વિનોદ જોશી , Vinod Joshi
સાહિત્ય અકાદમીએ 24 ભાષાઓમાં તેના વાર્ષિક સાહિત્ય અકાદમી પુરસ્કારોની જાહેરાત કરી છે. કવિતાના 9 પુસ્તકો, નવલકથાના 6, ટૂંકી વાર્તાઓના 5, નિબંધો અને 1 સાહિત્યિક અધ્યયનને સાહિત્ય અકાદમી પુરસ્કારો 2023માં જીત મળી છે.
24 ભારતીય ભાષાઓમાં પ્રતિષ્ઠિત જ્યુરી સભ્યો દ્વારા ભલામણ કરાયેલા આ પુરસ્કારોને સાહિત્ય અકાદમીના એક્ઝિક્યુટિવ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી, જેની બેઠક સાહિત્ય અકાદમીના પ્રમુખ શ્રી માધવ કૌશિકની અધ્યક્ષતામાં 20 ડિસેમ્બર, 2023ના રોજ મળી હતી.
કેટેગરી પ્રમાણે પારિતોષિક વિજેતાઓની યાદી નીચે મુજબ છેઃ
પારિતોષિક વિજેતાઓ
કવિતા
વિજય વર્મા (ડોગરી), વિનોદ જોશી (ગુજરાતી), મન્સૂર બનિહાલી (કાશ્મીરી), સોરોખાઇબામ ગંભિની (મણિપુરી), આશુતોષ પરીદા (ઓડિયા), સ્વર્ણજીત સવી (પંજાબી), ગજે સિંહ રાજપુરોહિત (રાજસ્થાની), અરુણ રંજન મિશ્રા (સંસ્કૃત) અને વિનોદ આસુદાની (સિંધી)
નવલકથા
સ્વપ્નમય ચક્રવર્તી (બંગાળી), નીલમ સરન ગૌર (અંગ્રેજી), સંજીવ (હિન્દી), કૃષ્ણત ખોત (મરાઠી), રાજશેખરન (દેવીભારતી) (તમિલ) અને સાદિક્વા નવાબ સહર (ઉર્દૂ)
ટૂંકી વાર્તાઓ
પ્રણવજ્યોતિ ડેકા (આસામી), નંદેશ્વર દૈમારી (બોડો), પ્રકાશ એસ. પરિએનકર (કોંકણી), તારાસીન બાસ્કી (તુરિયાચંદ બાસ્કી) (સાંતાલી) અને ટી. પતંજલિ શાસ્ત્રી (તેલુગુ)
નિબંધો
લક્ષ્મીશા તોલપડી (કન્નડ), બાસુકીનાથ ઝા (મૈથિલી) અને જુધાબીર રાણા (નેપાળી)
સાહિત્યિક અભ્યાસ
ઈ.વી. રામકૃષ્ણન (મલયાલમ)
પરિચય
વિનોદ જોશી (જ. ૧૩-૦૮-૧૯૫૫) ગુજરાતી સાહિત્યના અનુઆધુનિક સમયગાળાના એક અગ્રિમ અને બહુપ્રશંસિત કવિ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી, ભાવનગર ખાતે ગુજરાતી અનુસ્નાતક વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે એમણે કામ કર્યું અને ડીન તેમજ કુલપતિપદેથી આ યુનિવર્સિટીનું નેતૃત્વ પણ કર્યું. એમણે 2008 થી 2012 દરમિયાન કેન્દ્રીય સાહિત્ય અકાદમીમાં ગુજરાતી અને પશ્ચિમભારતીય ભાષાઓના કન્વીનર તરીકે સેવા આપી હતી. એમને 2018 થી 2022 ના સમયગાળા માટે ફરી એ જ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.
એમની પાસેથી સર્જન, વિવેચન અને સમ્પાદનનાં 35 થી વધુ પુસ્તકો મળ્યાં છે. પણ એમનું મુખ્ય કામ કવિતાક્ષેત્રે રહ્યું છે. એમની મોટાભાગની કવિતા ગ્રામજીવનની અને સ્ત્રીભાવનાઓની રસદીપ્તિથી ભાવપ્રચુરતાનો અનુભવ આપનારી બની રહી છે. નારીચિત્તની ઉદાત્ત અને સંવેદનશીલ અભિવ્યક્તિ, ભાષાની રોજિંદી પરંતુ નૂતન વળોટમાં ગૂંથાયેલી કલ્પનપૂત ભાષા, દર્શનની ઊંચાઈ સુધી પહોંચતાં એમનાં તત્ત્વનિષ્ઠ નિરીક્ષણો અને છંદોલયના અવનવીન મોહક આવિર્ભાવો એમનાં કાવ્યસર્જનનાં મુખ્ય પરિમાણો છે.
કવિલોક ટ્રસ્ટ દ્વારા વિનોદ જોશીનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પરંતુ’ 1984માં પ્રકાશિત થયો હતો. એમની પાસેથી સંસ્કૃત વૃત્તોમાં લખાયેલી ત્રિસર્ગી દીર્ઘકવિતા ‘શિખંડી'(1985), અનુઆધુનિક ગુજરાતી કવિતાની નોંધપાત્ર રચના ગણાયેલી મધ્યકાલીન શૈલીની પદ્યવાર્તા ‘તુણ્ડિલ- તુણ્ડિકા'(1987), તેમજ બહુપ્રશસ્ત કાવ્યસંગ્રહ ‘ઝાલર વાગે જૂઠડી’ (1991) પ્રાપ્ત થયાં છે, જેની એકાધિક આવૃત્તિઓ પ્રગટ થઇ છે. 2018 માં ચોપાઈ અને દોહરામાં લખાયેલાં સાત સર્ગ અને ઓગણપચાસ ખંડનાં એમનાં પ્રશિષ્ટ પ્રબંધકાવ્ય `સૈરન્ધ્રી’થી એમની કવિપ્રતિષ્ઠા સર્વાધિક ધ્યાનપાત્ર બની. દ્રૌપદીનાં સૈરન્ધ્રીરૂપનું તેમાં નારીસાપેક્ષ ભાવોત્કટ અને તત્ત્વનિષ્ઠ આલેખન થયું છે. આ પ્રબંધકાવ્યનો સ્વયં કવિએ હિન્દી ભાષામાં સમચ્છંદી અનુવાદ પણ કર્યો છે. તેનાં નૃત્ય-નાટ્ય રૂપાંતરો દેશ-વિદેશમાં ભજવાયાં પણ છે.
વિનોદ જોશીને 2013 માં કવીશ્વર દલપતરામ એવોર્ડથી અને 2015 માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. એમનાં વિવેચનપુસ્તક `નિવેશ’ (1994) ને ગુજરાતી સાહિત્ય પરિષદનું રમણલાલ જોશી પારિતોષિક અર્પણ થયું છે. 2012માં, પ્રસારભારતી અમદાવાદ દૂરદર્શન દ્વારા ગિરનાર સાહિત્ય શિરોમણી પુરસ્કાર પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ સાહિત્યકાર છે. એમને ઉમાશંકર જોશી એવોર્ડ (1986), જયંત પાઠક કવિતા પુરસ્કાર (1984), ક્રિટીક્સ એવોર્ડ (1986), ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર (2011), રાષ્ટ્રીય કલાકેન્દ્ર પુરસ્કાર (2014), અને ગુજરાત કલારત્ન એવોર્ડ (2016) થી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ ભારતીય વિદ્યાભવન, મુંબઈ દ્વારા સમર્પણ સન્માન (2018) અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘સૈરન્ધ્રી’ અને `નિર્વિવાદ’ માટે 2018 ની શ્રેષ્ઠ કવિતા અને શ્રેષ્ઠ વિવેચનનાં પારિતોષિકોથી તેમજ આઈ.એન.ટી. દ્વારા અપાતા કલાપી એવોર્ડથી પણ સન્માનિત થયા છે. ગુજરાતી કવિતામાં એમનાં ઉત્કૃષ્ટ યોગદાન માટે એમને 2018 માં ગુજરાતી કવિતાનો સર્વોચ્ય `નરસિંહ મહેતા એવોર્ડ’ અર્પણ થયો છે. એમણે ગુજરાતી ભાષાના કવિ તરીકે ચીન, જાપાન, કેન્યા, ઈંગ્લેન્ડ, અમેરિકા, યુએઈ, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ, કેનેડા વગેરે જેવા ઘણા દેશોમાં ભારતીય સાહિત્યના પ્રતિનિધિ તરીકે કે નિમંત્રિત કવિ તરીકે ભાગ લીધો છે. એમનાં કાવ્યો મોટાભાગનાં સંગીતકલાકારો દ્વારા સ્વરબદ્ધ થઇ ગવાયાં છે અને ખૂબ લોકપ્રિય થયાં છે.
