[:gj]હું છું ગાંધી – ૧૨૭: કુંભ[:]

Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।
Hu Chhu Gandhi । હું છું ગાંધી । AGN । allgujaratnews.in । Gujarati News ।

[:gj]મારે દાક્તર પ્રાણજીવનદાસ મહેતાને મળવા રંગૂન જવાનું હતું. ત્યાં જતાં કલકત્તામાં શ્રી ભૂપેદ્રનાથ બસુના આમંત્રણથી હું તેમને ત્યાં ઊતર્યો હતો. અહીં બંગાળી વિવેકની પરિસીમા આવી હતી. આ વેળા હું ફળાહાર જ કરતો. મારી સાથે મારો દીકરો રામદાસ હતો. જેટલો સૂકો  ને લીલો મેવો કલકત્તામાં મળે તેટલો એકઠો કરવામાં આવ્યો હતો. સ્ત્રીઓએ રાતોરાત જાગીને પિસ્તાં આદિને પલાળી તેની છાલ ઉતારી હતી. લીલા મેવાને પણ જેટલી સુઘડતાથી તૈયાર કરી શકાય તેટલી સુઘડતાથી તૈયાર કરવામાં આવ્યો હતો. મારા સાથીઓને સારુ અનેક પ્રકારનાં પકવાનો રાંધવામાં આવ્યાં હતાં.

આ પ્રેમ ને વિવેક હું સમજ્યો, પણ એકબે પરોણાને સારુ આખું ઘર આખો દહાડો રોકાઈ રહે એ મને અસહ્ય લાગ્યું. મારી પાસે આ વિટંબણામાંથી ઊગરવાનો ઇલાજ નહોતો. રંગૂન જતાં સ્ટીમરમાં હું ડેકનો ઉતારુ હતો. જો શ્રી બસુને ત્યાં પ્રેમની વિટંબણા હતી તો સ્ટીમરમાં અપ્રેમની વિટંબમા હતી. ડેકના ઉતારુની તકલીફ અતિશય અનુભવી. નાહવાની જગ્યામાં ઊભવું ન પોસાય એવી ગંદકી, પાયખાનું નરકની ખાણ, મળમૂત્રાદિ ખૂંદીને કે તેને ટપીને પાયખાને જવું! મારે સારુ આ અગવડો ભારે હતી. માલમની પાસે હું પહોંચ્યો, પણ દાદ કોણ દે?

ઉતારુઓએ પોતાની ગંદકીથી ડેકને ખરાબ કરી મૂક્યું. જ્યાં બેઠા હોય ત્યાં જ થૂંકે, ત્યાં જ તમાકુની પિચકારીઓ ચલાવે, ત્યાં જ ખાવાનો કચરો નાખે. વાતોના ઘોંઘાટની સીમા ન મળે. સહુ પોતાનાથી બને તેટલી જગ્યા રોકે, કોઈ કોઈની સગવડનો વિચાર સરખોયે ન કરે. પોતે જગ્યા રોકે તેના કરતાં સામાન વધારે જગ્યા રોકે. આ બે દહાડા બહુ અકળામણમાં ગાળ્યા.

રંગૂન પહોંચતાં મેં એજન્ટને બધી હકીકત મોકલાવી. વળતાં પણ આવ્યો તો ડેકમાં, પણ આ કાગળને પરિણામે ને દાક્તર મહેતાની તજવીજને પરિણામે પ્રમાણમાં ઠીક સગવડ ભોગવતો આવ્યો.

મારા ફળાહારની જંજાળ તો અહીં પણ પ્રમાણમાં વધારે પડતી તો હતી જ. દાક્તર મહેતાનું ઘર એટલે મારું જ સમજી શકું એવો સંબંધ હતો. તેથી મેં વાનીઓ ઉપર અંકુશ તો મેળવી લીધો હતો, પણ મેં કંઈ મર્યાદા નહોતી આંકી, તેથી ઘણી જાતનો મેવો આવતો તેની સામે હું ન થતો. વધારે જાત હોય તે આંખને અને જીભને ગમે. ખાવાનો વખત તો ગમે તે હોય. મને પોતાને વહેલું ઉકેલવું ગમે તેથી બહુ મોડું તો ન થાય, પણ રાતના આઠનવ તો સહેજે વાગે.

આ ૧૯૧૫ની સાલમાં હરદ્વારમાં કુંભમેળો હતો. તેમાં જવાની મને તીવ્ર ઇચ્છા નહોતી. પણ મારે મહાત્મા મુનશીરામજીનાં દર્શને તો જવું જ હતું. કુંભને સમયે ગોખલેની સેવકસમાજે એક મોટી ટુકડી મોકલી હતી. તેની વ્યવસ્થા શ્રી હૃદયનાથ કુંઝરુને હાથ હતી. મરહૂમ દાક્તર દેવ પણ તેમાં હતા. આમાં મદદ કરવા મારી ટુકડીને પણ લઈ જવી એવો ઠરાવ હતો. મગનલાલ ગાંધી શાંતિનિકેતનમાં રહેલી ટુકડીને લઈ મારાથી પહેલાં હરદ્વાર પહોંચી ગયા હતા. હું રંગૂનથી વળી તેમની સાથે જોડાઈ ગયો.

