રાજયમાં ખાતર કૌભાંડને લઈને સરકારમાં બેઠેલા મંત્રીઓએ જીએસએફસી અને તેની સબસીડરી કમ્પની જીએટીએલ ના ટોચના અધિકારીઓ સાથે મળી કરોડો અબજો નહિ પણ ખર્વો નીખર્વોનું કૌભાંડ કર્યા બાદ જીએસએફસી અને સરકાર બન્ને સાથે મળી આ કૌભાંડમાં ઢાંકપિછોડ કરવા હવાતિયાં મારે છે જેમાં ખાતરમાં લૂંટાઈ ગયેલા ગરીબ ખેડૂતની હેરાનગતિ વધી રહી છે સરકાર દિવા જેવું દેખાઈ રહ્યું હોવા છતાં નક્કર પગલાં ભરવાને બદલે કૌભાંડ ઉપર પડદો કેમ પડે તેના પ્રયત્નો કરવામાં બુદ્ધિનું દેવાળું ફૂંકી રહી છે અને એમાં પાછો લાખો કરોડોનો ખર્ચ કરી રહી છે સરકારે સાફ નિયતથી જો તપાસ કરવા માંગતી હોય તો જીએટીએલ અને જીએસએફસીના સીઈઓ અને એમડીને હાલ પૂરતા ફરજ મોકૂફ કરી પહેલા એની પૂછપરછ થવી જોઈએ ટેક્નિકલ ભૂલ હોય તો કાચા માલનો સ્ટોક એટલો વધવો જોઈએ જે સામાન્ય બાબત છે એ પણ જીએસએફસી અને સરકારને નથી દેખાતું ગઇકાલની જીએસએફસી દ્વારા આપવામાં આવેલા જવાબ સામે કેટલાક સવાલો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઇ આંબલિયા એ કર્યા છે
જાહેર માધ્યમોને ગોળ ગોળ જવાબ આપી જાહેર માધ્યમોની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે
જીએસએફસીએ જો સાચી તપાસ કરી હોત તો ગુજરાતમાં જીએસએફસી અને જીએટીએલના ડેપો અને સહાકરી મંડળીઓ મળી કુલ કેટલા વિતરણ કેન્દ્રો છે દરેક વિતરણ કેન્દ્રમાં કેટલો સ્ટોક ઉપલબ્ધ છે અને તેમાં દરેક બોરીએ કેટલું વજન ઘટ આવ્યું છે તેની માહિતી જાહેર માધ્યમોને આપવાની જરૂર હતી પરંતુ અધૂરી તપાસ કરી ગોળ ગોળ જવાબો આપી જાહેર માધ્યમોની આંખમાં ધૂળ નાખવાનું કામ કર્યું છે
મેન્યુફેક્ચરિંગ એરર એ કૌભાંડથી બચવાનું ત્રાગુ છે
જીએસએફસીના અધિકારીઓના જણાવ્યા મૂજબ પ્લાન્ટમાં ઓટોમેટિક વ્યવસ્થા છે ત્યારે પ્રશ્ન એ છે કે ઓટોમેટિક વ્યવસ્થામા રોજનું જેટલું ઉત્પાદન હોય અને એ ઉત્પાદન મુજબ રો મટીરીયલ પણ ઉપડતું હોય જો ઓટોમેટિક વ્યવસ્થામાં દરેક બોરીએ ઓછું વજન જતું હોય તો એટલું રો મટીરીયલ પણ ઓછું જ ઊપડ્યું હશે અને રોજનો એટલો રો મટીરીયલનો સ્ટોક પણ વધ્યો હશે ત્યારે આ ભૂલ તો એક જ દિવસમાં પકડાઈ જાય એમ હતી તો વર્ષો સુધી આ ભૂલ કેમ ન પકડાઈ….??? એટલે ઓટોમેટિક એરર નહિ પણ ઓટોમેટિક વ્યવસ્થાને આગળ કરી કરેલા કૌભાંડને ઢાંકપિછોડ કરવાનું આ ષડયંત્ર છે
ખાલી ટ્રક અને ભરેલ ટ્રકનું વજન સરખાવવામાં આવ્યું હોત તો પણ ખબર પડી ગઈ હોત
