કોવિડ-19 મહામારી સામેની લડાઇમાં સંરક્ષણ જાહેર ક્ષેત્રના સાહસો (DPSU) અને ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB)એ નાગરિક વહીવટીતંત્રને મદદ કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. સંરક્ષણ મંત્રાલય અંતર્ગત સંરક્ષણ ઉત્પાદન વિભાગ (DDP)ની આ મહત્વપૂર્ણ સંસ્થાઓએ આ પ્રાણઘાતક વાયરસને દેશમાંથી ખતમ કરવા માટે પોતાના સંસાધનો, ટેકનિકલ જ્ઞાન અને માનવીય કાર્યબળને સંપૂર્ણ કામે લગાડી દીધું છે. DPSU અને OFBના વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયાસોની ફળશ્રૃતિરૂપ કેટલાક પરિણામોનો અહીં નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે:
બેંગલુરુમાં સંરક્ષણ PSU હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (HAL) દ્વારા ઇન્સેન્ટિવ કેર યુનિટમાં 3 બેડ અને વૉર્ડમાં 30 બેડ સાથે આઇસોલેશન વૉર્ડ સુવિધા ઉભી કરવામાં આવી છે. વધુમાં, 30 રૂમ વાળી એક ઇમારતને આ માટે ખાલી કરી દેવામાં આવી છે. કુલ મળીને, HAL સુવિધા ખાતે 93 લોકોને રાખવામાં આવ્યા છે. HAL દ્વારા 25 PPEનું ઉતપાદન કરીને બેંગલુરુમાં કોવિડ-19ની સારવાર કરવા માટે અધિકૃત વિવિધ હોસ્પિટલમાં તેનું વિતરણ કરવામાં આવ્યું છે. તેમણે 160 એરોસોલ બોક્સનું ઉત્પાદન પણ કર્યું છે જેનું વિતરણ બેંગલુરુ, મૈસૂર, મુંબઇ, પૂણે, ઉત્તરપ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં વિવિધ સરકારી હોસ્પિટલોમાં કરવામાં આવ્યું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoH&FW)ના નિર્દેશોના પગલે ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ (BEL) દેશમાં ICU માટે બે મહિનામાં 30,000 વેન્ટિલેટરના ઉત્પાદન અને પૂરવઠા માટે આગળ આવ્યું છે. આ વેન્ટિલેટર્સની ડિઝાઇન મૂળરૂપે DRDO દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમાં BEL દ્વારા જેમની સાથે જોડાણ કરવામાં આવ્યું છે તે મૈસૂરના મેસર્સ શંકરાય દ્વારા સુધારો કરવામાં આવ્યો છે. BEL 20 થી 24 એપ્રિલ 2020 સુધીમાં વેન્ટિલેટર્સનું ઉત્પાદન શરૂ કરે તેવી સંભાવના છે. હંગામી શિડ્યૂલ અનુસાર, BEL એપ્રિલ મહિનામાં 5,000 યુનિટ, મે મહિનામાં 10,000 યુનિટ અને જૂન મહિનામાં 20,000 યુનિટનું ઉત્પાદન કરે તેવી સંભાવના છે. તેઓ DRDOની મદદથી તેના ભાગોનું સ્વદેશમાં ઉત્પાદન થાય તે માટે પણ પ્રયાસો કરે છે.
ભારત ડાયનેમિક્સ લિમિટેડ (BDL) અત્યારે વેન્ટિલેટરનું પ્રોટોટાઇપ તૈયાર કરી રહી છે અને તેનું ઉત્પાદન શરૂ થાય તે પહેલાં મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં તેનું પરીક્ષણ થઇ જશે તેવી શક્યતા છે. તેઓ પૂણે સ્થિત ખાનગી સ્ટાર્ટઅપની મદદથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે.
વેન્ટિલેટર્સના મોટાપાયે ઉત્પાદન માટે સંરક્ષણ PSU મેસર્સ BEL આ પ્રયાસોમાં જોડાયું છે. ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML) એ મૈસૂર ખાતે આવેલા મેસર્સ શંકરાય દ્વારા વેન્ટિલેટર્સનું ઉત્પાદન થઇ શકે તે માટે પાંચ ભાગોના 25 સેટનું ઉત્પાદન કરી આપ્યું છે.
ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ, દેશમાં 40 ઓર્ડનન્સ ફેક્ટરીનું નેતૃત્વ કરે છે તેમણે ISO વર્ગ 3 એક્સપોઝર માપદંડોની પુષ્ટિ માટે કવરઓલનો પૂરવઠો મોકલવાનું શરૂ કરી દીધું છે. HLL લાઇફકેર લિમિટેડ (HLL) તરફથી મળેલા 1.10 લાખ કવરઓલના પ્રારંભિક ઓર્ડર માટે ઉત્પાદન કાર્ય અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. તેમનો ઓર્ડર 40 દિવસમાં પૂરો કરવામાં આવશે.
