લગ્ન એટલે પગમાં બેડીઓ ને મોઢે ડૂચા

દક્ષિણ રાજસ્થાનના કુશલગઢ શહેરમાં એવા ઘણા બસ સ્ટેશનો છે જ્યાંથી પરપ્રાંતિયો રોજેરોજ પડોશી ગુજરાતમાં કામ માટે નીકળે છે. તેઓ તેમના પરિવાર સાથે મુસાફરી કરે છે.
કુશલગઢ તહેસીલમાં 19 વર્ષની એક ભીલ છોકરી દિયાનું અપહરણ કરવામાં આવ્યું હતું, તેને બંધક બનાવવામાં આવી હતી, તેની પાસે કામના ઢસરડા કરાવવામાં આવ્યા હતા, હિંસક દુર્વ્યવહાર કર્યા પછી તેને ત્યજી દેવામાં આવી હતી અને પછીથી જ્યારે તેણે પરિસ્થિતિનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે કથિત રીતે તેના પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તેના જેવા અસંખ્ય કિસ્સાઓ લગ્નની આડમાં યુવાન છોકરીઓની ગેરકાયદેસર હેરફેર અને માનવ તસ્કરી વચ્ચેની ભેદરેખાઓને ધૂંધળી કરી રહ્યા છે

લેખક – પ્રિતિ ડેવીડ
ચિત્રાંકન – પ્રિયાંકા બોરાર
તંત્રી – એનુભા ભોસલે
અનુવાદ – મૈત્રેયી યાજ્ઞિક

દિયા પહેલી વાર લગભગ ભાગી છૂટી હતી.

બસ ભરાય તેની રાહ જોતી તે સહેજ ગભરાટમાં બસમાં બેઠી હતી. તેણે સુરતથી ઝાલોડની ટિકિટ ખરીદી હતી. તે જાણતી હતી કે ત્યાંથી ગુજરાત સરહદ પાર કરીને રાજસ્થાનના કુશલગઢમાં તેને ઘેર પહોંચવા માટે બીજા એક કલાકની મુસાફરી કરવી પડે તેમ હતું.

રવિ અચાનક તેની પાછળથી આવ્યો ત્યારે તે બારીની બહાર જોઈ રહી હતી. તે કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલાં જ રવિએ તેનો હાથ ખેંચીને તેને બસમાંથી બહાર ઢસડી.

આજુબાજુના લોકો સામાન ચઢાવવામાં, બાળકોને સંભાળવામાં વ્યસ્ત હતા. ગુસ્સે ભરાયેલ યુવક અને ગભરાઈ ગયેલી કિશોરી તરફ કોઈએ ધ્યાન ન આપ્યું. દિયા કહે છે, “હું બૂમો પાડતા ડરતી હતી. રવિના મિજાજના દિયાના ભૂતકાળના અનુભવને જોતા શાંત રહેવું જ ઠીક હતું.

એ રાત્રે બાંધકામના સ્થળે છેલ્લા છ મહિનાથી તેને માટે જેલ બની ચૂકેલા તેના ઘરમાં દિયા ઊંઘી શકી નહોતી. તેનું આખું શરીર દુખતું હતું. રવિએ તેને સખત માર મારતા તેની ચામડી ઠેરઠેરથી ઉતરડાઈ ગઈ હતી અને તેના શરીર પર ભૂરા-લીલા ચકામા પડી ગયા હતા. તે યાદ કરે છે, “રવિએ મને મુક્કા માર્યા હતા, લાતો મારી હતી. કોઈ તેને રોકી શક્યું નહોતું.” દરમિયાનગીરી કરનારા પુરુષોની નજર દિયા પર હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જે મહિલાઓએ આ દુર્વ્યવહાર જોયો હતો તેઓએ આ મારપીટથી ડરીને વચ્ચે ન પાડવાનું મુનાસિબ માન્યું હતું. જો કોઈએ વાંધો ઉઠાવવાની હિંમત કરી તો રવિ તેમને કહી દેતો, ‘મેરી ઘરવાલી હૈ, તુમ ક્યોં બીચ મેં આ રહે હો [મારી વહુ છે. તમે શું કરવા વચ્ચે પડો છો]?’

“જ્યારે પણ મને માર મારવામાં આવતો ત્યારે મારે મલ્લમ પટ્ટી [ઘા પર ડ્રેસિંગ કરાવવા] માટે હોસ્પિટલમાં જવું પડતું, અને 500 રુપિયા ખરચવા પડતા. દિયા કહે છે કે ક્યારેક રવિનો ભાઈ પૈસા આપતો, મારી સાથે હોસ્પિટલમાં પણ આવતો અને કહેતો, “તુમ ઘર પે ચલે જા [તું તારે પિયર જતી રહે].”. પરંતુ બંનેમાંથી કોઈનેય ખબર ન હતી કે તે કેવી રીતે એવું કરી શકશે.

