ત્રંબામાં કસ્તુરબા અને મણિબેનની કુરબાની જેલના કાંકરા ખરી રહ્યાં, છે કોઈ સૌરાષ્ટ્રનો સરદાર જે બચાવી શકે?

દિલીપ પટેલ
અમદાવાદ , 12 જુલાઈ 2023

કસ્તુરબાધામ અને ત્રંબા એમ બે નામથી ઓળખાતુ ગામ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા રાજકોટ તાલુકામાં આવેલું રાજકોટ-ભાવનગર હાઈવે રોડ ઉપર આવેલુ ગામ છે. ત્રંબા ગામ હવે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં ધર્મપત્નિ કસ્તુરબા અને સરદાર પટેલના પુત્રી મણિબેન આ ગામના નાના મહેલમાં જેલમાં હતા. જેલમાં પુરનારા રાજકોટના રાજા અને અંગ્રેજ એજન્ટ હતા. ત્રંબા ગામનું નામ, એટલે આ ગામનું નામ કસ્તુરબાધામ પડેલું છે. રાજકોટ નજીકના ત્રંબા ગામમાં કસ્તુરબા ને મણિબેનને 29 દિવસ કેદમાં રખાયા હતા.

કસ્તુરબા 13 ફેબુ્રઆરી 1939ના દિવસે સરદાર પટેલની પુત્રી મણીબેન સાથે ટ્રેનમાં રાજકોટ આવ્યા હતા. રાજકોટ પહોંચતાં જ એમની ધરપકડ થઈ, એમને 16 કી.મી. દૂર સણોસરા ખાતે લઈ જવાયા. આગલા દિવસે જ મૃદુલા સારાભાઈની પણ ધરપકડ થઈ હતી. એમને પણ ત્યાં મોકલી દેવાયા હતા. જ્યાં એમને રાખવામાં આવ્યા એ ઓરડો ધર્મેન્દ્ર નિવાસ તરીકે ઓળખાતો.

કાંગરા ખર્યા
કસ્તુરબાને નજરકેદ રાખવામાં આવ્યા હતા તે મકાન જીર્ણશિર્ણ થઈ ગયું છે. વર્ષો જુનુ બાંધકામ ફર્નીચર બારી – બારણા બધુ જ સડી ગયું છે.
રાજકોટ સત્યાગ્રહ દરમિયાન કસ્તુરબાને ત્રંબા ખાતે નાના મહેલમાં નજરકેદ રાખવામાં આવ્યા હતાં. નાના મહેલને સ્મારક તરીકે જાહેર કરી તેની સાચવણી કરવામાં આવી નથી. કસ્તુરબા આશ્રમનો વહવટ કથળી ગયો છે. કસ્તુરબાધામ નામની સંસ્થા શરૂ થઈ હતી. મહિનાઓને લગતી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ થતી હતી.

ગાંધીજીની બહુમુલ્ય વસ્તુ ગુમ
ગાંધીજી જે ચીજવસ્તુઓ વાપરતા હતા તે ચીજો એક સમયે અહીં પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. પરંતુ તે ક્યાં ગઈ તે કોઈને ખબર નથી. જેની આંતરરાષ્ટ્રીય બહુમુલ્ય કિંમત થાય છે. જે ક્યાં પગ કરી ગઈ તે અંગે 30 વર્ષથી કોઈ તપાસ થઈ નથી. કારણ કે ગાંધી મૂલ્યોને ન સમજતી અને તેનો વિરોધ કરતાં સરકારો આવી છે. ત્યાર પછી ગાંધીજીની તમામ સંસ્થાઓમાં આવો લુણો લાગ્યો છે. હવે અમદાવાદના સાબરમતી આશ્રમમાં પણ લુણો લાગ્યો છે.

કબાટમાં ગાંધીજીના અલભ્ય પુસ્તકોને જાળવણીનાં અભાવે ઉધઈ લાગી ગઈ છે. દિવાલોમાં પાણી ઉતરે છે. ચારેબાજુ ભેજ લાગી ગયો છે. પ્રદર્શનીમાં દુર્લભ ફોટા ખરાબ થઈ ગયા છે. રાષ્ટ્રીય સ્મારક બનવાના બદલે સ્મારક જ ખતમ થઈ રહ્યું છે. ગુજરાતની ગૌરવવંતા ઈતિહાસની ઈમારત ખતમ થઈ ગઈ છે.