કાનપુર, શાહજહાંપુર, હઝરતપુર (ફિરોઝાબાદ) અને ચેન્નઇ ખાતે આવેલી ફેક્ટરીના પાંચ ઓર્ડનન્સ ઉપકરણ સમૂહો કવરઓલના ઉત્પાદનમાં કાર્યરત છે. હાલમાં દરરોજ 800ના દરે ઉત્પાદન થઇ રહ્યું છે. દૈનિક ઉત્પાદન વધારીને 1,500 સુધી કરવા માટે અત્યારે પ્રયાસો ચાલી રહ્યા છે. કવરઓલ અને માસ્કની કાર્યક્ષમતાના પરીક્ષણ માટે, તેમના દ્વારા ત્રણ મશીન તૈયાર કરવામાં આવ્યા છે જેને દક્ષિણ ભારત ટેક્સટાઇલ સંશોધન સંગઠન (SITRA) દ્વારા માન્યતા આપવામાં આવી છે અને માપદંડો જાળવવા માટે ઉત્પાદનમાં તેનો ઉપયોગ થઇ રહ્યો છે.
ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ (OFB) દ્વારા 5,870 PPEનું પણ ઉત્પાદન કરવામાં આવ્યું છે જેનું વિતરણ HLL, CMO ફિરોઝાબાદ ઉપરાંત ઓર્ડનન્સ ફેક્ટરીમાં પોતાની હોસ્પિટલોમાં પણ કરવામાં આવ્યું છે.
ફેક્ટરી બોર્ડ દ્વારા બે મીટરના તંબુ પણ તૈયાર કરવામાં આવ્યા છે જેનો ઉપયોગ તબીબી કટોકટી, સ્ક્રીનિંગ, હોસ્પિટલ સંકુલ તૈયાર કરવા અને ક્વૉરેન્ટાઇનના ઉદ્દેશ્યથી થઇ શકે છે. આ તંબુ વોટરપ્રૂફ કાપડમાંથી બનાવેલા છે જેમાં હળવા સ્ટીલ અને એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ કરેલો છે. આનો પૂરવઠો શરૂ કરી દેવામાં આવ્યો છે. અલગ અલગ પ્રકારના અંદાજે 420 તંબુ ઓડિશા રાજ્ય મેડિકલ કોર્પોપેશન, દહેરાદુનમાં જોલી ગ્રાન્ટ હોસ્પિટલ, અરુણાચલ પ્રદેશમાં DMA અને ચંદીગઢમાં પંજાબ પોલીસમાં વિતરણ કરવામાં આવ્યું છે. OFB દ્વારા વેન્ટિલેટર્સનું રીપેરિંગ કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 53 વેન્ટિલેટર રીપેર કરીને તેલંગાણામાં TSIMDCને આપવામાં આવ્યા છે.
ઓર્ડનન્સ ફેક્ટરીઓ (OF) હાલમાં કેન્દ્રીયકૃત ખરીદી માટે ભારત સરકાર દ્વારા નિયુક્ત નોડલ એજન્સી HLL દ્વારા 28,000 લીટર સેનિટાઇઝર માટે આપવામાં આવેલા ઓર્ડરની સામે 7,500 લીટરનું ઉત્પાદન કરી રહી છે. ઓર્ડનન્સ ફેક્ટરી દ્વારા 5,148 લીટરનો જથ્થો પહોંચાડી દેવામાં આવ્યો છે અને 15,000 લીટરનો અન્ય જથ્થો તૈયાર છે જે HLL દ્વારા ગંતવ્ય સ્થળની માહિતી આપ્યા પછી પહોંચાડવામાં આવશે. અત્યાર સુધીમાં ઓર્ડનન્સ ફેક્ટરી બોર્ડ દ્વારા 60,230 લીટર સેનિટાઇઝરનું ઉત્પાદન કરવામાં આવ્યું છે જેનું વિતરણ ઇન્દોર, બેલગાવી, તિરુવનંતપુરમમાં આવેલા HLLના એકમો, સેન્ટ્રલ રેલવે, MECL, નાગપુર જિલ્લા વહીવટીતંત્ર, ઉત્તરાખંડ, બિહાર, કેન્ટોન્મેન્ટ બોર્ડ વિલિંગ્ટન, DM નાગપુર, DRM સોલાપુર ઉપરાંત ઓર્ડનન્સ ફેક્ટરીઓની પોતાની હોસ્પિટલોમાં કરવામાં આવ્યું છે. લોહીમાં પ્રવેશના પરીક્ષણ માટે બે પરીક્ષણ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેમાંથી એક ચેન્નઇ ખાતે અને અન્ય એક કાનપુર ખાતે છે.
OFB દ્વારા અત્યાર સુધીમાં 1,11,405 માસ્ક તૈયાર કરવામાં આવ્યા છે જેમાં 38,520 3-પ્લાય તબીબી માસ્ક પણ છે. તેનું વિતરણ તામિલનાડુ પોલીસ, ફિરોઝાબાદ અને આગ્રામાં જિલ્લા નાગરિક અને પોલીસ સત્તામંડળ, કેન્ટોન્મેન્ટ બોર્ડ શાહજહાંપુર, ઉત્તરાખંડ સરકાર, શાહજહાંપુરના જિલ્લા આરોગ્ય અધિકારી, મિલિટરી ઇન્ટેલિજન્સ વગેરેમાં કરવામાં આવ્યું છે.