જનતા કરફ્યુંનું આહવાન વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે. જેને લઈને ૨૦મીની રાત્રીથી અત્યાર સુધી લોકોએ ખાદ્ય સામગ્રી અને અન્ય જીવન નિર્વાહના દરરોજ વપરાતી વસ્તુઓની મોટા પાયે ખરીદી કરી જેને લીધે કૃત્રિમ અછત ઉભી થવા પામી છે. તેમજ , ભાવ વધારો પણ અનિયંત્રિત થયો છે. અમૂલના કાઉન્ટરો ઉપર દૂધ અને છાશ ખૂટી ગયા છે. તેમ પર્યાવરણ મિત્રના મહેશ પંડ્યાએ મુખ્ય પ્રધાનને ઈ મેઈલ કરીને જાણ કરી છે.
લોકોને ડર છે કે, ૧૫ જૂન સુધી કોરોના વાઇરસની અસર જીવંત રહેનાર હોઈ લોકોએ મોટાભાગે ઘર વપરાશની વસ્તુઓનો સંગ્રહ ચાલુ કર્યો હતો. જેને લીધે શેર લાવીને શેર ખાતા લોકો, રોજમદારો, મજૂરી કામ આધારિત જીવતા લોકોને મુશ્કેલી ઉભી થઇ છે. સરકારે તાત્કાલિક ધોરણે ગરીબોને વાજબી ભાવે પર્યાપ્ત પૂરવઠો મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ.
બાંધકામ સાઈટ પર કામ કરતાં મજૂરો બેકાર બની ગયા છે.
રાજ્યમાં અત્યારે મોટા પ્રમાણમાં રોડ અને બિલ્ડીંગના કામ ચાલે છે તેની સાથે હજ્જારો બાંધકામ મજૂરો સંકળાયેલા છે. રાજ્યમાં બાંધકામ મજૂરોના સેસના કાયદા મુજબ વેલ્ફેર ફંડમાં ૨૮૫૦.૫૦ કરોડ રૂપિયા વણ વપરાયેલા જમા પડ્યા છે. આ રકમનો બાંધકામ મજૂરોના પોષણક્ષમ આહાર માટે ઉપયોગ કરાવો જોઈએ. તેમને કામમાં રાહત પણ આપવી જોઈએ જેથી તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી ના પડે.
રાજ્યમાં કુપોષિત બાળકો અને મહિલાઓની સંખ્યા વધી છે તેવું સરકારી અભ્યાસમાં બહાર આવ્યું છે. આવા બાળકો અને મહિલાઓને રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે પોષણક્ષમ આહાર પૂરો પાડવો જોઈએ જેથી કોરોના (COVID-19) વાયરસ સામે તેમની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને.
અત્યારે છેલ્લા અઠવાડીયાથી રાજ્યની શાળાઓ બંધ છે જેથી સરકારી શાળાઓમાં અપાતું મધ્યાહ્ન ભોજન પણ બંધ છે. આવા નબળા બાળકોને કોરોનાગ્રસ્ત પરિસ્થિતિમાં પોષણક્ષમ આહાર મળી રહે તે ખુબજ જરૂરી છે.
રાજ્ય સરકારે કોરોના વાયરસથી સંક્રમણીત છે કે નહિ તે રેન્ડમલી તપાસવા માટે જુદી-જુદી વસાહતોમાં જવું જોઈએ. ખાસ કરીને ઝુપડપટ્ટી વિસ્તારમાં લોકોની જાગૃતિ અને શિક્ષણ આપવાની જરૂરિયાતની સાથે-સાથે તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે પ્રકારના યોગ્ય પગલા લેવા અતિઆવશ્યક બની જાય છે.
જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે કે નહિ તે સ્વૈચ્છિક રીતે ચકાસવા માંગતા હોય તો તે માટે નિશુલ્ક તપાસ થાય તેવી વ્યવસ્થા ઉભી કરાવી જોઈએ.
અત્યારે સ્કૂલ કોલેજોમાં તા. ૨૯ માર્ચ સુધી રજાઓ જાહેર કરવામાં આવી છે તે સારી બાબત છે પરંતુ ત્યારબાદ તરત પરીક્ષા લેવાવાની છે તેવા સમાચારોને લીધે બાળકો ખાનગી ટયુશનમાં જાય છે ત્યાં કોરોના વાઈરસ સંક્રમિત થવાનો ભય રહેલો છે જેથી ચાલુ સાલ (આ વર્ષે) પ્રાથમિક શાળાનું શિક્ષણમાં માસ પ્રમોશન જાહેર કરવું જોઈએ.
આપની સરકાર ઉપરોક્ત મુદ્દાઓ નું અમલીકરણ કેવી રીતે થાય તે માટે તાત્કાલિક અસર તજજ્ઞ અભિપ્રાય મેળવીને એક્શન પ્લાન બનાવે તેવી જનહિતમાં પ્રાર્થના.