Fake judges, fake courts in Gujarat गुजरात में फर्जी जज, फर्जी अदालत
28 ઑક્ટોબર 2024
ગાંધીનગરમાં ‘નકલી કોર્ટ’ ચલાવનાર ‘નકલી જજ’ મોરિસ ક્રિશ્ચિયનની ધરપકડ બાદ પોલીસ તપાસમાં નિતનવા ખુલાસા થઈ રહ્યા છે. મોરિસે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ બીજાં રાજ્યોના જમીનકેસમાં નકલી ચુકાદા આપ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
એટલું જ નહીં મોરિસ ક્રિશ્ચિયને લવાદનો કાયદો અમલમાં આવ્યો તે પહેલાંના સમયગાળાના કેસમાં પણ ચુકાદો આપ્યો હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદ થઈ છે.
મળતી મહિતી મુજબ, ભાવનગરસ્થિત ઉદ્યોગપતિએ આ ફરિયાદ દાખલ કરાવી છે.
મોરિસ વિરુદ્ધ તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓ પાસે નકલી ઑર્ડરનો ભોગ બનેલા લોકો પહોંચી રહ્યા છે. હાલમાં કેસની તપાસ અમદાવાદની કારંજ પોલીસ સ્ટેશન દ્વારા કરાઈ રહી છે.
કારંજ પોલીસ સ્ટેશનના ઇન્સ્પૅક્ટર પરાગ ચૌધરી બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે, ”અમે કલોલસ્થિત મોરિસ ક્રિશ્ચિયનના ઘરે રેડ કરી છે, જે દરમિયાન સંખ્યાબંધ દસ્તાવેજી પુરાવા મળ્યા છે, જેના આધારે તપાસ ચાલી રહી છે.”
”મોરિસના જૂના વકીલની શોધખોળ ચાલુ છે. અમે તેના સંપર્કોની તપાસ કરી રહ્યા છીએ, જેથી તેની મૉડસ ઑપરેન્ડી વિશે માહિતી મેળવી શકાય. મોરિસ વિવાદિત જમીનના કેસ શોધીને લોકોને છેતરતો હતો. રિમાન્ડ પૂરા થશે ત્યાર સુધીમાં અમે જરૂરી પુરાવા એકત્રિત કરી લઈશું.”
ગાંધીનગરમાં ‘નકલી જજ’ નવ વર્ષથી ‘નકલી કોર્ટ’ કેવી રીતે ચલાવતો હતો?
કરોડો રૂપિયાની જમીન આપી દેવાનો ઑર્ડર કર્યો
ઇમેજ કૅપ્શન,2019માં મોરિસ ક્રિશ્ચિયને અમદાવાદ મહાનગરપાલિકાને હુકમ કર્યો હતો કે પાંચ પ્લૉટ નવરંગપુરા વિસ્તારમાં રહેતા વિન્સૅન્ટ ઑલિવર કાર્પેન્ટરના નામે કરી નાખવામાં આવે
નકલી જજ બનીને મોરિસ ક્રિશ્ચિયને કેટલાક એવા મનસ્વી ચુકાદા આપ્યા હતા કે જેના કારણે વહીવટીતંત્ર પણ ચકરાવે ચઢી ગયું હતું.
સાલ 2019માં મોરિસ ક્રિશ્ચિયને અમદાવાદ મહાનગરપાલિકાને હુકમ કર્યો હતો કે પાંચ પ્લૉટ નવરંગપુરા વિસ્તારમાં રહેતા વિન્સૅન્ટ ઑલિવર કાર્પેન્ટરના નામે કરી નાખવામાં આવે.
જ્યારે આ કેસનું હિયરિંગ શરૂ થયું, ત્યારે બહાર આવ્યું કે પાંચમાંથી ત્રણ પ્લૉટનું અસ્તિત્વ જ નથી અને બે પ્લૉટ છેક વર્ષ 1973માં સંપાદિત કરવામાં આવ્યા હતા.