કચકડાની ચૂડી રે!
મારું કૂણું માખણ કાંડું
રે! સહિયર, શું કરીએ?
# પરિચય
જન્મ
13-8-1955 – ભોરિંગડા – જિ. અમરેલી, વતન – બોટાદ
કુટુંબ
પિતા – હરગોવિંદદાસ જોશી
પત્ની –વિમલ; પુત્ર – આદિત્ય
અભ્યાસ
૧૯૭૭ – એમ.એ.
૧૯૮૦– પી.એચ. ડી.
વ્યવસાય
ભાવનગર યુનિ.માં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ,
પ્રદાન
22 સર્જનાત્મક અને વિવેચનાત્મક પુસ્તકો,
લય ઢાળની મધુરતા થી ભરેલા સ્ત્રીની સંવેદનાને વાચા આપતી કવિતાઓ તેમની લાક્ષણિકતા
સોનેટ પણ લખ્યા છે.
સંપાદન અને વિવેચન કાર્યમાં પણ ગતિશીલ
મૂખ્ય કૃતિઓ
કવિતા– ઝાલર વાગે જૂઠડી, પરંતુ, શિખંડી,
દીર્ઘ કાવ્ય – તુણ્ડિલ તુણ્ડિકા,
નાટક – રેડીયો નાટક : સ્વરૂપ અને સિધ્ધાન્ત,
વિવેચન– સોનેટ, અભિપ્રેત, નિવેશ, ‘અમૃત ઘાયલ’– વ્યક્તિમત્તા અને વાંગ્મય ;
સંપાદન– આજ અંધાર ખૂશબો ભર્યો લાગતો, રાસ તરંગિણી
ચિતનાત્મક– વિજળીને ચમકારે
જીવન
ઉચ્ચ શિક્ષણની પ્રત્યેક પરીક્ષા પ્રથમ નંબરે પસાર કરી,
અમૃત ઘાયલ’ તેમના ગઝલની દુનિયાના માર્ગદર્શક,
ગુજરાતીના શિક્ષક અને પ્રાધ્યાપક,
યુનિ. ગ્રાન્ટ્સ કમીશન અને યુ.પી.એસ.સી.માં સભ્ય,
સુગમ સંગીતના અનેક ગાયકોએ તેમની રચનાઓ લયબધ્ધ કરી છે,
હવાની હવેલી’. ‘મોરપિચ્છ’, ‘ખોબામાં જીવતર’ જેવી લોકપ્રિય કટારોના લેખક,
મુશાયરાઓ અને વ્યાખ્યાનોમાં પ્રભાવક વક્તા
સન્માન
ઉમાશંકર જોશી એવોર્ડ
જયન્ત પાઠક પારિતોષિક
સાભાર
ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના
ઇન્દ્ર શાહ – ઓહાયો
વિનોદ જોશી ગુજરાતી લેખક અને વિવેચક ગુજરાતી કવિ છે.
તેમના નોંધપાત્ર કાર્યોમાં પરંતુ, કાવ્યસંગ્રહ (ગીત કવિતા) (1984), શિખંડી, શિખંડી પર આધારિત એક લાંબી કવિતા કવિતા છે, જે મહાભારતનુ પાત્ર છે. (1985) રેડિયો નાટક: સ્વરૂપે અને સિદ્ધાંત, (1986), તુંડિલ-તુંડિકા, દિર્ઘ કાવ્યનુ એક સ્વરૂપ, (1987), અને ઝાલર વાગે જુથડી, કવિતાઓ સંગ્રહ (1991). તેઓ જયંત પાઠક પુરસ્કાર (1985), ક્રિટીક્સ એવોર્ડ (1986), કવિશ્વર દલપરામ એવોર્ડ (2013), સાહિત્ય ગૌરવ પુરસ્કાર (2015), નરસિંહ મહેતા પુરસ્કાર (૨૦૧૮), કલાપી પુરસ્કાર (2018), નર્મદ સુવર્ણ ચંદ્રક (૨૦૨૨)ના પ્રાપ્તકર્તા છે.
પ્રારંભિક જીવન
વિનોદ જોશીનો જન્મ 13 ઓગસ્ટ, 1955 ના રોજ ગુજરાતના અમરેલી જિલ્લાના ભોરીંગડા ગામમાં થયો હતો. તેમનું કુટુંબ બોટાદથી છે. તેમના પિતા, હરગોવિંદદાસ જોશી સંસ્કૃત વિદ્વાન હતા અને ગ્રામીણ સૌરાષ્ટ્રમાં પંચાયત મંત્રી તરીકે સેવા આપતા હતા. વિનોદ જોશી તેની માતા, લીલાવતી જોશીના લોકગીતથી પ્રભાવિત થયા છે.
જોશીએ ગઢડાની મોહનલાલ મોતીચંદ બાલમંદિર ખાતે તેમની પૂર્વશાળાની શિક્ષણ પૂર્ણ કરી. તેમણે 1960 થી 1966 સુધી બોટાદ જીલ્લાના તુર્ખા ગામની સરકારી શાળા ખાતે તેમની પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી. તેમની માધ્યમિક શાળા 1967 થી 1968 સુધી એનટીએમ સરકારી હાઇ સ્કૂલ, સુરેન્દ્રનગર, 1969 માં સર્વોદય વિદ્યાલય, અને સરકારી હાઇસ્કુલ, બોટાદ 1970 માં.
વિનોદ જોશીએ 1975 માં, બોટાદના કવિશ્રી બોટાદકર આર્ટસ એન્ડ કૉમર્સ કોલેજમાં ગુજરાતી સાહિત્યમાં તેમની બેચલર ઓફ આર્ટસ પૂર્ણ કરી. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ભાવનગર (1976) માં ગુજરાતી મા માસ્ટર ઓફ આર્ટસ પૂર્ણ કર્યાં અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવન (ગુજરાતી ભાષા અને સાહિત્ય વિભાગ) (1977). તેમણે પીએચ.ડી., 1980 માં ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તેમના સંશોધન માટે રેડિયો નાટકનુ કલાસ્વરુપ અને ગુજરાતીમા તેનો વિકાસ, ઈશ્વરલાલ આર. દવેની દેખરેખ હેઠળ.
વિનોદ જોશીએ તેમના શાળાના દિવસો દરમિયાન કવિતા લખવાનું શરૂ કર્યું. ધોરણ 10 માં, તેમની કવિતા સૌ પ્રથમ 1973 માં ગુજરાતી ભાષા સામયિકમાં કુમારમાં પ્રકાશિત થઈ હતી. ત્યારબાદ તેમની કવિતાઓ કવિલોક, કવિતા, શબદસ્રુષ્ટી, પરબ, નવનીત સમર્પણ, બુદ્ધીપ્રકાશ સહિતના અન્ય ગુજરાતી સામયિકોમાં પ્રકાશિત થઈ છે.
સાહિત્ય
વિનોદ જોશીની કવિતા ગ્રામીણ જીવનની છબીઓ સાથે મુખ્યત્વે ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીની લાગણીઓના ચિત્રણ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
કવિતા
જોશીને તેમના ગીતોના અવાજોમાં ભવ્ય સ્ત્રી સંવેદનશીલતા માટે ગુજરાતી સાહિત્યમાં વખાણવામાં આવે છે. તેમની કવિતામાં પ્રતીતિઓમાં તીવ્ર સ્ત્રીત્વ, એકાંત, સામાજિક સ્થિતિ અને અવિભાજ્ય વ્યક્તિત્વ શામેલ છે, જે રોજિંદા વાસ્તવિકતા અને વસ્તુઓની છબીઓમાં વ્યક્ત થાય છે.
પરન્તુ, કવિતા તેમની પ્રથમ કૃતિ, 1984 માં કાવિલોક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત કરવામાં આવી હતી. 1985 માં શીખંડી એક લાંબી કવિતા સંસ્કૃતના નિયમો અનુસાર બનેલી છે. આ કવિતા મહાભારતના પાત્રો, શિખંડી અને ભીષ્મના માનસ સાથે વ્યવહાર કરે છે.
તુંડિલ-તુંડિકા (1987), બીજી લાંબી કવિતા, આધુનિક શૈલીમાં મધ્યયુગીન ગુજરાતી પદવાવાર્તા સ્વરૂપનું પુનરાવર્તન છે. ઝાલર વાગે જુથડી (1991) જોશીની સૌથી વધુ પ્રેમભર્યા કવિતાઓની માંગ છે.
