મગફળીમાં વાયરસ, ફૂગ, ઇયળ, ચૂસિયાને મારી નાંખવા રાજ્યપાલે પ્રાકૃતિક સસ્તી દવા બતાવી

ગાંધીનગર, 24 ઓગસ્ટ 2020

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે પોતાના વિચારો લખીને વ્યક્ત કર્યા છે. તેમણે મગફળી પાક માટે ખેડૂતોને સારા ઉત્પાદન અને રોગને કાબુમાં રાખવા માટે ભલામણ કરી છે. ઓગસ્ટમાં મગફળીમાં ભારે રોગચાળો જોવા મળે છે. જેમાં અહીં વાયરસથી થતાં અનેક રોગો, ચૂસીયા, કૃમિ, ફૂગ વ્યાપક રીતે ખેતરોમાં જોવા મળે છે. તેનાથી ખેતીને કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. મોંઘી જંતુનાશક દવાના બદલે આટલું કરશો તો ખેતરમાં કોઈ રોગ નહીં રહે એવો દાવો આ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિમાં કરવામાં આવ્યો છે. 21 લાખ હેક્ટર ખેતરોમાં મગફળીનો પાક છે જેમાં 50 ટકા પાક રોગ, ફૂગનો ભોગ બનેલો છે. ખેડૂતો મોંઘી દવા છાંટે છે. સૌરાષ્ટ્રમાં 38 લાખ હેક્ટરના ખેતરોમાં અડધા ખેતરોમાં મગફળીનો પાક ખેડૂતોએ વાવેલો છે. રાજકોટ, જામનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં સૌથી વધું મગફળી છે. ગુજરાતના કૂલ મગફળીના ખેતરોમાંથી 80 ટકા સૌરાષ્ટ્રમાં છે. જ્યાં આ રોગ જોવા મળે છે.

સારા ઉગાવા, રોગ, જીવાત સામે મગફળી ટક્કર લઈ શકે તે માટે બીજામૃતનો પટ આપીને છાંયામાં સુકવીને વાવેતર કરેલું હોય તેમનું આ વર્ષે ઉત્પાદન સારું રહેશે. તેનો ઉગાવો ઝડપી અને સારો થાય છે. પાકમાં જમીન જન્ય રોગોથી બચાવી શકાય છે. એક એકરે 100 કિલો છાણિયું ખાતર અને 100 કિલો ઘન જીવામૃત ભેળવીને નાંખવાથી સારો પાક જોવા મળે છે. પાકના અવશેષોનું મલ્ચીંગ કરવું. મહિનામાં એક વખત જમીન પર 200 લિટર જીવામૃત પ્રતિ એકર છાંટો અથવા જીવામૃતને પાક પર છાંટશો તો છોડ સારા રહેશે. વાવેતર બાદ એકરે 200 લિટર પાણી સાથે આપેલું છે તેઓ મહિનામાં બે વખત 200 લિટર જીવામૃત એકરે જમીનમાં આપવું જોઈએ. અત્યારે આપી શકો છે.

મગફળીના વાવેતરના એક મહિના પછી 5 લિટર જીવામૃતને 100 લિટર સાથે પાક પર છાંટવું. ત્યારબાદ બીજો છંટકાવ 21 દિવસે 7.5 લિટર જીવામૃતને 120 લિટર પાણી સાથે છાંટવું. ત્રીજો છંટકાવ 21 દિવસ પછી 10 લિટર જીવામૃતને 150 લિટર પાણી સાથે છંટકાવ કરવો. ચોથો છંટકાવ 21 દિવસ પછી 15 લિટર જીવામૃતને 150 લિટર પાણી સાથે છંટકાવ કરવો. પાંચમો છંટકાવ 21 દિવસ પછી 3 લિટર ખાટી છાશમાં 100 લિટર પાણી મેળવીને છંટકાવ કરવો.

મગફળીમાં રોગ કે જીવાતને ભગાડે

ચૂસીયા પ્રકારની જીવાતમાં 3 લીટર નિમાસ્ત્ર 100 લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છાંટવી. લીમડાનું તેલ પણ વાપરી શકાય છે. 20 મિલી લીમડાનું તેલ પ્રતિ 10 લીટર પાણી સાથે ભેળવી છાંટવું. કૃમિ (સુંડી) માટે 3 લીટર બ્રહ્માસ્ત્ર 100 લીટર પાણીમાં ભેળવી એક એકરમાં છંટકાવ કરવો. તમામ જીવાનોની થડ વેધક, ફળ વેધખ, કૃમિ માટે 3 લીટર અગ્નિઅસ્ત્ર 100 લીટર પાણીમાં મિશ્રિત કરીને એક એકરમાં છાંટવી. ફૂગના રોગ અને વાયરસ માટે ફેલાતા રોગના નિવારણ માટે 3 કે 4 દિવસની જૂની 3 લીટર ખાટી છાશમાં 100 લીટર પાણી મેળવી છાંટવી.

દેશના કૃષિ વિજ્ઞાની સુભાષ અને ગુજરાતના કૃષિ અધિકારીઓએ રાજ્યપાલની વાતને પ્રામાણિત કરી છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.એ. આર. પાઠક અને કેટલાંક કૃષિ વિજ્ઞાનીઓ આ વિગતો સાથે જોડાયેલા છે.