સમગ્ર વિશ્વને જે રીતે કોરોના વાયરસનાં કારણે મોત થઈ રહ્યા છે અને કોરોના વાયરસને કારણે વિશ્વના અનેક દેશમાં લાખો નાગરિકોમાં ભય અને ડરનો માહોલ છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને ભારત સરકારની જાહેર માર્ગદર્શિકાને પણ ધ્યાનમાં લઈ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિનાં વરિષ્ઠ નેતૃત્વએ જવાબદાર પક્ષ તરીકે હાલ પૂરતી ગાંધી સંદેશ યાત્રા- દાંડી યાત્રા મુલતવી રાખી છે. તેમ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયું છે.
મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ વર્ષ ઉજવણીના ભાગરૂપે તેમજ ઐતિહાસિક દાંડીકૂચની ૯૦મી જયંતિની ઉજવણી રૂપે “ગાંધી સંદેશ યાત્રા” યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ “ગાંધી સંદેશ યાત્રા” દ્વારા પ્રજામાં દાંડીકૂચના ગાંધી વિચારના જુસ્સાને પુનઃ જાગૃત કરવાનો ખ્યાલ છે. યાત્રા દ્વારા આપણે વિશેષતઃ શાંતિ,અહિંસા અને સામાજિક એખલાસ સહિતના બંધારણીય મુલ્યોના રક્ષણ અને પ્રોત્સાહનના આપણા નિર્ધારને આગળ ધપાવવા. ગાંધી સંદેશ યાત્રાને ૧૨મી માર્ચ,૨૦૨૦ ગુરુવાર ના રોજ આદરણીય શ્રી રાહુલ ગાંધી સાબરમતી આશ્રમ.,અમદાવાદ ખાતેથી પ્રસ્થાન કરીને યાત્રામાં જોડાવવા હતા. ગાંધી સંદેશ યાત્રા – દાંડીયાત્રા ૨૬ દિવસમાં ૩૮૬ કિમી. ના માર્ગનું અંતર કાપીને તા.૬ઠ્ઠી એપ્રિલ ૨૦૨૦ ને સોમવા૨ના રોજ સમાપન થનાર હતું. ૬ઠ્ઠી એપ્રિલ ૨૦૨૦ ના રોજ જાહેર સભા સાથે દાંડીયાત્રા સમાપનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી સંદેશ યાત્રા- દાંડી યાત્રામાં દેશ-વિદેશમાંથી અનેક મહાનુભાવો જોડાવા માટે તૈયારી કરી હતી.
હજારોની સંખ્યામાં નાગરિકો જોડવાના હોય તેવા સમયે કોરોના વાયરસને કારણે જાહેર આરોગ્ય ના જોખમાય એ બાબત અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ નેતૃત્વએ ખાસ કાળજી રાખીને યાત્રા મુલતવી રાખવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. દાંડીયાત્રા-ગાંધી સંદેશ યાત્રા મુલત્વી રાખવાના રાષ્ટ્રીય નેતૃત્વના નિર્ણય પાછળ નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. સમગ્ર વિશ્વમાં જે રીતે કોરોના વાયરલ ફેલાઈ રહ્યો છે.
કોરોના વાઇરસના વધતા ભયના કારણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલી ગાંધી સંદેશ યાત્રા મોકુફ કરવામાં આવી છે. 12મી માર્ચથી અમદાવાદથી દાંડી સુધી કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત કરવામાં આવેલી દાંડી યાત્રામાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહીત અનેક રાષ્ટ્રીય નેતાઓ પણ સામેલ થવાના હતા પરંતુ દેશમાં વધતા કોરોના વાયરસના ભયના કારણે ગાંધી સંદેશ યાત્રા મોકૂફ કરવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ટ્વીટ કરીને સત્તાવાર માહિતી આપી છે અને તેમણે ટ્વીટમાં લખ્યું છે કે, કોરોના વાયરસના વધતા ભયના કારણે ગુજરાત કોંગ્રેસ સમિતિએ 12 માર્ચથી શરુ થનારી ગાંધી સંદેશ યાત્રાને મોકૂફ કરી છે.