2018 માં, તેમણે સાત ખડો, 49 પ્રકરણો અને 1800 રેખાઓ સાથે પ્રબન્ધ સ્વરૂપમાં બનેલી એક કવિતા સોન્ધ્રિ પ્રકાશિત કરી. તે હિંદુ મહાકાવ્ય મહાભારતના એક પાત્ર દ્રૌપદી પર આધારિત છે, અને ચોપરા અને દોહરા જેવા વિવિધ મીટરોનો ઉપયોગ કરીને, તેના દેશનિકાલ દરમિયાન મહિલા તરીકે દ્રૌપદીના વિચારો અને લાગણીઓની એક અલગ વિશ્વ દર્શાવે છે.
વિનોદ જોશીની પસંદ કરેલી કવિતાઓ કુંચી આપો, બાયજી તરીકે સંકલિત કરવામાં આવી છે.
વિવેચન ગ્રન્થ
સોનેટ (1984)
અભીપ્રેત (1986)
અમૃત ઘાયલ: વ્યકતિમતા અને વાગ્મય (1988)
ઉદગ્રીવ (1995)
નિવેશ (1995)
રેડિયો નાટક: સ્વરૂપ અને સિદ્ધાંત (1986)
વિશાદ (૨૦૧૮)
નિર્વિવાદ (૨૦૧૮)
કવાયત (૨૦૧૮)
કવિતાત (૨૦૧૮)
સંકલન
નીરક્ષિર (1984 થી 2012)
સાહિત્યનો આસ્વાદ (1992)
રાસતરંગિની (બોટાદકરની કવિતાઓ), (1995)
કિસ્મત કુરેશી ની 50 ગઝલ (1998)
કાવ્યચયન (2006)
આજ અંધાર ખુશ્બુભર્યો લાગતો (પ્રહલાદ પારેખની કવિતાઓ) (2002)
વિજયરાય વૈદ સ્મારક ગ્રંથ
વિરાટના પાનાથર (જગદીપ વીરાનીની કવિતાઓ) (2016)
આહુતિ (મોરરી બાપુ સંબંધિત) (2017)
જગદીપ વીરાની ની કાવ્યસ્રુષ્ટિ (2019)
કાલ્પનિક
હવા ની હવેલી (૨૦૧૮) (ટૂંકી વાર્તાઓ)
હથેળીમા હસ્તાક્ષર (૨૦૧૮) (ટૂંકી વાર્તાઓ)
સગપણ ના સરવાળા (૨૦૧૮) (ટૂંકી વાર્તાઓ)
મોતી સેવવા લાખ ના (૨૦૧૮) (ટૂંકી વાર્તાઓ)
અજવાળા ની આરતી (૨૦૧૮) (ટૂંકી વાર્તાઓ)
ખોબામા જીવતર (૨૦૧૮) (ટૂંકી વાર્તાઓ)
પુરસ્કારો
જયંત પાઠક પુરસ્કાર (૧૯૮૫)
ક્રિટીક્સ એવોર્ડ (૧૯૮૬)
કવિશ્વર દલપરામ એવોર્ડ (૨૦૧૩)
સાહિત્ય ગૌરવ પુરસ્કાર (૨૦૧૫)
નરસિંહ મહેતા પુરસ્કાર (૨૦૧૮)
કલાપી પુરસ્કાર (૨૦૧૮)
નર્મદ સુવર્ણ ચંદ્રક (૨૦૨૨)
એક ઇચ્છા – વિનોદ જોશી
ગઝલ
એક ઇચ્છા વળી વળીને ફોસલાવે છે,
એ બહાને આ દિવસરાત હજી આવે છે.
આ દશા એ દિશા ન આ ન તે કશું ગોચર,
આંખ સામે જ કોઈ મીણબત્તી લાવે છે.
રોજ ફૂટે ને ફરી થાય એક પરપોટો,
અંત હ૨એક શરૂઆતને બચાવે છે.
બંધ મુઠ્ઠીથી ખરી જાય રોજ ખાલીપો,
શ્વાસ એને ફરી ઉચ્છ્વાસમાં સજાવે છે.
જે નથી ઊતરી શકી હજીય કાગળ ૫૨,
એ જ પંક્તિ મને હજી સુધી લખાવે છે.
– વિનોદ જોશી
સૈંયા… – વિનોદ જોશી
સૈંયા, મેલી દે તારી નવાબી,
. કે રોજ મારી ફરકે છે આંખ હવે ડાબી….
મુંને વીજળિયું તૂટે છે પંડમાં,
નથી આરોઓવારો નવ ખંડમાં;
સૈંયા, દાનત ખોરી બેહિસાબી,
. કે આજ કરી દેને તું ખાનાખરાબી…
મુંને હોઠેથી ડામ દીધા આકરા,
મારાં રૂંવે રગદોળ્યા ઉજાગરા;
સૈંયા, અંધારું આછું ગુલાબી,
. કે રંગ ચડ્યો હળવેથી હાજરજવાબી…
મુંને સોંસ૨વાં સણકે સંભારણાં,
લોહી કૂદીને લેતું ઓવારણાં;
સૈંયા, ખરબચડી રાત છે રુઆબી
. કે પોત મારું પોચું પોચું ને કિનખાબી…
– વિનોદ જોશી
લયસ્તરો પર કવિશ્રીના નવ્ય કાવ્યસંગ્રહ ‘ખુલ્લી પાંખે પિંજરમાં’નું સહૃદય સ્વાગત…
ધણીપણું બતાવતા ધણીને સામ-દામ-દંડ-ભેદના ન્યાયે પોતાની તરફ પાછો ખેંચી આણવાની નાયિકાની મથામણ ગીતમાં સુપેરે વ્યક્ત થઈ છે. નાયિકાની ડાબી આંખ રોજ ફરકે છે. કોઈના આવવાના શુકન તો રોજ થાય છે, પણ સૈંયાજી નવાબી તોર મેલતા નથી અને પરત પાસે આવતા નથી. આ તરફ વિરહસિક્ત નાયિકાના અંગાંગમાં વીજળીઓ તૂટી રહી છે, પણ આ તડપ-તોફાનનો ક્યાંય કોઈ આરોઓવારો નથી. ખાનાખરાબી થઈ હોવાનું પ્રતીત થાય એ હદે નાયિકા સમર્પિત થવા તલપાપડ છે, પણ નાયકની તો દાનત જ સાવ ખોરી અને બેહિસાબી છે. એ વાણીના જે ડામ દઈ ગયો છે એ જીરવવા નાયિકાને એટલું આકરું થઈ પડ્યું છે કે ઊંઘ સુદ્ધાં નાતો છોડી-તોડી ગઈ છે. પોતાની બદહાલતના વર્ણન સાથે એ નાયકને પ્રલોભન આપતાં રહેવાનુંય ચૂકતી નથી. કાળાડિબાંગ અંધારું પ્રેમના ગુલાબી રંગે રંગાયું હોવાનું કહી એ સૈંયાને લલચાવે છે. એકતરફ સ્મરણ જાત સોંસરવા સણકા જન્માવે છે તો બીજી તરફ ઓરતા લોહીમાં તોફાને ચડ્યા છે. નાયિકાનું પોત રાણી પદ્મિણી જેવું પોચું અને કિનખાબી છે પણ એકલતામાં પોતાનો રુક્કો જમાવી બેસતી રૂઆબદાર રાત એવી તો ખરબચડી છે કે નાયિકાનું હોવું ઉઝરડાઈ જાય છે…
આસપાસ ઊડે છે… – વિનોદ જોશી
આસપાસ ઊડે છે ઊત૨ડી હોય એ જ
. ઇચ્છાની ફરી ફરી ફોતરી…
પાંચ-સાત સપનાઓ ઊંચકીને હાંફે છે
. જૂનવાણી ઢોલિયાના પાયા,
ખ૨ડાતી ધોધમાર અંધારે એકલી જ
. ઓશિયાળી ઊંધમૂંધ કાયા;
પગલાં તો પાછળ ને પાછળ રહી જાય
. છતાં પડછાયે જાત હોય જોતરી…
મહેકે ક્યારેક હજી ઓચિંતી
. એકવા૨ ફૂટેલી અત્તરની શીશી,
એક બે ટકોરાનો લઈને આધા૨
. પછી લખવાની બા૨ણાંપચીશી;
ઢાંકેલી વારતાને વળગેલી ધૂળ
. રોજ પાંપણથી લેવાની ખોતરી…
– વિનોદ જોશી
*
પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે?
