Dudhala village solves water problem in 4 thousand bighas दुधाला गाँव ने 4 हज़ार बीघे में पानी की समस्या का समाधान किया
2 નવેમ્બર 2024
લાઠી શહેરથી અમરેલી શહેર તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 351-F પર લાઠી શહેરની વાયવ્ય ભાગોળે એક નદી દેખાય.
અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં વાર્ષિક સરેરાશ 25 ઇંચ વરસાદ પડે છે જે જિલ્લાના 11 તાલુકામાં સૌથી ઓછો છે. ધારી પછી નંબર આવે છે લાઠીનો જ્યાં વાર્ષિક સરેરાશ 26 ઇંચ વરસાદ પડે છે.
દુધાળાની પૂર્વ અને દક્ષિણ સીમમાંથી વહેતી ગાગડિયા નદીના કાંઠાળ વિસ્તારને ખારોપટ કહે છે, કારણ કે ત્યાં ગોરમટી (એક પ્રકારની ચીકણી માટી જે જૂના જમાનામાં મકાનોની દીવાલ ચણવા વપરાતી) અને સૂંઠિયો પ્રકારની માટી છે જે પાણીને જલદી સુકાવા તો નથી દેતી, પણ તેમાં ફ્લોરાઇડ તત્ત્વનું પ્રમાણ હોવાથી પાણીમાં ક્ષારનું પ્રમાણ વધુ હોય છે જે નદી-નાળાંના અને ભૂગર્ભજળને ખારું, ભામ્ભરું કે મોળું કરી નાખે છે. આવા પાણીથી પાકને પિયત આપવાથી જમીનની ફળદ્રુપતા પર લાંબે ગાળે અવળી અસર થઈ શકે છે. વળી, ગોરમટી અને સૂંઠિયાવાળી જમીન ફળદ્રુપ હોતી નથી તેથી ઉપજાઉ પણ નથી હોતી.
પરંતુ દુધાળાના લોકોએ મહેનત, આયોજન અને ઊંડી સમજણ દાખવી ઉદ્યોગપતિઓ અને સરકારના સહયોગથી વરસાદના પાણીનો મહત્તમ સંગ્રહ કરવાની વ્યવસ્થા કરી આ કુદરતી વિષમતાનો તોડ શોધી કાઢ્યો છે.
ગુજરાતમાં સામાન્ય રીતે વાડી-ખેતરને શેઢે કાંસ કે વોકળા આવેલા હોય છે અને આવા વોકળા કે કાંસ વાટે વરસાદના પાણી ખેતરોમાંથી નદી તરફ વહેતા હોય છે. પણ દુધાળામાં આવા સામાન્ય કાંસ કે વોકળા દેખાતા જ નથી.
અહીં ગામની આખી સીમમાં પંદરથી વીસ ફૂટ ઊંડી ખાળો ખોદેલી છે અને તેમાં થોડા થોડા અંતરે ચેકડૅમ બાંધેલા છે.
સ્થાનિક ખેડૂતો આવી ખાળોને નહેર અને તેમાં બાંધેલ ચેકડૅમને બંધારા કહે છે. આ નહેરોના કાંઠે-કાંઠે વાડીઓ સુધી પહોંચવાના ગાડામારગ બનાવેલો છે. નહેરોની ઊંડાઈને કારણે બહારના માણસોને આવા રસ્તા પર વાહન ચલાવતી વખતે ભય જણાય તો નવાઈ નહીં.
લાઠીથી ચાર કિલોમીટરે આવેલા દુધાળા ગામે બાંધવામાં આવેલા ભારતમાતા સરોવર નામના ચેકડૅમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
દુધાળા ગામ પાસેથી વહેતી ગાગડિયો નદી પરના ભારતમાતા સરોવર નામના ચેકડૅમછે.
કુવામાં પાણી સાવ ઉપર સુધી ભર્યાં છે.
કપાસમાં વીઘે વીસ મણથી વધારે ઉત્પાદન મળશે છે. નેરુ ખોદાવી ત્યારથી પાણીનું સુખ થઈ ગયું છે અને ખેતી સારી છે. હવે વધારે ડૅમ બંધાયા છે અને વધારે ફાયદો થયો છે.
બોર અને કૂવામાં શિયાળા સુધી ચાલે તેટલું પાણી એવી જાય છે.
પહેલાં ગાગડિયાકાંઠાના આખા પટ્ટામાં માત્ર જુવાર જ વવાતી, કારણ કે ભૂગર્ભમાં પાણી ટકતા નહીં અથવા બહુ ખારાં હતાં. પણ આઠ વર્ષ અગાઉ ગાગડિયો નદી પર નારણ સરોવર (મોટો ચેકડૅમ) બંધાયો એટલે પાણીની ખારાશ ઘટી અને પાણીનાં તળ ઊંચાં આવ્યાં. પાણી મીઠાં થતા કપાસ વધારે વાવવાનું ચાલુ કર્યુ, કારણ કે પાણી મીઠું હોવાથી પિયતથી જમીન બગાડવાની બીક ના રહી અને મોલાત પણ સારી થવા લાગી.
