નેશનલ એલિજિબિલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG મે-2020 મુલતવી રાખવામાં આવી

નવી દિલ્હી, 28-03-2020
દેશમાં ફેલાયેલી કોવિડ-19 મહામારીના કારણે માતાપિતા અને વિદ્યાર્થીઓ જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તેને અનુલક્ષીને રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા આગામી સમયમાં લેવાનારી NEET (UG) મે 2020 પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષા અગાઉના શિડ્યૂલ અનુસાર 3 મે 2020ના રોજ લેવાની હતી જે મુલતવી રાખવામાં આવી છે.
NTA દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, હાલના તબક્કે આ પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે અને મે 2020ના છેલ્લા સપ્તાહમાં યોજવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જોકે, પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી જ તેની ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવશે. 27 માર્ચ 2020ના રોજ આ પરીક્ષા માટેના પ્રવેશપત્રો ઇશ્યુ કરવાના હતા જે હવે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી 15 એપ્રિલ 2020 પછી જ ફરી ઇશ્યુ કરવામાં આવશે.

NTA દ્વારા વિદ્યાર્થીઓ અને માતાપિતાને વિનંતી કરવામાં આવી હતી કે, તેઓ પરીક્ષા અંગે કોઇપણ પ્રકારની ચિંતા ન કરે અને માતાપિતાને વિનંતી કરવામાં આવી હતી કે વિદ્યાર્થીઓ આ સમયનો પરીક્ષાની તૈયારી કરવામાં ઉપયોગ કરે અને મહત્વપૂર્ણ પરિકલ્પનાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરે તેમાં મદદરૂપ થાય જેથી અભ્યાસમાં રહેલી કોઇપણ ઉણપો તેઓ દૂર કરી શકે. NTA સતત વિદ્યાર્થીઓને તાજેતરના ફેરફારો અને માહિતીથી અવગત કરશે અને કોઇપણ ફેરફારો વિશે પૂરતા સમયમાં માહિતગાર કરવામાં આવશે.
તમામ ઉમેદવારો અને તેમના માતાપિતાને વિનંતી છે કે તેઓ તાજેતરના અપડેટ વિશે ntaneet.nic.in અને www.nta.ac.in ની મુલાકાત લેવાનું ચાલુ રાખે. તેમને નોંધણી કરાવેલા મોબાઇલ નંબર/ ઇમેઇલ આઇડી દ્વારા પર વ્યક્તિગત રીતે માહિતગાર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ કોઇપણ સ્પષ્ટીકરણ માટે 8700028512, 8178359845, 9650173668, 9599676953, 8882356803 પર પણ સંપર્ક કરી શકે છે.