દિયા અને રવિ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ભીલ આદિવાસીઓ છે, 2023ના બહુપરિમાણીય ગરીબી અહેવાલ મુજબ રાજસ્થાન રાજ્યમાં સૌથી વધુ ગરીબ લોકોની સંખ્યામાં આ જિલ્લો બીજા ક્રમાંકે આવે છે. જમીનોના નાના-નાના ટુકડા, સિંચાઈનો અભાવ, કામનો અભાવ અને એકંદર ગરીબી કુશલગઢ તહેસીલને તેની કુલ વસ્તીના 90 ટકા ભીલ આદિવાસીઓ માટે ગરીબીમાંથી છૂટકારો મેળવવાના એકમાત્ર ઉપાયરૂપે નાછૂટકે કરાતા સ્થળાંતર માટેનું કેન્દ્ર બનાવે છે.

પહેલી નજરે તો બીજા ઘણા લોકોની જેમ દિયા અને રવિ પણ ગુજરાતમાં બાંધકામના સ્થળે કામ શોધી રહેલા સ્થળાંતરિત દંપતી હોય તેમ જણાય છે. પરંતુ હકીકતમાં દિયાનું સ્થળાંતર એ અપહરણનો મામલો હતો.

બે વર્ષ પહેલા રવિને પહેલીવાર બજારમાં મળી તે વખતે દિયા 16 વર્ષની હતી અને નજીકના સજ્જનગઢની એક શાળામાં 10 મા ધોરણમાં ભણતી હતી. ગામની ઉંમરમાં મોટી એક મહિલાએ એક ચિઠ્ઠી પર રવિનો ફોન નંબર દિયાને આપ્યો હતો અને રવિ તેને અમસ્તો જ મળવા માગે છે એમ કહી તેણે રવિને મળી લેવું જોઈએ એવો આગ્રહ રાખ્યો હતો.

દિયાએ રવિને ફોન કર્યો નહોતો. બીજા અઠવાડિયે જ્યારે તે બજારમાં આવ્યો ત્યારે દિયાએ તેની સાથે ટૂંકમાં વાતચીત કરી હતી. દિયા યાદ કરે છે, “હમકો ઘુમને લે જાયેગા બોલા, બાગીડોરા. બાઇક પે. [તેણે કહ્યું કે અમે બાઇક પર બાગીડોરા આંટો મારવા જઈશું]. મને શાળાએથી એક કલાક વહેલા બપોરે 2 વાગ્યે બહાર આવી જવાનું કહેવામાં આવ્યું હતું.” બીજા દિવસે રવિ તેના એક મિત્ર સાથે દિયાની શાળાની બહાર રાહ જોઈ રહ્યો હતો.

દિયા કહે છે, “અમે [અહીંથી એક કલાક દૂર આવેલા] બાગીડોરા ગયા નહોતા. અમે બસ સ્ટેન્ડ પર ગયા હતા. તેણે મને – બીજા રાજ્યમાં, અહીંથી 500 કિલોમીટર દૂર- અમદાવાદ જતી બસમાં ચડાવી દીધી હતી.”

ગભરાઈ ગયેલી દિયાએ ગમેતેમ કરીને તેના માતા-પિતાને ફોન કોલ કર્યો હતો. “મારા ચાચા [કાકા] અમદાવાદમાં મને લેવા આવ્યા હતા. પરંતુ રવિને ગામના તેના મિત્રો પાસેથી આ સમાચાર પહેલેથી મળી ગયા હતા, તેથી એ મને સુરત ઢસડી ગયો હતો.

એ પછી દિયા કોઈની પણ સાથે વાત કરે તો રવિ વહેમાતો અને મારપીટનો દોર શરૂ થયો હતો. કોલ કરવા માટે ફોન માગવાથી વધુ મારપીટ થતી હતી. દિયા એ દિવસ યાદ કરે છે જ્યારે તે ગમે તે ભોગે પોતાના પરિવાર સાથે વાત કરવા માગતી હતી, તે રડતા રડતા રવિને તેનો ફોન આપવા આજીજી કરતી હતી, એ યાદ કરે છે કે ત્યારે, “તેણે મને બાંધકામના સ્થળે પહેલા માળની અગાશી પરથી ધક્કો મારી દીધો હતો. સદભાગ્યે, હું કાટમાળના ઢગલા પર પડી, આખા શરીરે ભૂરા-લીલા ચકામા પડી ગયા હતા.” દિયા પોતાની પીઠના ભાગો બતાવે છે, જે હજી પણ દુખે છે.

