How were the 13 battles for the chair in Gujarat? गुजरात में कुर्सी की 13 लड़ाई कैसी थी?
1 મે, 1960ના રોજ દ્વિભાષી ‘બોમ્બે સ્ટેટ’થી છૂટું પડીને સ્વતંત્ર ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ત્યાર પછી એટલે કે 1962થી 2022 સુધી ગુજરાત રાજ્ય 14 વિધાનસભા ચૂંટણી થઈ હતી.
62 વર્ષના ગુજરાતના રાજકીય પ્રવાહમાં અનેક વળાંકો આવ્યા છે.
1960માં ગુજરાતની સ્થાપના સાથે જ ડૉ. જીવરાજ મહેતાને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી નીમવામાં આવ્યા. ડૉ. જીવરાજ મહેતા અત્યંત કુશળ ડૉક્ટર, ટાટા પરિવાર તથા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના અંગત તબીબ, મુંબઈની KEM (કિંગ એડવર્ડ્સ મેમોરિયલ) હોસ્પિટલના ડીન, ‘ભારત છોડો’ આંદોલનના સ્વાતંત્ર્ય સેનાની હતા. 1946થી ’48નાં વર્ષો દરમિયાન મુંબઈ રાજ્યની ધારાસભાના સભ્ય રહ્યા. 1947માં સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંડળમાં તેમણે આરોગ્ય વિભાગમાં નિયામક તરીકે સેવાઓ આપી. 1949માં મુંબઈ રાજ્યના જાહેર બાંધકામ વિભાગના અને 1952માં નાણાં વિભાગના મંત્રી પણ તેઓ રહ્યા હતા. તેમનો આ અત્યંત વજનદાર ‘બાયોડેટા’ જોતાં સ્વાભાવિક રીતે જ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી.
1962
1962માં સ્વતંત્ર ગુજરાતની પહેલી ચૂંટણી યોજાઈ. એ વખતે ગુજરાત વિધાનસભાની 154 સીટ હતી. દેશમાં કોંગ્રેસનો સૂર્ય તપતો હતો અને સમાજવાદી વિચારસણી હવામાં વહેતી હતી. ગુજરાતમાં પણ એની અસર હેઠળ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે સૌથી વધુ 113 સીટ જીતીને મોટી બહુમતી પ્રાપ્ત કરી. સૌએ ફરીવાર સર્વાનુમતે પોતાના વતન અમરેલીથી જીતેલા ડૉ. જીવરાજ મહેતાને મુખ્યમંત્રી તરીકે ચૂંટી કાઢ્યા. બીજા નંબરે 26 સીટ સાથે સી. રાજગોપાલાચારીએ સ્થાપેલી અને ગુજરાતમાં ભાઇલાલભાઈ પટેલ તથા જશભાઈ પટેલ જેવા નેતાઓ ધરાવતી ‘સ્વતંત્ર પાર્ટી’ રહેલી. ત્રીજા નંબરે 7 સીટ ધરાવતી જયપ્રકાશ નારાયણની ‘પ્રજા સોશિયલિસ્ટ પાર્ટી’ રહેલી.
આ ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાંથી કુલ 519 ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા. એટલે કે મતવિસ્તારદીઠ સરેરાશ 3 ઉમેદવાર હતા. મિનિમમ બે ઉમેદવાર ધરાવતી 37 સીટ હતી, જ્યારે છથી દસ ઉમેદવારો ધરાવતી કુલ 8 સીટ હતી. એમાં વડોદરા ઇસ્ટ સીટ પર સૌથી વધુ 8 ઉમેદવાર હતા. 519માંથી 19 સ્ત્રીએ ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું અને તેમાંથી 11 સ્ત્રી ચૂંટાઈ આવી હતી.
રસપ્રદ વાત એ છે કે એ વખતે ગુજરાતમાં (2 કરોડની વસતિ સામે)મતદારોની કુલ સંખ્યા 95.35 લાખ યાને કે પૂરી એક કરોડ પણ નહોતી. સ્વતંત્ર ગુજરાતની પહેલી ચૂંટણી હોવા છતાં 57.97% જ મતદાન થયેલું.
વક્રતા જુઓ કે સ્વતંત્ર ગુજરાતની પહેલી ચૂંટણીમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતીનો જનાદેશ મળ્યો હોવા છતાં આંતરિક કલહને કારણે તેઓ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહીં. માત્ર દોઢ જ વર્ષમાં આટલા કુશળ અને વિદ્વાન મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાને 18 સપ્ટેમ્બર 1963ના રોજ રાજીનામું આપવું પડ્યું. તેમને સ્થાને બળવંતરાય મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ત્યાર બાદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ ડૉ. જીવરાજ મહેતાને લંડન ખાતેના ભારતીય હાઈકમિશનર બનાવ્યા હતા.
બે વર્ષ બાદ 1965માં બીજું ભારત-પાકિસ્તાન યુદ્ધ ફાટી નીકળ્યું. કાળનું કરવું અને મીઠાપુરથી ઊડેલા બળવંતરાય મહેતાના વિમાનને પાકિસ્તાન એરફોર્સે તોડી પાડ્યું, જેમાં તેમનું અને તેમનાં પત્ની સરોજબહેનનું અવસાન થયું. ગુજરાત ફરીથી મુખ્યમંત્રીવિહોણું થયું અને પહેલી જ ટર્મમાં બીજા મુખ્યમંત્રીની અણધારી વિદાય થઈ. અગાઉનાં બંને કેબિનેટમાં મંત્રી રહેલા હિતેન્દ્રભાઈ દેસાઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા.