કલકત્તેથી હરદ્વાર પહોંચતાં ખૂબ મૂંઝાવું પડેલું. ડબ્બાઓમાં કેટલીક વેળા દીવાબત્તી પણ ન મળે. શહરાનપુરથી તો માલના કે ઢોરના ડબ્બામાં જ ઉતારુઓને પૂરવામાં આવ્યા હતા. ઉઘાડા ડબ્બા ઉપર મધ્યાહ્નનો સૂરજ તપે ને નીચે નકરી લોખંડની ભોંય, પછી અકળામણનું શું પૂછવું? છતાં ભાવિક હિંદુ ઘણી તરસ છતાં ‘મુસલમાન પાણી’ આવે તે ન જ પીએ, ‘હિંદુ પાણી’નો પોકાર થાય ત્યારે જ પાણી પીએ. આ જ ભાવિક હિંદુને દવામાં દાક્તર દારૂ આપે, મુસલમાન કે –િસ્તી પાણી આપે, માંસનું સત્ત્વ આપે, તે લેવામાં ન સંકોચ આવે ને ન પૂછવાપણું હોય.

અમે શાંતિનિકેતનમાં જ જોયું હતું કે ભંગીનું કામ કરવું એ તો અમારો હિંદુસ્તાનમાં વિશેષ ધંધો થઈ જ પડશે. સેવકોને સારુ કોઈ ધર્મશાળામાં તંબૂ તાણવામાં આવ્યા હતા. પાયખાનાને સારુ દાક્તર દેવે ખાડા ખોદાવ્યા હતા. પણ તે ખાડાની વ્યવસ્થા દાક્તર દેવ તો આવે સમયે જે થોડા પગારદાર ભંગી મળી શકે તેમની જ મારફતે કરાવી શકે ના? આ ખાડાઓમાં પડતો મળ વખતોવખત ઢાંકવાનું ને તેને બીજી રીતે સાફ રાખવાનું કામ ફિનિક્સની ટુકડીએ ઉપાડી લેવાની મારી માગણીનો દાક્તર દેવે ખુશીની સાથે સ્વીકાર કર્યો. આ સેવા કરવાની માગણી કરનારો હું, પણ કરવાનો બોજો ઉપાડનાર મગનલાલ ગાંધી.

મારો ધંધો તો ઘણે ભાગે તંબૂમાં બેસી ‘દર્શન’ દેવાનો અને અનેક યાત્રાળુઓ આવે તેમની સાથે ધર્મની અને બીજી ચર્ચાઓ કરવાનો થઈ પડયો. દર્શન દેતાં હું અકળાયો. તેમાંથી એક મિનિટથી ફુરસદ ન મળે. નાહવા જાઉં તોયે દર્શનાભિલાષી મને એકલો ન છોડે. ફળાહાર કરતો હોઉં ત્યારે તો એકાંત હોય જ ક્યાંથી? તંબૂમાં ક્યાંયે એક ક્ષણને સારુ પણ એકલો બેસી નહોતો શક્યો. દક્ષિણ આફ્રિકામાં જે કંઈ સેવા થઈ શકી હતી તેની આટલી ઊંડી અસર આખા ભરતખંડમાં થઈ હશે તે મેં હરદ્વારમાં અનુભવ્યું.

હું તો ઘંટીનાં પડની વચ્ચે પિસાવા લાગ્યો. છતો ન હોઉં ત્યાં ત્રીજા વર્ગના મુસાફર તરીકે અગવડો ભોગવું, જ્યાં ઊતરું ત્યાં દર્શનાર્થીના પ્રેમથી અકળાઉં. બેમાંથી કઈ સ્થિતિ વધારે દયાજનક હશે એ કહેવું ઘણી વાર મારે સારુ મુશ્કેલ થઈ પડયું છે. દર્શનાર્થીના પ્રેમના પ્રદર્શનથી મને ઘણી વેળા ક્રોધ આવ્યો છે ને મનમાં તો તેથીયે વધારે વેળા બળ્યો છું, એટલું જાણું છું. ત્રીજા વર્ગની હાડમારીથી મને અગવડ પડી છે, પણ ક્રોધ ભાગ્યે જ છૂટયો છે, અને એથી મારી તો ઉન્નતિ જ થઈ છે.

