PAASના પૂર્વ કન્વીનર નિખિલ સવાણી કોર્ટ સમક્ષ હાજર

PAASના પૂર્વ કન્વીનર નિખિલ સવાણીએ પોતાના વકીલ મારફતે સુરત કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. જેના કારણે સુરત કોર્ટે નિખિલ સવાણીને લાજપોર જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા થયેલા પાટીદાર અનામત આંદોલન સમયે નિખિલ સવાણી પર થયેલા કેસમાં પોલીસ દ્વારા નિખિલ સવાણીની અટકાયત કરવામાં આવી ન હતી અને હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પોલીસ ગમે ત્યારે તેની અટકાયત કરી શકે છે, તેવી આશંકા સાથે નિખિલ સવાણીએ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતુ.

આ મામલે નિખિલ સવાણીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતુ કે, છેલ્લાં ચાર વર્ષની અંદર સુરત પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચે મારા પર ઘણા ગુના દાખલ કર્યા છે. મને જાણ છે ત્યાં સુધી બેથી ત્રણ કેસ એવા છે કે, તેમાં પોલીસ મને તેમના ચોપડે બબ્બે વર્ષથી ફરાર બતાવી રહી છે. ત્યારે આજે હું સામેથી સરેન્ડર કરું છું કારણ કે, મેં ઘણીવાર લોકલ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મારી અટકાયત કરવાનું કીધું છે પણ પોલીસે અત્યાર સુધીમાં મારી અટકાયત કરી નથી.

નિખિલ સવાણીએ વધુમાં જણાવ્યું હતુ કે, આવનારા દિવસોની અંદર લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પોલીસ અમને એક પછી એક કેસની અંદર ધરપકડ કરીને જેલમાં રાખવાનો સરકારના ઇશારે પ્રયત્ન કરી રહી છે, ત્યારે હું આજે મારા વકીલની સાથે કોર્ટની અંદર હાજર થાવ છું અને જે કોઈ જુના કેસો હોય એ તમામ કેસોની અંદર હું સરેન્ડર કરવા માટે તૈયાર છું અને જો પોલીસ અમારી ધરપકડ કરવા ન માંગતી હોય તો મારા પર જેટલા જુના કેસ થયા તેની વિગત મારા વકીલને આપે જેના કારણે તે ગુનાઓમાં હું સામેથી સરેન્ડર કરી શકું.