નાફેડ અને એફસીઆઈ જેવી સેન્ટ્રલ નોડલ એજન્સીઓ દ્વારા ભારત સરકાર ખેડૂતો માટે વધારે સારું વળતર આપવા આતુર છે. રવિ 2020-21ની સિઝનમાં કેટલાંક રાજ્યોમાં ખેડૂતો પાસેથી લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) પર અધિસૂચિત ચીજવસ્તુઓની ખરીદી શરૂ થઈ ગઈ છે. લોકડાઉનનાં સમયગાળામાં ખેડૂતોને સમયસર માર્કેટિંગનો ટેકો મળ્યો છે. કોવિડ-19 રોગચાળામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા જાહેર થયેલી માર્ગદર્શિકાનું પાલન કરીને મહત્તમ સંખ્યામાં ખેડૂતો પાસેથી તેમના ઉત્પાદનોની ખરીદી કરવામાં આવી રહી છે.
રવિ 2020-21ની સિઝનમાં ટેકાની કિંમતની ભાવના (પીએસએસ) યોજના હેઠળ ખેડૂતો પાસેથી એમએસપી પર કઠોળ-દાળ અને તેલીબિયાની ખરીદી ચાલુ છે. આ કામગીરી કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં ચાલુ છે. 16 એપ્રિલ, 2020નાં રોજ નાફેડ/એફસીઆઈ દ્વારા 1,33,987.65 એમટી કઠોળ-દાળ અને 29,264.17 એમટી તેલીબિયાની ખરીદી 1,14,338 ખેડૂતો પાસેથી થઈ છે, જેનું કુલ મૂલ્ય રૂ. 784.77 કરોડ છે. લોકડાઉનનાં ગાળા દરમિયાન 97,337.35 એમટી રવિ કઠોળ-દાળ અને તેલીબિયાની ખરીદી પીએસએસ યોજના હેઠળ થઈ છે.
કિંમત સ્થિરતા ભંડોળ (પીએસએફ) હેઠળ એમએસપી પર નાફેડ દ્વારા ખેડૂતો પાસેથી તુવેરની ખરીદી થઈ રહી છે અને કઠોળ-તાળનો બફર સ્ટોક પણ ઊભો કરવામાં આવ્યો છે. પીએસએસ/પીએસએફ ખરીફ 2019-20ની સિઝન અંતર્ગત તુવેરની ખરીદી મહારાષ્ટ્ર, તમિલનાડુ, ગુજરાત, આંધ્રપ્રદેશ અને કર્ણાટક અને તેલંગાણામાં ચાલી રહી છે. ખરીફ માર્કેટિંગ સિઝન 2019-20 દરમિયાન તુવેરની કુલ ખરીદી 5,32,849 એમટી થઈ છે, જેમાંથી 29,328.62 એમટી તુવેરની ખરીદી લોકડાઉનથી અત્યાર સુધીનાં ગાળામાં થઈ છે.
રાજસ્થાનમાં કોટા ડિવિઝનમાં લોકડાઉનની જાહેરાત પછી કઠોળ-દાળ અને તેલીબિયાની ખરીદીપ્રક્રિયા અટકાવી દેવામાં આવી હતી. 15-04-2020થી કોટા ડિવિઝનમાં 54 કેન્દ્રોમાં આ કામગીરીને શરૂ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં વધારે સંખ્યામાં ખરીદ કેન્દ્રો કાર્યરત થશે. રાજસ્થાનનાં બાકીનાં ડિવિઝનોમાં ખરીદી મે, 2020નાં પ્રથમ અઠવાડિયાથી શરૂ કરવાની દરખાસ્ત છે. દરેક ખરીદ કેન્દ્ર પર દરરોજ મહત્તમ 10 ખેડૂતોને બોલાવવામાં આવશે અને આ માટે ખેડૂતોનો માહિતી મોકલવામાં આવે છે.
હરિયાણામાં 15-04-2020ના રોજ 163 કેન્દ્રોમાં સરસવ અને ચણાની ખરીદી શરૂ થઈ હતી. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે દરરોજ મર્યાદિત સંખ્યામાં ખેડૂતોને બોલાવવામાં આવે છે. પ્રથમ બે દિવસમાં આશરે 27,276 એમટી સરસવની ખરીદી થઈ છે.
મધ્ય પ્રદેશમાં ચણા, મસૂર અને સરસવની ખરીદી માટેની તૈયારીઓ થઈ રહી છે અને ખેડૂતોને ખરીદ કેન્દ્રોમાં તેમના ઉત્પાદનો લાવવાની જાણકારી આપવામાં આવી છે.