પ્રાંતની ભૌગોલિક રચના ઊંધી રકાબી આકારની હોવાથી વરસાદના પાણી સમુદ્રમાં વહી જાય છે. તેથી, પીવાના અને સિંચાઈનાં પાણીની સમસ્યા કાયમી. જમીન ફળદ્રુપ હોવા છતાં સિંચાઈના પાણીનો અભાવ ખેતીનો વિકાસ જોઈએ તેવો થયેલો નહીં.
આઝાદી પહેલાં અને આઝાદી પછીના શાસનકર્તાઓએ શેત્રુંજી, ભાદર, મચ્છુ-2 જેવા મોટા ડૅમ બાંધી દેવાયા છે.
સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં સિંચાઈ 141 નાના અને મધ્યમ કદના ડૅમ છે. પણ સૌરાષ્ટ્ર એક ઉચ્ચપ્રદેશ હોવાથી આવા ડૅમની ક્ષમતા માર્યાદિત રહી છે.
તેથી 1990ના દાયકામાં રાજ્ય સરકાર અને હીરાઉદ્યોગના અગ્રણી મથુર સવાણી સહિતના લોકોએ મથુર સવાણીએ સ્થાપેલા સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના માધ્યમથી ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં અને ગામનું પાણી ગામમાં રોકાય અને તેના કારણે ભૂગર્ભજળના સ્તર ઊંચા આવે તેવા આશયથી ગામોમાં વોકળા, ઝરણાં અને નાની નદીઓ પર ચેકડૅમ બાંધી, તેમાં વરસાદનું પાણી સંગ્રહી ભૂગર્ભજળના સ્રોતોને રિચાર્જ કરવાની ઝુંબેશ ઉપાડી.
પાણીનાં તળ ઊંડાં ને ઊંડાં જવાં લાગ્યાં હતા. ઉત્તર ગુજરાતમાં તો 2000 ફૂટ સુધી ઊંડા બોરેવેલ થવા લાગ્યા. બૅન્કમાં પૈસા ડિપૉઝિટ કર્યા વગર ઉપાડયે જ કરવા જેવો આ ઘાટ હતો. આ સ્થિતિ સુધારવા ગામ ખોપાળા (તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ)માં 1998માં 200 ચેકડૅમ અને 10 તળાવ બંધાવ્યાં. ખેડૂતો પાસેથી વીઘા દીઠ રૂપિયા 300 ઉઘરાવ્યા અને બાકીના પૈસા હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓએ આપ્યા. ખોપાળામાં પ્રયોગ સફળ રહેતા આ પ્રકારના ચેકડૅમ અને તળાવ બાંધવા માટે તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલનો સહયોગ માગ્યો અને તે મળતા જળક્રાંતિ માટે ગામેગામ ચેકડૅમ બાંધવાનું જળઅભિયાન શરૂ કર્યું. આ માટે સુરત, મુંબઈ અને અન્ય શહેરો અને વિદેશમાં રહેતા ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓને હાકલ કરી કે તમારા ગામમાં જળસંચયના કામમાં સહયોગ આપી તમારા વતનનું ઋણ ચૂકવો.”
આ અભિયાનમાં દુધાળાના વતની અને સુરતના હીરાઉદ્યોગના અગ્રણીઓ ગોવિંદ ધોળકિયા (શ્રી રામકૃષ્ણ ઍક્સપૉર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ચૅરમૅન) અને તેમના ભત્રીજા સવજી ધોળકિયા (હરેકૃષ્ણ ગ્રૂપના સ્થાપક અને ચૅરમૅન) પણ જોડાયા. તેમણે 2001ની સાલમાં દુધાળામાં વરસાદી પાણીના સંગ્રહ માટે લગભગ 45 કિલોમીટર લાંબી નહેરોનું નેટવર્ક અને તેમાં અંદાજે 75 બંધારા બનાવડાવ્યા.
2001માં છૂટાછવાયા વરસાદને કારણે ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશમાં દુષ્કાળને કારણે ખેડૂતો પોતાના માલ-ઢોર અને સૂકી જમીનો છોડી દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારો તરફ હિજરત કરવા લાગ્યા. એ વખતે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના માધ્યમથી ગોવિંદ ધોળકિયાએ આખા સૌરાષ્ટ્રમાં ચેકડૅમ બાંધવા માટે એક મોટું અભિયાન આદર્યું. લોકોની સખત મહેનતના કારણે ટૂંકા સમયમાં જ 100 ચેકડૅમનું નિર્માણ થયું અને ભૂગર્ભજળના સ્તર ઉપર આવ્યા.