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે…
સાચે જ, અધૂરી ઇચ્છાઓથી અળગાં ન થઈ શકવું જ મનુષ્યનો સ્વ-ભાવ છે. જે ઇચ્છાઓ ત્યાગી દેવાની કોશિશ કરી હોય એ જ ફરી ફરીને આપણી આસપાસ મંડરાયે રાખે છે. સપનાં પૂરાં કરવા આપણે દોટ મૂકીએ ત્યાં સુધી તો ઠીક, કદાચ સપનાં સાકાર પણ થઈ જાય. પણ સમસ્યા તો ત્યારે ઊભી થાય છે જ્યારે સપનાં સાકાર કરવાના પ્રયત્નો પડતાં મૂકી આપણે જૂનવાણી ઢોલિયાના પાયાની જેમ એક જ જગ્યાએ ખોડાઈ જઈએ છીએ. આવું થાય ત્યારે અધૂરાં રહી ગયેલાં સપનાંઓનો ભાર વેઠી શકાતો નથી. ઓશિયાળું જીવન આવામાં ધોધમાર અંધારે ખરડાતું હોવાનું જ અનુભવાય છે… પ્રયત્નોના પગલાં પાછળ રહી જાય છે અને જાત પડછાયા સાથે જોતરી દેવાય છે. પણ સ્વપ્નપૂર્તિની સંભાવના તો જાતને જાત સાથે જોડવામાં આવે તો જ હોય ને!
જીવનમાં ક્યારેક કોઈક મઘમઘાટ અનુભવવાનું થયું હોય એ ક્ષણોનો નૉસ્ટાલ્જિયા જ પછી આવા જીવતરનો આધાર બની રહે છે. આખા જીવનની વાર્તા આવા એક-બે પ્રસંગથી જ લખાયેલ હોય છે. સમય જતાં આ વારતા પર પણ ધૂળ બાઝતી જાય છે અને આપણે રોજ-રોજ સપનાંના પાવડાથી એને ખોતરતા રહીએ છીએ… સપનાં ભલે અધૂરાં કેમ ન રહી ગયાં હોય, એને જોવાનું કામ કદી પૂરું થતું નથી.
અધૂરી રહી જતી ઇચ્છાઓના સામર્થ્યનું કેવું મજાનું ગીત!
ખડકી ઉઘાડી હું તો…- વિનોદ જોષી
ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી ‘તી
મુને ઉંબર લઈ ચાલ્યો બજારમાં…
પ્હેલ્લી દુકાને એક તંબોળી બેઠો, તંબોળી ખવડાવે પાન,
કેસરનો કાથો વળી ચાંદનીનો ચૂનો, ઉપર ઉમેરે તોફાન;
આમ તેમ જોતી હું તો અમથી ઊભી ‘તી
લાલ છાંટો ઊડ્યો રે શણગારમાં…
બીજી દુકાને એક વાણીડો બેઠો, વાણીડો જોખે વહેવા૨,
ઝટ્ટ દઈ તોળી મુને આંખ્યુંના ત્રાજવે, લટકામાં તોળ્યા અણસાર;
સાનભાન ભૂલી હું તો અમથી ઊભી ‘તી
દઈ પડછાયે ટેકો સૂનકારમાં…
ત્રીજી દુકાને એક પીંજારો બેઠો, પીંજારો સીવે રજાઈ,
બખિયે આવીને એક બેઠું પતંગિયું, સૂયામાં વાગી શરણાઈ;
નામઠામ છોડી હું તો અમથી ઊભી ‘તી
સાવ નોંધારી થઈને ભણકારમાં…
ચોથી દુકાને એક રંગારો બેઠો, રંગારે ઘોળ્યા અજવાસ,
સુરજ પાડીને એણે ઓર્યા રે સામટા, ઉપરથી રેડ્યું આકાશ;
રૂમઝૂમ થાતી હું તો અમથી ઊભી ‘તી
હવે અમથી ઊભી’તી એંકારમાં…
હજી અડધે ઊભી ‘તી એેંકારમાં….
મુને ઉંબર લઈ ચાલ્યો……
– વિનોદ જોષી
એક બીજું રળિયામણું ગીત…. કારીગીરીની બારીકાઈ અદ્દભૂત !!!!!
અષ્ટનાયિકા : ૦૩ : ખંડિતા – વિનોદ જોશી
ખાલી રાખી મને, ભર્યા શ્રાવણમાં…
વળી ક્યાંક વ૨સીને અંતે આવ્યો તું આંગણમાં,
ભર્યા શ્રાવણમાં…
તારા મઘમઘ મનસૂબાને વળગી કોઈ ચમેલી,
ટળવળતી રહી ખુલ્લી મારી ડૂસકાં ભરતી ડેલી;
તરસબ્હાવરી હું ક૨માઈ લૂથી લથપથ રણમાં,
ભર્યા શ્રાવણમાં…
તારા અણથક ઉજાગરાએ ભર્યો પારકો પહેરો,
ફૂટેલા પરપોટામાં હું ભ૨વા બેઠી લહેરો;
ગઈ હારને હારી, લઈને મોતી હું પાંપણમાં,
ભર્યા શ્રાવણમાં…
– વિનોદ જોશી
ભરતમુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની બે –વાસકસજ્જા અને કલહાંતરિતા– સાથે આપણે મુલાકાત કરી. આજે ત્રીજી નાયિકા ખંડિતા સાથે મુલાકાત કરી આ શૃંખલાને વિરામ આપીએ… જે મિત્રોને આઠેય નાયિકા સાથે મુલાકાત કરવાની ઇચ્છા હોય, એમને જાન્યુઆરી ૨૦૨૨નું નવનીત સમર્પણ મેળવી લેવા વિનંતી… અથવા મને વૉટ્સએપ કે મેસેજ કરશો તો હું તમામ રચનાઓ મોકલી આપીશ…
ખંડિતા એટલે પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ન સ્ત્રી. શ્રાવણ જેવી પ્રણયપ્લાવનની ઋતુમાં પ્રિયજન બીજે ક્યાંક વરસીને ખાલી થઈને પોતાના આંગણમાં આવ્યો હોવાની પીડા અહીં સુપેરે વ્યક્ત થઈ છે. પોતાની ડેલી ખુલ્લી પડી હોવા છતાં એના નસીબમાં કેવળ ટળવળાટ અને ડૂસકાં જ આવ્યાં છે, જ્યારે નાયકના મઘમઘ મનસૂબાઓને કોઈ અન્ય જ ચમેલી વળગી છે. શ્રાવણની ઋતુમાં તરસની પરાકાષ્ઠા લઈને લૂથી ભર્યાભાદર્યા રણમાં એકલા પડવાનું થાય તો કોણ કરમાયા વિના રહી શકે? શયનકક્ષમાં ક્યારેક થતા મીઠા ઉજાગરા પર હવે નવું સરનામું લખાઈ ચૂક્યું છે. પતિ એટલે પત્નીના હૈયાનો હાર. હાર હારવાનો યમક અલંકાર ધ્યાનાર્હ છે. સરવાળે, ખંડિતાની પીડામાં આપણને સહભાગી થવા મજબૂર કરે એવું લયાન્વિત કાવ્ય…
અષ્ટનાયિકા : ૦૨ : કલહાંતરિતા – વિનોદ જોશી
મુજથી સહ્યું ન જાય….
આમ નજ૨થી દૂર ન રાખે, આમ અડે નહીં ક્યાંય.
મુખ મરડી લીધું તે લીધું, ખબર ન ક્યારે મલકે,
મને વીંધતાં અંગ અંગ અણિયાળાં આંસુ છલકે;
થાઉં આજ તો હુંય અજાણી એવું મનમાં થાય,
મુજથી સહ્યું ન જાય….
