વિશ્વવ્યાપી કોરોના વાયરસ કોવિડ-19ની સ્થિતીને કારણે પ્રવર્તમાન લોકડાઉનની પરિસ્થિતીમાં રાજ્યના NFSA લાભાર્થી એવા અંત્યોદય અને અગ્રતા ધરાવતા PHH પરિવારો મળી ૬૫.૪૦ લાખ તેમજ જેમનો NFSAમાં સમાવેશ થયો નથી તેવા ૩.૪૦ લાખ BPL પરિવારો મળીને કુલ ૬૮.૮૦ લાખ ગરીબ પરિવારોને સતત બીજીવાર મે મહિના માટે પણ વિનામૂલ્યે અનાજ વિતરણનો આવતીકાલ તા. ૧૭મી મે રવિવારથી પ્રારંભ કરવામાં આવશે. અમદાવાદ શહેર સિવાય તમામ જિલ્લાઓ, ગામડાઓ અને નગરોમાં આ વિતરણ શરૂ થશે.
અમદાવાદ શહેરમાં આવા લાભાર્થીઓને અનાજ વિતરણની તારીખો હવે પછી એટલે કે APL-1 કાર્ડધારકોને તા.૧૮ થી ર૩ મે દરમ્યાન થનારા અનાજ વિતરણ પછી જાહેર કરવામાં આવશે. એવો ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે. વિતરણ વ્યવસ્થા અમદાવાદ શહેર સિવાય સમગ્ર રાજ્યમાં ૧૭થી ર૭ મે દરમ્યાન ચાલુ રહેશે.
રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારા અંતર્ગત સમાવિષ્ટ કરાયેલા અને અગ્રતા ધરાવતા PHH પરિવારો એમ ૬૫.૪૦ લાખ કાર્ડધારક પરિવારો અને એવા અંત્યોદય BPL પરિવારો જે NFSAમાં નોંધાયેલા નથી તેવા ૩.૪૦ લાખ એમ ૬૮.૮૦ લાખ પરિવારોની અંદાજે ૩ કરોડ ૩૬ લાખ જનસંખ્યાને આ વિતરણ અન્વયે રાજ્ય સરકાર દ્વારા ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને મીઠું નિ:શૂલ્ક અપાશે.
ગરીબ કલ્યાણ પેકેજ અન્વયે વધારાના ૩.પ૦ કિલો ઘઉં અને ૧.પ૦ કિલો ચોખા વ્યકિતદિઠ તથા ૧ કિલો ચણા દાળ પરિવારદિઠ આપવામાં આવશે. એટલે કે આ પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકારની આ અનાજ વિતરણ વ્યવસ્થાનો લાભ એક સાથે મળશે.