દાડિયા શ્રમિક તરીકે કામ કરતા દિયાના માતા 35 વર્ષના કમલાને દિયાના અપહરણની જાણ થઈ ત્યારે પહેલા તો તેમણે દિયાને પાછી મેળવવાનો પ્રયાસ કર્યો. બાંસવાડા જિલ્લાના એક ગામમાં પરિવારની એક રૂમની કાચી ઝૂંપડીમાં માતા ખૂબ રડ્યાનું યાદ કરે છે. “બેટી તો હૈ મેરી. અપને કો દિલ નહીં હોતા ક્યા [આખરે એ મારી દીકરી છે. મને એને પાછી લઈ આવવાનું મન ન થાય]?” રવિ દિયાને ઉઠાવી ગયો તેના થોડા દિવસો બાદ કમલાએ રવિની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
રવિ દિયાને ઉઠાવી ગયો તેના થોડા દિવસો બાદ કમલાએ રવિની સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મહિલાઓ સામેના ગુનાઓમાં રાજસ્થાન ત્રીજા ક્રમે છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી ) દ્વારા પ્રકાશિત ક્રાઈમ્સ ઈન ઈન્ડિયા 2020 અહેવાલ અનુસાર આ ગુનાઓ માટેનું આરોપપત્ર (ચાર્જશીટ) દાખલ કરવામાં તેનો રેકોર્ડ સૌથી ઓછો 55 ટકા છે. અપહરણની ત્રણમાંથી બે ફરિયાદો પોલીસ કેસ ફાઇલમાં નોંધાતી જ નથી. દિયાનો કેસ પણ પોલીસ ફાઈલમાં નોંધાયો નહોતો.

કુશલગઢના નાયબ પોલીસ અધિક્ષક (ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ડીવાય એસપી) રૂપ સિંહ યાદ કરે છે, “તેઓએ કેસ પાછો ખેંચી લીધો હતો.” કમલા કહે છે કે બાંજાડિયા – ગામના પુરુષોનું એક જૂથ જેઓ એક્સ્ટ્રા-જ્યુડિશિયલ કોર્ટ તરીકે કામ કરે છે – તેઓ આ કેસમાં સામેલ થયા હતા. તેઓએ કમલા અને તેમના પતિ કિશનને, દિયાના માતા-પિતાને પોલીસની મદદ વગર ‘કન્યાની કિંમત’ પૂછીને મામલો પતાવવા માટે સમજાવ્યા હતા – આ ભીલ સમુદાયમાં પ્રચલિત એક પ્રથા છે જેમાં છોકરાનો પરિવાર પત્ની માટે ચૂકવણી કરે છે. (જોકે, જ્યારે પુરુષો લગ્નનો અંત આણે છે ત્યારે તેઓ એ પૈસા પાછા માંગે છે જેથી તેઓ ફરીથી લગ્ન કરી શકે.)
પરિવારનું કહેવું છે કે તેમને 1-2 લાખ રુપિયા લઈને અપહરણનો પોલીસ કેસ પાછો ખેંચવાનું કહેવામાં આવ્યું હતું. આ ‘લગ્ન’ ને હવે સામાજિક મંજૂરી મળી ગઈ હતી, દિયા સગીર હતી એ વાતની અને તેની સંમતિ લેવાની જરૂરિયાતની સંપૂર્ણ અવગણના કરવામાં આવી હતી. સૌથી તાજેતરનું એનએફએચએસ-5 કહે છે કે રાજસ્થાનમાં 20-24 વર્ષની વયની ચોથા ભાગની મહિલાઓના લગ્ન તે 18 વર્ષની થાય એ પહેલાં થઈ જાય છે.

ટીના ગરાસિયા કુશલગઢમાં સામાજિક કાર્યકર છે. તેઓ પોતે એક ભીલ આદિવાસી છે. તેઓ દિયાના કેસને માત્ર ભાગેડુ દુલ્હનનો મામલો ગણી લેવા તૈયાર નથી. બાંસવાડા જિલ્લામાં આજીવિકા’સ લાઈવલીહુડ બ્યુરોના વડા ટીના કહે છે; “અમારી પાસે આવતા મોટા ભાગના કેસોમાં મને ક્યારેય એવો અહેસાસ થતો નથી કે છોકરીઓ પોતાની મરજીથી ગઈ છે. અથવા તેઓ એ સંબંધમાં કોઈ લાભ, અથવા તો પ્રેમ અથવા ખુશી મળશે એમ વિચારીને ગઈ છે.” ટીના એક દાયકાથી વધુ સમયથી સ્થળાંતરિત મહિલાઓ સાથે કામ કરી રહ્યા છે.

ટીના ઉમેરે છે, “હું તેમના જતા રહેવાને એક કાવતરા તરીકે, માનવ તસ્કરી માટેની એક વ્યૂહરચના તરીકે જોઉં છું. સમુદાયની અંદર જ એવા લોકો છે, જેઓ છોકરીઓને આ સંબંધોમાં લઈ આવે છે.” તેઓ દાવો કરે છે કે છોકરીનો પરિચય કરાવવા માટે પણ પૈસાની આપ-લે થતી હોય છે. “14-15 વર્ષની છોકરીને સંબંધોની શી સમજ હોય? જીવન શું વસ્તુ છે એ તેઓ ક્યાંથી સમજે?”

