સુરતમાં વિજય તે આખા ભારતનું મેન્ડેટ: અમિત શાહ

November 24, 2021 સંદેશ

સુરત ખાતે ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ
ભાજપે 182 બેઠકો જીતવા માટે તૈયારીઓ શરૂ કરી
30 હજારથી વધુ કાર્યકર્તાઓ એકત્ર થયા
ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે સુરત ખાતે દિપાવલી સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વર્ચ્યુઅલ જોડાયા હતા. આ કાર્યક્રમને ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા લોકો “શક્તિ પ્રદર્શન” તરીકે જોઈ રહ્યા છે.

સુરતમાં આયોજીત આજના આ સ્નેહમિલન કાર્યક્રમમાં 30 હજારથી વધુ લોકો એકત્ર થયા હોવાનું અનુમાન છે. જ્યારે 5 હજારથી વધુ કાર્યકર્તા બાઇક રેલીમાં જોડાયા હતાં. ઓપન જીપ્સીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ સુધી પહોંચ્યા હતા.

આ સ્નેહમિલનના કાર્યક્રમમાં વર્ચ્યૂઅલ રીતે જોડાયેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે, ભાજપના માલિક મારા કાર્યકર્તાઓ છે. સુરતીઓ, સૌરાષ્ટ્ર વાસીઓ અને પરપ્રાંતિયોની એકસાથે પ્રસંશા કરી જણાવ્યું કે, સુરતમાં સતત ભાજપ ચૂંટણીમાં વિજયી થઈ છે સુરતમાં ચૂંટણી વિજય એટલે આખા ભારતનું મેન્ડેટ. આ સાથે જ તેમણે ડિસેમ્બર મહિનામાં સુરત આવવાના સંકેત આપ્યા હતા.

‘સ્વચ્છ શહેર’માં સુરતનો સમગ્ર દેશમાં બીજો ક્રમ આવ્યો તે બદલ સૌને અભિનંદ આપવા સાથે જ અમિત શાહે વધુમાં જણાવ્યું કે, આવતા વર્ષે સુરતનો પ્રથમ ક્રમ થાય એ માટે સંકલ્પ આજે લઈ લો. સુરત શહેરે દરેક ચૂંટણીમાં ભાજપ પર ભરોસો રાખ્યો છે. સુરત શહેરમાં દરેક રાજ્યના લોકો રહે છે એટલે સુરત મિની ભારત છે. સુરતમાં વિજય એટલે આખા ભારતનો મેન્ડેટ છે.

સુરતએ વ્યાપારનું સેન્ટર છે. સૌરાષ્ટ્રના લોકો પોતાના પુરુષાર્થથી સુરતની સુરત બદલી છે. દેશના અનેક રાજ્યથી પણ લોકો અહીં આવ્યા છે. સુરતની અંદર આર્થિક વિકાસ થાય છે. કોરોના બાદ પણ આર્થિક સ્થિતિ ઝડપથી આગળ વધ્યું છે. PM મોદીએ આજે ગરીબ કલ્યાણ યોજનાને લંબાવવાનો વિચાર કર્યો છે. જેનાથી 80 કરોડ લોકોને 19 મહિના સુધી સુધી અનાજ મળશે.

આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રી તરીકે સુરતના કાર્યકર્તાઓએ મારો વટ પાડી દીધો છે. કાર્યકર્તા મારામાં જીવંત રહેવું જોઈએ. જેની જવાબદારી તમારી છે.જ્યાં-જ્યાં ગયો ત્યાં કાર્યકર્તાઓ એ માટે ખુશ છે કે જે રીતે મારો નંબર લાગ્યો તે જ રીતે એમનો પણ નંબર લાગી શકે છે.

નાના-મોટા હોદ્દા માટે જે ખટાશ આવે, ત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ ખટાશનો ઉપયોગ કોઈ બીજો ન લઈ શકે. ચૂંટણી વર્ષમાં આ થતું હોય છે. ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, નગર પાલિકા અને વિધાનસભા લોકસભા સહિતના પરિણામ અમે જોયા છે. જેમાં કોઈ કચાસ રહેવી જોઈએ નહીં. સોમવાર અને મંગળવારે તમે આવીને મળી શકો છો . જે રીતે તમે આજે કાર્યક્રમ કરી અમારો વટ પાડી દીધો છે, ત્યારે ત્યાં તમારો વટ પાડી દઈશું. આપણે 182 બેઠકો જીતવાની છે, અમે જીતવા માટે જન્મ લીધું છે. જે રિઝલ્ટ આપણે લેવાનું છે તે આપણે મેળવશું..

ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલે જણાવ્યું હતું કે, 2002ના નરેદ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો હતો. જે આજે આખા દેશમાં ફર્યો છે. કોઈની તાકાત નથી એ રથને રોકી શકે. આ રથ ફરીને ફરી ગુજરાતમાં આવ્યો છે.

વર્ષ 2022માં ભાજપ ને ભવ્ય વિજય અપાવશે. ભાજપના કાર્યકર્તાઓ તરીકે નાની-મોટી ભૂલો કરતા હોઈએ છે, પરંતુ લોકો આ ભૂલો ને ભૂલી નરેન્દ્ર મોદીના કારણે અમને મત આપે છે. સ્નેહ મિલન કાર્યક્રમને જે વિશાળ રૂપ આપ્યું છે તેને લોકો જોઈ રહ્યા છે.સુરતમાં તમામ રાજ્ય જિલ્લા અને ગામના લોકો રહે છે એટલે આ સ્નેહમિલન કાર્યક્રમમાં આ તમામ લોકોની તાકાત ભેગી થઈ છે.