1967
1967માં ટર્મ પૂરી થતાં બીજી વિધાનસભા ચૂંટણી આવી. આ વખતે વિધાનસભા સીટોની સંખ્યા વધીને 168 થઈ હતી. ચૂંટણીમાં કુલ 613 ઉમેદવાર લડ્યા હતા, તેમાં 14 મહિલાઓ પણ હતી. આ 14માંથી 8 મહિલા ચૂંટાઈને ધારાસભ્ય બની હતી. આ વખતે મતવિસ્તારદીઠ સરેરાશ ઉમેદવારોની સંખ્યા વધીને ત્રણમાંથી ચાર થઈ હતી. આંતરકલહની અસર દેખાઈ હોય એમ કોંગ્રેસની સીટો નોંધપાત્ર રીતે ઘટીને બે આંકડામાં 93 પર આવી ગઈ હતી. સ્વતંત્ર પાર્ટીને 40 સીટોનો ફાયદો થયો અને તેમની સીટોની સંખ્યા વધીને 66 થઈ, પરંતુ કોંગ્રેસ પાર્ટી બે તૃતીયાંશ બહુમતીના 85 સીટના ‘મેજિક ફિગર’ને ક્રોસ કરવામાં સફળ રહી હતી અને ઓલપાડથી ચૂંટાયેલા હિતેન્દ્ર દેસાઈ ફરીવાર મુખ્યમંત્રી બન્યા. આ વખતે માન્ય મતદારોની સંખ્યા 1.07 કરોડ હતી અને 63.70% કુલ મતદાન થયેલું.
1972
1969માં રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસમાં ભારે ઊથલપાથલ થઈ. તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ લડાયેલી 1967ની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ અત્યંત નબળો રહ્યો. તેમણે સત્તા જાળવી રાખી, પરંતુ 78 સીટનું ધોવાણ થયું. 1969ના વર્ષમાં રાષ્ટ્રપતિના ઉમેદવારની પસંદગીના મુદ્દે ઇન્દિરા ગાંધીને પોતાના જ પક્ષના સિનિયર નેતાઓ સાથે ગંભીર મતભેદો ઊભા થયા. કોંગ્રેસના સત્તાવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડીને બદલે સ્વતંત્ર ઉમેદવાર વી. વી. ગિરિને સપોર્ટ આપવાને કારણે તત્કાલીન કોંગ્રેસ પ્રેસિડન્ટ એસ. નિજલિંગપ્પાએ ઇન્દિરાને કોંગ્રેસમાંથી હાંકી કાઢ્યા. વળતા પ્રહાર તરીકે ઇન્દિરાએ પોતાની અલગ કોંગ્રેસ ‘કોંગ્રેસ (R)’ ઊભી કરી (R= રેક્વિઝિશન અથવા તો રૂલિંગ). જ્યારે કે. કામરાજ, મોરારજી દેસાઈ જેવા સિનિયર નેતાઓએ પોતાની કોંગ્રેસને ‘કોંગ્રેસ (O)’ (O=ઓર્ગેનાઇઝેશન) નામ આપ્યું. બોલચાલમાં કોંગ્રેસ ‘ઇન્ડિકેટ’ એટલે કે ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ અને ‘સિન્ડિકેટ’ યાને કે જૂની કોંગ્રેસ એવા નામે ઓળખાવા લાગી. આ સમગ્ર ઘટનાક્રમના છાંટા સ્વાભાવિક રીતે જ ગુજરાતમાં પણ પડ્યા. 1971માં હિતેન્દ્ર દેસાઈએ મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લદાયું.
એક વર્ષ બાદ ગુજરાતમાં ફરી ચૂંટણીના પડઘમ વાગ્યા. આ વખતે ગુજરાત વિધાનસભાની કુલ 168 સીટો માટે 873 ઉમેદવારે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું હતું, તેમાં 21 મહિલા પણ હતી, પરંતુ માત્ર એક જ મહિલા (માંગરોળથી કોંગ્રેસનાં આયશા શેખ) જીતી શકી હતી. આ વખતે દરેક સીટ પર સરેરાશ પાંચ ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા અને સૌથી વધુ 12 ઉમેદવાર કુતિયાણાની સીટ પર લડ્યા હતા. આ કુતિયાણાની સીટ યાદ રાખવા જેવી છે, કેમ કે આગામી ચૂંટણીમાં ત્યાં અદભુત ઘટના સર્જાવાની હતી.
ચૂંટણીમાં કુલ 58.10% મતદાન થયું. આ વખતની ચૂંટણી ગુજરાતમાં કોંગ્રેસ વર્સિસ કોંગ્રેસ જેવી હતી. ઇન્દિરા ગાંધીની ઇન્ડિકેટ કોંગ્રેસ વર્સિસ મોરારજી દેસાઈવાળી સિન્ડિકેટ કોંગ્રેસ લડી હતી, પરંતુ ઇન્દિરા ગાંધીની કોંગ્રેસને અધધધ 140 સીટની પ્રચંડ બહુમતી મળી. સિન્ડિકેટવાળી કોંગ્રેસને માત્ર 16 જ સીટો હાંસલ થઈ. 1967ની ચૂંટણીમાં દસાડાથી હારી ગયેલા ઘનશ્યામ ઓઝા આ વખતે દહેગામથી જીત્યા હતા. ઇન્દિરા ગાંધીના કહેવાથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, પરંતુ આટલી બહુમતી છતાં આ સરકારને પણ ગ્રહણ નડ્યું. ઘનશ્યામ ઓઝાએ સવા વર્ષમાં રાજીનામું આપવું પડ્યું. તેમને સ્થાને સંખેડાથી જીતીને ઉદ્યોગ અને વીજળીમંત્રી રહેલા ચીમનભાઈ જીવાભાઈ પટેલ મુખ્યમંત્રીપદે બિરાજ્યા, પરંતુ નવનિર્માણ આંદોલનની ઝાળ લાગી અને ચીમનભાઈએ પણ સત્તા છોડવી પડી. ગુજરાતમાં ફરીવાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું. દરમિયાન ચીમનભાઈ પટેલે ‘કિસાન મજદૂર લોક પક્ષ’ (કિમલોપ)ની સ્થાપના કરી. 1972ની ચૂંટણીમાં 3 સીટની જીત સાથે ‘ભારતીય જનસંઘ’ની પણ એન્ટ્રી થઈ ચૂકી હતી. અલબત્ત, 100 સીટમાંથી 69 સીટ પર તેમના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ હતી હતી.
