કર્ણાવતી ક્લબ ફરી વિવાદમાં આવી છે. રાત્રે ક્લબના એક સભ્ય ઋત્વિક ઠક્કર પરિવાર સાથે ક્લબની રેસ્ટોરાંમાં જમવા માટે ગયા હતા. ત્યારે ભોજનમાંથી વંદો નીકળતા પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો. ઠક્કર પરિવારે રેસ્ટોરાંના રસોડામાં તપાસ કરી તો ત્યાં મરેલો ઉંદર તેમજ ગંદકી જોવા મળ્યા હતા. પરિવારે આ ઘટનાનો વીડિયો ઉતારી ફરતો કર્યો હતો. મામલો દબાવવા ક્લબ તરફથી ઠક્કર પરિવાર પર દબાણ કરાઈ રહ્યું છે.
એક તરફ કોરોના વાઈરસના જોખમને ધ્યાનમાં રાખી સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. ત્યારે બીજી તરફ ક્લબમાં બનેલી આ ઘટના લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. ક્લબની રેસ્ટોરાં આખી રાત ચાલુ રહેતી હોય છે. ક્લબનું મેમ્બર ઠક્કર પરિવાર શનિવાર રાત્રે 2.30 વાગે રેસ્ટોરામાં જમવા ગયું હતું. આ સમયે ઠક્કર પરિવારના જમવાની ડિશમાં વંદો નીકળતા વિવાદ થયો હતો.
વધારામાં ક્લબના સભ્યો માટે તૈયાર કરવામાં આવેલી વાનગીઓ જ્યાં મૂકવામાં આવી હતી તેની નજીક મરેલો ઉંદર પણ પડ્યો હતો. ક્લબની મેનેજમેન્ટ કમિટીએ વિવાદને દાબી દેવાનો પ્રયાસ કર્યો છે. તપાસ કરવાને બદલે ક્લબના એક ઉચ્ચ અધિકારીએ ઠક્કર પરિવારને ક્લબના ફોન કરી દબાણ લાવતા હોવાનો આક્ષેપ છે.