NCMCએ સુપર ચક્રવાતી વાવાઝોડા ‘અમ્ફાન’ સામે લડવા માટેની તૈયારીઓની ફરી સમીક્ષા કરી
કેબીનેટ સચિવ રાજીવ ગાબાએ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સમિતિ (એનસીએમસી)ની ત્રીજી બેઠકની અધ્યક્ષતા કરી જેમાં સુપર ચક્રવાતી વાવાઝોડા ‘અમ્ફાન’ સામે લડવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો/ સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી.
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ જણાવ્યું કે આ ‘સુપર ચક્રવાતી વાવાઝોડુ’ 20 મે, 2020ના રોજ બપોરે/ સાંજે પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર ત્રાટકે તેવી સંપૂર્ણ શક્યતા છે. આ દરમિયાન હવાની ગતિ પહેલા 155-165 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની અને તે પછી તેના કરતા પણ વધુ ઝડપી બનીને 185 કિલોમીટર પ્રતિ કલાકના ઉચ્ચ સ્તરને પણ સ્પર્શી જાય તેવી પૂરેપૂરી સંભાવના છે. તેની સાથે જ રાજ્યના દરિયાકાંઠાના જીલ્લાઓમાં ભારે વરસાદ થશે અને સમુદ્રમાં 4-5 મીટર ઊંચા મોજા ઉછળશે. આ વાવાઝોડા દ્વારા પૂર્વ મિદનાપુર, દક્ષિણ અને ઉત્તર 24 પરગણા, હાવડા, હુગલી અને કોલકાતા જીલ્લાઓ વધુ અસરગ્રસ્ત થવાની શક્યતા છે. ‘અમ્ફાન’ વાવાઝોડા વડે થનાર નુકસાનની સંભાવના આની પહેલા આવેલા ચક્રવાતી વાવાઝોડા ‘બુલબુલ’ દ્વારા થયેલ ભારે નુકસાનની સરખામણીએ અનેક ગણું વધારે થવાની સંભાવના છે કે જે 9 નવેમ્બર 2019ના રોજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટક્યું હતું.
આ ચક્રવાતી વાવાઝોડાના લીધે ઓડીશાના દરિયા કિનારાના જીલ્લાઓ જેવા કે જગતસિંહ પુર, કેન્દ્રપાડા, ભદ્રક, જાજપુર અને બાલાસોરમાં પણ અત્યંત ભારે વરસાદ થવાની, પ્રચંડ પવન ફૂંકાવાની અને સમુદ્રમાં ઊંચા ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે.
ઓડીશાના મુખ્ય સચિવ અને પશ્ચિમ બંગાળના અધિક મુખ્ય સચિવે એનસીએમસીને પોતાના દ્વારા કરવામાં આવેલ પ્રારંભિક ઉપાયોથી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. ખાદ્યાન્ન સામગ્રી, પીવાનું પાણી અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના સંગ્રહ માટે શક્ય તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વીજળી અને ટેલિકોમ સેવાઓની જાળવણી અને રીપેરીંગ માટે સંલગ્ન ટીમો પણ તૈયાર કરી દેવામાં આવી છે.
રાજ્યો અને કેન્દ્રીય એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા કરતા કેબીનેટ સચિવે રાજ્ય સરકારોને જણાવ્યું છે કે વાવાઝોડાના માર્ગમાં આવતા નીચાણવાળા વિસ્તારોમાંથી સમયસર લોકોને સુરક્ષિતપણે બહાર કાઢવા માટે તમામ જરૂરી ઉપાયો કરવામાં આવે અને તેની સાથે જ જરૂરી સામગ્રી જેવી કે ભોજન, પીવાનું પાણી અને દવાઓ વગેરેનો જથ્થો પુરતી માત્રામાં જાળવી રાખવામાં આવે. રાજ્ય સરકારોને એ પણ સલાહ આપવામાં આવી છે કે રસ્તાઓ ઉપરથી કાટમાળ ખસેડવા માટે અને અન્ય રીપેરીંગ કાર્યો માટે ટુકડીઓને તૈયાર રાખવામાં આવે.
એનડીઆરએફની 36 ટીમોને વર્તમાન સમયમાં બંને રાજ્યોમાં તૈનાત કરવામાં આવી છે. સેના અને નૌસેનાના બચાવ અને રાહત દળોની સાથે સાથે નૌ સેના, વાયુ સેના અને તટરક્ષક દળના જહાજો તથા વિમાનોને પણ આપત્તિકાળની વ્યવસ્થા તરીકે રાખવામાં આવ્યા છે. જરૂરી ચીજવસ્તુઓની જાળવણીને સુનિશ્ચિત કરવા માટે ટેલીફોન વિભાગ અને વીજળી મંત્રાલયની સંસ્થાઓના અધિકારીઓને પણ રાજ્યોમાં હાજર રાખવામાં આવ્યા છે.
ઓડીશાના મુખ્ય સચિવ અને પશ્ચિમ બંગાળના ગુહ સચિવે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં ભાગ લીધો હતો. ગૃહ, સંરક્ષણ, શિપિગ, વીજળી, ટેલિકોમ્યુનિકેશન અને સ્વાસ્થ્ય મંત્રાલય, આઈએમડી, એનડીએમએ અને એનડીઆરએફના વરિષ્ઠ અધિકારીઓએ પણ આ બેઠકમાં ભાગ લીધો.
આ વાવાઝોડાથી ઉત્પન્ન સ્થિતિની સમીક્ષા કરવા માટે એનસીએમસીની બેઠક ફરીથી યોજાશે.