Decline in Organic Farming, Prime Minister and Governor fail in Guj
ઓર્ગેનિક ખેતીમાં 52 ટકાનો ઘટાડો એક વર્ષમાં થયો
દિલીપ પટેલ
અમદાવાદ, 26 સપ્ટેમ્બર 2025
ગુજરાતના ખેતી ક્ષેત્રે પ્રમાણિત ઓર્ગેનિક ખેતી ઘટી છે. તેની સામે કુદરતી કે પ્રાકૃતિક ખેતી વધી હોવાનો દાવો કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક કૃષિ માટે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કર્યું છે. જે ગુજરાતમાં નિષ્ફળ રહેતું દેખાય રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતીમાં 10 લાખ ખેડૂતોને જોડવામા સફળ રહ્યા હોવાનો દાવો કરતાં રહ્યાં છે, પણ તેઓ નિષ્ફળ હોય એવી વિગતો સંસદમાં જાહેર થઈ હતી. ગુજરાતમાં 53 ટકા ઓર્ગેનિક ખેતી એક જ વર્ષમાં ઘટી ગઈ છે. ઓછું ઉત્પાદન અને બજાર વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતો ઓર્ગેનિક ખેતી છોડી રહ્યા છે. તેની સામે વિશ્વમાં ઓર્ગેનિક ખેતી દર વર્ષે વધી રહી છે.
કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં જાહેર કરાયેલી વિગતોમાં ગુજરાતમાં રાષ્ટ્રીય ઓર્ગેનિક ઉત્પાદન કાર્યક્રમ (એનપીઓપી) હેઠળ પ્રમાણિત જમીનનો વિસ્તાર 2022-23માં 9.36 લાખ હેક્ટર હતો, તે 2023-24માં બે વર્ષમાં ઘટીને 4.37 લાખ હેક્ટર થઈ ગયો છે. 5 લાખ હેક્ટર ઘટાડો થયો છે, એટલે કે 53.41 ટકાનો ઘટાડો થયો છે. જે ચિંતાજનક છે. ગુજરાતમાં આવેલો આ ઘટાડો ચોક્કસપણે વિશ્લેષણ માંગે છે. વાવેતરમાં ઘટાડો થયો છતાં ગુજરાત પ્રમાણિત ઓર્ગેનિક ખેતીમાં રાષ્ટ્રીય સ્તરે ચોથા ક્રમે છે.
પ્રમાણિત ઓર્ગેનિક ખેતીના ઘટાડા છતાં, ગુજરાત ટોચના રાજ્યોમાં છે. મધ્યપ્રદેશ 10.13 લાખ હેક્ટર, મહારાષ્ટ્ર 9.67 લાખ, રાજસ્થાન 5.52 લાખ હેક્ટર સાથે ત્રીજા ક્રમે છે.
ગુજરાતમાં હાલમાં 7.92 લાખ હેક્ટરથી વધુ જમીન કુદરતી ખેતી હેઠળ છે, જેને 9.71 લાખથી વધુ ખેડૂતોએ અપનાવી છે. ડાંગ જિલ્લો 100 ટકા કુદરતી ખેતી જિલ્લો છે. પણ ત્યાં ઉત્પાદનોનું બજાર શોધવામાં નિષ્ફળતા મળી છે.
ગુજરાતમાં ગાયના છાણ અને ગૌમૂત્ર જેવા પરંપરાગત રીતનો ઉપયોગ કરવા માટે સરકાર અને સંસ્થાઓ દ્વારા ખેડૂતો પર સીધું અને આડકતરું દબાણ કરવામાં આવી રહ્યું છે.
ગ્રાહકો અને ખેડૂતો રાસાયણિક મુક્ત ખેતી તરફ વળવા માંગે છે.
કુદરતી ખેતી અને ઓર્ગેનિક ખેતી વચ્ચેનો મુખ્ય તફાવત સમજવો જરૂરી છે. કુદરતી ખેતી સંપૂર્ણપણે બાહ્ય ઇનપુટ્સને ટાળે છે, તેના બદલે સૂક્ષ્મજીવાણુ પ્રવૃત્તિ અને માટીની સપાટીના વિઘટનને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ઓર્ગેનિક ખેતી ખાતર, અન્ય માન્ય પદાર્થોનો ઉપયોગ કરે છે અને એનપીઓપી હેઠળ કડક પ્રમાણપત્ર નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે. કુદરતી ખેતીમાં પ્રમાણપત્રની જટિલ પ્રક્રિયાઓ અને ખર્ચનો બોજ ઓછો હોય છે. પરંપરાગત પદ્ધતિઓ પર વધુ ભાર મૂકવામાં આવે છે.
ઓર્ગેનિક ખેતી સામે પડકારો
1 – ગુજરાતના 9 લાખ ખેડૂતો પાસે સીધું બજાર, છૂટક વેપારીઓ, નિકાસકારો, ગ્રાહકો માટે બજારનું પ્લેટફોર્મ નથી.
2 – ઓર્ગેનિક ઓનલાઈન બજાર અથવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ નથી. FPO જોઈએ એટલી સફળ નથી.
3 – ખેડૂતો માટે APMC જેવું સંગઠિત બજાર નથી. તેથી સારા ભાવો મળતા નથી.
4 – ઓર્ગેનિક પ્રમાણપત્ર મેળવવું મોંઘુ છે.
