રાજકોટ શહેરની ચાર અને જિલ્લાની ચાર સહિત ૮ બેઠકો પર મતદાનમાં ગત ચૂંટણીની સાપેક્ષે સુસ્તી જોવા મળી હતી. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ નજર જેના પર હતી તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌ પ્રથમ મતવિસ્તાર , વજુભાઈ વાળા અનેકવાર અને છેલ્લે ગત બે ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૃુપાણી જ્યાં ચૂંટાયા તે રાજકોટ પશ્ચિમ બેઠક પર ઈ.સ.૨૦૧૭માં ૬૭ ટકા મતદાન સામે આ વખતે માત્ર ૫૭.૦૩ ટકા મતદાન થયું છે. તો રાજકોટ જિલ્લાની ૮ બેઠકો પર ગત ચૂંટણીમાં સરેરાશ ૬૬.૭૮ ટકા મતદાન સામે આ વખતે ૭ ટકાનો મોટા ઘટાડા સાથે અંદાજિત ૬૦.૪૨ ટકા મતદાન થયું છે.
રાજકોટના રેસકોર્સ મેદાન કે જે પશ્ચિમ બેઠક નજીક આવે છે ત્યાં વડાપ્રધાને તા.૧૯ ઓક્ટોબર અને ગત તા.૨૮ નવેમ્બરે એમ ઉપરાઉપરી બે સભાઓ સંબોધી હતી. આમ છતાં મતદારોમાં ઉત્સાહ ઘટયો છે.નોંધપાત્ર બાબત એ છે કે રાજકોટ પશ્ચિમ બેઠકમાં ભાજપના દિગ્ગજ નેતાઓને પહેલેથી જ રસ રહ્યો છે અને ૨૦૦૨થી ૨૦૧૭ સુધીના ત્રણ ચૂંટણીમાં ત્યાં મતદાન સતત વધતું રહ્યું છે પરંતુ, ૧૫ વર્ષમાં પ્રથમવાર મતદાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ બેઠક પર પ્રથમવાર ધારાસભાની ભાજપમાંથી ચૂંટણી લડતા હાલના ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, કોંગ્રેસના આંતરિક વિરોધ વચ્ચે જેમને ટિકીટ મળી તે મનસુખ કાલરિયા વચ્ચે મુખ્ય જંગ રહ્યો છે.
કોંગ્રેસનો દૂધ પીતો યુવાન હવે દારૃ પીતા યુવાન તરીકે ચૂંટણી લડશે
પશ્ચિમ ઉપરાંત રાજકોટ દક્ષિણ કે જ્યાં ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા ભાજપમાંથી લડે છે અને પ્રથમવાર જ ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ્યા છે, આ બેઠક ૨૦૧૨માં રચાઈ છે અને ગત બે ચૂંટણીમાં ત્યાં ૬૪ ટકાથી વધારે મતદાન થયું છે, ત્યારે આ વખતે માત્ર ૫૬.૬૦ ટકાએ મત આપ્યો છે.
જો કે, ભાજપ-કોંગ્રેસના બે બળિયા વચ્ચે જ્યાં કસોકસનો જંગ છે તે રાજકોટ પૂર્વ બેઠકમાં શહેરની ચાર બેઠકોમાં સર્વાધિક ૬૨.૨૨ ટકા મતદાન થયું છે. જો કે ગત ચૂંટણીમાં ત્યાં ૬૭ ટકા મતદાન થયું હતુ.જ્યારે ભાજપ, આપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખિયો જંગ છે તેવા રાજકોટ ગ્રામ્ય અનામત બેઠક પર મતદાનમાં અઢી ટકા જેવો ઓછો ઘટાડો થયો છે, ગત ચૂંટણીમાં ત્યાં ૬૪.૧૨ ટકા સામે આ વખતે ૬૧.૨૫ ટકા મતદાન થયું છે.
જિલ્લામાં સર્વાધિક મતદાન જેતપુર બેઠક કે જ્યાં પૂર્વ મંત્રી જયેશ રાદડીયા લડે છે ત્યાં ૬૩.૨૨ ટકા થયું છે પરંતુ, ગત ચૂંટણીમાં ૭૦.૬૯ ટકા સામે ૭ ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. જ્યારે ધોરાજી બેઠક પર રાજકોટ પશ્ચિમ જેવું પાંખુ મતદાન થયું છે. ઉલ્લેખનીય છે કે ધોરાજી, જામકંડોરણા અને રાજકોટમાં વડાપ્રધાનની કૂલ ૪ સભા યોજાઈ હતી. જસદણમાં ગત ચૂંટણીમાં બાવળિયા કોંગ્રેસમાંથી લડતા હતા ત્યારે સર્વાધિક ૭૩.૪૪ ટકા મતદાન સમાં આ વખતે સૌથી વધુ ૧૨ ટકાનો તોતિંગ ઘટાડો થયો છે અને માત્ર ૬૧.૨૫ ટકા મતદાન થયું છે. આ સ્થળે ચૂંટણી પહેલા વડાપ્રધાનની સભા થઈ હતી.
જ્યારે અનિરુધ્ધસિંહ અને જયરાજસિંહ વચ્ચેના ખુલ્લા ઝઘડાથી વિવાદી બનેલ ગોંડલ બેઠક ઉપર ૬૨.૮૧ ટકા મતદાન સાથે અઢી ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. એકંદરે મતદાન જળવાયું છે.જિલ્લામાં મતદાને એ દર્શાવ્યું છે કે નિરુત્સાહ,નિરાશા માત્ર સભામાં જ જોવા ન્હોતી મળી, મતદારોમાં પણ હતી. આ નિરસતા ક્યા પક્ષના ક્યા નેતાને કેટલી નડશે તેના ગણિત હવે મંડાવા લાગ્યા છે.