પ્રો. હેમંતકુમાર શાહ
એપ્રિલ-જુન, ૨૦૨૦ના સમયગાળા માટે જીડીપીનો વૃદ્ધિ દર નકારાત્મક રહ્યો છે. એટલે કે વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનમાં ૨૩.૯ ટકાનો ઘટાડો થયો છે. આનો અર્થ શું છે તે સમજીએ:
1. જીડીપી એટલે દેશની આવક. તેમાં જે ઘટાડો થયો તે ગયા વર્ષમાં આ જ ત્રણ મહિના દરમ્યાન જે જીડીપી હતી તેની તુલનાએ થયો છે.
લેખક દ્વારા: ગુજરાત સરકારની ઔદ્યોગિક નીતિ વિશે કેટલાક અગત્યના મુદ્દા
2. આ ત્રણ મહિનમાં બે મહિના સંપૂર્ણ લોકડાઉનના હતા, અને એક જુન મહિનો થોડા ઓછા લોકડાઉનનો હતો. વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન બે મહિના તો સાવ બંધ જ થઇ ગયું હતું એટલે આટલો બધો ઘટાડો નોંધાયો છે.
3. દેશની જીડીપીમાં કંઈ પહેલી વાર ઘટાડો થયો છે એવું નથી. અગાઉ ૧૯૫૭-૫૮માં ૧.૮, ૧૯૬૫-૬૬માં ૪.૫, ૧૯૭૨-૭૩માં ૦.૮ અને ૧૯૭૯-૮૦માં ૬.૦ ટકાનો ઘટાડો આગલા વર્ષની તુલનાએ રહ્યો હતો જ.
4. ગયા વર્ષના આ જ ત્રણ મહિનામાં જીડીપી માત્ર ૫.૨ ટકાના દરે વધી હતી. આ દર નીચો જ હતો. હવે એની તુલનાએ આ વખતે ૨૩.૯ ટકા જેટલો ઘટાડો થયો એ બહુ મોટો છે. ઘટેલા વૃદ્ધિ દરથી જીડીપીમાં જોરદાર ઘટાડો થયો છે.
લેખક દ્વારા: સંસદ અને વિધાનસભાઓ ચાલુ કરો: સરકાર પાસે બુદ્ધિનો ઈજારો નથી
5. યાદ રહે કે જાન્યુઆરી-માર્ચ, ૨૦૧૮માં જીડીપીનો વૃદ્ધિ દર ૮.૨ ટકા જેટલો ઊંચો હતો અને પછી તે લગભગ સતત ઘટતો ગયો હતો અને જાન્યુઆરી-માર્ચ, ૨૦૨૦માં તો તે ૩.૧ ટકા થઈ ગયો હતો. માર્ચમાં લોકડાઉનનું તો એક જ સપ્તાહ હતું. તેમ છતાં વૃદ્ધિ દર બહુ નીચો હતો. એટલે કોરોનાને માથે આખું ઠીકરું ના ફોડાય અને એને Act of God (ઈશ્વરી કૃત્ય) ના કહેવાય. દેશનું અર્થતંત્ર કોરોના આવ્યો તે પહેલાં જ સાવ તળિયે બેસવાની તૈયારી કરી ચૂક્યું હતું. એને માટે ભગવાને મોકલેલો કોરોના નહિ પણ મોદી સરકાર જવાબદાર હતી.
6. હવે જો જુલાઈ – સપ્ટેમ્બરમાં થોડો ઘણો સુધારો વર્તાય તો પણ જીડીપી ગયા વર્ષના આ જ ત્રણ મહિનાની તુલનાએ ઘટશે એ નક્કી છે.
7. આમ, વર્ષના છ મહિના ઉત્પાદનના મોટા ઘટાડા સાથે જાય તો આખા વર્ષનો જીડીપીનો વૃદ્ધિ દર નકારાત્મક જ આવશે. એમ લાગે છે કે એ મોટે ભાગે સાત ટકા કે તેથી વધુ દરે ઘટશે, અને તે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી વધારે હશે! એને અચ્છે દિન કહેવાય?
લેખક દ્વારા: વિશ્વ ગુરુ ભારત અને નવી શિક્ષણ નીતિ
8. સવાલ એ છે કે હવે ઉત્પાદન કેવી રીતે વધારવું. સરકાર બજેટમાં ખાધ વધારે અને અસંગઠિત ક્ષેત્રના ગરીબોની આવક વધે એ માટે ખર્ચ કરે તો જ જીડીપી ઝડપથી વધી શકે. આ ખર્ચ શિક્ષણ, આરોગ્ય અને નરેગા માટે ખાસ થવું જોઈએ.
9. જીડીપી વધે એ જેટલું મહત્ત્વનું છે તેટલું જ, કદાચ તેનાથી વધારે મહત્ત્વનું એ છે કે દેશમાં વધેલી જીડીપી એટલે કે વધેલી આવક દેશના કયા લોકોના ખિસ્સામાં કેટલી જાય છે.
10. અર્થશાસ્ત્રીઓ ક્યારનાય કહેતા રહ્યા છે અને રિઝર્વ બેંક પણ હવે તો કહે છે કે સરકાર ખર્ચ વધારે. પણ મોદી સરકાર માનતી નથી. તો એ કંઈ ઈશ્વરીય કૃત્ય ના કહેવાય, મોદી સરકારનું કૃત્ય પણ કહેવાય. જો માન્યું હોત તો ગરીબોને વધુ સહાય મળત અને જુન મહિનામાં ઉત્પાદન વધારે વધત તો આટલો મોટો ખાડો ના થાત.