2007માં દુધાળામાં ગાગડિયો નદી પર પાંચ મોટા ચેકડૅમ બંધાવ્યા અને તેમના વિચારનો સાકાર નમૂનો રજૂ કર્યો.
આ પાંચ સરોવરોનું 10 વર્ષ સુધી પરિણામ જોયું. ગામમાં ત્યારે ખેતીમાં પાંચ લાખની અવાક નહોતી થતી. અત્યારે પાંચ કરોડની આવક થવા લાગી છે. આ સારાં પરિણામ જોઈ 2017માં ગાગડિયાનું આ કામ ચાલુ કર્યું.
ગાગડિયો નદી અમરેલીના બાબરા તાલુકાના ચમારડી ગામથી ઉદ્ભવે છે અને 55 કિલોમીટર લાંબી છે.
ઉત્તરથી દક્ષિણ દિશાએ વહી તે બાબરા અને લાઠી તાલુકામાંથી પસાર થઈ લીલીયા તાલુકાના ક્રાકચ ગામે શેત્રુંજી નદીમાં ભળી જાય છે.
2017માં રાજ્ય સરકારના સહયોગથી વધારે ચેકડૅમ બાંધવાની અને નદીને પહોળી અને ઊંડી કરવાની શરૂઆત થઈ. ત્યારથી લઈને આજ દિન સુધી લાઠીથી ઉત્તરે આવેલા હરસુરપુર ગામથી લીલિયા તાલુકાના ક્રાકચ ગામ સુધી ગાગડિયો નદીની 29 કિલોમીટર લંબાઈમાં ધોળકિયા ફોઉન્ડેશન રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ તળે નદીને ઊંડી અને પહોળી કરી રહ્યું છે.
કુલ રૂપિયા 35 કરોડના ખર્ચે નદી પર પાંચ નવા ચેકડૅમ બાંધવાંનું, હયાત પાંચ ચેકડૅમોને રિપૅર કરવા, નદીના કાંઠે માટીના પાળા બાંધવા સહિતનાં કામો થયાં છે.
આ નદી પર 30થી વધારે ચેકડૅમ બાંધવામાં આવ્યા છે.
ગાગડિયો નદીના પુનર્જીવિત થવાના કારણે ભૂગર્ભજળના સ્તર જે 400 ફૂટે હતાં તે 200 ફૂટે આવી ગયાં છે.
નદીની પહોળાઈ જે સરેરાશ 60થી 70 મીટર હતી તે વધારીને 100થી 120 મીટર કરાઈ છે. નદીને દોઢથી ત્રણ મીટર ઊંડી પણ કરાઈ છે. જોકે ઊંચાઈના અભાવે ગાગડિયો નદીમાંથી કૅનાલ વાટે સિંચાઈ માટે પાણી આપી શકાય તેમ નથી. પણ તેનો લાભ નદીના બંને કાંઠે ઓછામાં ઓછા એક કિલોમીટર વિસ્તારમાં થયો છે.
રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચે ગાગડિયો નદીના જળવ્યવસ્થાપન સંબંધિત પ્રવૃતિઓ કરવા સપ્ટેમ્બર 2022માં થયેલા કરાર મુજબ ચેકડૅમ બાંધવા, હયાત ચેકડેમને રિપૅર કરવા, નદીને પહોળી અને ઊંડી કરવી, નદીકાંઠે પાળા બાંધવા, તળાવો ખોદવાં અને તેની નહેરો બનાવવી વગેરે ધોળકિયા ફાઉન્ડેશનની જવાબદારી રહેશે.
ત્રણ વરસ સુધી ચાલનાર આ પ્રોજેક્ટ પર સરકાર રૂપિયા 16 કરોડ અને ધોળકિયા ફાઉન્ડેશન ચાર કરોડ ખર્ચશે. કરાર મુજબ આ કામગીરી માટે જો કોઈ જમીનનું અધિગ્રહણ કરવાનું થાય તો તે જવાબદારી પણ ધોળકિયા ફાઉન્ડેશનને શિરે છે.
મોટા પાયે માટીનું ખોદકામ કરવાનું હોવાથી આ ખોદેલી માટી કે જે ગોરમટી અને સૂંઠિયા પ્રકારની હતી તેને ક્યાં નાખવી તે મોટો પડકાર હતો, કારણ કે આજુબાજુના ખેડૂતો આવી માટી લેવા તૈયાર ન હતા. તેથી નદીકાંઠાની સેંકડો વીઘા જમીન તેમણે ખરીદી લીધી.
ફૉરેસ્ટની જમીન આવતી હોય, ગૌચરની જમીન આવતી હોય, સરકારી જમીન આવતી હોય, ઘણાની પ્રાઇવેટ જમીન આવતી હોય.
દુધાળાના દુદાભાઈ બગડા, તેમના પાંચ ભાઈ અને પાંચ-છ પિતરાઈ ભાઈઓને તેમની 100 વીઘા જમીન ત્રણ વરસ પહેલાં વેચવી પડી.
ભારતમાતા સરોવરની આજુબાજુ લગભગ 200 વીઘા જમીન ધોળકિયા પરિવારે વેચાતી લીધી છે અને તેના પર કૃત્રિમ ટેકરીઓ, બગીચા વગેરેનું નિર્માણ કર્યું છે.
‘હેતની હવેલી’ નામનું એક મોટું મકાન પણ ચણ્યું છે અને આ હવેલી ખાતે સવજીભાઈના દીકરા દ્રવ્યના લગ્નનો સમારંભ યોજાયો હતો.
જરૂર પડી ત્યારે ગામના ખેડૂતો પાવડા-તગારા લઈને શ્રમકાર્યમાં જોડાયા છે.
જળસંચયના કારણે દુધાળા ગામની 4,000 વીઘા જમીનને ઓછામાં ઓછા બે પાક માટે સિંચાઈનું પૂરતું પાણી મળી રહે છે.
દુધાળાની સામે ગાગડિયો નદીના સામે કાંઠે આવેલા અકાળા ગામમાં ખેડૂતો અને મહિલાઓ પણ ખુશ છે, કારણ કે 2017થી પીવાના અને સિંચાઈના પાણીની તંગી રહી નથી.
પહેલાં ગામના ભૂગર્ભજળનું TDS (ટોટલ ડિઝોલ્વડ સોલિડસ એટલે કે ક્ષારની કુલ માત્રા) 1750 PPM (પાર્ટ્સ પર મિલિયન એટલે કે 10 લાખ કણોમાંની સંખ્યા) હતું. પાણી ખૂબ મોળું હતું અને પીવા માટે સારું ન હતું. પરંતુ 2017 બાદ ગાગડિયોમાં સરોવર થવાથી TDS ઘટીને 450 PPM થઈ ગયું છે. આજે ગામના કૂવા અને બોરનાં પાણી પીવાલાયક છે.
પાણી ફ્લોરાઈડવાળું હોવાથી લોકોને હાડકાના સાંધા દુખાવાની ફરિયાદો રહેતી. પણ હવે ઘરના બોરમાં ઉનાળામાં પણ પાણી રહે છે અને તે પાણી બારેય મહિના પીવાલાયક રહે છે. નર્મદાનાં પાણીની જરૂર રહેતી નથી.
ગાગડિયો નદીના કાંઠે છેલ્લાં કેટલાંક વર્ષોથી એશિયાઈ સિંહોની અવરજવર નોંધાઈ છે. વળી, ગાગડિયો નદીના પૂર્વ કાંઠે એક આરક્ષિત વન એટલે કે પ્રોટેકટેડ ફૉરેસ્ટ પણ આવેલું છે.
આ વન ગીર (પૂર્વ) વન્યપ્રાણી વિભાગની હદમાં છે અને સિંહોના વસવાટ માટે તે આદર્શ પુરવાર થઈ રહ્યું છે તેમ વનવિભાગના સ્થાનિક અધિકારીઓ બીબીસીને જણાવે છે.
અહીંથી સિંહો ભાવનગરના ગારિયાધાર તરફ પોતાનો વિસ્તાર વધારી રહ્યા છે. કેટલાક સ્થાનિક લોકો નામ ન લખવાની શરતે કહે છે કે ગાગડિયો નદીમાં બારેય મહિના પાણી ભરાઈ રહેશે તો સિંહોનું પૂર્વ બાજુ ભાવનગર જિલ્લા તરફનું વિસ્તરણ અટકશે.
રાવલ ડૅમના ઊંડા અને મગરોવાળા પાણીમાં એશિયાઈ સિંહો તરતા દેખાય છે. તે જ રીતે સિંહો તરીને શેત્રુંજી ડૅમના ટાપુ પર પણ જતા હોવાના પુરાવા છે. તેથી એમ માની શકાય કે ગીર અને તેની આજુબાજુમાં રહેતા એશિયાઈ સિંહો પાણીમાં સારી રીતે તરી શકે છે અને તેથી, ગાગડિયો નદીમાં પાણી ભર્યાં રહે તો પણ સિંહોની મૂવમેન્ટ (વિચરણ) પર કોઈ અવળી અસર થશે તેવું પ્રાથમિક દૃષ્ટિએ જણાતું નથી.