જીએસએફસીના ગોડાઉનમાંથી જે તે વિતરણ ડેપોનો ટ્રક ભરવા આવે ત્યારે સામાન્ય રીતે ખાલી ટ્રકનું વજન કરવામાં આવે છે ટ્રકમાં ખાતરની બોરીઓ ભરાઈ ગયા બાદ પણ એનો વજન કરવામાં આવતો હોય છે ત્યારે ખાલી ટ્રક, ભરેલ ટ્રકના વજન સાથે કુલ કેટલી બોરીઓ ભરેલ છે તેના વજનનો હિસાબ કરવામાં આવે ત્યારે ઓટોમેટિક ખબર પડી જતી હોય છે કે આમાં ક્યાંક કંઈક ખામી છે પરંતુ આવી સામે આવેલી ભૂલો ત્યારે જ અવગણી શકાય જ્યારે ટોપ લેવલની વ્યક્તિ આ કૌભાંડમાં સામેલ હોય
1600000 લાખનું નહિ પણ હજારો કરોડોનું આ કૌભાંડ છે
જીએસએફસીના ટોચના અધિકારીઓ, જીએટીએલના ટોચના અધિકારીઓ અને સરકારમાં બેસેલા મંત્રીઓએ સાથે મળી એક ઋતુમાં જ અંદાજે 100 કરોડનું ખાતર ખાઈ ગયા છે
(100 કરોડ કેવી રીતે ગુજરાતમાં 50લાખ કરતા વધારે ખેડૂત નોંધાયેલા છે એક ખેડૂત એવરેજ 10 થેલી ખાતર લે દરેક થેલીએ 20 રૂપિયાનું ખાતર ઓછું આવ્યું એ મુજબ 50,00,000×10×20= 100 કરોડ) 2015 થી તો તપાસમાં ખુલ્યું છે દરેક વર્ષે 2 ઋતુ ગણીએ તો 5 વર્ષની 10 ઋતુમાં 1000 કરોડનું કૌભાંડ તો ગુજરાત જ થયું છે ત્યારે ભારતભરમાં કેવડું કૌભાંડ હશે અંદાજ કરવો અઘરો છે
તપાસમાં ઘરના ભુવા ને ઘરના જ ડાકલા જેવો ઘાટ રચાયો
સરકારમાં બેઠેલા બુદ્ધિશાળી લોકોએ અભણ ખેડૂતોને છેતરવા માટે બુદ્ધિ પૂર્વક કરેલા કૌભાંડને દબાવી દેવા કૃષિમંત્રિ અને જીએસએફસીના અધિકારીઓએ તારીખ 9 મે ના રોજ 2 દિવસ તપાસ કરવાના આદેશ આપ્યા હતા 2 દિવસ તપાસના અંતે ખોદયો ડુંગર નીકળ્યો ઉંદર જેવો ઘાટ સામે આવ્યો ત્યારે તપાસ સમિતિ જ ચોરોને ચોરી પકડવાની જવાબદારી આપી હોય એ સાબિત થયું જ્યારે આ કૌભાંડ જ જીએસએફસી દ્વારા કરવામાં આવ્યું અને તપાસ પણ જીએસએફસી દ્વારા જ કરવામાં આવી નિયમોનુસાર તોલ માપનો જ્યારે પણ પ્રશ્ન ઉદ્દભવે ત્યારે સરકારના પુરવઠા વિભાગ અને તોલમાપના અધિકારીઓ દ્વારા સંપૂર્ણ તપાસ કરી એના રિપોર્ટ આપવાના હોય જવાબદારો સામે તપલમાપ અધિકારીઓએ જ કાર્યવાહી કરવાની થતી હોય છે ખાતરમાં ઓછો વજન સામે આવ્યા બાદ આ તપાસ તોલમાપ અધિકારીઓ દ્વારા કરાવવાની થતી હોય એને બદલે જીએસએફસીએ જાતે જ તપાસ કરી લીધી અને જાતે જ પ્રમાણપત્ર પણ આપી દીધું
વેઇટ એન્ડ મેજરમેન્ટ સ્ટાન્ડર્ડ એકટ મુજબ વર્ષોથી ગુનો થતો રહ્યો છે
કેન્દ્ર સરકારનો વેઇટ એન્ડ મેજરમેન્ટ એકટ અમલમાં છે રાજ્ય સરકાર લીગલ મેટ્રોલોજી વિભાગ ચલાવે છે જિલ્લા મથકોએ તેની કચેરીઓ છે જ્યાં વજનકાંટામાં ક્ષતિ હોય ત્યાં નાના વેપરીઓ સામે કોર્ટમાં ફરિયાદ પણ કરે છે ત્યારે આખા ગુજરાતમાં હજાર કરતા પણ વધારે જીએસએફસીના ખાતર વિતરણ કેન્દ્રો પર વજનકાંટા વગર જ ખાતરનું વિતરણ કરી આ કાયદાનો છડેચોક ભંગ કરવામાં આવ્યો હોય તેવું લાગે છે આ માટે જીએસએફસીના મુખ્ય અધિકારીઓ જ જવાબદાર છે તેની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવી જોઈએ
