ONGCની પાઈપલાઈન તૂટી અને આખું તળાવ કૃડ ઓઈલથી ભરાઈ ગયું

બહુચરાજી તાલુકાના કનોડા ગામનના ખેતરોમાં ONGCની પાઈપ લાઈન તુટતા ગામનું આખું તળાવ કૃડથી ભરાઈ ગયું છે. પશુઓને પીવા લાયક પાણીનું તળાવ કૃડ ઓઈલથી ભરાઈ ગયું છે. તેથી આખું તળાવ હવે નકામું બની જઈને નષ્ટ થયું છે. ગંભીર બાબત એ છે કે જે ભેંસોએ આ તળાવનું પ્રદુષિત પાણી પીછું છે તે ભેંસો દૂધ આપતી બંધ થઈ ગઈ છે. એક ગાભણ ભેંસનું બચ્ચું મરી જતાં પશુપાલક પરિવારોની હાલત ખરાબ થઈ ગઈ છે. વળતર ચૂકવવા ગરીબ માલધારી પરિવાર દ્વારા ONGC બલોલ કચેરી સમક્ષ વારંવાર ધક્કા ખાઈને કંટાળીને ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગાંધીનગર GPCB કચેરીએ આ અંગે જાણ કરવા છતાં તળાને સાફ કરીને પ્રદૂષણ મુક્ત કરવા માટે એક મહિનાથી કંઈ જ થયું નથી. આવતાં ચોમાસે જ્યારે તળાવ છલકાશે ત્યારે આસપાસના ખેતરોમાં પ્રદુષિત પાણી ફરી વળે તેની સંભાવનાઓ છે.

કનોડા ગામની સીમમાં આવેલા તળાવમાં ONGCની બલોલની 144 નંબરની પાઈપ લાઈન લીકેજ થતાં આખું તળાવ કૃડ ઓઈલથી ભરાઈ ગયું હતું. જે તળાવમાં ગામના પશુપાલક વાઘજીભાઈ ખેંગારભાઈ દેસાઈની બે ગાભણ ભેંસો અને ચાર દુધાળી ભેંસો પાણી પીવા ગઈ હતી. તે પછી આ ભેંસોએ દૂધ આપવાનું સાવ ઓછું કરી દીધું હતું. જ્યારે એક ગાભણ ભેંસનું બચ્ચું મરી ગયું હતું. ઓઈલ પશુઓની ચામડી ઉપર ચોટી જાય છે અને તે ખૂબ ગરમ પડતું હોઈ પશુના ગર્ભધાન અને દૂધ ઉત્પાદન પર માઠી અસર કરે છે.

યોગ્ય વળતર ચૂકવવા ONGC બલોલ જીજીએસ-3 સમક્ષ લેખિત રજૂઆત કરાઈ હતી. તે સમયે આશ્વાસન અપાયું તેને એક મહિનો થયો છતાં કોઈ વળતર ચૂકવાયું નથી. આથી કંટાળી ગયેલા આ ગરીબ-ઉંમર લાયક પશુપાલકો દ્વારા ન્યાય માટે ONGC બલોલની સામે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

એક આખું તળાવ જ્યારે કૃડ ઓઈલથી પ્રદુષિત થઈ જાય ત્યારે જીવસૃષ્ટિ પર તેની વિપરીત અસર થતી હોય છે. પશુ અને પક્ષીઓને સૌથી વધું અસર થતી હોય છે. તળાવમાં કૃડ ઓઈલ જવાના કારણે પાણી પ્રદુષિત બની ગયું હોવા છતાં ONGC આ અંગે ભારે બેદરકારી દાખવી રહી છે.