હોવાથી ખેડુતોને મોટું નુકશાન થાય છે. વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જણાવ્યુ હતુ કે, નર્મદા કેનાલોના કામ કરનાર તમામ એજન્સીઓ ભાજપના મળતિયાઓની હોવાથી કોઇ પગલાં ભરવામાં આવતા નથી. આ સાથે નર્મદાના સત્તાધિશો પણ કોન્ટ્રાક્ટરોનો લુલો બચાવ કરી રહ્યા હોવાનો આક્ષેપ પણ ગેનીબેને કર્યો છે. વારંવાર રજૂઆતોને અંતે પણ આવી એજન્સીઓ સામે કોઇ પગલાં ના લેવાયા હોવાના આક્ષેપથી વહીવટી આલમમાં ચકચાર મચી ગઇ છે.
સુઇગામ પંથકની માઇનોર કેનાલોમાં છેવાડા સુધી પાણી પહોંચતુ ન હોવાથી ખેડુતોએ પ્રાંત કલેક્ટર અને મામલતદારને આવેદનપત્ર આપ્યુ છે. જેમાં આગામી અઠવાડીયામાં માઇનોર કેનાલોમાં પાણી છોડવામાં નહિ આવે તો ભુખ હડતાલ પર બેસવા સુધીની ચિમકી ઉચ્ચારી છે. મોટી સંખ્યામાં એકઠા થઇ પંથકના ખેડુતોને પ્રાંત કચેરી પહોંચી એકસુરે પાણી છોડવા રજૂઆત કરી હતી.
બનાસકાંઠા જીલ્લાના સુઇગામ પંથકમાંથી પસાર થતી માઇનોર કેનાલોમાં છેવાડા સુધી પાણી પહોંચતુ ન હોવાનું સામે આવ્યુ છે. જેને લઇ પંથકના ખેડુતોએ મોટી સંખ્યામાં એકઠા થઇ આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી છે. જેમાં જણાવાયુ છે ક, મોરવાડા ડીસ્ટ્રી કેનાલમાંથી નીકળતી માધુપુરા-મસાલી, બોરૂ અને લીંબુણી માઇનોર કેનાલોમાં છેવાડા સુધી પાણી પહોંચતુ નથી. જેને લઇ રવિપાકના અસ્તિત્વ સામે સવાલો બન્યા છે. આગામી સાત દિવસમાં છેવાડા સુધી પાણી નહિ આવે તો ભુખ હડતાલ બેસવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
સુત્રોએ જણાવ્યુ હતુ કે, ચાર વર્ષથી બનાવાયેલ કેનાલમાં છેવાડાના વિસ્તારોમાં પાણી પહોંચતુ નથી. આથી ખેડુતોએ વારંવાર નર્મદાના સત્તાધિશોને લેખિત-મૌખિક જાણ કરી હોવા છતાં પણ કોઇ પગલા ભરાયા નથી. જેથી હવે ખેડુતોએ ભારે આક્રોશ સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી અને કેનાલમાં પાણી પહોંચતુ કરવા રજૂઆત કરી છે. આ સાથે જો સાત દિવસમાં પાણી નહિ પહોંચાડાયા તો ભૂખ હડતાલ ઉપર બેસવાની ચિમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે .
ગુજરાતી
English