લખ્યા વગરની લેખણ જેવી પડી રહું કાગળમાં,
હું ના પાછી વળું જેમ ના વળે નદી વાદળમાં;
પંડ સાવ પોચું ને પાછું પથ્થરમાં પછડાય,
મુજથી સહ્યું ન જાય…
– વિનોદ જોશી
ગઈ કાલે આપણે ભરતમુનિ વ્યાખ્યાયિત અષ્ટનાયિકાઓમાંની એક -વાસકસજ્જા- સાથે મુલાકાત કરી. આજે મળીએ કલહાંતરિતાને…
કલહાંતરિતા એટલે નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી સ્ત્રી. જુઓ, આ વાત આ રચનામાં કેવી બખૂબી ચાક્ષુષ થઈ છે તે! નાયક પોતાને છોડીને બીજી સ્ત્રીમાં મોહ્યો હોવાની વેદના શબ્દે-શબ્દે નીંગળે છે. મનનો માણીગર દૂર પણ ન જવા દે અને સંસર્ગ પણ ન રાખે એ કેમ સહ્યું જાય? નાયક અપરા સાથે મલકતો હશે એ પોતે જોઈ નથી શકતી એ વાતનો ઈશારો મુખ મરડી લીધું કહીને આબાદ કરાયો છે. આંસું અંગાંગને વીંધી રહ્યાં છે. પોતેય અજાણી થઈ જાય તો ‘ઉસ મોડ સે શુરુ કરેં ફિર યે જિંદગી’ જેવો ઘાટ કદાચ થઈ શકે એવીય આશા મનમાં જન્મે છે. લેખણનું કામ લખવાનું. એ વિના ભલે કાગળનો કાયમી સંગ હોય તોય અવતાળ એળે ગયો ગણાય. નાયિકાની હાલત વપરાશમાંથી નીકળી ગયેલી કલમ જેવી થઈ ગઈ છે અને જે રીતે વાદળ વરસીને નદીમાં ભળી ગયા બાદ નદી ફરી વાદળ તરફ ગતિ કરી શકતી નથી એમ જ નાયિકા પણ બેવફા પતિને લાખ ચાહના છતાં અપનાવી પણ શકતી નથી. નાજુક જિંદગીને કપરા સંજોગો માથે પડવાનું થયું હોય ત્યારે આવી જ વેદના સૂર બનીને રેલાય…
અષ્ટનાયિકા : ૦૧ : વાસકસજ્જા – વિનોદ જોશી
પ્રિયતમ, સેજ સજાવું…
સંગ સલૂણો ધરી ચિત્તમાં સહજ સ્પંદ સહેલાવું…
રંગભવન રતિરાગ રસીલું,
અંગ ઉમંગ સુગંધિત ઝીલું;
કમળપત્રથી કોમળ મંજુલ હૃદયકુંજ છલકાવું…
પ્રિયતમ, સેજ સજાવું…
મન વિહ્વળ, તન તૃષિત સુહાગી,
પુષ્પિત નિબિડ નિશા વરણાગી;
તંગ અંગથી સરી જતો ઉન્માદ અનંત બિછાવું…
પ્રિયતમ, સેજ સજાવું…
– વિનોદ જોશી
ભરત મુનિએ નાટ્યશાસ્ત્રમાં અવસ્થાભેદે નાયિકાના નીચેના આઠ પ્રકાર પાડ્યા છે:
• વાસકસજ્જા : પ્રિયતમનું આગમન થવાનું છે એવી આશાથી હર્ષોલ્લાસ પામી સાજશણગાર કરેલી નાયિકા.
• વિરહોત્કણ્ઠિતા : નાયકના આગમનમાં વિલંબ થતાં ઉત્સુકતાથી તેની પ્રતીક્ષા કરનારી.
• સ્વાધીનભર્તૃકા : પતિ પોતાના વશમાં છે તેવી પ્રતીતિ સાથે સદા તેની પાસે જ રહેતી નાયિકા.
• કલહાન્તરિતા : નાયકના પ્રેમાપરાધને લીધે ઈર્ષ્યા અને ક્રોધથી તેની સાથે કલહ કરી તેને તરછોડી દેનારી અને પછી પશ્ચાત્તાપ કરનારી.
• ખંડિતા : પ્રિયના અન્ય સ્ત્રી સાથેના અનુરાગથી વ્યથિત અને રોષમગ્ના.
• વિપ્રલબ્ધા : સમયપાલન કે વચનપાલન ન કરનાર પતિ કે પ્રિયતમના એવા વ્યવહારથી છેતરાઈ હોવાનો ભાવ અનુભવતી નાયિકા.
• પ્રોષિતપ્રિયા (અથવા પ્રોષિતભર્તૃકા) – જેનો પતિ વિદેશ ગયો છે તેવી વિરહિણી.
• અભિસારિકા : મધુર મિલન કાજે સ્વયં પ્રિયતમને મળવા જતી નાયિકા. શુક્લ અને કૃષ્ણપક્ષના ભેદે આ નાયિકાના પુન: બે પ્રકાર થાય છે.
કવિશ્રી વિનોદ જોશીએ આ આઠેય પ્રકારો વિશે આઠ ગીતોનું મજાનું શૃંગારગુચ્છ રચ્યું છે. લયસ્તરોના ભાવકમિત્રો માટે એમાંથી વારાફરતી ત્રણેકનું આચમન કરીએ… આજે વાસકસજ્જાનો વારો..
પિયુના આગમનની આશામાં ખુશીની મારી સજીધજીને તૈયાર થયેલી નાયિકા –વાસકસજ્જા-ની ઉક્તિ કેવી રોચક થઈ છે! પ્રણયોર્મિની પરાકાષ્ઠા એટલે બે તૃષાતુર શરીરનું સાયુજ્ય. એકેય શબ્દ ચોર્યા વિના, એકેય અંતરંગ ભાવ છૂપાવવાનો ડોળ કર્યા વિના નાયિકા પ્રિયતમ માટે પોતે સેજ સજાવી રાખી હોવાની વાતથી જ પ્રારંભ કરે છે. હૈયામાં પણ ધબકારે ધબકારે સલૂણા રંગના ઉછાળા અનુભવાય છે. રંગભવન તો રસીલા રતિરાગથી છલકાઈ રહ્યું જ છે, નાયિકાના અંગાંગ પણ સુગંધિત ઉમંગોને ઝીલી રહ્યાં છે. કમળપત્રથીય અધિક કોમળ હૈયું છલકાઈ રહ્યું છે. મન વિહ્વળ છે અને તન તરસ્યું. ઉપવનમાં ખીલેલાં પુષ્પોથી મઘમઘ થતી ગાઢ રાત્રિ પિયુ પધારશે નહીં ત્યાં લગી વરણાગી જ લાગવાની. અનંગાવેશમાં અંગ તંગ બન્યાં અનુભવાય છે. જેનો કદી અંત જ આવનાર નથી એવા તીવ્ર પ્રેમોન્માદને બિછાવીને નાયિકા નાયકના આગમનની પ્રતીક્ષાની પળોને ઉજવે છે..
કૂંચી આપો, બાઈજી! – વિનોદ જોશી
કૂંચી આપો, બાઈજી!
તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈ જી
કોઈ કંકુથાપા ભૂંસી દઈ, મને ભીંતેથી ઉતરાવો,
કોઇ મીંઢળની મરજાદા લઈ મને પાંચીકડાં પકડાવો;
ખડકી ખોલો, બાઈજી!
તમે કિયા કટાણે પોંખી મારા કલરવની કઠણાઈ જી
તમે ઘરચોળામાં ઘુઘરિયાળી ઘરવખરી સંકેલી,
તમે અણજાણ્યા ઉંબરિયેથી, મારી નદિયું પાછી ઠેલી;
મારગ મેલો, બાઈજી!
તમે કિયા કુહાડે વેડી મારા દાદાની વડવાઈ જી
– વિનોદ જોશી
આમ તો આ રચના લયસ્તરો પર છે… પણ આજે સવિસ્તૃત ટિપ્પણી સાથે…
સાસરામાં મોટાભાગની વહુઓ સુખ કરતાં દુઃખ વધુ અનુભવતી હોય છે. આવી જ એક પરણેતર અહીં બાઈજી, એટલે કે સાસુ સામે મોઢું ખોલવાની હિંમત કરી રહી છે. વહુ સાસુ પાસે પિયરની શરણાઈ મતલબ પોતાનો મીઠો ભૂતકાળ, પિયરના સુખ અને આનંદ જેમાં કેદ થઈ ગયાં છે, એ ક્યાંક મૂકી દેવાયેલ પટારો ખોલવા માટેની ચાવી માંગે છે.
વહુએ સાસરાની દીવાલે કરેલ કંકુથાપામાં જ કદાચ એનું અસ્તિત્ત્વ કેદ થઈ ગયું છે. એટલે એ એને ભૂંસી નાંખીને પોતાને ભીંતેથી ઉતારી આપવા કહે છે. મીંઢળ-લગ્નની મર્યાદા જાળવવાના ભાર તળે ક્યાંક પાંચીકાં રમતું એનું બાળપણ, એની મુગ્ધતા પણ ખોવાઈ ગઈ છે. પરણીને આવેલી વહુને સાસુએ રિવાજ મુજબ પોંખી તો હતી, પણ એ ટાણું વહુને હવે કટાણું હોવાનું પ્રતીત થાય છે, જેમાં એનો નિર્દોષ કલરવ નંદવાઈ ગયો. સાસુ જિંદગીની બારી ઊઘાડે તો કદાચ વીતી કાલ સાથે પુનર્મિલન થાય.