જાન્યુઆરીની એક સવારે કુશલગઢમાં ટીનાની ઓફિસમાં ત્રણ પરિવારો તેમની દીકરીઓ સાથે આવ્યા હતા. તેમની વાર્તાઓ પણ દિયા જેવી જ છે.

ટીના ગરાસિયા (લાલ સ્વેટર) બાંસવાડા આજીવિકા સરકારી વિભાગના સ્થળાંતરિત મહિલા કામદાર સંદર્ભ કેન્દ્ર (બાંસવાડા લાઈવલીહુડ બ્યુરો’સ માઈગ્રન્ટ વિમેન વર્કર્સ રેફરન્સ સેન્ટર) ના વડા; અનિતા બાબુલાલ (જાંબલી સાડી) આજીવિકા બ્યુરોમાં વરિષ્ઠ સહયોગી છે, અને કંકુ (તેઓ માત્ર આ નામનો ઉપયોગ કરે છે) એક સંગઠન (જૂથ) નેતા છે. જ્યોત્સના (કથ્થઈ કોટ પહેરીને ઊભેલા) પણ આજીવિકા બ્યુરોમાંથી છે, તેઓ પોલીસ સ્ટેશન ખાતે તૈનાત એક કમ્યુનિટી કાઉન્સેલર છે, અને અહીં પરિવારોને પેપરવર્કમાં (ફોર્મ ભરવું વિગેરેમાં) મદદ કરતા જોવા મળે છે.

સીમાના લગ્ન 16 વર્ષની ઉંમરે થયા હતા અને તે તેના પતિ સાથે કામ માટે ગુજરાત સ્થળાંતરિત થઈ હતી. તે કહે છે, “હું કોઈની પણ વાત કરું તો તે ખૂબ ઈર્ષ્યા કરતો હતો. એકવાર તેણે મને (કાન પર) એટલું જોરથી માર્યું હતું હું હજી પણ એ કાને બરોબર સાંભળી શકતી નથી.”

તે ઉમેરે છે, “એ મને ભયંકર માર મારતો હતો. મને એટલું બધું દુઃખતું હતું કે હું જમીન પરથી ઉઠી શકતી નહોતી; પછી તે કહેતો કે એ કામચોર છે. એટલે ગમે તેટલું વાગ્યું હોય તો પણ હું કામ કર્યે રાખતી.” સીમાની કમાણી સીધી તેના પતિ પાસે જતી અને “એ તેમાંથી આટા [લોટ] પણ ખરીદતો નહીં, બધી જ કમાણી દારૂ પાછળ ઉડાવી દેતો.”

છેવટે તે આપઘાત કરી લેવાની ધમકી આપીને તેનાથી છૂટકારો મેળવવામાં સફળ રહી. ત્યારથી તે બીજી એક મહિલા સાથે રહે છે. તે કહે છે, “હું ગર્ભવતી છું, પરંતુ એ નથી અમારા છૂટાછેડા આપવા તૈયાર કે નથી મને ભરણપોષણના પૈસા આપવા તૈયાર.” અને તેથી તેના પરિવારે તેનો ત્યાગ કરવા બદલ તેના પતિ સામે એફઆઈઆર નોંધાવી છે. ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ , 2005 ની કલમ 20.1 (ડી) કહે છે કે ભરણપોષણ પૂરું પાડવું આવશ્યક છે, અને તે ક્રિમિનલ પ્રોસિજર કોડ (સીઆરપીસી) ની કલમ 125ને અનુરૂપ છે.

19 વર્ષની રાની ત્રણ વર્ષના બાળકની માતા છે અને તેના બીજા બાળક સાથે ગર્ભવતી છે. તેને પણ તેના પતિ દ્વારા ત્યજી દેવામાં આવી છે, પરંતુ એ પહેલા તે પણ અપમાનો અને શારીરિક ત્રાસ ભોગવી ચૂકી છે. તે કહે છે, “એ દરરોજ (દારૂ) પીતો અને મને ‘ગંદી ઓરત, રંડી હૈ [ગંદી મહિલા, એક વેશ્યા] કહીને લડાઈ શરૂ કરી દેતો.”
તેણે પોલીસ ફરિયાદ નોંધાવી હોવા છતાં જ્યારે બાંજાડિયાએ મધ્યસ્થી કરીને 50 રુપિયાના સ્ટેમ્પ પેપર પર સોદો કરાવ્યો ત્યારે ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી હતી , તેમાં પતિના પરિવારે પતિ સારું વર્તન કરશે એવી ખાતરી આપી હતી. એક મહિના પછી ફરીથી હેરાનગતિ શરૂ થઈ ત્યારે બાંજાડિયાએ આંખ આડા કાન કર્યા હતા. રાની કહે છે, “હું પોલીસ પાસે ગઈ હતી, પરંતુ મેં મારી અગાઉની ફરિયાદ પાછી ખેંચી લીધી હોવાથી, પુરાવા ખોવાઈ ગયા છે.” રાની ક્યારેય શાળાએ નથી ગઈ પણ કાયદાકીય આંટીઘૂંટીઓ શીખી રહી છે. અનુસૂચિત જનજાતિની આંકડાકીય રૂપરેખા, (સ્ટેટિસ્ટિકલ પ્રોફાઈલ ઓફ શિડ્યૂલ્ડ ટ્રાઈબ) 2013 મુજબ ભીલ મહિલાઓનો સાક્ષરતા દર અત્યંત નબળો, 31 ટકા જ છે.

