10 વર્ષમાં એક ગાયથી 110 ગાયોનું ધણ બનાવ્યું, સરકાર કેટલી સહાય આપશે

From 10 cows to 110 cows in 10 years, how much will the government provide?

ગુજરાતના અંદાજપત્રમાં એક નવી પહેલના રૂપમાં ગાય પાળીને ગાય આધારિત ખેતી કરનારાઓને એક ગાય દીઠ નિભાવ ખર્ચ પેટે માસિક રૂ.૯૦૦ અને વાર્ષિક રૂ.૧૦,૮૦૦ ની સહાય આપવાની યોજના જાહેર કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના બાવળીયા ગામના ખેડૂત અને પશુપાલક વનરાજસિંહ દેશી ઓલાદની ગાયોનું પાલન કરે છે અને ખેતીમાં ગાય નું ગોબર અને ગૌમૂત્ર વાપરીને લગભગ પ્રાકૃતિક ખેતી કરે છે .તેમણે ૨૦૦૮માં એક ગાય થી શરૂઆત કરી હતી અને આજે એમની પાસે દેશી, ગીર ઓલાદની ૧૧૦ જેટલી ગાયો છે. એમની ખેતી અને એમની ગાયો એટલે કે એમની ખેતી અને એમનું પશુપાલન એક બીજાના પૂરક બની ગયા છે.

એમણે આનંદની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ યોજનાથી દેશી ગાયોનું પશુપાલન વધશે. એમનું સૂત્ર છે કે જે પાળે ગાય એની ગરીબી જાય. એમનું એવું પણ કહેવું છે કે આ યોજના માત્ર દેશી ગાયોની છે એટલે ભારતીય નસલની ગાયોનું પશુપાલન પ્રોત્સાહિત થશે.

વનરાજસિંહ કહે છે કે, ગૌપાલન અને ગાય આધારિત ખેતી અઘરી અને ખાસ વળતર આપનારી નથી એ માન્યતા ભ્રામક છે. હું ગાયોના દૂધ – ઘીની આવક મેળવું છે અને ખેતીમાં ખાતર અને જંતુનાશક તરીકે ગૌમૂત્ર અને ગોબર વાપરીને લગભગ શુદ્ધ-પ્રાકૃતિક ખેતી કરું છું.

ગૌમૂત્ર અને ગોબરમાંથી હું ઘન અને પ્રવાહી જીવામૃત બનાવું છે જે ખૂબ સારા ખાતરનું કામ કરે છે.એને ગૌમૂત્રમાં આંકડો, લીમડો, ધતૂરો જેવી કડવી વનસ્પતિઓ ભેળવી પ્રવાહી જીવામૃત બનાવું છું જે અસરકારક જીવાત નિયંત્રણમાં ઉપયોગી છે. મને લાગે છે કે ગાય આધારિત ખેતી એ ખર્ચ વગરની ખેતી છે. મારી ખેતીમાંથી ઘાસ ચારો મળે છે જે ગૌપાલનમાં ઉપયોગી છે તો ગાયોનું ગોબર અને મૂત્ર, ખાતર અને જંતુનાશક દવાઓનો ખર્ચ ઘટાડે છે.

તેઓ કહે છે કે ગાય ગુણોનો ભંડાર છે એના ઘી-દૂધથી આરોગ્ય સચવાઇ છે અને ગૌમૂત્ર અને ગોબરથી જમીન સચવાય છે. હાલમાં તેમની ત્રીસ જેટલી ગાયો દૈનિક ૧૫૦ લીટર જેટલું દૂધ આપે છે. તેમની ગૌશાળાના સાત્વિક દૂધના ગ્રાહકો વડોદરામાં છે અને તેઓ તેમને નિયમિત ઘેર બેઠા ગૌદૂધ પહોંચાડે છે. એમની પંચગવ્યો આધારિત ખેતીના ઉત્પાદનો બજાર ભાવ કરતાં ઊંચી કિંમતે વેચાય છે. ગુજરાતના રાજયપાલશ્રી કુદરતી ખેતી અને ગૌપાલનના હિમાયતી છે. તાજેતરમાં તેમના હસ્તે વનરાજસિંહનું ગૌપાલક કૃષિકાર તરીકે સન્માન થયું હતું એ વાત ઉલ્લેખનીય છે.