1975
1975ની ચૂંટણીમાં ફરી નેહલે પે દહેલા થયું અને ઇન્દિરા કોંગ્રેસ 75 સીટ પર સમેટાઈ ગયું. આ વખતે ગુજરાત વિધાનસભા સીટોની સંખ્યા વધીને 181 થઈ હતી. આથી સરકાર રચવા માટે 92 સીટના મેજિક ફિગરને સ્પર્શવો જરૂરી હતો. કોંગ્રેસ ઓરિજિનલે 56, ભારતીય જનસંઘે 18 અને ચીમનભાઈના કિમલોપે 12 સીટો જીતી હતી. આ ચૂંટણીમાં 848 ઉમેદવારે ચૂંટણી લડી હતી. આ વખતે છથી દસ ઉમેદવારો લડી રહ્યા હોય એવી સીટોની સંખ્યા વધીને 44 થઈ હતી. દરેક સીટ પર સરેરાશ પાંચ ઉમેદવારો લડી રહ્યા હતા. જમાલપુરની સીટ પર સૌથી વધુ 11 ઉમેદવારો લડ્યા હતા. 1.40 કરોડ મતદારોમાંથી 60.09%એ વોટિંગ કર્યું હતું. 1975માં ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી રાજકીય કટોકટીના સમયે સર્જાયેલા મતભેદોને કારણે સાબરમતીથી ધારાસભ્ય બનેલા બાબુભાઈ જશભાઈ પટેલે કૉંગ્રેસ પક્ષ છોડ્યો. જૂન, 1975માં ગુજરાતની પ્રથમ બિનકોંગ્રેસી જનતા મોરચાની સરકારની રચના કરી અને તેના મુખ્યમંત્રી બન્યા.
1980
આ વખતે 182 સીટો માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડાઈ. કુલ 974 ઉમેદવારોએ ચૂંટણી લડી, જેમાં 24માંથી 5 મહિલા પણ ચૂંટાઈ આવી. કોંગ્રેસે ગંજાવર 141 સીટ જીતી અને ભાદરણથી ચૂંટાયેલા માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી બન્યા. આ ચૂંટણીમાં ધ્રાંગધ્રાથી સૌથી વધુ 11 ઉમેદવાર ચૂંટણી લડેલા, પરંતુ કુતિયાણાની સીટ અનોખી હતી. આ વખતની ચૂંટણીમાં આ સીટ પર માત્ર એક જ ઉમેદવાર ઊભા હતા, મહંત વિજયદાસજી અને સ્વાભાવિકપણે જ તેઓ બિનહરીફ ચૂંટાયા. મહેર જ્ઞાતિના આ આગેવાને કબીરપંથી દીક્ષા લીધેલી. એટલું જ નહીં, તેઓ અગાઉ જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હુકૂમત માટે પણ લડ્યા હતા. આ ચૂંટણીમાં જનતા પાર્ટી 21 અને હવે ભાજપ બનેલા આ પક્ષે 9 સીટ જીતી.
1985
પાંચ વર્ષ બાદ યોજાયેલી 1985ની ચૂંટણીમાં માધવસિંહ સોલંકીએ ઇતિહાસ સર્જ્યો. તેમણે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ 149 સીટો જીતી. આ ચૂંટણીમાં 1137 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા અને મતવિસ્તાર દીઠ સરેરાશ 6 ઉમેદવારો હતા. હિંમતનગરની સીટ પરથી તો સૌથી વધુ 16 ઉમેદવારો લડ્યા હતા. અલબત્ત, આ વખતે 1.65 કરોડ મતદારોમાંથી માત્ર 48.37% એ જ મતદાન કરેલું. ચૂંટાયેલાં મહિલા ધારાસભ્યોની સંખ્યા પણ પાંચ જ હતી. વક્રતા જુઓ કે આટલી પ્રચંડ જીત છતાં માધવસિંહ સોલંકી પોતાનો કાર્યકાળ પૂરો કરવો તો દૂર, માત્ર ચાર જ મહિનામાં તેમને રાજીનામું આપવાની ફરજ પડી. કારણ હતું તીવ્ર બનેલું અનામત આંદોલન અને તેને પગલે ફાટી નીકળેલાં કોમી રમખાણો. તેમને સ્થાને વ્યારાથી ચૂંટાયેલા 44 વર્ષના અમરસિંહ ચૌધરી મુખ્યમંત્રી બન્યા. અલબત્ત, ચાર વર્ષ બાદ ઓક્ટોબર, 1989માં તેઓ માત્ર ત્રણ મહિના માટે ફરીવાર મુખ્યમંત્રી બન્યા, કેમ કે ડિસેમ્બર 1989માં વિધાનસભાની મુદ્દત પૂરી થતી હતી.
1990
ગુજરાત વિધાનસભાની 1990ની ચૂંટણી ઝાઝા રસોઇયાઓ રસોઈ બગાડે એવો ઘાટ સર્જાયો. આ વખતે ઉમેદવારોની ધક્કામુક્કી હતી. કુલ 1889 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવેલું. દરેક કોન્સ્ટિટ્યુઅન્સી દીઠ સરેરાશ ઉમેદવારોની સંખ્યા વધીને છેક 10 સુધી પહોંચી ગયેલી. છથી દસ ઉમેદવારો ધરાવતા 87 મતવિસ્તાર, 11થી 15 ઉમેદવાર ધરાવતા 60 મતવિસ્તાર અને 20 સીટો એવી હતી જ્યાં 15થી વધુ ઉમેદવારો લડી રહ્યા હતા! સૌથી ઓછા ઉમેદવારોની સંખ્યા ખેડબ્રહ્મા અને કામરેજમાં હતી, ત્રણ-ત્રણ. વાંકાનેરમાં તો સૌથી વધુ 25 ઉમેદવાર બાખડી રહ્યા હતા! આ વખતે 2.48 કરોડ ઉમેદવારોએ ઠીકઠીક 52.20% મતદાન કરેલું.