આજીવિકા બ્યુરો ઓફિસમાં, ટીમના સભ્યો દિયા, સીમા અને રાની જેવી મહિલાઓને કાનૂની અને બીજી બધી જ વ્યાપક સહાય કરે છે. તેઓએ એક નાની પુસ્તિકા પણ છપાવી છે “શ્રમક મહિલાઓં કા સુરક્ષિત પ્રવાસ [મહિલા શ્રમિકો માટે સલામત સ્થળાંતર]” આ પુસ્તિકા મહિલાઓને હેલ્પલાઈનો, હોસ્પિટલો, લેબર કાર્ડ્સ વિગેરેની માહિતી આપવા માટે ફોટા અને ગ્રાફિક્સનો ઉપયોગ કરે છે.

પરંતુ બચી ગયેલા લોકો માટે પોલીસ સ્ટેશનો અને અદાલતોના અસંખ્ય ધક્કા અને જેનો સ્પષ્ટ અંત ક્યાંય નજરે ચડતો નથી એવો એ લાંબો રસ્તો છે. નાના બાળકોની વધારાની જવાબદારી સાથે ઘણા લોકો કામ માટે ફરીથી સ્થળાંતર કરી શકતા નથી.

આ પુસ્તિકા, શ્રમિક મહિલાઓં કા સુરક્ષિત પ્રવાસ [મહિલા શ્રમિકો માટે સલામત સ્થળાંતર] ની અગાઉની માર્ગદર્શિકાનું સુધારેલ સંસ્કરણ છે, પરંતુ ખાસ કરીને મહિલાઓને ધ્યાનમાં રાખીને 2023 માં કીર્તના એસ રાઘ દ્વારા તૈયાર કરવામાં આવી છે, તેઓ હવે બ્યુરો સાથે કામ કરે છે

ટીના કહે છે, “અમે એવા કિસ્સાઓ જોયા છે જ્યાં છોકરીઓને (તેના પતિથી) છૂટા થઈ જવા માટે સમજાવવામાં આવી હતી. પછી તેઓને એક માણસ પાસેથી લઈને બીજાને સોંપવામાં આવી હતી. આ આખી વાતને આપણે બહાર લાવીએ તો એ છોકરીઓની તસ્કરી (ગેરકાયદેસર હેરફેર) સિવાય બીજું કંઈ નથી. અને આવા કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે.”

તેના અપહરણ પછી તરત જ દિયાને પહેલા અમદાવાદ અને પછી સુરતમાં કામે લગાડવામાં આવી હતી. તેણે રવિની સાથે ઉભા રહીને રોકડી કરી હતી – શ્રમિક મંડીઓમાંથી શ્રમિકો પૂરા પાડતા ઠેકેદારો દ્વારા શ્રમિકોને શારીરિક શ્રમના કોઈ કામ માટે 350 થી 400 રુપિયાના દૈનિક વેતન પર લઈ જવામાં આવે તેને રોકડી કહે છે. તેઓ તાડપત્રીની ઝૂંપડીમાં ફૂટપાથ પર રહેતા હતા. પાછળથી, રવિ કાયમી થયો હતો, એટલે કે તેને માસિક વેતન આપવામાં આવતું હતું અને તેઓ બાંધકામના સ્થળે રહેતા હતા.

દિયા કહે છે, “[પણ] મેં ક્યારેય મારી કમાણી જોઈ જ નથી. એ જ બધું રાખતો હતો.” આખા દિવસની કાળી મજૂરી કર્યા પછી એ રાંધતી, સાફસૂફી કરતી, વાસણ માંજતી, કપડાં ધોતી અને ઘરનાં બધાં નાના-મોટા કામ કરતી. કેટલીકવાર બીજી મહિલા શ્રમિકો ગપસપ કરવા આવતી, પરંતુ રવિ તેમના પર બાજ-નજર રાખતો હતો.

દિયા કહે છે, “હું ત્યાંથી ભાગી છૂટીને નીકળી જઈ શકું એ માટે મારા પિતાએ ત્રણ વખત કોઈકની ને કોઈકની સાથે પૈસા મોકલ્યા હતા. પણ જેવી હું બહાર નીકળું ને કોઈ જોઈ જાય અને [રવિને] કહી દે, અને એ મને ન જવા દે. એ વખતે હું બસમાં ચડી ગઈ હતી ત્યારે કોઈકે તેને કહી દીધું અને એટલે એ મારી પાછળ-પાછળ આવ્યો હતો.”

