રૂપાણીના મિત્ર ઉદ્યોગપતિના નિષ્ફળ ધમણ વેન્ટીલેટરનો ઓર્ડર રદ કરતી પોન્ડિચેરીની સરકાર

ધમણની ધમાલ 1

ગાંધીનગર, 21 મે 2020

પુડ્ડચેરીએ ધમણ-1 વેન્ટિલેટરનો ઓર્ડર કેન્સલ કર્યો છે. મુખ્યમંત્રી નારાયણસામીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ધમણ-1ના પર્ફોર્મન્સને લઈને ઘણો વિવાદ સર્જાયો છે અને સ્વાસ્થ્ય મંત્રી સાથે ચર્ચા કરી છે. જેથી અમે ઑર્ડર કેન્સલ કરીશું અને આ બાબતે પત્ર મોકલી દેવાયો છે.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના રાજકોટમાં રહેતાં મિત્ર, જયોતી સીએનસીના પરાક્રમસિંહ જાડેજાએ આ વેન્ટીલેટર બનાવ્યું છે. જેનું માર્કેટીંગ ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કર્યું હતું. જેની પ્રસિદ્ધિ દેશભરમાં થઈ હતી. તેથી દેશમાંથી ઘણા સ્થળેથી આ મશીન ખરીદવા માટે ઓર્ડર મળી રહ્યાં હતા. હવે દેશની રાજ્ય સરકારો આ ઓર્ડર રદ કરવા લાગી છે.

ગાંધીનગર સ્થિત ઇક્યુબીસી ઇન્સ્ટિટ્યુટમાં સતત 10 કલાકના પરીક્ષણ બાદ વેન્ટિલેટરને પ્રમાણિત કરવામાં આવ્યું હોવાનો દાવો કરાયો હતો. સામાન્ય રીતે આ વેન્ટિલેટર 6.50 લાખ રૂપિયામાં આવે છે. , પરંતુ ધમણ-1 વેન્ટિલેટર ફક્ત 1 લાખ રૂપિયામાં જ બન્યું હતું.

આ વેન્ટિલેટરની ખાસ વાત એ છે કે આખું વેન્ટિલેટર સ્વદેશી પાર્ટમાંથી બનાવવામાં આવ્યું છે. જે માટે સુરત, જામનગર, મોરબી, મુંબઇ અને ચેન્નઇ સહિતની 26 જેટલી કંપનીઓએ જરૂરી પાર્ટ પૂરા પાડ્યા છે.

અમદાવાદની સરકારી સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવેલા ધમણ – વેન્ટીલેટર કોરોના દર્દીઓ ઉપર કામ ન કરતાં હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયા બાદ દેશભરમાં ગુજરાતની રૂપાણી સરકારની કાળી બાજુનો ભારે વિરોધ થઈ રહ્યો છે. કોરોનાના દર્દીઓને બચાવવાના બદલે મોતના મુખમાં ધકેલી દેતું હોવાના આરોપો બાદ સમગ્ર દેશમાં રૂપાણી સરકાર પોતાના મિત્ર ઉદ્યોગપતિને કઈ રીતે મદદ કરે છે તે બહાર આવ્યું છે.