આ ધક્કામુક્કીનું પરિણામ એ આવ્યું કે એકેય પક્ષને બહુમતી મળી નહીં. જનતા દળને 70 અને ભાજપને 67 સીટો મળી હતી. જ્યારે કોંગ્રેસ માત્ર 33 સીટ પર સમેટાઈ ગયું હતું. ચીમનભાઈ પટેલે ભાજપ સાથે મળીને સરકાર બનાવી. તે સરકારમાં આગામી મુખ્યમંત્રીઓ કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા અને સુરેશ મહેતા પણ મંત્રીઓ તરીકે હતા.
1995
1995ની વિધાનસભા ચૂંટણીથી સત્તાવાર રીતે ગુજરાતમાં ‘ભાજપ યુગ’નો ઉદય થયો. ભાજપે તમામ 182માંથી 121 સીટો જીતી. રસપ્રદ વાત એ હતી કે આ વખતની ચૂંટણીમાં સ્વતંત્ર ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ ઉમેદવારો લડ્યા હતા. અધધધ 2545 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. દરેક કોન્સ્ટિટ્યુઅન્સી દીઠ ઉમેદવારોની સંખ્યા પણ 14 પર પહોંચી હતી. 4થી ઓછા ઉમેદવાર લડતા હોય એવી એકેય સીટ નહોતી! અને અમદાવાદની દરિયાપુર કોન્સ્ટિટ્યુઅન્સીમાં તો સૌથી વધુ 37 ઉમેદવારો મત મેળવવા માટે ધક્કામુક્કી કરી રહ્યા હતા! આ વખતે મતદારોએ પણ મતદાન કરવામાં સારો એવો ઉત્સાહ બતાવ્યો હતો. 2.90 કરોડ મતદારોમાંથી 64.39%એ મતદાન કર્યું હતું. જોકે મહિલા ઉમેદવારો માટે ચિત્ર નિરાશાજનક હતું. કુલ 94 મહિલા ઉમેદવારોમાંથી માત્ર 2 જ જીતી શકી હતી. 45 બેઠકો સાથે કોંગ્રેસ પક્ષ ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષની ભૂમિકામાં આવી પડ્યો. પરંતુ એક જ વર્ષમાં શંકરસિંહ વાઘેલા નામના પરિબળે પરચો બતાવ્યો. ગોધરાથી લોકસભામાં હાર્યા બાદ ઓગસ્ટ, 1996માં ભાજપમાંથી બળવો કરીને તેમણે પોતાના અલાયદા પક્ષ ‘રાષ્ટ્રીય જનતા પક્ષ’ની રચના કરી અને કોંગ્રેસના ટેકાથી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. પૂર્ણ બહુમતી છતાં ભાજપની સરકાર ગઈ (ત્યારે સુરેશ મહેતા મુખ્યમંત્રી હતા). જોકે કોંગ્રેસે એક જ વર્ષમાં ટેકો પાછો ખેંચતા શંકરસિંહ વાઘેલાની પણ ખુરશી ગઈ અને 28 ઑક્ટોબર, 1997ના રોજ તેમની સરકારનું પતન થયું અને તેમના બળવાખોર સાથીદાર દિલીપ પરીખ ટૂંકા ગાળા માટે મુખ્યમંત્રી બન્યા.
1998
ત્રણ જ વર્ષ બાદ 1998માં ગુજરાતમાં ફરી પાછી ચૂંટણીઓ આવી પડી. આટલા ટૂંકા ગાળામાં આવી પડેલી ચૂંટણી અને બહુમતી સાથેની સરકારનું પતન થતાં ગુજરાતની જનતા પણ નાસીપાસ થઈ હોય તેવું લાગવા માંડ્યું. કેમ કે, 1998ની ચૂંટણીમાં 1995 કરતાં અડધા યાને કે 1125 ઉમેદવારોએ જ ઝંપલાવ્યું હતું. દરેક મતવિસ્તાર દીઠ સરેરાશ 6 ઉમેદવારો ઊભા રહ્યા હતા અને સૌથી વધુ ખંભાળિયામાં 16 ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં 59.30% મતદાન થયું હતું. આ વખતે પણ ભાજપે ચાર સીટોના નુકસાન સાથે 117 સીટ જીતી અને પૂર્ણ બહુમતી મેળવી. ફરીથી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા. કોંગ્રેસને 53 સીટો મળી. શંકરસિંહ વાઘેલા જોકે આ વખતે ચૂંટણી લડ્યા નહોતા. તેમના પક્ષ ‘રાજપા’એ માત્ર ચાર જ સીટો જીતી અને ઓગસ્ટ 1999માં રાજપા કોંગ્રેસમાં વિલીન થયો.
2002
26 જાન્યુઆરી, 2001ની સવારે ગુજરાતે સૌથી ભયંકર ધરતીકંપ જોયો. હજારો લોકોએ જીવ ગુમાવ્યા અને કચ્છ સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પારાવાર ખુવારી થઈ. તેમાં નબળી કામગીરીના આરોપસર કેશુભાઈ પટેલે મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી અને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ફેબ્રુઆરી 2002માં ગોધરાકાંડ થયો અને તેને પગલે ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં. તે પછી 2002ના ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી આવી. રમખાણોની અસર હોય કે ગમે તે, પરંતુ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ લડાયેલી આ ચૂંટણીમાં ભાજપે 127 સીટો જીતીને પૂર્ણ બહુમત હાંસલ કર્યું અને મોદી બીજીવાર મુખ્યમંત્રી બન્યા. ત્યારે શંકરસિંહ વાઘેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હતા અને કોંગ્રેસે 51 સીટો જીતી. ગુજરાતનો ઇતિહાસ ગવાહ છે કે 2001માં સત્તારૂઢ થયા પછી નરેન્દ્ર મોદી એકેય ચૂંટણી હાર્યા નથી અને સત્તાથી દૂર થયા નથી.
આ ચૂંટણીમાં કુલ એક હજાર ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું અને મતવિસ્તાર દીઠ સરેરાશ પાંચ ઉમેદવારો બાખડ્યા હતા. અસારવા સીટ પર સૌથી વધુ 15 ઉમેદવારો હતા. આ ચૂંટણીમાં 61.54% મતદાન થયું હતું અને 12 મહિલાઓ ચૂંટાઈ આવી હતી.