દિયા માટે કોઈની પણ મદદ મેળવવાનું અથવા હિંસા કે અપહરણ માટે (રાજ્ય) સરકાર પાસેથી મદદ મેળવવાનું અશક્ય હતું કારણ કે દિયા ફક્ત વાંગડીની બોલી બોલતી હતી. સુરતમાં કોઈ એ સમજી શકતું નહોતું. ઠેકેદારો વખત જતા થોડુંઘણું ગુજરાતી અને હિન્દી બોલી અને સમજી શકતા પુરુષો મારફતે જ મહિલાઓ સાથે વ્યવહાર કરતા હતા.

રવિએ દિયાને બસમાંથી ખેંચી કાઢ્યાના લગભગ ચાર મહિના પછી તે ગર્ભવતી થઈ હતી. તેને તેની પોતાની મરજીથી ગર્ભ રહ્યો નહોતો. એ પછી મારપીટ ઓછી થઈ હતી પરંતુ તે સંપૂર્ણપણે બંધ થઈ નહોતી.

તેની ગર્ભાવસ્થાના આઠમા મહિનામાં રવિએ તેને તેના માતાપિતાને ઘેર મૂકી આવ્યો હતો. બાળકના જન્મની નિયત તારીખે તેઓ તેને (નજીકના મોટા શહેર) ઝાલોડ ની હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેના દીકરાનો જન્મ થયો હતો. તે બાળકને સ્તનપાન કરાવી શકી નહોતી કારણ કે 12 દિવસ સુધી બાળક સઘન સંભાળ એકમ (ઈન્ટેન્સિવ કેર યુનિટ – આઈસીયુ) માં હતું અને (પછી) તેને દૂધ આવતું બંધ થઈ ગયું હતું.

ઘરેલુ હિંસાનો સામનો કરતી સ્થળાંતરિત મહિલાઓને બમણી તકલીફ છે – ઠેકેદારો તેમની સાથે માત્ર તેમના પતિઓ મારફત જ વ્યવહાર કરે છે, અને મહિલાઓ સ્થાનિક ભાષા બોલી શકતી નથી તેથી કોઈ પણ પ્રકારની મદદ મેળવવાનું તેમને માટે અશક્ય છે
તે સમયે તેના પરિવારમાં કોઈને રવિના હિંસક દોર વિશે ખબર નહોતી. તે થોડા સમય માટે રોકાઈ એ પછી માતાપિતા તે રવિ પાસે પાછી ફરે એ માટે આતુર હતા – સ્થળાંતરિત યુવાન માતાઓ તેમના ખૂબ જ નાના બાળકોને તેમની સાથે કામ પર લઈ જાય છે. કમલાએ સમજાવ્યું, “છોકરી માટે જે પુરુષ સાથે એણે લગ્ન કર્યા છે એ જ તેનો સહારો છે, તેઓ સાથે રહેશે, સાથે કામ કરશે.” માતા-પિતા સાથે રહીને આ માતા અને બાળક એ (દિયાના માતા-પિતાના) પરિવાર પર આર્થિક બોજારૂપ બની રહ્યા હતા.

દરમિયાન હવે ફોન પર ત્રાસ આપવાનું શરૂ થઈ ગયું હતું. રવિ બાળકની સારવાર માટે પૈસા આપવાનો ઇનકાર કરતો હતો. દિયા, જે હવે પોતાના મા-બાપને ઘેર હતી, તેનામાં થોડી હિંમત આવી હતી અને ક્યારેક પોતાની સ્વતંત્રતા બતાવીને એ કહેતી, “ઠીક છે તો હું મારા પિતા પાસેથી લઈ લઈશ.” કમલા યાદ કરે છે, “બહુત ઝગડા કરતે થે [તેઓ બહુ જીભાજોડી કરતા હતા].”

આવી જ એક વાતચીતમાં રવિએ દિયાને કહ્યું કે તે બીજી મહિલા સાથે લગ્ન કરશે. રિયાએ જવાબ આપ્યો, “જો તમે (બીજા લગ્ન) કરી શકો છો, તો હું પણ કરી શકું છું.” અને પછી તેણે કોલ કટ કરી દીધો હતો.

થોડા કલાકો પછી રવિ કે જે પડોશી તાલુકામાં પોતાને ઘેર હતો, તે ત્રણ બાઇક પર સવાર બીજા પાંચ માણસો સાથે દિયાના માતાપિતાના ઘરે આવ્યો. તેણે દિયાને તેની સાથે આવવા સમજાવ્યું અને કહ્યું કે તે દિયા સાથે સારી રીતે વર્તશે અને તેઓ ફરીથી સુરત જશે.