પિયર, મામાના ઘરેથી પાનેતર આવે, સાસરિયેથી ઘરચોળું. ઘરચોળાના લાલ-લીલા રંગ, સોનેરી કોર, હાથી-મોર-પોપટ-ફૂલવેલની ભાત –આ તમામના અર્થ છે: ઘરની લાલિમા જાળવી રાખવી, વાડી લીલીછમ રાખવી, હાથીની જેમ મન મોટું રાખવું, પોપટ-મોરની માફક કૌટુંમ્બિક જવાબદારીઓ નિભાવવી અને આમ, સરવાળે આન-બાન-શાન જાળવીને સાસરીને સુવર્ણ પ્રતિષ્ઠા અપાવવી. વહુના મતે આ ઘરચોળાંની જવાબદારીઓમાં પોતાનાં ઘુઘરિયાળાં મસ્તી-તોફાન, અને આખું જીવતર સાસુએ એ બાંધી દીધું છે. ખળખળ વહેતી ઊર્મિઓ અને લાગણીઓની નદીઓને સાસુએ ઉંબરેથી જ પાછી ઠેલી દીધી છે. પિયર સાથેનો સંબંધ, દાદાજીની હૂંફ અને રક્ષણ –આ બધું સાસુએ કોઈક અગમ્ય અધિકારની કુહાડીથી વડવાઈની જેમ કાપી નાંખ્યું છે. અને વહુને આ તમામની ઝંખા હોવાથી એ મારગ મેલવાની ચીમકી આપે છે.
પણ, સરવાળે વહુ અને આપણે સહુ જાણીએ છીએ કે પરણેતરના નસીબમાં વીતી ગયેલા સુખનો એ સૂરજ કદાચ હવે કદી ફરી ઊગનાર જ નથી. એટલે એની વ્યથા શબ્દે-શબ્દે અને પંક્તિએ-પંક્તિએ વધુને વધુ ઘેરી બનતી અનુભવાય છે. ઘર-ઘરની લાગણીઓનું સીધું અને સોંસરવું પ્રતિબિંબ હોવાના કારણે આ કાલાતીત ગીત ગુજરાતી ભાષાના ટોપ-ટેનમાં અધિકારપૂર્વક વિરાજમાન થયું છે.
ચિતરેલું ફૂલ એક… – વિનોદ જોશી
ચિતરેલું ફૂલ એક ચૂંટવામાં જીવતર આ ઝાડવે ભરાઈ જાય જેમ…
. સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ…
પોથી કાતરવામાં પાવરધો એક હતો અણદીઠો ઉંદરડો ધ્યાનમાં,
વાયકા તો એવી કે રહેતો ચુપચાપ એના જમણેથી છેલ્લા મકાનમાં;
પંક્તિનો પ્રાસ થાય ઊભો એ પહેલાં તો લયમાં લપટાઈ જાય જેમ…
. સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ…
ચપટીભર ચાવળાઈ મુઠ્ઠીભર માન અને અંચઈનો આસપાસ અંચળો,
આટલાથી ચાલવાની પાક્કી દુકાન તોય ઉટકતો એંઠાં કમંડળો!
ચોરસની વ્યાખ્યાને ગોળ ગોળ સમજાવી ભીની સંકેલવાની જેમ…
. સીધી લીટીનો એક પંડિત ફસાઈ ગયો વર્તુળના છેડામાં એમ…
– વિનોદ જોશી
ગુલાબ તો ગુલાબ જ હોય છે. પણ તોય કોઈ બે ગુલાબ એકસરખાં હોય ખરાં? દરેક ગુલાબનું પોતાનું મૌલિક સૌંદર્ય અને દરેકની પોતીકી ખુશબૂ. કમનસીબે સાહિત્યના બાગમાં ખીલતાં ફૂલોમાં અનુકરણ, અનુરણન અને સૂંઠના ગાંગડે ગાંધી થવાની ભાવના વધુ જોવા મળે છે. બીજાએ ચિતરેલું ફૂલ ચૂંટવાની કોશિશ કરીએ તો ફૂલ તો હાથ નહીં જ આવે, જીવતર ઝાડવામાં ભરાઈ જશે. સીધી લીટીમાં ચાલવા સિવાય અવર આવડત ન હોય એવો માણસ વર્તુળમાં ફસાઈ ન જાય તો શું થાય? પોથી કાતરવામાં પાવરધા બની ગયેલ ઉંદરડા લોકોની નજર ન પડે એમ છૂપાઈ છૂપાઈને લીલા કરતા રહે છે. આજે તો સૉશ્યલ મીડિયાના અતિરેકના જમાનામાં માણસ ચપટીક દોઢડાહ્યો હોય, મુઠ્ઠીભર માન પામ્યો હોય અને લુચ્ચાઈનો અંચળો પહેરીને બેઠો હોય એટલામાં સાહિત્યની દુકાન ધમધોકાર ચાલવાની ગેરંટી હોવા છતાં લોભને થોભ ન હોયના ન્યાયે એંઠાં કમંડળો ઉટકવાંનું- અન્યોએ લખેલામાંથી ઊઠાંતરી કરવાનું ચૂકતો નથી. અને પછી પોતાની કવિતા વિશે મભમ વાતો કરીને પાંડિત્ય પ્રદર્શન વડે સૌને ચૂપ કરી દેવાના… કેવો ચમચમતો ચાબખો! ગોળ ગોળનો શ્લેષ પણ ગીતના અંતને મજાનો વળ ચડાવી આપે છે…
હું એવો ગુજરાતી…. – વિનોદ જોશી
હું એવો ગુજરાતી જેની;
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી….
અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગ૨,
અરવલ્લીનો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાકર;
હું સાવજની ત્રાડ, હું જ ગરવી ભાષા લચકાતી…
નવરાત્રિનો ગર્ભદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે ગુંજ૨તો હું ધવલ તેજનો ભૃંગ;
હું ગિ૨નારી ગોખ, દ્વારિકા હું જ સુધા૨સ પાતી….
દુહા-છંદની હું ૨મઝટ, હું ભગવું ભગવું ધ્યાન,
મીરાંની ક૨તાલ હું જ, હું નિત્ય એક આખ્યાન;
વિજાણંદનું હું જંતર, હું ન૨સૈંની ૫૨ભાતી….
હું ગાંધીનું મૌન, હું જ સ૨દા૨ તણી છું હાક,
હું જ સત્યનું આયુધ જેની દિગ્દિગંતમાં ધાક;
હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવા૨ શૂ૨ની તાતી…
હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર,
મારે શિ૨ ભા૨તમાતાની આશિષનો વિસ્તા૨;
હું કેવળ હું હોઉં છતાં, હું સદા હોઉં મહાજાતિ…
– વિનોદ જોશી
આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતનું મહિમાગાન બુલંદસ્વરે કરીએ…
એક કુહાડી – વિનોદ જોશી
એક કુહાડી બની ગઈ ડાળી,
એક કઠિયારો થઈ ગયો માળી.
સૌ મને તાકી તાકી જોઈ રહ્યાં,
પાંપણો માત્ર એમણે ઢાળી;
એ જ વાતે રહસ્ય ઘુંટાયું :
વાત બીજાંની શી રીતે ટાળી;
રંગ તો સાંજ લગી જોયાં હતા,
તે છતાં રાત નીકળી કાળી;
વ્હેણ વચ્ચે જ એક વહાણ હતું,
તોય વહેવાની વાતને ખાળી;
એ તરફ જે વળી જતી અટકળ,
આ તરફ માંડ સાચમાં વાળી;
જેને સમજાઈ ગઈ સળંગ ગઝલ,
એ જ પાડી શક્યાં નહીં તાળી.
– વિનોદ જોશી
ગીતકવિના ઝોલામાંથી આવી મજાની ગઝલ જડી આવે ત્યારે સુખદ આશ્ચર્ય થાય. કવિશ્રી વિનોદ જોશીની સક્રિયતાને ઉદયન ઠક્કર વિનોદ જોશી ૨.૦ કહીને વધાવે છે. લગભગ બધા જ શેર અદભુત થયા છે પણ સાંપ્રત ગઝલની ગતિ આજે સભારંજની બનવા તરફની હોય એવા સમયે આ ગઝલનો આખરી શેર વધુ માર્મિક બની રહે છે.