આ વિશે વાત કરતા અમદાવાદ લીગલ કમિટીના ચૅરમૅન પ્રકાશ ગુર્જર કહે છે, ”સામાન્ય રીતે અમદાવાદ મહાનગરપાલિકાની જમીન પર લોકો દબાણ કરતાં હોય છે, પરંતુ મ્યુનિસિપલ કૉર્પોરેશનની કોઈની જમીન પર ગેરકાયદે કબજો કેવી રીતે કરી શકે?”
”જ્યારે મેં કેસની તપાસ કરી તો ચુકાદામાં સિફતપૂર્વક લખવામાં આવ્યું હતું કે, મોહમ્મદ કાદરઅલી સૈયદે આ જમીનની પાવર ઑફ ઍટર્ની વિન્સૅન્ટ કાર્પેન્ટરના નામે કરી છે.”
”જમીનસંપાદન બાદ સાલ 1989 સુધી આ જગ્યા પર કોઈ કામ થયું ન હોવાથી આ જમીન પરત આપવામાં આવે. સરકારી ચોપડે મહાનગરપાલિકાનું નામ હટાવી વિન્સૅન્ટ કાર્પેન્ટરનું નામ દાખલ કરવામાં આવે.”
ઇમેજ કૅપ્શન,મોરિસ ક્રિશ્ચિયને અત્યાર સુધી અનેક ખોટા ચુકાદા આપ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે
”અમે આ ચુકાદાને સિવિલ કોર્ટમાં પડકાર્યો હતો. સિવિલ કોર્ટે મોરિસ ક્રિશ્ચિયન સામે વધુ એક કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે અને કથિત અરજદાર વિન્સૅન્ટ કાર્પેન્ટરને 50 હજારનો દંડ ફટકાર્યો છે.”
આવી જ રીતે ભાવનગરની જલદીપ મિનરલ્સ વિરુદ્ધની એક અરજીમાં વિચિત્ર ચુકાદો આપ્યો હતો. ચુકાદામાં મોરિસ ક્રિશ્ચિયને કંપનીના માલિકોને જણાવ્યું હતું કે સાલ 1996થી 2024 સુધી કંપનીએ જેટલો નફો કર્યો છે, તેનો 40 ટકા ભાગ અરજદારને આપવામાં આવે.
કેસની વિગત પ્રમાણે મુંબઈના ઘાટકોપર વૅસ્ટમાં રહેતાં 69 વર્ષીય ઉષાબહેન પંડિતે મોરિસ ક્રિશ્ચિયનની આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલમાં અરજી કરી હતી કે 1977માં તેમનાં માતા વિજયાબહેને ભાવનગરની જલદીપ મિનરલ્સમાં 40 ટકાની ભાગીદારી કરી હતી.
ઉષાબહેને આક્ષેપ કર્યો હતો કે કંપનીએ ભાગીદાર તરીકે તેમને કોઈ હક્ક આપ્યા નથી.
આ અરજીના આધારે મોરિસ ક્રિશ્ચિયને 29 જુલાઈ 2024ના દિવસે એકતરફી ચુકાદો આપતા કહ્યું કે જલદીપ મિનરલ્સના માલિકોએ 1996થી 2024 સુધી જે નફો થયો તેનો 40 ટકા ભાગ ઉષાબહેન પંડિતને આપવો.
કથિત આર્બિટ્રેશન મારફત મોરિસના ચુકાદાના આધારે ઉષાબહેન પંડિતે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરી, એમને આર્બિટ્રેટરના ચુકાદા મુજબ પૈસા મળે એવી અરજી સાત ઑગસ્ટે કરી હતી.
જલદીપ મિનરલ્સના માલિક નયન ભાલાણીને જાણ થતા એમણે ગુજરાત હાઈકોર્ટમાં આ આર્બિટ્રેટરનો ચુકાદો એકતરફી હોવાની અરજી કરી હતી.
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એમનો પક્ષ જાણ્યા બાદ આ કેસમાં નિર્ણય કરવામાં આવે, પણ ગુજરાત હાઈકોર્ટમાં આ કેસ શરૂ થાય એ પહેલાં મોરિસ ક્રિશ્ચિયનની ધરપકડ થઈ ગઈ હતી.
