રાજકોટમાં સિવિલ હોસ્પિટલમાં મહિને 1300 ડાયાલીસીસ થાય છે, સૌરાષ્ટ્રમાં કિડનીના રોગો કેમ વધી રહ્યાં છે

રાજકોટ, 23 જૂન 2020

રાજકોટની સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ.) ખાતે ડાયાલીસીસ વિભાગમાં રોજના 55 ડાયાલીસીસ નિઃશુલ્ક કરવામાં આવે છે. હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્રભરમાં એકમાત્ર ક્રિટિકલ સમયે ડાયાલીસીસ કરી આપતું સી.આર.આર.ટી.(કન્ટીનિયુસ રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી) મશીન તેમજ એચ.ડી.એફ. (હિમો ડાયાફિલ્ટ્રેશન) મલ્ટી ઓર્ગન ફેલ્યોર દર્દી માટે ડાયાલીસીસ કરી આપતું મશીન છે. ફેબ્રુઆરી માસથી સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાઝમા ફેરેસીસની સુવિધા પણ નિ:શુલ્કપણે ઉપલબ્ધ બની છે. 1300 ડાયાલીસીસ થાય છે.

IKDRC દ્વારા સંચાલીત રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક ૩૦ ડાયાલીસીસ અને બીપી મોનીટરીંગની સિસ્ટમ ધરાવતા મશીનો છે. અન્ય હોસ્પિટલોમાં અંદાજીત રૂ. ૧૦ હજારના ખર્ચે થતી ડબલ હ્યુમન કેથેટરની ડાયાલીસીસ કીટ તથા તેની પ્રોસિજર અહીં વિના મુલ્યે આપવામાં આવે છે.

પ્રતિમાસ એચ.આઇ.વીના 20 જેટલા ડાયાલીસીસ કરવામાં આવે છે. ઈમરજન્સીના કેસમાં ઈન્ડોર તથા બહારના દર્દીઓને સત્વરે સારવાર આપવામાં આવે છે. શરીરમાં લોહી બનવા માટે મદદરૂપ 10000  ઇન્ટરનેશનલ યુનિટના ઈન્જેક્શનની સુવિધા વીનામુલ્યે આપવામાં આવે છે.

જર્મન ટેકનોલોજીની R.O. વોટર સિસ્ટમ છે.

રાજકોટ સિવીલમાં વર્ષ ૨૦૧૯ દરમિયાન કુલ ૩૫૮૦ ડાયાલીસીસ કરાયા હતા. જ્યારે વર્ષ ૨૦૨૦ ના મે માસ સુધીમાં કુલ ૪૪૧૯ ડાયાલીસીસ કરવામાં આવ્યા છે. જે પૈકી પ્લાઝમા ફેરેસીસના ૩૯ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૨૨૧ કેસનો સમાવેશ કરવામાં આવે છે.

જાન્યુઆરી-૨૦ માં ૫૬૭ જેટલા ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત ડાયાલીસીસ પ્રોસિજરના ૩૭ કેસની સારવાર કરવામાં આવી હતી. ફેબ્રુઆરી-૨૦ માં ૫૫૭ જેટલા ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ફેરેસીસના ૦૭ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૪૫ કેસની સારવાર કરવામાં આવી હતી. માર્ચ-૨૦ માં ૯૫૩ જેટલા ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ફેરેસીસના ૦૮ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૫૦ કેસની સારવાર કરવામાં આવી હતી. એપ્રિલ-૨૦માં ૧૦૮૨ જેટલા ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ફેરેસીસના ૧૦ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૪૨ કેસની સારવાર કરવામાં આવી હતી. મે-૨૦માં ૧૨૬૦ જેટલા ડાયાલીસીસ કરાયા હતા જે અંતર્ગત પ્લાઝમા ફેરેસીસના ૧૪ કેસ તથા ડાયાલીસીસ પ્રોસિજરના ૪૭ કેસની સારવાર કરવામાં આવી હતી.

કિડની રોગના ચેતવણીજનક ચિન્હો:

નબળાઈ લાગવી, થાક લાગવો, ખોરાકમાં અરૂચી, ઉલ્ટી-ઉબકા થવા, આંખ પર સવારે સોજા આવવા, મોં અને પગ પર સોજા આવવા, નાની ઉંમરે લોહીનું ઉંચુ દબાણ હોવું અને દવા છતાં યોગ્ય કાબુ ન હોવો, લોહીમાં ફિક્કાશ હોવી, પેશાબ ઓછો આવવો, પેશાબમાં ફીણ થવા, પેશાબ કરવામાં તકલીફ થવી, રાત્રે પેશાબ કરવા વધુ જવું પડવું. જો કોઈ વ્યકિતને ઉપર મુજબનાં ચિહ્નો હોય તો વહેલાસર ડોક્ટર પાસે જઈ તપાસ કરાવવી જરૂરી છે.

કિડનીની તકલીફ કોઈપણ વ્યક્તિને કોઈપણ ઉમરે થઇ શકે છે. પરંતુ  ડાયાબીટીસની બીમારી અથવા લોહીનું દબાણ ઉંચુ હોવું, કુટુંબમાં અન્ય સભ્યોને કિડનીનો રોગ થયો હોય,  લાંબા સમય માટે દુઃખાવાની દવા લીધી હોય,  મુત્રમાર્ગમાં જન્મજાત ખોડ હોય,  જાડાપણું હોવું, ધૂમ્રપાનની ટેવ હોય તેવા કેઈસમાં કિડની રોગ થવાનું જોખમ વધારે રહે છે.