2007
દેશભરમાં ગુજરાતનું વિકાસ મોડેલની વાત લોકો સુધી પહોંચાડવામાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ, ટાટા નેનો પ્રોજેક્ટ જેવા ઇનિશિએટિવ્સનો મોટો ફાળો રહ્યો. મોદીની માસ અપીલ અને શાંત સ્થિર સરકારથી ગુજરાતના લોકો સતત ભાજપને જીતાડતા રહ્યા. 2007ની વિધાનસભા ચૂંટણી પણ એ રીતે થોડી અનઇવેન્ટફુલ રહી. આ વખતે 1268 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. કોન્સ્ટિટ્યુઅન્સી દીઠ સરેરાશ ઉમેદવારની સંખ્યા 7 રહી હતી. 59.77% જેટલું મતદાન થયું હતું. ગત ચૂંટણી કરતાં ભાજપની 10 સીટો ઘટી અને 117 સીટો જીત્યું. અલબત્ત, તેમણે બે તૃતીયાંશ બહુમતી મેળવીને સરકાર જાળવી રાખી. કોંગ્રેસનું પ્રદર્શન સુધર્યું અને તેણે 59 સીટો જીતી.
2012
સતત ચોથીવાર મુખ્યમંત્રી પદ માટે લડી રહેલા નરેન્દ્ર મોદી હવે રાષ્ટ્રીય નેતા બનવા તરફ પ્રયાણ કરી રહ્યા હતા. નેશનલ લેવલે અન્ના આંદોલન અને બબ્બે ટર્મથી કેન્દ્રમાં રહેલા કોંગ્રેસનાં કૌભાંડોએ મોદીને રાષ્ટ્રીય સ્તરે સિક્કો જમાવવામાં મદદ કરી. ડિસેમ્બરમાં બે તબક્કામાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા ત્રણ દાયકાનું સૌથી વધુ 71.32% મતદાન થયું. કુલ 1666 ઉમેદવારો ચૂંટણી લડ્યા અને કોન્સ્ટિટ્યુઅન્સી દીઠ 9 ઉમેદવારો હતા. 15થી વધુ ઉમેદવારો ધરાવતી 11 સીટો હતી. આ વખતે ભાજપની વધુ બે સીટો ઓછી થઈ અને તેણે 115 સીટો સાથે પૂર્ણ બહુમતી મેળવી. એ બે સીટો જાણે કોંગ્રેસના ફાળે ગઈ હોય તેમ તેણે 61 સીટો જીતી. બે વર્ષ બાદ નરેન્દ્ર મોદી વારાણસી અને વડોદરાથી પ્રધાનમંત્રી પદની ચૂંટણી લડ્યા અને જીત્યા. તેમણે વડોદરાથી રાજીનામું આપ્યું અને ગુજરાતના લોકોની વિદાય લીધી. તેમણે પોતાની સરકારનાં મંત્રી આનંદીબેન પટેલને મુખ્યમંત્રી પદની ધુરા સોંપી.
2017
2017ની ચૂંટણીને એક વર્ષ બાકી હતું ત્યારે અચાનક જ આનંદીબેન પટેલે 6 ઓગસ્ટ 2016ના રોજ પોતાની 75 વર્ષની ઉંમરની ભાજપની વયમર્યાદાનો હવાલો ટાંકીને ફેસબુક પર રાજીનામું ધરી દીધું. તેમને સ્થાને વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ આવેલી ચૂંટણી ભાજપ માટે નરેન્દ્ર મોદી વિનાની ગુજરાતની પહેલવહેલી ચૂંટણી હતી. તેમની ગેરહાજરીની સીધી અસર ચૂંટણી પરિણામો પર દેખાઈ. વચ્ચે પાટીદાર અનામત આંદોલન અને એન્ટિ ઇન્કમબન્સી ફેક્ટરની ઝાળ પણ ભાજપને લાગી. ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સેકન્ડ હાઇએસ્ટ 1828 ઉમેદવારો આ વખતે લડ્યા. મતવિસ્તાર દીઠ 10 ઉમેદવારોએ લોકોના વોટ મેળવવા માટે જંગ ખેલ્યો હતો. ગુજરાતના 4.35 કરોડ મતદારોમાંથી 68.39%એ વોટિંગ કર્યું હતું. પરંતુ ભાજપના ફાળે માત્ર 99 સીટો જ આવી. છેલ્લા અઢી દાયકામાં ભાજપનું આ સૌથી નબળું પ્રદર્શન હતું. એક તબક્કે 92નો મેજિક ફિગર પણ અઘરો લાગી રહ્યો હતો. પરંતુ તેને સફળતાપૂર્વક ક્રોસ કર્યો, છતાં ભાજપે બે આંકડામાં સીટોથી સંતોષ માનવો પડ્યો. અલબત્ત, પાછળથી અન્ય પ્રકારોથી ભાજપે પોતાની સીટોની સંખ્યા વધારીને 111 સુધી પહોંચાડી. સામે પક્ષે કોંગ્રેસે પોતાનું છેલ્લા ત્રણ સૌથી સારું પ્રદર્શન કરતાં 77 સીટો જીતી.