જલદીપ મિનરલ્સના વકીલ હરેશ સાગઠિયાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, ”અમે આ એકતરફી ચુકાદો જોઈને ચોંકી ગયા હતા. અમને માત્ર 10 પાનાંનો ચુકાદો જ મળ્યો હતો. છેતરપિંડી જે ગુનામાં ક્રિમિનલ કેસ થાય, એવામાં સિવિલ કોર્ટના આર્બિટ્રેટર કેવી રીતે ચુકાદો આપે?”
”એટલું જ નહીં ડૉ. મોરિસે ઍડ્રેસમાં સોલ આર્બિટ્રેટર, આર્બિટ્રેશન ટ્રિબ્યૂનલ ગાંધીનગર લખ્યું હતું. એમાં ક્યાંય ઑફિસનું સરનામું નહોતું. અમે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી, ત્યાં અમને ખબર પડી કે મોરિસ ક્રિશ્ચિયન નકલી જજ બનીને ખોટા એકતરફી ચુકાદા આપે છે.”
કોણ છે મોરિસ ક્રિશ્ચિયન?
નકલી જજ તરીકે ચુકાદો આપનાર મોરિસ ક્રિશ્ચિયન 2018 સુધી સૉલ આર્બિટ્રેટર તરીકેની ઓળખ આપતા હતા. 2024થી મોરિસ પોતાના નામની આગળ ‘ડૉ.’ લખે છે.
અમદાવાદ પોલીસ અનુસાર મોરિસ ઘરનું ઍડ્રેસ વાવોલ ગાંધીનગર આપ્યું હતું પણ એ કલોલ રહે છે.
મોરિસની ધરપકડ થઈ તેમના થોડા દિવસ બાદ તેમનાં માતાનું મૃત્યુ થયું હતું. દફનવિધિમાં બીબીસીએ જ્યારે તેની સાથે વાત કરવાની કોશિશ કરી તો તેને બહુ ધીમા અવાજે કહ્યું:
”આઈ એમ નૉટ ગિલ્ટી ઍન્ડ આઈ વિલ બી બૅક ઇન 10 ઑર 15 મન્થ્સ (હું ગુનેગાર નથી અને દસ કે પંદર મહિનામાં જેલમાંથી બહાર આવી જઈશ).”
મોરિસનાં માતાની કેરટૅકર ઊર્મિલા મૅકવાન સાથે બીબીસીએ વાત કરી હતી. તેમણે જણાવ્યું, ”હું છેલ્લાં બે વર્ષથી મોરિસનાં માતાનાં કેરટૅકર તરીકે કામ કરતી હતી. મોટા ભાગે મોરિસના ડ્રાઇવર અહીં આવતા હતા.”
”મોરિસ કલોલમાં કોઈ મકાનમાં રહેતા હતા તથા એમનાં માતા સાબરમતીમાં ભાડાના મકાનમાં રહેતાં હતાં. મોરિસ અથવા તેમના ડ્રાઇવર ક્યારેક આવતા અને સૂટકેસ મૂકીને જતા રહેતા.”
સાબરમતી વિસ્તારના ખ્રિસ્તી આગેવાન ડૅવિડ ફર્નાન્ડીઝે કહ્યું, ”મોરિસના પિતા સૅમ્યુઅલ રેલવેમાં વર્ગ-ચારમાં કામ કરતા હતા. તેમના પિતા રાજસ્થાની હતા અને માતા ગોવાનાં હતાં. મોરિસ એમનો દત્તક લીધેલો દીકરો હતો, પણ તેને સગા દીકરાની જેમ રાખ્યો હતો. મોરિસ અહીંની રેલવે ક્વાર્ટરમાં મોટો થયો છે.”
”એ પ્રાર્થના કરવા માટે મણિનગરની ચર્ચમાં જતો હતો. ત્યાંની ચર્ચમાં ખ્રિસ્તી કૉમ્યુનિટીના વકીલો, વ્યાપારીઓ અને સરકારી કર્મચારીઓ આવતાં હોય છે. પોતાના કામ માટે મોરિસ ક્યારેક તેમની મદદ પણ લેતો હતો.”