ગીધ જેવા બિલ્ડરોનો ડોળો
કસ્તુરબાની સ્મૃતિમાં સચવાયેલું રાજકોટનું એકમાત્ર સ્મારક છે. જેની જાળવણી નહીં થાય તો ગમે ત્યારે પડી જશે. તેથી ગીધ જેવા બિલ્ડરોનો ડોળો આ મકાન અને જમીન પર છે. અત્યારે એની હાલત વેરાન છે. કરોડોની જમીન વેચાઈ ગઈ છે.

રાજકોટમાં આલ્ફ્રેડ હાઈસ્કુલ ખાતે ગાંધી ભણ્યા હતા. આજે એનું નામ ગાંધી વિદ્યાલય કરી નાખવામાં આવ્યું. ઉપરાંત શાળા બંધ કરીને મકાન મ્યુઝિયમમાં ફેરવી નખાયું છે. પ્રજામાંથી વિરોધ બહુ થયો પણ એને ગણકારવામાં ન આવ્યું. એવું જ હવે કસ્તુરબા ધામમાં થઈ ચૂક્યું છે.

કસ્તુરબાધામના ધબકારા
મહેલમાં ગાંધીજીનાં અંતેવાસી એવા ગાંધીજન કનુભાઈ ગાંધી રહેતા હતાં. ત્રંબાના મહેલમાં આઝાદી પછી ગાંધી વિચાર આધારીત આશ્રમ શરૂ કરવામાં આવ્યો હતો. ખાદીકામ, કાંતણકામ, વણાટકામ, સુથારી કામ, લુહારી કામ, કાગળ કામ, સજીવખેતી પશુપાલનનાં પ્રયોગો શરૂ કરવામાં આવ્યા હતાં.

ઉતરબુનિયાદી છાત્રવાસી સાળા અહીં શરૂ કરવામાં આવી હતી. કાંતણકામ થતું હતું. આજે આ બધી પ્રવૃતિઓ એકપછી એક બંધ થઈ ગઈ છે. એક માત્ર ઉતરબુનિયાદી શાળામાં ધો.9 અને 10 ભણાવવામાં આવે છે. બાકી એકપણ ખાદી વિચાર આધારીત પ્રવૃતિ ચાલતી નથી. રાજકોટનાં સિમાડે આવેલા પુ. કસ્તુરબા ધામ આશ્રમમાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. તેમાં કોઈ જઈ શકતું નથી.

નજીકનાં ત્રિવેણી નદી સંગમ સ્થળે લોકો જાય છે. કસ્તુરબાધામ આશ્રમમાં ભાગ્યે જ કોઈ મુલાકાતી આવે છે. રૂ.2 કરોડનું મંદિર અહીં બનવાનું કામ શરૂ થયું હતું.

11 ફેબ્રુઆરી 1939માં રાજકોટ સત્યાગ્રહ માટે ગાંધીજી પાસે જવા માંગતા હતા. મણિબેન પટેલ સાથે જતાં હતા ત્યારે રાજકોટમાં પ્રવેશબંધી ફરમાવી અને ગિરફતાર કર્યા હતા. સણોસરા ગામમાં એક અવાવરા ઉતારામાં નજરકેદ કરવામાં આવ્યા. મણિબેન અને કસ્તુરબાને અલગ કરી દેવાયા. કસ્તુરબાને ત્રંબા ગામ ખાતે ધર્મેન્દ્ર-નિવાસમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. સાથે રહેવા મણિબેન ઉપવાસ પર ઊતરતા પાછા બન્નેને સાથે રખાયા હતા.

27 ફેબ્રુઆરી 1939ના દિવસે ગાંધીજી રાજકોટ આવી, 3 માર્ચે રાષ્ટ્રીયશાળામાં ઉપવાસ કર્યા હતા.
11 ફેબ્રુઆરીથી નજરકેદમાં રખાયેલાં કસ્તૂરબા અને મણિબેનને આખરે 6 માર્ચનાં રોજ રાજકોટ રાજ્યએ છોડી મૂક્યા હતા. 7 માર્ચનાં રોજ ગાંધીજીએ પારણાં કર્યા.

શું છે એ ઇતિહાસ
રાજકોટના ઈતિહાસમાં 26 જાન્યુઆરી 1939ના દિવસે પ્રજા પર દમન સામેનાં સત્યાગ્રહનો પ્રારંભ થયો હતો. રાજકોટના રાજાના અત્યાચારનાં વિરોધમાં પ્રજાકીય ચળવળ શરૂ થઈ હતી. અહિંસક સેનાનીઓ ઉપર લાઠીમાર થયો હતો. ધરપકડો થઈ હતી. પોતે બિમાર હોવા છતાં, સત્યની લડત માટે વર્ધાથી કસ્તુરબા રાજકોટ દોડી આવ્યા હતાં. તેમની સાથે સરદાર પટેલના પુત્રી મણીબેન પણ આવ્યા હતાં. તેઓને સૌ પ્રથમ સરધારની જેલમાં અને ત્યાર પછી ત્રંબા ખાતે નજરકેદ રાખવામાં આવ્યા હતાં.