જીએસએફસી અને સરકાર બુદ્ધિનું દેવાળું ફૂંકવા જેવું કામ કરવા જઈ રહી છે
ખાતર કૌભાંડમાં વજનઘટ વાળી દરેક બોરી પરત લાવી તેમાં વજનઘટ પુરી કરવામાં આવશે, ખેડૂતોને બોરી બદલી આપવામાં આવશે, દરેક ગ્રામ પંચાયતમાં આ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે જેવી જાહેરાત એ બુદ્ધિનું દેવાળું ફૂંકવા જેવી બાબત છે સામાન્ય ખેડૂતને સમજાય કે જેટલો ઓછો વજન હોય એટલા ઓછા રૂપિયા લઈ ખાતર વેચી દેવું જોઈએ તેની જગ્યાએ ઓછા વજનવાળી લાખો બોરીઓ ટ્રાન્સપોર્ટ કરી પરત લાવશે, એને ખોલી એમાં ઘટ મુજબ ખાતર નાખવામાં આવશે પછી ફરી ટ્રાન્સપોર્ટ કરી વિતરણ કેન્દ્રો પર મોકલશે ત્યારે આ કામગીરીમાં મજૂરી ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ખર્ચ થશે એ જનતાના રૂપિયાનો જ વેડફાટ થશે તેના માટે જવાબદાર કોણ હશે….????
અજીબો ગરીબ કંપનીનું અજીબો ગરિબ કારસ્તાન
થેલી પર રહેલી તારીખ એ પ્લાસ્ટિકની થેલી ક્યારે તૈયાર થઈ એની તારીખ હોય છે ખાતર ક્યારે ઉત્પાદન થયું એની તારીખ હોતી નથી, બેચમાર્ક પણ હોતો નથી એ કદાચ ભારતની પહેલી એવી કંપની હશે કે જે મૂળ માલની માહિતી આપવાના બદલે રેપર(પ્લાસ્ટિક બેગ)ની માહિતી પૂરી પાડે છે આઈએસઆઈ સ્ટાન્ડર્ડ 2009 નું પ્રમાણપત્ર ધરાવતી જીએસએફસી એકમાત્ર એવી કંપની છે કે જે બધા જ નિયમોનો છડેચોક ભંગ કરે છે તેમ છતાં એને બધી જ છૂટછાટ આપવામાં આવી છે મુલમાલની ઉત્પાદન બાબતે કોઈ માહિતી જાહેર કરવાને બદલે તેના પેકેજીંગમાં વપરાતા રેપર(પ્લાસ્ટિક બેગ) ની માહિતી પૂરી પાડતી કદાચ ભારતની આ એકમાત્ર કંપની હશે….!!!
કંપની એક સંયોગ (ભૂલો) અનેક
જીએસએફસી દ્વારા જે રીતે માધ્યમોને કહેલી વાત મુજબ જીએસએફસી બેચમાર્ક લગાવતી નથી, મેન્યુફેક્ચરિંગ તારીખ લખતી નથી, વિતરણ કેન્દ્રો પર વજનકાંટા રાખતી નથી, દરેક થેલીમાં વજનઘટ છે પણ તૈયારમાલમાં સ્ટોકનો વધારો ક્યાંય દેખાતો નથી, સરકારના મેટ્રોલોજી વિભાગે ક્યાંય ક્યારેય મુલાકાત લીધી નથી આટલા જોગાનુજોગ કેવી રીતે ભેગા થાય એકાદ ભૂલ હોય પણ અનેક ભૂલોને મેન્યુફેક્ચરિંગ એરર કેમ ગણી શકાય….????
ઉપરોક્ત તમામ બાબતો પરથી સાબિત થાય છે કે સરકાર અને જીએસએફસી, જીએટીએલ ના ઉચ્ચ કક્ષાએ બેસતા અધિકારીઓ દ્વારા જ આ કૌભાંડ આચરવામાં આવ્યું છે સરકાર પોતે બધા જ નિયમો કાયદાઓને ઘોળીને પી જાય, જ્યારે વાળ જ ચિભળા ગળી જાય ત્યારે ફરિયાદ કોને કરવા જવી
પાલભાઈ આંબલિયા
ચેરમેન
ગુજરાત કિસાન કોંગ્રેસ