ડેપોરીજો પૂલ બનાવવા માટે બરફ દૂર કરતાં જવાનો

કોવિડ-19ના જોખમ સામેની લડાઇમાં BROએ હિંમતપૂર્વક પૂલ નિર્માણ, બરફ દૂર કરવાની કામગીરી શરૂ કરી
નવી દિલ્હી, 28-03-2020

કોવિડ-19 મહામારીનો હિંમતપૂર્વક સામનો કરતા સીમા માર્ગ સંગઠન (BRO)ના જવાનો ડેપોરીજો પૂલ (430 ફૂટનો મલ્ટી સ્પાન બેઇલી પૂલ) સંપૂર્ણપણે બદલવા માટે અવિરત કામ કરી રહ્યા છે કારણ કે, અરુણાચલ પ્રદેશના ઉપરી સુબાનસીરી જિલ્લા માટે આ એકમાત્ર જીવાદોરી છે. આ પુલ કુલ 451 જિલ્લા અને ચીનની સરહદે તૈનાત સુરક્ષાદળો માટે સંચાર વ્યવસ્થાનો માર્ગ સ્થાપિત કરે છે. સ્થાનિક વહીવટી તંત્રની વિશેષ વિનંતીનાં પગલે BRTF/પ્રોજેક્ટ અરુણાંકના 23 જવાનો અહીં વર્તમાન પૂલ જર્જરિત અવસ્થામાં હોવા છતાં પૂરજોશમાં કામ કરી રહ્યા છે. BRO દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, તમામ આવશ્યક સાવચેતીપૂર્ણ પગલાં સાથે નિર્ધારિત તારીખ સુધીમાં સંચાર વ્યવસ્થાના આ મહત્વપૂર્ણ પૂલને પુનઃકાર્યરત કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે.
દરમિયાન, દેશના ઉત્તરીય ભાગમાં, મનાલી- લેહ વિસ્તારમાં BRO દિવસ અને રાત મહેનત કરીને બરફના થર દૂર કરવા અવિરત કામ કરે છે. ખરાબ હવામાન અને કોવિડ-19ના જોખમ વચ્ચે પણ તેઓ લાહૌલ ખીણપ્રદેશ અને લદ્દાખને વહેલામાં વહેલી તકે રાહત આપવા માટે આ કામ કરી રહ્યા છે. વર્તમાન સમયમાં રોહતાંગ પાસ અને બારાલચાલા પાસને સ્નો ક્લિઅરન્સ ટીમ દ્વારા ખુલ્લા કરવામાં આવી રહ્યા છે. પહેલી વખત જ, સાર્ચુ બાજુથી મહત્વપૂર્ણ બારાલચાલા પાસમાંથી બરફ દૂર કરવા માટે BROના જવાનોને વાયુમાર્ગે સાર્ચુ લઇ જવામાં આવ્યા છે.
સીમા માર્ગ સંગઠન એ સંરક્ષણ મંત્રાલયનો મહત્વપૂર્ણ પ્રભાગ છે જે દુર્ગમ અને દૂરના સરહદી વિસ્તારોમાં સશસ્ત્રદળોને મદદ કરવા અને તેમની વ્યૂહાત્મક જરૂરિયાતોને પહોંચી વળવા માટે માર્ગોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાંધવામાં અને તેને કાર્યરત રાખવા માટે જાળવણીની કામગીરીમાં મહત્વની ભૂમિકા નિભાવે છે.