વોટ શેરીંગ
1962ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું વોટ શેરિંગ 50.84 ટકા હતું
વર્ષ 1962ની વિધાનસભા ચૂંટણીમાં ચાર ભાગમાં મતની વહેંચણી થઇ હતી. સૌથી વધુ કોંગ્રેસને 50.84 ટકા મત મળ્યા હતા. પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટીને 22.90 અને સ્વતંત્ર પાર્ટીને 35.31 ટકા મત મળ્યા હતા. આ ચૂંટણીમાં કુલ 17408670 મતદારોએ મતદાન કર્યું હતું. 1083848 મતો રદ થયા હતા. આ ચૂંટણીમાં પુરુષોએ 62.29 ટકા મતદાન કર્યું અને મહિલાઓએ 52.14 ટકા મતદાન કર્યું હતું. કુલ 57.97 ટકા મતદાન થયું હતું. કોંગ્રેસના 154 ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા જેમાં 113 ઉમેદવારોની જીત થઇ હતી. 113 ઉમેદવારોને 26,46,286 મત મળ્યા હતા. કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના સ્વતંત્ર પક્ષના 105 ઉમેદવાર ચૂંટણી લડ્યા હતા. જેમાં 26 ઉમેદવારોની જીત થઇ હતી. આ 26 ઉમેદવારોને 1271809 મત મળ્યા હતા. એટલે કે સ્વતંત્ર પાર્ટીનું વોટ શેરિંગ 35.31 ટકા હતું. આ ચૂંટણીમાં ત્રીજા નંબરે સૌથી વધુ મત પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટીને મત મળ્યા હતા. પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટીના 53 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા જેમાંથી 7 ઉમેદવારો વિજેતા બન્યા હતા. આ 7 ઉમેદવારોને 40673 મત મળ્યા હતા. એટલે પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટીને 7.74 ટકા મત મળ્યા હતા.
1967ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું વોટ શેરિંગ 4.88 ટકા ઘટ્યું હતું
1967ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 168 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જેમાં 93 ઉમેદવારોની જીત થઇ હતી. આ 93 ઉમેદવારોને 45.96 ટકા મત મળ્યા હતા. સ્વતંત્ર પાર્ટીના 147 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા જેમાં 66 ઉમેદવારોની જીત થઇ હતી. આ 66 ઉમેદવારોને 43.25 ટકા મતો મળ્યા હતા. ત્રીજી પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટીના 37 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જેમાં 3 વિજેતા બન્યા હતા. આ 3 ઉમેદવારોનું વોટ શેરિંગ 15.89 ટકા હતું. આ ચૂંટણીમાં કુલ 23045935 લોકોએ મતદાન કર્યું હતું. જેમાં પુરુષઓએ 68.89 ટકા અને મહિલાઓએ 58.34 ટકા મતદાન કર્યું હતું. કુલ 63.70 ટકા મતદાન થયું હતું.
1972ની ચૂંટણીમાં કોંગ્રેસે ફરી વાર 50.93 વોટ શેરિંગ પ્રાપ્ત કર્યા
કોંગ્રેસ પક્ષમાંથી કુલ 168 ઉમેદવાર ચૂંટણી લડ્યા જેમાં 140 ઉમેદવારોની જીત થઇ હતી. આ 140 ઉમેદવારોનું વોટ શેરિંગ 50.93 ટકા હતું. બીજા સ્થાને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (O) પાર્ટી હતી. એનસીઓમાંથી 138 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જેમાં 16 ઉમેદવારો વિજેતા બન્યા હતા. આ 16 ઉમેદવારોનું વોટ શેરિંગ 28.95 ટકા હતું. ત્રીજા સ્થાને ભારતીય જનસંઘ પક્ષના 100 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. જેમાં 3 ઉમેદવારો વિજેતા બન્યા હતા. આ 3 ઉમેદવારોનું વોટ શેરિંગ 15.03 ટકા હતું. આ ચૂંટણીમાં કુલ 58.10 ટકા મતદાન થયું હતું. જેમાં પુરુષ મતદારોએ 63.11 ટકા અને મહિલાઓએ 52.91 ટકા મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં 4.71 ટકા મત રદ થયા હતા.
1975ની વિધાનસભામાં કોંગ્રેસનું 10 ટકા વોટ શેરિંગ ઘટ્યુ હતું
1975ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વોટ શરિંગમાં ઘણો તફાવત જોવા મળ્યો હતો. 1975ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના 75 ઉમેદવાર વિજેતા બન્યા પણ તેમને 40.70 ટકા મતો મળ્યા હતા. બીજા સ્થાને નેશનલ કોંગ્રેસ ઓગ્રેનાઇઝેશન પાર્ટીના 56 ઉમેદવારો વિજેતા બન્યા હતા. આ વિજેતા ઉમેદવારોનું વોટ શેરિંગ 43.06 ટકા હતું. જ્યારે ત્રીજા ક્રમે સોશ્યાલિસ્ટ પાર્ટીનું 40.06 ટકા વોટ શેરિંગ હતું. સોશ્યાલિસ્ટ પાર્ટીના 2 ઉમેદવારોની જીત થઇ હતી. 1975ની વિધાનસભા ચૂંટણીમાં 60.09 ટકા મતદાન થયું હતું. જેમાં પુરુષ મતદારોનું 64.53 ટકા અને મહિલા મતદારોનું 55.56 ટકા મતદાન નોંધાયું હતું. આ ચૂંટણીમાં 4.07 ટકા મતો રદ થયા હતા.
1980માં કોંગ્રેસનું વોટ શેરિંગ 50.04 ટકા, ભાજપનું 19.98 ટકા હતું
આ ચૂંટણીમાં કોંગ્રેસ 141 સીટ પર વિજેતા બની હતી. કોંગ્રેસ 182 સીટ પર ચૂંટણી લડી રહી હતી. જ્યારે જનતા પાર્ટીના 21 ઉમેદવારોની જીત થઇ હતી. જો કે જનતા પાર્ટીનું વોટ શેરિંગ 27.19 ટકા હતું. ત્રીજા સ્થાને ભાજપના 9 ઉમેદવારો વિજેતા બન્યા હતા. ભાજપનું વોટ શેરિંગ 19.98 ટકા હતું. આ ચૂંટણીમાં ભાજપ 127 સીટ પર ચૂંટણી લડ્યું હતું. આ ચૂંટણીમાં કુલ 48.37 ટકા મતદાન થયું હતું. જેમાં પુરુષ મતદારોએ 53.47 અને મહિલા મતદારોએ 43.16 ટકા મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં કુલ મતદાનના 2.53 ટકા મતો રદ થયા હતા.