પ્રોષિતભર્તૃકા – વિનોદ જોશી
આછાં આછાં રે તળાવ,
એની ઘાટી રે કાંઈ પાળ
પાળે ઊગી ચણોઠડી એના વેલાને નહીં વાડ…
હું પેડુએ પાતળી મારો પરણ્યો ઊભો વાંસ,
ભટકાણો ભરનીંદરમાં મધરાતે વાગી ફાંસ;
વાટું અરડૂસી બે વાર ,
ચાટું ઓસડ બીજાં બાર;
બાઈજીનો બેટો (ઘણી ખમ્મા !) મુંને થઈ બેઠો વળગાડ…
મીંઢળબંધા બાવડે મારે ના’વું માથાબોળ
કમખો ટાંગુ રવેશમાં કે ખળભળતો વંટોળ;
પોચાં પારેવડાં કાંઈ રાંક,
હાંફે અધમણ ને નવટાંક;
ગુલાબગોટો ઝૂલે રે મારે ફળિયે બાવળઝાડ…
ચોમાસાનું વેલડું કાંઈ ઊપડ્યું, બારોબાર,
ટીપું વાદળ તૂટી પડે અણધાર્યું અનરાધાર;
વેરું મોતી સવ્વા લાખ,
ખેરું ખરબચડો કાંઈ થાક;
ટચાકટીલડી ટાંકી રે મેં તો મખમલિયે ઓછાડ…
– વિનોદ જોશી
મસ્તમજાનું રળિયામણું ગીત….
તું મીંઢળ જેવો કઠ્ઠણ
. ને હું નમણી નાડાછડી !
તું શિલાલેખનો અક્ષર
. ને હું જળની બારાખડી !
એક આસોપાલવ રોપ્યો,
તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,
તું અત્તરની શીશી લઇ આવ્યો પોયણમાં હું ખૂલી;
તું આળસ મરડી ઊભો
. ને હું પડછાયામાં પડી !
એક પાનેતરમાં ટાંક્યું,
મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં,
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્યા તેં સરવાળા;
તું સેંથીમાં જઈ બેઠો ને હું પાંપણ પરથી દડી !
– વિનોદ જોશી
“તું આમ ને હું આમ”ની લોકગીતની ચાલમાં ચાલતું ગીત પણ એક-એક કલ્પન પાસાદાર. મને જળની બારાખડી સ-વિશેષ ગમી ગઈ… સાહ્યબો સાદા પથ્થર પરનો અક્ષર નહીં, શિલાલેખ પરનો અક્ષર છે. કેવું કલ્પન! શિલાલેખ પરનો અક્ષર એટલે સદીઓ વીતી જાય તોય ન બદલાય એવો. અને જળની બારાખડી ! કોઈ એક પળેય એ સ્થિર રહી શકે? વાહ ! વાહ ! વાહ !!
એણે કાંટો કાઢીને – વિનોદ જોશી
એણે કાંટો કાઢીને મને દઇ દીધું ફૂલ
હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ…
પછી ઢોલિયે જરાક પડી આડી તો,
અરે ! અરે ! ટહુકાથી ફાટફાટ ચોળી,
ઓશીકે બાથ ભરી લીઘી તો,
ફર્ર દઇ ઊડી પતંગિયાની ટોળી;
મારે કંદોરે લળી પડી મોતીની ઝૂલ,
મેં તો શરમાતી ઓઢણીમાં સંતાડી ભૂલ.
હવે દીવો ઠારું? કે પછી દઇ દઉં કમાડ?
હું તો મૂંઝારે રેબઝેબ બેઠી,
આઘી વઈ જાઉં પછી ઓરી થઇ જાઉં
પછી પગલું માંડું તો પડું હેઠી!
હું તો પડછાયો પાથરીને કરતી ‘તી મૂલ,
કોઇ મારામાં ઓગળીને પરબારું ડૂલ…
-વિનોદ જોશી
એક રળિયામણું ગીત…..
મને ભૂલી તો જો…! – વિનોદ જોષી
મને ભૂલી તો જો,
તેં જ મને તારામાં પૂર્યો, એ વાતને કબૂલી તો જો !
લોક બધાં જોતાં કે પાંદડું હલે છે, તને એકને જ દેખાતો વાયરો,
તારામાં તું ય હજી આંજે અણસાર, અને મારામાં હું ય ભરું ડાયરો ;
પોપચાંનું અંધારું ઓઢીને, પોયણાંમાં ખૂલી તો જો !
છેટે રહેવાથી નહીં ટાળી શકાય મારી પડખેનો આવરો ને જાવરો,
થોડી તું ઘેલી કહેવાય અને થોડેરો હું ય હજી કહેવાતો બ્હાવરો;
હોઠના હિસાબ હશે હૈયામાં, કો’ક દિ’ વસૂલી તો જો !
-વિનોદ જોષી
મીઠ્ઠું-મધુરું ગીત ……
ઠેસ વાગી ને – વિનોદ જોષી
ઠેસ વાગી ને નખ્ખ નંદવાયો રે, સૈ !
પડ્યા આડા ઊંબર આડી ઓસરી,
છેક છાતીમાં તૈડ પડી સોંસરી;
જડ્યો પડછાયો સાવ ઓરમાયો રે, સૈ !
મેં તો ધબકારો લીંપીને આળખી,
મારાં ભોળાં પારેવડાંની પાલખી;
એક સોનેરી સૂર સંભળાયો રે, સૈ !
હતી સાકરની સાવ હું તો પૂતળી,
દોટ કાઢીને દરિયામાં ઊતરી;
મુંને મારો મુકામ ઓળખાયો રે, સૈ !
-વિનોદ જોષી
સાસરે પગ મૂકતી પરણેતરની હૈયાવિમાસણનું ચિત્ર કવિ આબાદ તાદૃશ કરે છે. પિયરમાં આંખ મીંચીને ઊડાઊડ કરતી છોકરી માટે ઓસરી-ઊંબરા, સાસુ-સસરા બધા જ જાણે રસ્તામાં આડા ન પડ્યા હોય એમ ચાલવું પણ દોહ્યલું બની જાય છે. એક ઠેસ વાગે અને જાણે ખાલી નખ જ નથી તૂટતો, છે…ક હૈયા સુધી તિરાડ પડી જાય છે. પોતીકો પડછાયો પણ ખોવાઈ જાય છે અને જડે તો એ પારકો લાગવા માંડે છે. એક-એક ધબકારા ચીપી-ચીપીને લીપવા પડે એવામાં પ્રિયતમનો સૂર જાણે સોનાનો સૂરજ બનીને ઊગે છે અને સંસારના ખારા સાગરમાં આખરે ડૂબી-ઓગળીને જ પોતાની મંઝિલ મળે છે એની નાયિકાને જાણ થાય છે…
પાંદડાંએ લે! મને ઊભી રાખી -વિનોદ જોશી
(કવિશ્રીનાં હસ્તાક્ષરમાં આ ગીત ખાસ લયસ્તરો માટે…)
પાંદડાએ લે! મને ઊભી રાખી,
પછી અમથી પછી તમથી પછી સાચુકલી વાત કરી આખી…
વાતમાં તો ઝાકળની લૂમ એને વેડો તો
દાતરડાં બૂઠ્ઠાં થઈ જાય,
સૂરજના હોંકારે જાગેરા કાળમીંઢ
પડછાયા જૂઠ્ઠા થઈ જાય;
ઝાડવાએ લે! મને ઊભી રાખી,
પછી અરડી પછી મરડી પછી તડકેથી છાંયડીમાં નાંખી…
કોઈવાર માળામાં ઊતરતું ચાંદરડું
ડાળખીમાં ત્રાંસું થઈ જાય,
કોઈવાર આંખોમાં આથમેલ શમણાંઓ
ગળચટ્ટાં આંસુ થઈ જાય;
વાયરાએ લે! મને ઊભી રાખી,
પછી અહીંથી પછી તહીંથી પછી પગથી તે માથા લગી ચાખી…
-વિનોદ જોશી
લગભગ બે વર્ષ પહેલા વિનોદભાઈ પાસે લયસ્તરો માટે આ ગીત એમનાં હસ્તાક્ષરમાં લખાવ્યું હતું, જે આ ભૂલકણીથી ક્યાંક મૂકાઈ ગયેલું. આજે અચાનક મળી આવ્યું તો આ તમારા માટે એકદમ ફટાફટ… 🙂 આ ગીતને વિનોદભાઈનાં મુખે તરન્નુમમાં સાંભળવું, એ ખરેખર એક લ્હાવો છે. એમના પઠનની ઓડિયો ક્યારેક મેળ પડે તો જરૂરથી મૂકીશ.
તો અમે આવીએ – વિનોદ જોશી
આપી આપીને તમે પીંછું આપો, સજન!