5 – કૃષિ વિશ્વ વિદ્યાલયો, હાલોલમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી જૈવિક ખેતી તકનીકો, પાકની જાતો પર અપૂરતું સંશોધન કરી રહ્યા છે.
6 – ખેડૂતો માટે સંશોધન અને વિકાસ અને તાલીમનો અભાવ છે.
7 – કોલ્ડ સ્ટોરેજ, પ્રોસેસિંગ સુવિધા, સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી.
8 – લણણી પછીનું નુકસાન થાય છે.
9 – ઓછી ઉત્પાદકતા કારણ છે.
10 – ખાતરો અને જંતુ નિયંત્રણ, ઓર્ગેનિક દવા, ખેતીમાં ઘણીવાર ઓછી ઉપજ આપે છે.
11 – આબોહવા અને જીવાતના પડકારો છે.
12 – “કુદરતી” અને “રસાયણ-મુક્ત” જેવા ભ્રામક લેબલો ગ્રાહકોમાં અવિશ્વાસ બને છે.
13 – વિશ્વાસ ઊભો કરવા ગુજરાતનો ઓર્ગેનિક લોગો નથી.
14 – પારદર્શિતા માટે પ્રમાણપત્રનું ડિજિટલાઇઝેશન નથી.
15 – જૈવિક ખેતીમાં રૂપાંતર દરમિયાન સબસીડી અથવા નાણાકીય સહાય અપૂરતી છે.
16 – વૈજ્ઞાનિક રીતે જમીનની ફળદ્રુપતા અને જીવાત નિયંત્રણ માટે ઉકેલો વિકસાવ્યો નથી.
17 – ઓર્ગેનિક ઉત્પાદનો ઊંચી કિંમતના છે.
18 – ઉપજના નુકસાનથી બચાવવા માટે વ્યૂહરચનાઓ અને વીમા યોજના નથી.
19 – ઓર્ગેનિક ઉત્પાદનો માટે કર પ્રોત્સાહનો નથી.
20 – યુરોપિયન યુનિયન દ્વારા PGSને માન્યતા ન મળવાને કારણે NPOP પ્રમાણપત્ર ધરાવતા ઉત્પાદકોની તુલનામાં ભારતીય ઉત્પાદકોની બજાર મર્યાદિત છે.
21 – વૈશ્વિક વેપારમાં કાર્બનિક ધોરણો અને નિયમો નિકાસ અવરોધે છે.
ઓર્ગેનિક કૃષિની દુનિયા 2025
આશરે 190 દેશોમાં કાર્બનિક ખેતી કરવામાં આવે છે, અને ઓછામાં ઓછા 4.3 મિલિયન ખેડૂતો દ્વારા આશરે 99 મિલિયન હેક્ટર ખેતીલાયક જમીનમાં ઓર્ગેનિક રીતે ખેતી કરવામાં આવે છે.
ઓર્ગેનિક કૃષિ સંશોધન સંસ્થા FiBL અને IFOAM – ઓર્ગેનિક ઇન્ટરનેશનલ દ્વારા પ્રકાશિત “ધ વર્લ્ડ ઓફ ઓર્ગેનિક એગ્રીકલ્ચર” ની જર્મનીના ન્યુરેમબર્ગમાં બાયોફેચ ખાતે દર વર્ષે નવીનતમ ડેટા રજૂ કરવામાં આવે છે.
વિશ્વમાં 2023ના અંત સુધીમાં, 98.9 મિલિયન હેક્ટર જમીન ઓર્ગેનિક ખેતી થઈ હતી. જે 2022ની સરખામણીમાં 2.6 ટકા અથવા 2.5 મિલિયન હેક્ટરનો વધારો દર્શાવે છે.
લેટિન અમેરિકામાં સૌથી વધુ 10 લાખ હેક્ટર એટલે કે 10.8 ટકાનો વધારો બતાવે છે. આફ્રિકામાં વૃદ્ધિ 3.4 મિલિયન હેક્ટર સુધી પહોંચી છે, જે 24 ટકાનો વધારો છે.
ઓશનિયામાં 53.2 મિલિયન હેક્ટર સાથે અગ્રણી ક્ષેત્ર છે, જે વૈશ્વિક ઓર્ગેનિક વિસ્તારના અડધાથી વધુ હિસ્સો ધરાવે છે. તે પછી યુરોપ 19.5 મિલિયન હેક્ટર સાથે અને લેટિન અમેરિકા 10.3 મિલિયન હેક્ટર સાથે આગળ છે.
દેશ પ્રમાણે ઓસ્ટ્રેલિયા 53 મિલિયન હેક્ટર અને બીજા નંબર પર ભારત 4.5 મિલિયન હેક્ટર છે. આર્જેન્ટિના 4 મિલિયન હેક્ટર છે.
લિક્ટેનસ્ટીન સૌથી મોટો ઓર્ગેનિક વિસ્તાર ધરાવતો દેશ છે.
વૈશ્વિક સ્તરે, 2023માં 2.1 ટકા ખેતીલાયક જમીન પર ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે.
લિક્ટેંસ્ટાઇન 44.6 ટકા ખેતીલાયક જમીન સાથે સૌથી આગળ છે. ઑસ્ટ્રિયામાં 27.3 ટકા અને ઉરુગ્વે 25.4 ટકા ખેતી કરવામાં આવે છે. કુલ 22 દેશોએ અહેવાલ આપ્યો છે કે તેમની 10 ટકા કે તેથી વધુ ખેતીલાયક જમીન ઓર્ગેનિક છે.