1985ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું વોટ શેરિંગ 55.55 ટકા અને ભાજપનું 21.43 ટકા હતું
આ ચૂંટણીમાં ત્રણ મોટા પક્ષો ચૂંટણી મેદાનમાં હતા. જેમાં કોંગ્રેસ, ભાજપ અને જનતા પાર્ટી વચ્ચે જંગ હતો. કોંગ્રેસના વોટ શેરિંગની વાત કરીએ તો આ ચૂંટણીમાં કોંગ્રેસના 149 ઉમેદવારોની જીત થઇ હતી. કોંગ્રેસનું વોટ શેરિંગ 55.55 ટકા હતું. કુલ 48.82 ટકા મતદાન થયું હતું. 1985ની વિધાનસભા ચૂંટણીમાં જનતા પાર્ટી અને ભાજપના વોટ શેરિંગમાં જાજો તફાવત રહ્યો ન હતો. જનતા પાર્ટી 141 બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાં 14 ઉમેદવારો વિજેતા બન્યા હતા. જ્યારે ભાજપ 124 બેઠકો પર ચૂંટણી લડ્યું હતું, જેમાં 11 ઉમેદવારો વિજેતા બન્યા હતા. જેમાં પુરુષ મતદારોએ 53.15 અને મહિલા મતદારોએ 44.35 ટકા મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં કુલ મતદાનના 2.08 ટકા મતો રદ થયા હતા.
1990ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું 20 ટકા વોટ શેરિંગ ઘટ્યું, ભાજપનું 10 ટકા વોટ શેરિંગ વધ્યું હતું
1990ની ચૂંટણી કોંગ્રેસ માટે પરિવર્તન લાવી. કારણ કે આ ચૂંટણીમાં ત્રણ મહત્વના પક્ષો વચ્ચે જંગ હતો. જેમાં જનતા દળે કોંગ્રેસના વોટ શેરિંગમાં મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસે 181 સીટ પર ચૂંટણી લડી હતી. જેમાં કોંગ્રેસના 33 ઉમેદવારો વિજેતા બન્યા હતા. જ્યારે ભાજપ 143 સીટ પર ચૂંટણી લડયું હતું, જેમાં 67 ઉમેદવારો વિજેતા બન્યા હતા. આ ચૂંટણીમાં સૌથી વધુ સીટ પર જીત મેળવનાર જનતા દળ 147 સીટ પર ચૂંટણી લડ્યું હતું અને 70 ઉમેદવારો વિજેતા બન્યા હતા. જનતા દળને લીધે કોંગ્રેસના વોટ શેરિંગમાં 20 ટકા કરતાં વધારે ઘટાડો થયો હતો. કોંગ્રેસનું વોટ શેરિંગ 30.90 ટકા હતું. જનતા દળનું વોટ શેરિંગ કોંગ્રેસ કરતાં વધુ 36.25 ટકા હતું. જ્યારે ભાજપનું પણ વોટ શેરિંગ વધ્યું હતું. જેમાં ભાજપ આ ચૂંટણીમાં 33.86 ટકા વોટ શેરિંગ સુધી પહોંચ્યું હતું. આ ચૂંટણીમાં કુલ 52.20 ટકા મતદાન થયું હતું. જેમાં પુરુષ મતદારોએ 57.18 ટકા અને મહિલા મતદારોએ 46.91 ટકા મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં કુલ મતદાનના 2.08 ટકા મતો રદ થયા હતા.
1995 વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું વોટ શેરિંગ 42.51 ટકા જ્યારે કોંગ્રેસનું 32.86 ટકા વોટ શેરિંગ હતું
1995ની વિધાનસભા ચૂંટણી ભાજપ માટે ગુજરાતમાં ટર્નિગ પોઇન્ટ સાબિત થઇ. આ ચૂંટણીમાં વોટ શેરિંગમાં ભાજપ પક્ષ પ્રથમ સ્થાને રહ્યો. બીજા સ્થાને કોંગ્રેસ અને ત્રીજા સ્થાને જનતા દળ જોવા મળ્યું હતું. ભાજપ આ ચૂંટણીમાં 182 સીટ પર ચૂંટણી લડ્યું હતું, જેમાં ભાજપના 121 ઉમેદવારો વિજેતા બન્યા હતા. ભાજપનું વોટ શેરિંગ 42.51 ટકા રહ્યું હતું. 1990ની ચૂંટણીના પરિણામ કરતાં ભાજપના વોટ શેરિંગમાં 10 ટકા વધારો થયો હતો. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો 181 સીટ પર ચૂંટણી લડ્યું હતું, જેમા 45 ઉમેદવારો વિજેતા બન્યા હતા. કોંગ્રેસનું વોટ શેરિંગ 32.86 ટકા હતું, આ ચૂંટણીમાં કુલ 64.39 ટકા મતદાન થયું હતું, જેમાં પુરુષ મતદારોએ 66.86 ટકા અને મહિલા મતદારોએ 61.71 ટકા મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં રાજ્યના કુલ મતદાનમાં પણ 10 ટકા કરતાં વધુનો વધારો થયો હતો. જો કે, ચૂંટણીમાં કુલ મતદાનના 3.38 ટકા મત રદ થયા હતા.
1998 વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું વોટ શેરિંગ 44.81 ટકા જ્યારે કોંગ્રેસનું વોટ શેરિંગ 35.88 ટકા હતું
આ ચૂંટણીમાં ભાજપ 182 બેઠક પર ચૂંટણી લડ્યું હતું, જેમાં 117 ઉમેદવારો વિજેતા બન્યા હતા. ભાજપનું વોટ શેરિંગ 44.81 ટકા હતું. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો 179 સીટ પર ચૂંટણી લડ્યું હતું, જેમાં 53 ઉમેદવારો વિજેતા બન્યા હતા. કોંગ્રેસનું વોટ શેરિંગ 35.88 ટકા હતું. 1995 બાદની ચૂંટણી કરતાં કોંગ્રેસનું વોટ શેરિંગ 3 ટકા વધારે હતું. જ્યારે આ ચૂંટણીમાં ત્રીજા સ્થાને સીપીએમનો એક પણ ઉમેદવાર જીત્યો ન હતો પણ સીપીએમનું વોટ શેરિંગ 24.22 ટકા રહ્યું હતું. આ વિઘાનસભા ચૂંટણીમાં કુલ મતદાન 59.30 ટકા થયું હતું. જેમાં પુરુષ મતદારોએ 63.34 ટકા અને મહિલા મતદારોએ 55.03 ટકા મતદાન કર્યું હતું.