તે યાદ કરે છે, “એ મને એના ઘરે લઈ ગયો. તેઓએ મારા બાળકને પલંગ પર મૂક્યું હતું. મેરા ઘરવાલાએ [પતિએ] મને થપ્પડ મારી હતી, વાળથી ખેંચીને મને એક ઓરડામાં લઈ ગયો હતો અને દરવાજો બંધ કરી દીધો હતો. તેના ભાઈઓ અને મિત્રો પણ અંદર આવ્યા હતા. ગલા દબાયા [તેણે મારું ગળું દબાવ્યું], અને હું હાલી ન શકું એ માટે બીજા લોકોએ મારા હાથ પકડી રાખ્યા હતા અને રવિએ તેના બીજા હાથથી મારું માથું મુંડી નાખ્યું હતું.”

દિયાની યાદમાં આ ઘટના દર્દનાક રીતે અંકિત છે. “મને થામ્બા [થાંભલા] સાથે દબાવી દેવામાં આવી હતી. મેં બૂમો પાડી હતી અને મારાથી પડાય એટલી બૂમો પાડી હતી, પણ કોઈ આવ્યું નહોતું. પછી બીજા લોકો રૂમની બહાર નીકળી ગયા હતા અને દરવાજો બંધ કરી દીધો હતો. “રવિએ મારા કપડા ઉતારીને મારા પર બળાત્કાર કર્યો હતો. તે જતો રહ્યો હતો અને બીજા ત્રણ લોકો અંદર આવ્યા હતા અને ત્રણેએ મારા પર વારાફરતી બળાત્કાર કર્યો હતો. મને આટલું જ યાદ છે કારણ કે હું બેહોશ થઈ ગઈ હતી.

ઓરડાની બહાર તેનો નવજાત દીકરો રડવા લાગ્યો હતો. “મેં મારા ઘરવાલા [પતિ]ને મારી માતાને ફોન કરીને કહેતા સાંભળ્યા કે, ‘એ નહીં આવે. અમે આવીને બાળકને મૂકી જઈશું. મારી માતાએ ના પાડી અને કહ્યું કે તેને બદલે એ પોતે અહીં આવશે.”

સ્થળાંતર કરતી યુવાન માતાઓ ઘણીવાર તેમના ખૂબ જ નાના બાળકોને તેમની સાથે લઈ જાય છે. દિયાના કિસ્સામાં તેના માતા-પિતા સાથે રહેવાથી પરિવારની આર્થિક સ્થિતિ પર બોજો પડી રહ્યો હતો
કમલાને યાદ છે કે એ ત્યાં પહોંચી ત્યારે રવિએ તેને બાળકને લઈ જવાનું કહ્યું હતું. કમલા યાદ કરે છે, “મેં કહ્યું ‘ના’. મારે મારી દીકરીને જોવી હતી.” “જાણે અગ્નિસંસ્કાર માટે” માથું મુંડાવી દીધું હોય એવી હાલતમાં ધ્રૂજતી દિયા આગળ આવી હતી. “મેં મારા પતિ, ગામના સરપંચ અને મુખિયાને ફોન કર્યો હતો અને તેઓએ પોલીસને બોલાવી હતી.”

પોલીસ આવી ત્યાં સુધીમાં આ કૃત્ય કરનાર શખ્સ ગાયબ થઈ ગયો હતો. દિયાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. “મારા શરીર પર બચકા ભર્યાના નિશાનો હતા. કોઈ બળાત્કાર પરીક્ષણ કરવામાં આવ્યું નહોતું. મારી ઇજાઓનો કોઈ ફોટો લેવામાં આવ્યો નહોતો.

ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ , 2005, કલમ (9g) માં સ્પષ્ટપણે કહેવાયું છે કે જો શારીરિક હિંસા થઈ હોય તો પોલીસે શારીરિક તપાસનો આદેશ આપવો જોઈએ. જોકે તેના પરિવારનું કહેવું છે કે તેઓએ પોલીસને બધું જ કહ્યું હતું, પરંતુ જ્યારે આ પત્રકારે ડીવાયએસપીને પૂછ્યું ત્યારે તેમણે દાવો કર્યો હતો કે દિયાએ પોતાનું નિવેદન બદલી નાખ્યું છે, બળાત્કારનો ઉલ્લેખ કર્યો નથી અને તેના બોલવા પરથી તે જાણે કોઈનું પઢાવેલું બોલતી હોય એવું લાગતું હતું.

દિયાના પરિવારજનો આ વાતનો સખત ઇનકાર કરે છે. દિયા કહે છે, “આધા આધા લિખા ઔર આધા આધા છોર દિયા [તેઓએ અડધુંપડધું લખ્યું અને બાકીનું અડધું છોડી દીધું હતું]. 2-3 દિવસ પછી મેં કોર્ટમાં ફાઇલ વાંચી. મેં જોયું કે તેઓએ મારા પર ચાર લોકોએ બળાત્કાર કર્યો હોવાનું લખ્યું જ નહોતું. મેં બધાના નામો આપ્યા હતા તેમ છતાં તેઓએ નામો લખ્યા નહોતા.

