રાજ્યમાં સ્થપાતા અને કાર્યરત દ્યોગિક એકમોમાં કામદાર કક્ષામાં ૮૫ ટકા અને સુપરવાઈઝરી, મેનેજરીયલ સ્ટાફમાં ૬૦ ટકા સ્થાનિક ગુજરાતી બેરોજગારોને નોકરી આપવાના ઠરાવનું ભારત સરકારની કંપનીઓએ ઉલ્લઘંન કર્યું છે. ગુજરાતમાં ઓએનજીસી, એરપોર્ટ ઓથોરિટી, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન જેવી ભારત સરકારની અનેક કંપનીઓ ઉપરોક્ત ઠરાવનો અમલ નથી કરતી તેવુ ખુદ ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે લેખિતમાં કબુલ્યું છે.
કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને સાડા ચાર વર્ષથી તો મોસાળે માં પિરસનાર હોવા છતાંયે ગુજરાતમાં વેપાર- ઉદ્યોગ કરતી ભારત સરકારની કંપનીઓ જ સ્થાનિક રોજગારીના નિયમની ઐસીતૈસી કરી રહી છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગે રાજ્યમાં ૧૫ વર્ષથી રહેતા હોય તેવા પરીવારના નાગરીકને ડોમિસાઈલ ગણી દ્યોગિક એકમોમાં સ્થાનિકોને રોજગારી આપવા નિયમો અમલમાં મુક્યા છે. પ્રાઈવેટ સેક્ટરની કંપનીઓ તો ગુજરાત સરકારના ઠરાવનો અમલ નથી જ કરતી પરંતુ, વિતેલા ચાર-પાંચ વર્ષથી ગુજરાતમાં કાર્યરત ભારત સરકારની અનેક કંપનીઆ પણ રાજ્યની ભાજપ સરકારને ગાંઠતી નથી. શ્રમ અને રોજગાર વિભાગે લેખિતમાં સ્વિકાર કર્યો છે કે, વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭માં અમદાવાદ સ્થિત સ્ટીલ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, કોલ ઈન્ડિયા, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, વડોદરા સ્થિત ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, ભરૂચ સ્થિત એનટીપીસી, મહેસાણા, અંકલેશ્વર સહિત અનેક જિલ્લાઓમાં ઓએનજીસીએ પણ સ્થાનિકોને રોજગારી આપવાના નિયમનું ઉલ્લઘંન કર્યુ છે