2002 વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું વોટ શેરિંગ 49.85 ટકા જ્યારે કોંગ્રેસનું વોટ શેરિંગ 39.59 ટકા હતું
ભાજપનું વોટ શેરિંગ સતત વધતું રહ્યું હતું. 1998 વિધાનસભા ચૂંટણી કરતાં ભાજપનું વોટ શેરિંગ 5 ટકા વધ્યું હતું. ભાજપ 182 સીટ પર ચૂંટણી લડ્યું હતું, જેમાં ભાજપના 127 ઉમેદવારો વિજેતા બન્યા હતા. ભાજપનું કુલ વોટ શેરિંગ 49.85 ટકા હતું. જ્યારે કોંગ્રેસ 180 સીટ પર ચૂંટણી લડ્યું હતું, જેમાં 51 ઉમેદવારો વિજેતા બન્યા હતા. કોંગ્રેસનું વોટ શેરિંગ 39.59 ટકા રહ્યું હતું. 1998ની વિધાનસભા કરતા 4 ટકા કોંગ્રેસનું વોટ શેરિંગ વધ્યું હતું. 2002 વિધાનસભા ચૂંટણીમાં કુલ 61.54 ટકા મતદાન થયું હતું. જેમાં પુરુષ મતદારોએ 64.91 ટકા અને મહિલાઓએ 57.99 ટકા મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં 3582 મતો રદ થયા હતા.
2007 વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું 49.12 ટકા જ્યારે કોંગ્રેસનું 38.63 ટકા વોટ શેરિંગ હતું
આ વિધાનસભામાં ભાજપ 182 સીટ પર ચૂંટણી લડ્યું હતું, જેમાં 117 ઉમેદવારો વિજેતા બન્યા હતા. ભાજપનું વોટ શેરિંગ 49.12 ટકા હતું. જ્યારે કોંગ્રેસ 173 સીટ પર ચૂંટણી લડ્યું હતું, જેમાં 59 ઉમેદવારો વિજેતા બન્યા હતા. કોંગ્રેસનું વોટ શેરિંગ 38.63 ટકા રહ્યું હતું. 1995 બાદ કોંગ્રેસનું વોટ શેરિંગ 38થી 39 ટકા સુધી જળવાઇ રહ્યું હતું. કોંગ્રેસના વિજેતા ઉમેદવારોની સંખ્યામાં વધારો ઘટાડો જોવા મળતો હતો પણ વોટ શેરિંગ જળવાઇ રહી હતી. 59.77 ટકા મતદાન થયું હતું, જેમાં પુરુષ મતદારોએ 62.31 ટકા અને મહિલા મતદારોએ 57.02 ટકા મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાં 1315 મત રદ થયા હતા.
2012 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 16 અને કોંગ્રેસ 46 સીટ 2 ટકા માર્જિનથી જીત્યું હતું
1995થી માંડીને 2012 સુધી દરેક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના વોટ શેરિંગમાં જાજો તફાવત જોવા મળ્યો ન હતો. કોંગ્રેસ 38થી 39 ટકા વોટ શેરિંગ પર અટકી રહ્યું હતું. 2012ના પરિણામમાં પણ કોંગ્રેસે 38.93 ટકા વોટ શેરિંગ મેળવ્યું હતું. જેમાં કોંગ્રેસના 61 ઉમેદવારોની જીત થઇ હતી. જ્યારે ભાજપની વાત કરીએ તો ભાજપના 115 ઉમેદવારોની જીત થઇ હતી. ભાજપનું વોટ શેરિંગ 47.85 ટકા હતું. આ ચૂંટણીમાં કુલ 72.02 ટકા મતદાન થયું હતું. ભાજપ 16 સીટ 2 ટકાના માર્જિનથી જીત્યું હતું જ્યારે કોંગ્રેસ 46 સીટ 2 ટકાના માર્જિનથી જીત્યું હતું.
2017માં થયેલા આંદોલનથી ભાજપના વોટ શેરિંગમાં ઘટાડો થયો હતો
1990 બાદ કોંગ્રેસનું વોટ શેરિંગ 50 ટકાથી ઘટીને 38થી 39 ટકા સુધી પહોંચી ગયું હતું. કોંગ્રેસનું આ વોટ શેરિંગ 2012 સુધી રહ્યું હતું. પરંતુ ગુજરાતમાં 2017ના વિધાનસભા ચૂંટણી પહેલા થયેલા પાટીદાર આંદોલન, ઠાકોર સમાજના આંદોલન અને દલિત સમાજના આંદોલનથી કોંગ્રેસને મોટો ફાયદો મળ્યો હતો. 2017ના પરિણામના આધારે વોટ શેરિંગની વાત કરીએ તો કોંગ્રેસ 77 સીટ પર વિજેતા બન્યું હતું. કોંગ્રેસનું વોટ શેરિંગ 41.4 ટકા પહોંચી ગયું હતું. એટલે કે કોંગ્રેસનું 2017ની ચૂંટણીમાં વોટ શેરિંગ 2.41 ટકા વધ્યું હતું. જ્યારે ભાજપની વાત કરીએ તો ભાજપ 99 સીટ પર વિજેતા બન્યું હતું. ભાજપનું 2017ની ચૂંટણીમાં કુલ વોટ શેરિંગ 49.01 ટકા પહોંચી ગયું હતું. આ ચૂંટણીમાં કુલ 69.01 ટકા મતદાન થયું હતું. જેમાં 37706 મતો રદ કરવામાં આવ્યા હતા. હવે 2022ની ચૂંટણીમાં ભાજપ પોતાનું વોટ શેરિંગ જાળવી રાખે છે કે નહીં. જ્યારે કોંગ્રેસ 2017ના વોટ શેરિંગમાં વધારો કરી શકે છે કે નહીં તે પરિણામ નક્કી કરશે.