અનુ.જાતિ સમાજના લોકોએ રાજ્યપાલને પત્રો લખી DYSP ફાલ્ગુની પટેલ સામે ગુન્હો નોંધવા માંગ

મોડાસા, તા.૦૫

મોડાસા તાલુકાના ખંભીસર ગામના  જયેશ ડાહ્યાભાઈ રાઠોડ નામના દલિત યુવકના વરઘોડામાં ગામમાં વરઘોડો કાઢતા પટેલ સમાજ અને વરઘોડામાં રહેલા લોકોના ટોળા આમને-સામને આવી જતા ઘર્ષણ પેદા થયા પછી બે જૂથ વચ્ચે પથ્થરમારો થતા ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારી અને કર્મચારીઓને નિશાન બનાવી મારી નાખવાના ઇરાદે અણીદાર પથ્થરો વડે ઘા કરતા અને સરકારી વાહનોમાં તોડફોડ કરતા ભારે ચકચાર મચી હતી. સમગ્ર બનાવને ૨૪ કલાક જેટલા સમય પછી પોલીસ જાતે ફરિયાદી બની હતી. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં અનુ.જાતિ સમાજના અગ્રણી હસમુખ સક્સેના સહીત ૪ શખ્સો અને ૩૦૦ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ હતી. હસમુખ સક્સેના ગંભીર ઈજાગ્રસ્ત થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.

હસમુખ સક્સેનાએ ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલ, મહિલા પીએસઆઈ ચાવડા અને કર્મચારીઓ વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ અને મારી નાખવાનો પ્રયત્ન કરાતા તેની અંતર્ગત સંવિધાન મુજબ ગુન્હો નોંધવાની માંગ કરી હતી અને આ અંગે અનુસૂચિત અયોગ્ય દિલ્હી, ગુજરાત હાઈકોર્ટ, રાજ્યપાલ, મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, રાજ્ય પોલીસવડા, જીલ્લા પોલીસવડા અને મોડાસા રૂરલ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા લેખિત જાણ કરી હતી.

અનુ.જાતિ સમાજના લોકોએ ફરજમાં બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલ સામે ગુન્હો નોંધવા અને અનુ.જાતિ સમાજના અગ્રણી હસમુખ સક્સેના સામે લગાવેલી કલમો દૂર કરવા રાજ્યભરમાંથી રાજ્યપાલને પોસ્ટ કાર્ડ લખી અનોખી મુહિમ કરવામાં આવી રહી છે અને આ અંગે યોગ્ય પગલાં નહિ ભરવામાં આવે તો ગુજરાતમાં રહેલ દલિત સંગઠનો ઉગ્ર આંદોલન કરશેની ચીમકી પણ રાજ્યપાલને લખાયેલ પત્રમાં ઉચ્ચારી છે. ગુજરાત પોલીસ, અરવલ્લી જીલ્લા પોલીસ અને ડીવાયએસપી ફાલ્ગુનીબેન પટેલ માટે ખંભીસર અનુ.જાતિ યુવકના વરઘોડામાં થયેલ ઘર્ષણ મામલો પેચીદો બન્યો છે.