આઝાદીના ઈતિહાસના તારા જેવા ખાદી વિચારને વરેલા ઉછરંગરાય ઢેબરને રાજકોટ ભૂલ્યું નથી. પણ મણિબેન અને કસ્તુરબાને રાજકોટ ભૂલી ગયું છે.

ઈ.સ.1930માં રાજા લાખાજી રાજના મોત પછી. તેમના પુત્ર ધર્મેન્દ્ર ગાદીએ આવ્યો હતો. રાજયનો મનસ્વી રીતે વહીવટ કરી રહ્યાં હતાં. દાણાપીઠનું મકાન વેંચવા કાઢયું હતું. પાવર હાઉસ ગિરો મુકવાવા માંગતા હતા. કાર્નિવલ નામની કંપનીને જન્માષ્ટમીમાં જુગાર રમાડવાનો પરવાનો આપ્યો હતો. ત્યારથી આખા સૌરાષ્ટ્રમાં જુગાર આજે પણ વધેલો જોવા મળે છે.

તેની સામે જન આંદોલન થયું. જુગારધામ બંધ કરવા જાહેર આંદોલન થયું. ધર્મેન્દ્રની પોલીસે લાઠી માર કરી સભા બંધ કરાવી હતી. અંગ્રેજોની એજન્સીનો સાથ રાજાએ પ્રજા પર દમન કરવા લીધો હતો. અત્યારચની ઘટનાના પડઘા મુંબઈ સુધી પડયા હતાં. 18 ઓગષ્ટ 1938માં મુંબઈમાં સરદાર પટેલે જાહેર સભામાં રાજકોટના વહીવટની ટીકા કરી રાજા સામે લડતને આહવાન આપ્યું હતું.

ઉછરંગરાય ઢેબર
ધર્મેન્દ્ર સામે લડવા સત્યાગ્રહીઓએ સભા, સરઘસ, કૂચ કરી હતી. ઉછરંગરાય ઢેબર સહિતના નેતાઓની ધરપકડ કરી હતી. હલેન્ડા ગામ સુધી 37 કિ.મી. સુધી પગવાળા કૂચ થઈ હતી. સ્ત્રીઓ જોડાઈ હતી. તેના પર જુલમની વાતો સાંભળીને કસ્તુરબા રાજકોટ આવ્યા હતા. પછી સરદાર અને ગાંધીજી પણ આવ્યા હતા.

રાજકોટના રાજાનો અત્યાચાર
રાજકોટ રાજાએ 1558 સત્યાગ્રહીની ધરપકડ કરી હતી. દેશી રાજયોને નાણાં ધીરનાર દુર્ગાપ્રસાદ દેસાઈ અને ભાવનગરના દિવાન અનંતરાય પટ્ટણીની દરમિયાનગીરીથી સરદાર પટેલ સમાધાન માટે રાજકોટ આવ્યા. 26 જાન્યુઆરી 1939થી રાજકોટ સત્યાગ્રહનો ફરીથી પ્રારંભ થયો હતો. હડતાલ થઈ. સત્યાગ્રહને દાબી દેવા માટે રાજકોટ રાજાએ ફરીથી આકરા પગલાં લીધા હતા.

ધરપકડ, ઝાડીમાં ફેંકી દેવાયા, લોકોના કપડા ઉતારી લેવાયા હતા. આ બનાવોથી વ્યથિત થઈને વર્ધાથી કસ્તુરબા ગાંધી રાજકોટ આવ્યા તો તેમને પ્રવેશ બંધી રાજાએ કરી અને જેલમાં મોકલી દીધા હતા. આ એજ રાજાઓ હતા જે ગાયકવાડ અને મરાઠા રાજાઓને દર વર્ષે ખંડણી ચૂકવતાં હતા.

