અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોસ્ટ કટિંગ

અમપામાં  વર્ગ બે-ત્રણ અને ચારની જગ્યાઓમાં નહીં ભરાય

અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વર્ગ બેથી ચારની ખાલી પડેલી અને વર્ષોથી ન ભરવામાં આવેલી જગ્યાઓ અંગેની વિસ્તૃત વિગતો રાજય સરકાર દ્વારા એક ખાસ પરિપત્ર કરીને મંગાવવામાં આવી છે.સાથે જ શિડયુલ પર વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવતી ન હોવાથી તેમજ ખાલી પડેલી જગ્યાઓ ચાર્જથી ચલાવવામાં આવતી હોઈ બજેટ ખર્ચ વધતો હોવાનુ સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર કરી કહેવામાં આવ્યુ છે.ઉપરાંત આ તમામ ખાલી પડેલી જગ્યાઓની  ૩૧ ડીસેમ્બર -૨૦૧૯ સુધીમાં વિગતો મોકલી આપી રદ કરવા સરકારના વિભાગે અમપાને તાકીદ કરી છે.
આ અંગે મળતી માહીતી મુજબ,રાજય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ તરફથી ત્રણ ઓકટોબર-૨૦૧૯ના રોજ ભરતીને લઈ એક પરીપત્ર કરાયો હતો.આ અગાઉ અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ વિભાગ તરફથી ૧ મે-૨૦૧૯ના રોજ પરિપત્ર ભરતીને લઈને કરાયો હતો.આ બંને પરિપત્રમાં વર્ષ-૧૯૮૬માં રાજય સરકાર દ્વારા ભરતી કરવા મામલે ખાસ નીતિ ઘડી કાઢી હોવા છતાં એનો અમલ ન કરાતો હોવાનુ ટાંકવામાં આવ્યુ છે.
ઉપરાંત રાજયમાં તમામ મહાનગરપાલિકાઓ ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકામાં વર્ષોથી શિડયુલ પર બતાવવામાં આવી હોય એવી અનેક જગ્યાઓ ભરવામાં આવતી ન હોવાની બાબતનો ખાસ ઉલ્લેખ કરાયો છે.ઉપરાંત આ પરીપત્રમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે, મનપામાં શિડયુલ પર બતાવવામાં આવી હોય અને ભરવામાં આવી ન હોય એવી ઘણી જગ્યાઓ વર્ષોથી ખાલી છે.
બીજી તરફ છેલ્લા એક દશકાથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શિડયુલ પર બતાવાઈ હોય અને ભરવામાં આવી ન હોય એવી અનેક જગ્યાઓ પરની કામગીરી એક કરતા વધુ ચાર્જથી ચલાવવામાં આવી રહી છે અથવા તો આઉટ સોર્સિંગથી કામગીરી કરાવાઈ રહી છે.
આમ મહાનગરપાલિકા દ્વારા અપનાવવામાં આવેલી નીતિના કારણે એક તરફ બજેટનો ખર્ચ વધે છે સાથે જ શિડયુલ પરની ન પુરાયેલી ખાલી જગ્યાઓ એક પ્રકારે બોજારૂપ બની રહે છે.
આજના કોમ્પ્યુટરના યુગમાં હવેના સમયમાં બધી કામગીરી કોમ્પ્યુટરથી કરાઈ રહી છે તેવા સમયે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વર્ષ-૧૯૮૬માં ભરતી અંગે ઘડવામાં આવેલા નિયમોથી વિપરીત કાર્યવાહી થઈ રહી છે એ અનુચિત છે.આ સંજાગોમાં ૩૧ ડીસેમ્બર-૨૦૧૯ સુધીમાં અમદાવાદ મહાનગરપાલિકાના તમામ વિભાગો,ઝોનલ ઓફીસ કે મસ્ટર સ્ટેશન પર શિડયુઅલ પર હોય અને ન ભરાયેલી એવી તમામ જગ્યાઓની માહીતી એકઠી કરી રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગને મોકલી આપવી.આ ઉપરાંત રદ કરવાપાત્ર એવી વર્ગ-બેથી ચારની તમામ જગ્યાઓ રદ કરવી.

ડેપ્યુટી કમિશનર શું કહે છે 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર કે મહેતાએ પ્રતિક્રીયા આપતા કહ્યુ,રાજય સરકારના પરીપત્રનો અમલ કરતા ૩૧ ડીસેમ્બર-૨૦૧૯ સુધીમાં વર્ગ-બેથી ચાર સુધીની શિડયુલ પર ખાલી અને વર્ષોથી ન ભરાયેલી એવી તમામ જગ્યાઓની માહીતી વિવિધ ખાતાઓના વડા પાસે પરિપત્ર કરીને મંગાવી છે.માહીતી આવ્યા બાદ સરકારના શહેરી વિકાસ વિભાગ,શહેરી ગૃહનિર્માણ અને સામાન્ય વહીવટ વિભાગને મોકલી અપાશે.બાદમાં આ પ્રકારની જગ્યાઓ કાયમ માટે રદ કરી દેવાશે.

૩૦ ટકાથી વધુ જગ્યાઓ રદ થશે

મનપામા  વર્ષ-૧૯૮૬ થી લઈને વર્ષ-૨૦૧૯ સુધીમાં ૨૫ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરો અને સહાયક જુનિયર કલાર્કની ૪૩૨ જગ્યાઓ માટે પરીક્ષા લઈ ભરતી કરાઈ છે.આ સિવાય અમપા કે તેના હસ્તકની વી એસ હોય કે અન્ય સંસ્થાઓ મોટાભાગની કામગીરી આઉટ સોર્સિંગથી મેનપાવર મંગાવીને કરાઈ રહી છે.અમપાના એક સિનિયર અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યુ,આ નિર્ણયથી અમપાની શિડયુલ પરની ૩૦ ટકાથી વધુ જગ્યાઓ રદ થઈ  જશે.

ભરતી અગાઉ જાહેર સેવા આયોગને જાણ કરવી પડશે

રાજય સરકાર દ્વારા ૩ ઓકટોબર-૨૦૧૯ અને ૧ મે-૨૦૧૯ એમ બે અલગ પરીપત્ર કરાયા છે એ મુજબ,અમદાવાદ મહાનગરપાલિકામાં કોઈ સંજાગોમાં ભરતી કરવાની થાય તો રાજય સરકારના જાહેર સેવા આયોગની મંજુરી લેવી પડશે.પરીક્ષા પણ આયોગ નકકી કરે એ પ્રમાણે લેવાની રહેશે.

અમપાના કુલ ૭૨ વિભાગો માં કયાં-કેટલો સ્ટાફ 

કક્ષા            સ્ટાફ
વર્ગ–૧         ૨૪૬
વર્ગ-૨          ૩૯૦
વર્ગ-૩          ૫૨૮૩
વર્ગ-૪          ૧૯૮૯૦