Tourism Department misleads metro commuters by calling them ‘tourists’ पर्यटन विभाग ने मेट्रो यात्रियों को ‘पर्यटक’ बताकर गुमराह किया
જુલાઈ 2024
તાજેતરમાં રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યમાં પ્રવાસીઓની મુલાકાતને લઇને આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યમાં 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીમાં, રાજ્યના 12 પ્રવાસન સ્થળોની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી એવું જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ યાત્રાધામ વિકાસ બોર્ડ પાસે પણ યાત્રાળુઓની સંખ્યાની ગણતરી માટે કોઇ સિસ્ટમ નથી. ત્યારે પ્રવાસન વિભાગે આ આંકડાની ગણતરી કયા આધારે કરવામાં આવી છે, તેની કોઇ સચોટ અધિકૃત માહિતી પૂરી પાડવામાં આવી ન હોવાથી સવાલો ઉભા થયા છે.
તો બીજી તરફ આ આંકડામાં 12 જેટલાં પ્રવાસન સ્થળોમાં પાવાગઢ મંદિર, અંબાજી મંદિર, સોમનાથ મંદિર અને દ્વારકા મંદિરને પણ પ્રવાસનમાં ગણી લેવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે રાજ્યમાં ધાર્મિક સ્થળો – દેવસ્થાન માટે આખું અલગ , યાત્રાધામ વિકાસ બોર્ડ કામ કરે છે, તેમની પાસે પણ સચોટ ગણતરી માટે કોઇ સિસ્ટમ નથી તો પ્રવાસન વિભાગે આ આંકડાકીય માહિતી કઇ પદ્ધતિથી અને ક્યાંથી અને કેવી રીતે એકઠી કરવામાં આવી છે તેને લઇને પ્રવાસન વિભાગ પાસે કોઇ જવાબ નથી.
સચોટ ગણતરી કરવા માટે ટેન્ડર બહાર પડાયું
હવે જ્યારે યાત્રાધામ વિકાસ બોર્ડ હજુ યાત્રાધામોમાં જતા યાત્રાળુઓની ગણતરી માટે સિસ્ટમ વિકસાવવા જઈ રહ્યું છે, જેથી યાત્રાળુઓનો સાચો આંકડો મળી શકે. યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકૃત સૂત્રોના જણાવ્યા અનુસાર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડર પાયલોટ પ્રોજેક્ટ છે જેનાથી યાત્રાધામમાં જતા યાત્રાળુઓનો સાચો આંકડો પ્રાપ્ત થઈ શકે અને જો સિસ્ટમ સફળ થાય ત્યાર પછી અન્ય યાત્રાધામમાં પણ આ સિસ્ટમ લાગુ કરવામાં આવશે.
અમદાવાદ મેટ્રોને પણ પ્રવાસન સ્થળમાં ખપાવી દીધી
પ્રસિદ્ધિની લાલચમાં હવે અમદાવાદ મેટ્રોને પણ પ્રવાસન સ્થળમાં ગણી નાખી છે. મેટ્રોમાં ધંધા રોજગાર અર્થે જતાં મુસાફરોને પણ હવે પ્રવાસન વિભાગ પ્રવાસી ગણે છે. અમદાવાદ મેટ્રોનો ઉદેશ લોકોને સસ્તા દરે સલામત, ઝડપી અને પર્યાવરણને અનુકૂળ પરિવહન સેવાઓ પૂરી પાડવાનો છે પણ પ્રવાસન વિભાગે ઉદ્દેશ બદલી નાખ્યો છે.
અમદાવાદને પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બતાવી અમદાવાદ મેટ્રોના એપ્રિલ- 2024ના 23,06,591 મુસાફરો અને મે- 2024ના 25,47,534 મુસાફરોને તમામને પ્રવાસીઓ બનાવી દીધા છે. પ્રવાસન વિભાગના આંકડા મુજબ, વર્ષ 2023-24 અમદાવાદ જિલ્લામાં 4.26 કરોડ પ્રવાસીઓ અને અમદાવાદ શહેરમાં 2.25 કરોડ પ્રવાસીઓ મુલાકાતીઓ આવ્યા હતા.