વાંચો ભાજપના સ્થાપક અને બેદાગ રાજનેતા જસવંત સિંહની વાત

પૂર્વ કેન્દ્રીય પ્રધાન જસવંતસિંહનું નિધન થયું છે. બાડમેર જિલ્લાના જસોલ ગામમાં 3 જાન્યુઆરી, 1938 ના રોજ જન્મેલા જસવંતસિંહ ભાજપના સ્થાપક સભ્યોમાંના એક હતા. તેઓ ભાજપના દિગ્ગજ નેતા હતા પરંતુ 2014થી મોદીએ તેમને અમાનિત કરીને મતભેદોને કારણે તગેડી મૂકવામાં આવ્યા હતા. છેલ્લા છ વર્ષથી તેઓ કોમામાં હતા.

જસવંતસિંહે અજમેરની મેયો કોલેજ અને ત્યારબાદ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડમીના ખડકવાસલામાં અભ્યાસ પૂરો કર્યો હતો. તે નાની ઉંમરે સેનામાં જોડાયા. 1966માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ભાજપના સ્થાપક સભ્ય હતા. 1980 માં પ્રથમ વખત રાજ્યસભામાં ચૂંટાયા. ત્યારબાદ 1986, 1998, 1999 અને 2004 માં રાજ્યસભામાં ચૂંટાયા હતા.

જસવંતસિંહ ચાર વખત લોકસભા માટે ચૂંટાયા હતા. 1990, 1991, 1996, 2009. 2004 થી 2009 સુધી રાજ્યસભામાં વિપક્ષી નેતા રહ્યા હતા. વાજપેયી સરકારમાં તેઓ 1998 થી 2002 સુધી વિદેશ પ્રધાન હતા. 2000 થી 2001 સુધી સંરક્ષણ પ્રધાન અને 2002 થી 2004 સુધી નાણાં પ્રધાન હતા. તેમને વાજપેયીના હનુમાન કહેવાતા.

કંદહાર ભારતના વિમાનના અપહરણમાં જશવંતસિંહ વિદેશ પ્રધાન હતા ત્યારે બાજપાઈના કહેવાથી ત્રણ આતંકીઓને કંદહાર છોડવા ગયા હતા. વિપક્ષો ઘણી વાર તેમની ટીકા કરતા. આ ઘટના વિશે તેમણે પોતાની પુસ્તકમાં વિગતવાર પણ લખ્યું છે.

જસવંત સિંહે પુસ્તક જિન્નાહમાં મોહમ્મદ અલી ઝીણાને ધર્મનિરપેક્ષ કહ્યા હતા અને જવાહરલાલ નેહરુ અને સરદાર પટેલને ભાગલા માટે જવાબદાર ગણ્યા હતા. તેથી તેમને ભાજપમાંથી બહાર કઢાયા હતા. તેમની વાત સાચી હતી, પણ ખોટા સમયે લખી હતી. લગભગ એક વર્ષ પછી, તે ફરીથી પાર્ટીમાં પાછા લેવાયા હતા.

2012માં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં હારી ગયા હતા. 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીએ ભાજપના સ્થાપક એવા જસવંતસિંહને ટિકિટ આપી ન હતી. તેથી તેઓ બાડમેરથી અપક્ષ ઉમેદવાર ઊભા રહ્યા અને હરાવવામાં આવ્યા હતા. ભાજપને સાચી વાત કહેવા બદલ ભાજપના સ્થાપક સિંહને છ વર્ષ માટે ભાજપમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા.

જસવંતસિંહ એક વિદ્વાન રાજકારણી હતા. તે પોતાને લિબરલ ડેમોક્રેટ કહેવાનું પસંદ કરતા હતા. તેને ઘોડેસવારી, સંગીત, પુસ્તકો અને તેની સંસ્કૃતિ ખૂબ ગમતી. તેમના પર ક્યારેય કોઈ પ્રકારના ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો ન હતો. પોતાનું આખું જીવન ભાજપમાં ગાળ્યા છતાં તેમણે ક્યારેય પણ હિન્દુત્વની રાજનીતિ કરી ન હતી. તે પાકિસ્તાનના સંબંધોને સુધારવાના પક્ષમાં હતા. તે 1999ની લાહોર બસ પ્રવાસનો આર્કિટેક માનવામાં આવે છે.

જસવંતસિંહે 30 જૂન 1963 ના રોજ શીતલ કુમારી સાથે લગ્ન કર્યા હતા. તેમના પુત્ર માનવેન્દ્ર સિંહ બાડમેરના સાંસદ અને અહીંની શિવ બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે. હાલ તેઓ કોંગ્રેસના સભ્ય છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની સામે ઝલારપટનથી ચૂંટણી લડ્યા અને હારી ગયા. 17 મી લોકસભાની ચૂંટણીમાં બાડમેર સંસદીય ક્ષેત્રમાંથી કોંગ્રેસની ટિકિટ પર તેઓ ભાજપના કૈલાસ ચૌધરી સામે હારી ગયા હતા.