સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ) ના જવાનો પણ કોરોના વાયરસની લપેટમાં આવી ગયા છે. મુંબઇ નજીકના પનવેલ વિસ્તારમાં સીઆઈએસએફના 11 સુરક્ષા જવાનોની કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી છે. આશંકા છે કે આ સુરક્ષા કર્મીઓ મુંબઇ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર તહેનાત દરમિયાન વાયરસથી ચેપગ્રસ્ત લોકોના સંપર્કમાં આવી શકે છે.
નવી મુંબઈ અંતર્ગત પનવેલ વિસ્તારમાં અત્યાર સુધી કોરોના વાયરસના 14 કેસ નોંધાયા છે. કોંકણ ડિવિઝનલ કમિશનર કચેરીના અધિકારીઓએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, સીઆઈએસએફના 146 કર્મચારીઓ અને અધિકારીઓની તપાસ કરવામાં આવી છે.
શુક્રવારે મહારાષ્ટ્રમાં 67 કેસ નોંધાયા બાદ રાજ્યમાં કોરોના વાયરસના ઇન્ફેક્શનની સંખ્યા 490 પર પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.