હું મુંબઈ પહોંચ્યો કે તુરત મને ગોખલેએ ખબર આપી હતીઃ ‘ગવર્નર તમને મળવા ઇચ્છે છે, અને પૂના આવતાં પહેલાં તેમને મળી આવવું યોગ્ય ગણાશે.’ તેથી હું તેમને મળવા ગયો. સામાન્ય વાતો કર્યા પછી તેમણે કહ્યું:
‘તમારી પાસેથી હું એક વચન માગું છું. સરકારને લગતું તમારે કંઈ પણ પગલું ભરવું હોય તો તે પહેલાં તમે મને વાત કરો ને મળી જાઓ એમ હું ઇચ્છું.’
મેં જવાબ દીધોઃ
‘એ વચન આપવું મારે સારુ બહુ સહેલું છે, કેમ કે સત્યાગ્રહી તરીકે મારો નિયમ જ છે કે કોઈની પાસે કંઈ પગલું ભરવું હોય તો પ્રથમ તો તેનું દૃષ્ટિબિંદુ તેની પાસેથી જ સમજી લેવું ને જ્યાં લગી તેને અનુકૂળ થવાતું હોય ત્યાં લગી અનુકૂળ થવું. દક્ષિણ આફ્રિકામાં આ નિયમનું મેં હંમેશાં પાલન કર્યું છે, ને અહીં પણ તેમ જ કરવાનો.’
લૉર્ડ વિલિંગ્ડને આભાર માન્યો ને બોલ્યાઃ
‘જ્યારે મળવું હોય ત્યારે તમે મને તુરત મળી શકશો ને તમે જોશો કે સરકાર ઇરાદાપૂર્વક કંઈ ખોટું કરવા નથી ઇચ્છતી.’
મેં જવાબ આપ્યોઃ
‘એ વિશ્વાસ ઉપર તો હું નભું છું.’
હું પૂના પહોંચ્યો. ત્યાંનાં બધાં સ્મરણો આપવા હું અસમર્થ છું. ગોખલેએ અને સોસાયટીના સભ્યોએ મને પ્રેમથી નવરાવ્યો. મને યાદ છે તે પ્રમાણે આ બધા સભ્યોને તેમણે પૂના બોલાવ્યા હતા. બધાની સાથે ઘણી બાબતમાં દિલ ખોલીને મારી વાતો થઈ. ગોખલેની તીવ્ર ઇચ્છા હતી કે હું પણ સોસાયટીમાં જોડાઉં. મારી ઇચ્છા તો હતી જ. પણ સભ્યોને એમ લાગ્યું કે સોસાયટીના આદર્શોને ને તેની કામ કરવાની રીત મારાથી જુદાં હતાં. તેથી મારે સભ્ય થવું કે નહીં તેને વિશે તેમને શક હતો. ગોખલેની માન્યતા હતી, મારામાં મારા આદર્શને વળગી રહેવાનો જેટલો આગ્રહ હતો તેટલો જ બીજાઓના આદર્શને નભાવવાનો ને તેમની સાથે મળી જવાનો સ્વભાવ હતો. ‘પણ મારા સભ્યો હજી તમારા એ નભાવી લેવાના સ્વભાવને ઓળખતા નથી થયા. તેઓ પોતાના આદર્શને વળગી રહેનારા, સ્વતંત્ર ને મક્કમ વિચારનાં છે. હું ઉમેદ તો રાખું છું કે તેઓ તમને કબૂલ કરશે. પણ કબૂલ ન કરે તો તમે
એમ તો નહીં જ માનો કે તેમને તમારા પ્રત્યે ઓછો આદર કે પ્રેમ છે. એ પ્રેમ અખંડિત રહે એ ખાતર જ તેઓ કશું જોખમ લેતાં ડરે છે. પણ તમે સોસાયટીના કાયદેસર સભ્ય થાઓ કે ન થાઓ, હું તો તમને સભ્ય તરીકે જ ગણવાનો છું.’
મેં મારી ધારણા તેમને જણાવી હતી. સોસાયટીનો સભ્ય બનું કે ન બનું, તોપણ મારે એક આશ્રમ કાઢીને તેમાં ફિનિક્સના સાથીઓને રાખીને બેસી જવું હતું. ગુજરાતી હોઈ ગુજરાતની મારફતે સેવા કરવાની મારી પાસે વધારે મૂડી હોવી જોઈએ, એ માન્યતાથી ગુજરાતમાં ક્યાંક સ્થિર થવું એવી મારી ઇચ્છા હતી. ગોખલેને આ વિચાર ગમ્યો હતો, તેથી તેમણે કહ્યું:
‘તમે જરૂર એમ કરજો. સભ્યોની સાથે વાતચીતનું ગમે તે પરિણામ આવે, પણ તમારે આશ્રમને સારુ દ્રવ્ય મારી પાસેથી જ લેવાનું છે. તેને હું મારું જ આશ્રમ ગણવાનો છું.’
મારું હૃદય ફુલાયું. પૈસા ઉઘરાવવાના ધંધામાંથી મને મુક્તિ મળી માની હું તો બહુ રાજી થયો, ને હવે મારે મારી જવાબદારીએ નહીં ચાલવું પડે, પણ દરેક મૂંઝવણમાં મને રાહદાર હશે એ વિશ્વાસથી મારી ઉપરથી મોટો ભાર ઊતર્યો એમ લાગ્યું.
ગોખલેએ સ્વ. દાક્તર દેવને બોલાવીને કહી દીધઃં ‘ગાંધીનું ખાતું આપણા ચોપડામાં પાડજો, ને તેમને તેમના આશ્રમને સારુ તથા તેમના જાહેર ખર્ચને સારુ જે પૈસા જોઈએ તે તમે આપજો.’
પૂના છોડી શાંતિનિકેતન જવાની હવે તૈયારી કરી રહ્યો હતો. છેલ્લી રાતે ગોખલેએ મને ગમે એવી ખાસ મિત્રોની પાર્ટી કરી. તેમાં જે ખોરાક હું ખાતો તેવો જ સૂકા ને લીલા મેવાનો ખોરાક તેમણે મગાવ્યો હતો. પાર્ટી તેમની કોટડીથી થોડાં જ ડગલાં દૂર હતી. તેમાં પણ આવવાની તેમની મુદ્દલ સ્થિતિ નહોતી. પણ તેમનો પ્રેમ તેમને કેમ રહેવા દે? તેમણે આવવાનો આગ્રહ રાખ્યો. આવ્યા તો ખરા, પણ તેમને મૂંઝારી આવી ને પાછા જવું પડયું. આવું તેમને વખતોવખત થતું એટલે તેમણે ખબર દેવડાવ્યા કે અમારે પાર્ટી તો ચાલુ જ રાખવાની. પાર્ટી એટલે સોસાયટીના આશ્રમમાં મહેમાનઘરની પાસેના ચોગાનમાં જાજમ પાથરી બેસવું, મગફળી, ખજૂર વગેરે ચાવવાં, અને પ્રમવાર્તા કરવી ને એકબીજાનાં હૃદય વધારે જાણવાં.
પણ આ મૂંઝારી મારા જીવનને સારુ સામાન્ય અનુભવ નહોતી થવાની.
વધુ આવતા અંકે______