આતંકી ખાલિસ્તાન સમર્થક 12 વેબસાઈટ પર મોદી સરકારે લગાવ્યો પ્રતિબંધ

મોદી સરકારે ખાલિસ્તાન સમર્થક સંગઠનો સાથે જોડાયેલી 12 વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે. આ મામલા સાથે જોડાયેલા એક સૂત્રએ કહ્યુ હતું કે, પ્રતિબંધ લગાવેલી આ વેબસાઈટો ખાસ કરીને ‘શિખ ફોર જસ્ટિસ’ દ્વારા સંચાલિત વેબસાઈટો હતી, આ વેબસાઈટ પર ખાલિસ્તાન સમર્થક સામગ્રી પણ હતી.

નામ ન આપવાની શરતે એક સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રાલયે આઈટી અધિનિયમની કલમ 69એ અંતર્ગત 12 વેબસાઈટ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ માહિતી ખાતાના મંત્રાલયને ભારતમાં સાઈબર સ્પેસ પર નજર રાખવાનો અધિકાર મળેલો છે. જેમાં SFJAA4FARMERS, PBTeam, SEVA413, PB4U, સાડાપિંડ પ્રતિબંધિત વેબસાઈટમાં સામેલ છે.

આમાથી અમુક પ્રતિબંધિત વેબસાઈટો પર સર્ચ કરતા આવો મેસેજ લખેલો આવે છે કે, તમારા દ્વારા જે URLનો અનુરોધ કરવામાં આવ્યો છે, તેને ભારત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રાપ્ત નિર્દેશો અંતર્ગત પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. વધુ જાણકારી માટે પ્રશાસન સાથે સંપર્ક કરો. ગૃહમંત્રાલયે ગત વર્ષે પણ રાષ્ટ્ર વિરોધી પ્રવૃતિ કરનારા શિખ ફોર જસ્ટિસ પર પ્રતિબંધ લગાવ્યો હતો. સરકારે અલગાવવાદી પ્રવૃતિઓના સમર્થન કરતા શિખ ફોર જસ્ટિસ સાથે સંકળાયેલી 40 વેબસાઈટ પર જૂલાઈમાં પ્રતિબંધ લગાવ્યો હતો.