કુશલગઢ પોલીસ સ્ટેશન, જ્યાં ત્યાગ અને હિંસા માટે પતિઓ વિરુદ્ધ કેસ દાખલ કરતી મહિલાઓ અને તેમના પરિવારોની સંખ્યા વધી રહી છે

ઘરેલુ હિંસાનો સામનો કરતી સ્થળાંતરિત મહિલાઓને બમણી તકલીફ છે – ઠેકેદારો તેમની સાથે માત્ર પુરુષો દ્વારા જ વ્યવહાર કરે છે, અને મહિલાઓ સ્થાનિક ભાષા બોલી શકતી નથી તેથી તેઓ મદદ માગી શકતી નથી
રવિ અને બીજા ત્રણ પુરુષો, જેમનો દિયાએ પોલીસ સમક્ષ તેના બળાત્કારીઓ તરીકે ઉલ્લેખ કર્યો હતો તેમની ધરપકડ કરવામાં આવી હતી. રવિના પરિવારના બીજા સભ્યોની પણ ધરપકડ કરવામાં આવી હતી. બધા જ જામીન પર બહાર છે. રવિના મિત્રો અને પરિવાર તરફથી દિયાને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી રહે છે.

2024 ની શરૂઆતમાં જ્યારે આ પત્રકાર દિયાને મળ્યા ત્યારે તેણે કહ્યું કે તેનો દિવસ પોલીસ સ્ટેશન, કોર્ટના અનેક ધક્કાઓ ખાવામાં અને તેના હાલ 10 મહિનાના બાળકની સંભાળ રાખવામાં પૂરો થઇ જાય છે, તેના બાળકને વાઈનું નિદાન થયું છે.

દિયાના પિતા કિશન કહે છે, “અમે જ્યારે પણ કુશલગઢમાં આવીએ છીએ ત્યારે બસમાં દરેક જણના 40 રૂપિયા લાગે છે.” કેટલીકવાર પરિવારને તાકીદે બોલાવવામાં આવે છે અને તેમને તેમના ઘરથી 35 કિમીની મુસાફરી માટે 2000 રુપિયા ખર્ચીને ખાનગી વાન ભાડે લેવી પડે છે.

ખર્ચા વધી રહ્યા છે પરંતુ કિશને હાલ થોડા વખત માટે સ્થળાંતર કરવાનું માંડી વળ્યું છે, તેઓ પૂછે છે, “આ કેસ ફાઇનલ ન થાય ત્યાં સુધી હું સ્થળાંતર શી રીતે કરી શકું? પણ જો હું કામ નહીં કરું તો ઘર શી રીતે ચલાવીશું?” તેઓ ઉમેરે છે, ” બાંજાડિયાએ અમને કેસ પડતો મૂકવા માટે 5 લાખ રુપિયાની ઓફર કરી હતી. મારા સરપંચે મને કહ્યું, ‘લઈ ‘લે.’ મેં કહ્યું ના! તેને કાનૂન [કાયદા] મુજબ સજા મળવા દો.”

તેના ઘરના માટીના ભોંયતળિયે બેઠેલી, હવે 19 વર્ષની થયેલી દિયા આશા રાખે છે કે આરોપીઓને સજા મળશે. તેના વાળ એક-એક ઈંચ જેટલા ઊગી ગયા છે. “તેઓએ મારી સાથે જે કરવું હતું તે કર્યું. એમાં ડરવાનું શું? હું તો લડીશ. એને ખબર પાડવી જોઈએ કે જો એ આવું કંઈક કરે તો શું થાય. પછી એ બીજા કોઈની સાથે ફરીથી આવું નહીં કરે.”

તેનો અવાજ ઊંચો થઈ રહ્યો છે, તે ઉમેરે છે, “તેને સજા તો મળવી જ જોઈએ.”

આ વાર્તા ભારતમાં લૈંગિક અને લિંગ-આધારિત હિંસા (સેક્સ્યુઅલ એન્ડ જેન્ડર-બેઇઝ્ડ વાયોલન્સ – એસજીવીબી) માંથી બચી ગયેલા લોકોની સુરક્ષા જાળવવામાં અને તેમની જરૂરિયાતો સંતોષવામાં નડતા સામાજિક, સંસ્થાકીય અને માળખાકીય અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કરતા રાષ્ટ્રવ્યાપી રિપોર્ટિંગ પ્રોજેક્ટનો એક ભાગ છે. આ ડોકટર્સ વિધાઉટ બોર્ડર્સ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો એક ભાગ છે.

બચી ગયેલ પીડિતાઓ અને તેમના પરિવારના સભ્યોના નામ તેમની ઓળખ છુપી રાખવા માટે બદલવામાં આવેલ છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક