કોરોના વાયરસ અને ત્યાર બાદ લાદવામાં આવેલા લોકડાઉનને કારણે દેશભરમાં માર્ચ મહિનાથી સિનેમા હોલ બંધ છે. હવે તેને ખોલવાની મંજૂરી તો આપવામાં આવી છે પરંતુ વિવિધ જિલ્લામાં તમામ થિયેટરો ખૂલ્યા નથી. મલ્ટિપ્લેક્સમાં પણ એકાદ બે થિયેટર જ ખોલવામાં આવે છે. આ સ્ક્રીનમાં પણ દિવસમાં માંડ એકાદ બે શો જ દર્શાવવામાં આવે છે. આ ઉપરાંત સિંગલ સ્ક્રીન સિનેમા હોલ તો મહિનાઓથી લટકતા તાળા ખોલવાની હિંમત જ દાખવતા નથી.
ફિલ્મ દેખાડવા માટે છે જ નહીં
હકીકત એમ છે કે નવી ફિલ્મ દેખાડવા માટે છે જ નહીં. પ્રેક્ષકો નવી ફિલ્મ જોવા પણ મહાપરાણે આવતા હોય છે તો જૂની ફિલ્મ નિહાળવા તો કેવી રીતે આવવાના છે? આમ જે શો ચાલી રહ્યા છે તેમાં ગણતરીના પ્રેક્ષકો જ આવતા હોય છે. આટલા પ્રેક્ષકોમાં તો થિયેટરના માલિકોના લાઇટબિલના ખર્ચ પણ નીકળતા હોતા નથી.
એક રીતે જોઇએ તો સરકારે સિનેમાહોલ ખોલવાની મંજૂરી તો આપી પણ ફિલ્મ ઉદ્યોગની હાલત અત્યંત કંગાળ બની ગઈ છે. મોટા નિર્માતાઓ પણ તેમની ફિલ્મ ત્યારે જ રિલીઝ કરવાનું પસંદ કરશે જ્યારે સિનેમાહોલમાં સંપૂર્ણ ક્ષમતા સાથે પ્રેક્ષકોને પ્રવેશ મળશે. હાલની જે પરિસ્થિતિ છે તે જોતાં તો આગામી બે ત્રણ મહિના સુધી થિયેટરમાં તમામ બેઠકો માટે પ્રેક્ષકોને મંજૂરી મળે તેવી શક્યતા જણાતી નથી. આમ છતાં નિર્માતાઓ અને સિનેમા હોલના માલિકો કોઇ વચગાળાનો માર્ગ શોધી કાઢે તેવી શક્યતાની રાહ જોવાઈ રહી છે.