અમદાવાદ આરટીઓમાં સ્ટાફનો અભાવ, સર્વર ડાઉન થવાના કારણે લોકોને ભારે હાલાકી

અમદાવાદ, તા. 17

રાજ્યમાં સોમવારથી અમલી બનેલા મોટર વ્હિકલ એક્ટના નવા નિયમો બાદ અમદાવાદ આરટીઓ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. છેલ્લાં કેટલાંય સમયથી અમદાવાદ આરટીઓમાં એજન્ટ રાજ, સ્ટાફનો અભાવ, સર્વર ડાઉન થવાના કારણે આરટીઓમાં આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યાં આજે અમદાવાદ આરટીઓમાં લાયસન્સ માટે આવેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અગાઉથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેનારને પણ આ હાલાકીનો ભોગ બનવું પડ્યું હતું. આરટીઓના સત્તાવાળાઓ દ્વારા તમામ લોકોને લાઈનમાં ઊભા રહેવાનું જણાવાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે.

અમદાવાદ આરટીઓમાં સર્જાઈ અવ્યવસ્થા

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નવા નિયમો અમલી બન્યા બાદ લાયસન્સ વગર વાહન ચલાવતા અથવા તો તેમના લાયસન્સ રિન્યૂ કરાવનારા વાહનચાલકોનો ધસારો વધી ગયો હતો. જેના કારણે અવ્યવસ્થા સર્જાઈ હતી. લાયસન્સ માટે અગાઉથી ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈને આવનારા પોતાના નિયત સમયે પહોંચ્યા ત્યારે તેમને પણ અન્ય લોકોની સાથે લાઈનમાં ઊભા રહેવાનું કહેવામાં આવતા લોકો ઉશ્કેરાયા હતા. એકબાજુ રાજ્ય સરકાર આરટીઓમાં ડિજિટલાઈઝેશન કરીને વર્ષોથી થઈ રહેલી અવ્યવસ્થાને નિવારવા માટે પગલાં ઉઠાવ્યા છે ત્યારે આ જ સરકારના અધિકારીઓ તેમના આ નિયમોને ઘોળીને પી ગયા છે અને લોકોને વધુ મુશ્કેલીઓ પડે તે રીતના પ્રયાસ કરી રહ્યા હોવાનો આરોપ લોકો લગાવી રહ્યા હતા.

આ અંગે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લઈને પોતાનું લાયસન્સ રિન્યૂ કરાવવા આવેલા પરેશ શાહે જણાવ્યું કે, પંદર દિવસ પહેલાં આરટીઓની વેબસાઈટ પર મેં મારું લાયસન્સ રિન્યૂ કરાવવા માટે એપોઈન્ટમેન્ટ લીધી હતી. અને આજે જ્યારે મારા સમય પ્રમાણે અહીં આવ્યો ત્યારે મને લોકોની સાથે લાઈનમાં ઊભા રહેવાનું કહ્યું હતું. ત્યારે મેં મારી એપોઈન્ટમેન્ટની રિસિપ્ટ બતાવી તો ફરજ પર હાજર કર્મચારીએ કહ્યું કે, આજે એપોઈન્ટમેન્ટ પ્રમાણે કોઈ કામ નહિ થાય. આ મામલે મેં ઉચ્ચ અધિકારી સમક્ષ આ મામલે રજૂઆત કરવાની વાત કરી તો એ કર્મચારીએ એવું કહ્યું કે ઉપરના અધિકારીઓએ જ આ પ્રમાણે કામ કરવાની સૂચના આપી છે.

સરકારી દાવાની હવા કાઢતા અધિકારીઓ

એકબાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં ડિજિટેલાઈઝેશનને મહત્વ આપવાની વાતો કરી રહ્યા છે અને તેને આધારે ગુજરાત સરકારે પણ અમલ કર્યો છે. અને છેલ્લાં કેટલાંય વર્ષોથી આરટીઓમાં ઓનલાઈન એપોઈન્ટમેન્ટના આધારે જ જે તે કામગીરી ચાલી રહી છે. પરંતુ નવા નિયમો અમલી બનતા આ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

આરટીઓ શું કહે છે?

અમદાવાદ આરટીઓમાં સર્જાયેલી અવ્યવસ્થા મામલે જ્યારે મુખ્ય આરટીઓ એસ. પી. મુનિયાનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે એકસાથે 3 હજાર જેટલાં લોકો આવે એટલે થોડી અવ્યવસ્થા સર્જાઈ હતી. પરંતુ આરટીઓના કર્મચારીઓ દ્વારા તેનું યોગ્ય રીતે સંચાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે એવો લૂલો બચાવ કરતાં કહ્યું કે, ઓનલાઈન એપોઈન્ટમેન્ટ લેનારાઓ માટેની લાઈન આખી અલગ જ છે અને તેમની વિવિધ કામગીરીની પ્રક્રિયા સરળતાથી ચાલી રહી છે. અને ઘણાં એવા લોકો છે તેઓ સામાન્ય લોકોની લાઈનમાં ઊભા રહી ગયા હોય એમાં આરટીઓનો કોઈ વાંક નથી