ગાંધીજી દોડી આવ્યા
રાજકોટ રાજાનો અંધેરવહીવટ જોઈ, ગાંધીજી રાજકોટ આવ્યા. રાજયના નિમંત્રણનો અસ્વીકાર કર્યો. ગાંધીજીએ રાષ્ટ્રીય શાળામાં પાંચ દિવસના ઉપવાસ કર્યા. સમાધાન માટે હિંદના વડા ન્યાયધીશ સર મોરીસ ગ્વાપરના ચુકાદાને સ્વીકારવાનું નક્કી થયું. તેમણે સમાધાન સમિતિના સભ્યો માટે સરદાર પટેલને હવાલો સોંપ્યો. મંત્રણાઓ પડી ભાંગતા 16 એપ્રિલની સાંજે 500થી 600 ગિરાસદારો ખુલ્લી તલવારો સાથે સરઘસ કાઢી રાષ્ટ્રીયશાળાએ પહોંચ્યા હતા.

ગાંધીજીની હત્યાનો પ્રયાસ
ગાંધીજી ઉપર સાંય પ્રાર્થના સમયે હૂમલો કરવાની યોજના હતી. પરંતુ ગિરાસદાર એસોસોસીએશનના પ્રમુખ હરિસિંહજી ગોહિલે ગાંધીજીને ટેકો આપી મોટરમાં યજમાન નાનાલાલ જસાણીના ઘેર મોકલ્યા હતા. તેમની હત્યા કરવાનો વિચાર અંગ્રેજોને ન આવ્યો પણ રાજકોટના ગરાસદારોને આવ્યો હતો.

ગાંધીને હરાવ્યા
જે અંગ્રેજ સામે ન હાર્યા તે આપણા રાજા સામે હાર્યા હતા. ગાંધીજીના પિતા રાજકોટ રાજાના દિવાન હતા. ગાંધીજી પોતે રાજકોટમાં કબા ગાંધી ડેલામાં રહેતાં હતા. 24 એપ્રુલ 1939ના વ્યથિત મને ગાંધીજીએ રાજકોટ છોડવાનો નિર્ણય કર્યો. ગાંધીજીએ જાહેર કર્યું હતું કે, હું હાર્યો છું. તેમ કહી રાજકોટ છોડી દીધું હતું. અંગ્રેજોને સરમાવે એવા અત્યાચારો રાજરકોટના રાજાએ કર્યાં હતા.

આ ઇતિહાસને ત્રંબા ગામ અને રાજકોટના લોકો ભૂલી ગયા છે.
એ સમય હતો લોકો લડતાં હતા, હવે લોકો લડવાનું ભૂલી ગયા છે. બધું જ સ્વિકારી લેવાની માનસિકતા બનાવી લીધી છે. નેતાઓને તેના મત અને મનીમાં રસ છે. નહીં કે રાજકોટના એ સૂરવીર સ્વતંત્ર સેનાનીઓમાં.

નેતાની બેદરકારી
રાજકોટના ધારાસભ્ય અને પ્રધાન જયેશ રાદડીયા ત્રંબામાં આવીને સત્કાર સમારંભ ગોઠવી શકે છે પણ કસ્તુરબાના સંસ્કાર સમી જેલને સાચવી શકતા નથી. રાજકોટ જીલ્લા પંચાયતના ભાજપના પ્રમુંખ ભુપત બોદર ગામમાં આવી ગયા છતાં કંઈ કરવા તૈયાન ન હતા. કસ્તુરબાધામ ત્રંબાના સરપંચ નીતીન રૈયાણી રહ્યાં છતા તેઓએ કોઈ ધ્યાન આપ્યું નહીં. મોહનધામ આશ્રમ વધી રહ્યો છે, તેના કલ્યાણ માટે રામકથા કરીને લાખોનું ભંડોળ એકઠું થઈ જાય છે, પણ કસ્તુરબાની કુરબાની ગુજરાતના લોકો અને સંતો ભૂલી ગયા છે. ધારાસભ્ય કુંવરજી બાવળિયા અહીં આઝાદીના અમૃત મહોત્વ માટે આવે છે, પણ આઝાદી અપાવવામાં જેનો ફાળો છે એવા કસ્તુરબાના વારસાને સાચવવાની દરકાર લેતા નથી. તેઓ તો પાકા કોંગ્રેસી રહ્યાં હતા.
ભાજપના પક્ષના નેતા વિનુ ઘવા, ભગવાન તળાવિયા, શિવલાલ રામાણી ગામમાં આહીને ભાષણ આપી જાય છે. પણ કસ્તુરબાને યાદ કરવાનું ટાળે છે.