આ સમયે મારામાં હરવાફરવાની શક્તિ ઠીક હતી, તેથી હું ઠીક ઠીક ભટકી શક્યો હતો. તે વખતે એટલો પ્રસિદ્ધ નહોતો થયો કે રસ્તાઓમાં ફરવાનું ભાગ્યે જ બની શકે. ભ્રમણમાં મેં લોકોની ધર્મભાવના કરતાં તેમનું બેબાકળાપણું, તેમની ચંચળતા, પાખંડ, અવ્યવસ્થા બહુ જોયાં. સાધુઓનો રાફડો ફાટયો હતો. તે કેવળ માલપૂડા ને ખીર જમવાને જ  જન્મ્યા હોય એવા જણાયા. અહીં મેં પાંચ પગાળી ગાય જોઈ. હું તો આશ્ચર્ય પામ્યો. પણ અનુભવી માણસોએ મારું અજ્ઞાન તરત દૂર કર્યું.

પાંચ પગાળી ગાય તો દુષ્ટ લોભી લોકોનું બલિદાન હતું. આ ગાયની કાંધમાં વાછડાના જીવતા પગ કાપીને; કાંધને છેદી તેમાં તે ચોંટાડી દેવામાં આવતા હતા, ને આ બેવડી ઘાતકી ક્રિયાનું પરિણામ અજ્ઞાની લોકોને ધૂતવાને સારુ વાપરવામાં આવતું હતું. પાંચ પગાળી ગાયનાં દર્શન કરવા કયો હિંદુ ન લલચાય? તે દર્શનને સારુ તે જેટલું દાન દે તેટલું થોડું.

કુંભનો દિવસ આવ્યો. મારે સારુ એ ધન્ય ઘડી હતી. હું યાત્રાની ભાવનાથી હરદ્વાર નહોતો ગયો. મને તીર્થક્ષેત્રોમાં પવિત્રતાની શોધે જવાનો મોહ કદી નથી રહ્યો. પણ સત્તર લાખ માણસો પાખંડી હોય નહીં. મેળામાં સત્તર લાખ માણસો આવ્યા હશે એમ કહેવાયું હતું. આમાં અસંખ્ય માણસો પુણ્ય કમાવાને સારુ, શુદ્ધિ મેળવવાને સારુ આવેલા એને વિશે મને શંકા નહોતી. આવા પ્રકારની શ્રદ્ધા કેટલે સુધી આત્માને ચડાવતી હશે એ કહેવું અશક્ય નહીં તો મુશ્કેલ તો છે જ.

પથારીમાં પડયો પડયો હું વિચારસાગરમાં ડૂબ્યો. ચોમેર ફેલાયેલા પાખંડમાં મજકૂર પવિત્ર આત્માઓ પણ છે. તેઓ ઈશ્વરના દરબારમાં સજાપાત્ર નહીં ગણાય. જો હરદ્વારમાં આવે સમયે આવવું જ પાપ હોય તો મારે જાહેર રીતે વિરોધ કરી કુંભને દિવસે તો હરદ્વારનો ત્યાગ જ કરવો જોઈએ. જો આવવામાં ને કુંભને દહાડે રહેવામાં પાપ ન હોય તો મારે  કંઈક ને કંઈક વ્રત લઈને ચાલતા પાપનું પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ, આત્મશુદ્ધિ કરવી જોઈએ.

મારું જીવન વ્રતો ઉપર રચાયેલું છે, તેથી કંઈક કઠિન વ્રત લેવાનો નિશ્ચય કર્યો.  મેં જોયું કે, જો હું મર્યાદા નહીં જાળવું તો યજમાનોને ભારે અગવડરૂપ થઈશ તે સેવા કરવાને બદલે દરેક જગ્યાએ મારી સેવામાં જ લોકોને રોકતો થઈ જઈશ. તેથી ચોવીસ કલાકમાં પાંચ વસ્તુઓ ઉપરાંત કંઈ ખાવાનું ન લેવાનું ને રાત્રિભોજનત્યાગનું વ્રત લીધું જ. બન્નેની કઠિનાઈનો પૂરો વિચાર કરી લીધો. આ વ્રતોમાં એક પણ બારી ન રાખવાનો નિશ્ચય કર્યો.

માંદગીમાં દવારૂપે ઘણી વસ્તુઓ લેવી કે ન લેવી, દવાને વસ્તુમાં ગણવી કે ન ગણવી, આ બધી વાતો વિચારી લીધી, ને નિશ્ચય કર્યો કે ખાવાના કોઈ પણ પદાર્થો પાંચ ઉપરાંત ન લેવા. આ બે વ્રતેને તેર વર્ષ થયાં. તેમણે મારી પરીક્ષા ઠીક કરી છે. પણ જેમ પરીક્ષા કરી છે તેમ તે મારે સારુ ઢાલરૂપ પણ ઠીક બન્યાં છે. આ વ્રતોએ મારી જિંદગી લંબાવી છે એવો મારો અભિપ્રાય છે. તેથી હું ઘણીયે વેળા માંદગીઓમાંથી બચી ગયો છું એમ માનું છું.

પાછલો અંક:- હું છું ગાંધી – ૧૨૬: મારો પ્રયત્ન

[:]