પાંખો આપો તો અમે આવીએ…
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યા
આપી આપીને તમે ટેકો આપો, સજન!
નાતો આપો તો અમે આવીએ…
કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?
આપી આપીને તમે આંસુ આપો, સજન!
આંખો આપો તો અમે આવીએ…
– વિનોદ જોશી
વિનોદ જોશી એમના તળપદાં ગીતો માટે જાણીતા છે. સંબંધોમાં આપવામાં અડધુપડધું કશું ચાલે નહીં. કવિએ એ નાજૂક વાત આ ગીતમાં બખૂબી કહી છે. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, અમે ઊંબરની કોર લગી લાવ્યાં.આપી આપી ને તમે ટેકો આપો, સજન ! નાતો આપો તો અમે આવીએ. એ મારી અતિપ્રિય પંક્તિ છે.(જન્મ: ૧૩-૮-૧૯૫૫)
વિનોદ જોશી. જન્મ બોરિંગડા-અમરેલી. મૂળ વતન બોટાદ. ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ. તળપદાં ગીતો માટે ખાસ જાણીતા કવિ. ગીતોમાં ગ્રામ્યજીવનનો અદભૂત લહેકો અને લયનો અનુભવ કરાવનાર ઉત્તમ ગીતકાર. બાળપણ સૌરાષ્ટ્રનાં ગ્રામપ્રદેશમાં વિતેલું હોવાથી તેઓ ગુજરાતી કવિતામાં તળપદાં લોકજીવનની મીઠાશને ખૂબ જ સુંદર રીતે ઘોળી શક્યા છે. એમની ઘણી રચનાઓને એમણે નારીની સૂક્ષ્મ સંવેદનાઓથી ખૂબ જ સુંદર રીતે સજાવી છે અને સ્ત્રીની સંવેદનાને વાચા આપી છે. એમને ઉમાશંકર જોશી એવોર્ડ અને જયન્ત પાઠક પારિતોષિક પણ મળ્યાં છે.
આ ગીતમાં પ્રિતમનાં બોલાવવાની રાહ જોતી પ્રિયતમા ખૂબ જ મજાની વાત કરે છે. જો કે પ્રિયતમ સાક્ષાત ત્યાં નથી એટલે અટકળો કરીને કાગળમાં લખવાની ચેષ્ટા કરતી હોય એવું લાગે છે. પ્રિયતમાએ એક પીંછાં જેવા આછકલા ને અલ્પજીવી સુખથી બિલકુલ ભોળવાઈ નથી જવું. એને તો લાગણીની પાંખો જોઈએ છે, સ્નેહનાં અનંત આકાશમાં ઉડવા માટે. માત્ર પ્રિયતમ માટે બધું છોડીને અને શમણાંઓ ઓઢીને આવેલી પ્રિયતમાને કોઈ એક-બે વાર મળેલો ક્ષણભંગુર ટેકો પણ નથી જોઈતો, એને તો શાશ્વત સંબંધ જોઈએ છે. અને એ સંબંધમાં કળવાશરૂપી આંસુ નથી જોઈતા, એને તો સથવારાનું સ્વપ્ન સાકાર કરવા સ્વપ્નશીલ આંખો જોઈએ છે. અને જો સ્નેહ-સંબંધો જાળવવા હોય તો પ્રિયતમે આટલું તો એને આપવું જ પડે ને ! આ જ વાત કવિ આ ગીતમાં ખૂબ જ નાજુકાઈથી કહી છે. (તમને કદાચ આ ગીતનો આનાથી બીજો અર્થ પણ અભિપ્રેત હોઈ શકે!)
આ સાથે જ વિનોદભાઈનાં બીજા યાદગાર ગીતો યાદ આવ્યા વગર રહે જ નહીં; જેમ કે- કુંચી આપો બાઈજી, ડાબે હાથે ઓરુ સાજન લાપસી, એક કાચી સોપારીનો કટકો રે, ટચલી આંગલડીનો નખ, તું મીંઢણ જેવો કઠ્ઠણ, થાંભલીનો ટેકો ને ઓસરીની કોર, હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં, ખડકી ઉઘાડી હું તો અમથી ઊભી’તી, તને ગમે તે મને ગમે, વિગેરે વિગેરે…… (ક્યાંક તો મારે અટકવું પડે ને!
કારેલું…… કારેલું – વિનોદ જોશી
કારેલું…… કારેલું
મોતીડે વઘારેલું,
સૈયર મોરી , મેં ભોળીએ ગુલાબ જાંબુ ધારેલું.
આંજું રે હું આંજું , ટચલી આંગળીએ દખ આંજું,
નખમાં ઝીણાં ઝાકળ લઇને હથેળિયુંને માંજું;
વારેલું… વારેલું… હૈયું છેવટ હારેલું,
કારેલું…… કારેલું…….
સૈયર સોનાવાટકડીમાં પીરસું રે સરવરિયાં,
અઢળક ડૂમો અનરાધારે ઢળી પડે મોંભરિયાં;
સારેલું… સારેલું …આંસું મેં શણગારેલું,
કારેલું…… કારેલું…….
આંધણ ઓરું અવળાં સવળાં બળતણમાં ઝળઝળીયાં,
અડખે પડખે ભીના ભડકા અધવચ કોરાં તળિયાં;
ભારેલું…ભારેલું … ભીતરમાં ભંડારેલું,
કારેલું…… કારેલું…….
ડો. વિનોદ જોશીનું બાળપણ સૌરાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં વિતેલું છે. તેમની રચનાઓમાં નારીની સંવેદનાનું બહુ જ સૂક્ષ્મ દર્શન તો છે જ, પણ તળપદી ભાષાનો લહેકો અને લય પણ છે. અને છતાં આ મોટા ગજાના કવિ આ કાવ્ય રૂપના માધ્યમ દ્વારા બહુ મોટો સંદેશ આપણને આપી જાય છે.
“માનવ જીવનની ઘટમાળ એવી
દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી.”
કોઇ કવિએ લખેલી આ પંક્તિઓમાં સ્પષ્ટ રીતે પ્રગટ થતું જીવનનું આ નકારાત્મક દર્શન કેવાં વિશિષ્ટ રૂપકો દ્વારા વિનોદભાઇ આપણને આપી જાય છે?
ટચલી આંગલડીનો નખ – વિનોદ જોશી
ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.
કૂંપળ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.
છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.
– વિનોદ જોશી
વિરહના ગીતો તો ઘણા છે. પણ વિનોદ જોશીનું આ ગીત તરત જ ગમી જાય એવું છે. ટચલી આંગળીનો નખ – નામ જ તમને ગીતમાં ખેંચી લાવે એવું છે. લખ – દખ – વખ એકદમ સહજતાથી જ ગીતમાં આવે છે. ચૂમી ચૂમીને કરી એંઠી એવી ફરીયાદ અલગ ભાવ ઉપજાવે છે. પહેલા, બીજા અને ત્રીજા ચરણમાં વિષાદ ક્રમશ: ધેરો થતો જાય છે. અને છેલ્લે તો – મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ – પર ગીતનો અંત થાય છે. આ ગીત સળંગ પાંચ સાત વાર વાંચી ગયો અને હવે એ મનમાંથી નીકળવાનું નામ જ નથી લેતું !
( અંજળ=સંબંધ, દખ=દુ:ખ, વખ=ઝેર, પાતળિયા=સજન )
તો અમે આવીએ… – વિનોદ જોશી
આપી આપીને તમે પીંછું આપો, સજન !
પાંખો આપો તો અમે આવીએ…
ચાંદો નીચોવી અમે વાટકા ભર્યા
ને એને મોગરાની કળીએ હલાવ્યા,
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યાં
આપી આપીને તમે ટેકો આપો, સજન !
નાતો આપો તો અમે આવીએ…
કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં બેઠી છે લૂ;
આંગળિયું ઓગળીને અટકળ થઈ જાય
અમે લખીએ તો લખીએ પણ શું ?
આપી આપીને તમે આંસુ આપો, સજન !
આંખો આપો તો અમે આવીએ…
– વિનોદ જોશી
વિનોદ જોશી એમના તળપદાં ગીતો માટે જાણીતા છે. સંબંધોમાં આપવામાં અડધુપડધું કશું ચાલે નહીં. કવિએ એ નાજૂક વાત આ ગીતમાં બખૂબી કહી છે. આટલા ઉઝરડાને શમણું ઓઢાડી, અમે ઊંબરની કોર લગી લાવ્યાં.આપી આપી ને તમે ટેકો આપો, સજન ! નાતો આપો તો અમે આવીએ. એ મારી અતિપ્રિય પંક્તિ છે.