ત્રંબા ગામ ખાતે લેઉવા પટેલ સમાજના યુવાનોને સ્વામી વિવેકાનંદના વિચારોથી પ્રભાવિત કરવા ધારાસભ્ય અરવિંદ રૈયાણી અહીં આવે છે. વિવેકાનંદને યાદ કરે છે પણ કસ્તુરબાની યાદ ભૂંસાઈ રહી છે તેની દરકાર કરતાં નથી. નેતાઓ સંજય ત્રાપસિયા , નિલેશ વિરાણી ,ચેતન પાણ , નિતિન રૈયાણી , મનુ ત્રાપસિયા , મહેશ આસોદરીયા , અજય મોલિયા સમાજને યાદ કરે છે. પણ જે સમાજને સૌથી ફાયદો આઝાદી પછી થયો છે તે સમાજ હવે સરદાર પટેલની પુત્રી મણિબેન અહીં જેલ ભોગવેલી તે ભૂલી ગયા છે. મણીબેનની જેલને અને તેમની કુરબાનીને ભૂલી ગયા છે.

વિકાસ કે વિનાશ
આ ગામમાં આંગણવાડી, પંચાયતઘર તેમજ પ્રાથમિક શાળા જેવી સુવિધાઓ આવેલી છે. કસ્તુરબા માનવ મંડળ મંદ બુદ્ધીના લોકો માટે આશ્રમ ચલાવે છે. કસ્તુરબાધામ હવે શિક્ષણધામ તરીકે પણ વિકસતું જાય છે. અહીં 4 ઇજનેરી કોલેજો, 2 એમ.બી.એ. કોલેજો અને 6 શાળાઓ આવેલી છે. આ ગામમાં 3 નદીઓનો સન્મવય થાય છે. નજીક એક વિશ્વ વિદ્યાલય બન્યું છે.

9 અને 10ની ઉતરબુનિયાદી શાળાના સંચાલકોને કસ્તુરબાની સ્મૃતિને જાળવવામાં રસ નથી.

કસ્તુરબા

કસ્તરબા કેવા હતા?
મહાત્મા ગાંધીનાં સહધર્મચારિણી, પ્રથમ મહિલા સત્યાગ્રહી અને કર્મયોગી કસ્તૂરબા ગાંધીએ, 22 ફેબ્રુઆરી 1944માં રોજ પૂનાની આગાખાન મહેલ જેલમાં, ગાંઘીજીના ખોળામાં અંતિમ શ્વાસ લીધાં હતાં. કસ્તૂરબા નિરક્ષર રહ્યાં. કસ્તૂરબામાં સ્વતંત્ર વિચારશકિત નાનપણી જ ખીલેલી હતી. સત્યનાં આગ્રહી હતા. કસ્તુર કાપડિયાનો જન્મ પોરબંદર ના ગોકુલદાસ અને વૃજકુંવરબા કાપડિયાના ઘરે 1869માં થયો હતો. મહાશિવરાત્રીએ 22 ફેબ્રુઆરી, 1944ના દિવસે પુણેના આગાખાન મહેલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

રાજકોટ વતન હોવાથી કસ્તૂરબા પોતાને રાજકોટના દિકરી માનતા. રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા 13 વર્ષનાં મોહનદાસ કરમચંદ ગાંધી સાથે 14 વર્ષનાં કસ્તૂરબાનાં લગ્ન 1882માં થયા હતા.
ક.બા. ગાંધીનાં ડેલા તરીકે ઓળખાતા મકાનમાં કરમચંદ ગાંધીનાં વસ્તારી પરિવારનો વસવાટ હતો.

1888 વકીલાતના અભ્યાસ માટે ગાંધીજી ઈંગ્લેન્ડ ગયા હતા. કસ્તૂરબાએ પોતાનાં તમામ દાગીના ગાંધીજીને આપી દીધા હતા. દાગીનાના 3 હજાર રૂપિયા ઊપજ્યાં હતા.

22 ફેબ્રુઆરી 1944માં મહારાષ્ટ્રના પૂનાની આગાખાન મહેલ જેલમાં મોડી સાંજે સાત અને પાંત્રીસ વાગે ગાંધીજીના ખોળામાં કસ્તૂરબાએ અંતિમ શ્વાસ લીધાં. ત્યાં ઊભેલા એમના પુત્ર દેવદાસભાઈ ગાંધી પોકેપોકે રડવા લાગ્યા. ગાંધીજીની આંખમાંથી આંસુ સરી પડ્યાં.

23મીએ મહાદેવભાઈ દેસાઈની સમાધી પાસે જ કસ્તૂરબાનાં શરીરને ચિતા પર અંતિમ સંસ્કાર કર્યા. ગાંધીજીએ સર્વધર્મ પ્રાર્થના કરી. દેવદાસભાઈએ અગ્નિદાહ આપ્યો. સાંજે ચાર વાગ્યા સુધી ગાંધીજી ચિતા પાસે જ બેસી રહ્યા.