અમદાવાદમાં છ વર્ષમાં ડેન્ગ્યૂથી 33 લોકોનાં મોત થયા
વર્ષ-૨૦૨૨ સુધીમાં મેલેરિયા નાબુદીની વાતોની વચ્ચે મેલેરિયાના કેસોમાં ૨૯ ટકાનો વધારો
અમદાવાદ
શહેરમાં આ વર્ષે ડેન્ગ્યૂ ખાસ કરીને ૧૪ વર્ષ સુધીના બાળકો માટે ઘાતક પુરવાર થયો છે. શહેરમાં છેલ્લા છ વર્ષમાં ડેન્ગ્યૂને કારણે કુલ ૩૬ લોકોના મોત થયા છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ-૨૦૨૨ સુધીમાં મેલેરિયાના રોગને સંપૂર્ણ દેશવટો આપવાની જાહેરાત કરાઈ છે. આ જાહેરાતની વચ્ચે શહેરમાં મેલેરિયાના કેસોમાં ૨૯ ટકાનો વધારો થયો છે. ૯ થી ૧૪ વર્ષની વય ધરાવતા હોય એવા શહેરમાં ૭૦૦થી વધુ બાળકો આ વર્ષે ડેન્ગ્યૂનો શિકાર બન્યા છે. આ વર્ષમાં નવેમ્બર અંત સુધીમાં ડેન્ગ્યૂથી કુલ ૧૨ લોકોના મોત થયા છે. શહેરમાં વકરેલી રોગચાળાની પરિસ્થિતિ છતાં અમપા તંત્રમાં બેઠેલા ભાજપ શાસકો શહેરમાં આ વર્ષે પડેલા ભારે વરસાદને જવાબદાર ઠેરવી પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહ્યા છે.
શહેરમાં આ વર્ષે જૂનથી શરૂ થયેલા વરસાદની વચ્ચે નવેમ્બરના અંત સુધીમાં અમપા દ્વારા મચ્છરજન્ય રોગચાળો નિયંત્રણમાં લેવાની કરાતી કાર્યવાહીના અનેક દાવાઓની વચ્ચે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળીને કુલ ૪૨૦૦ જેટલા ડેન્ગ્યૂના કેસ નોંધાયા છે. બી. જે. મેડિકલ કોલેજ દ્વારા કરાયેલા એક સેમ્પલ સરવેના રિપોર્ટ પ્રમાણે અમદાવાદ શહેરમાં વર્ષ-૨૦૧૯માં નોંધાયેલા ડેન્ગ્યૂના કુલ કેસો પૈકી ૪૨ ટકા જેટલા કેસોમાં ૧૪ વર્ષ સુધીના બાળકો શિકાર બન્યા છે. આ વય જૂથના બાળકોનો હાથ ધરાયેલો સરવેમાં ૨૬.૨ ટકા બાળકો આ વર્ષે ડેન્ગ્યૂનો શિકાર બન્યા છે. ૧૫થી ૪૪ સુધીની વયજૂથના કુલ ૧૭.૩ ટકા લોકો શિકાર બન્યા છે.
રિપોર્ટ પ્રમાણે ૫૮ ટકા જે મોત છ વર્ષમાં થયા એમાં ૧૪ વર્ષ સુધીના બાળકોનો સમાવેશ થાય છે. આ વર્ષે નોંધાયેલા કુલ ૪૨૦૦ કેસમાં ૭૦૬ જેટલા કેસ માત્ર ૧૪ વર્ષ સુધીની વયના બાળકોના જ હોવાનું સરવેમાં બહાર આવ્યું છે.
નવેમ્બર-૨૦૧૮ની તુલનામાં આ વર્ષે શહેરમાં ડેન્ગ્યૂના કેસમાં ૧૩૯ ટકાનો વધારો થયો છે. ગત વર્ષે શહેરમાં નવેમ્બરમાં ડેન્ગ્યૂના કુલ ૩૩૨ કેસ નોંધાયા હતા. આ વર્ષે કુલ ૭૯૩ કેસ નોંધાયા છે. મેલેરિયા નાબુદીની પોકળ જાહેરાતોની વચ્ચે મેલેરિયાના કેસોમાં ૨૯ ટકાનો વધારો થયો છે. ગતવર્ષે નવેમ્બરમાં શહેરમાં કુલ ૪૮ કેસ નોંધાયા હતા. જેની તુલનામાં આ વર્ષે નવેમ્બરમાં કુલ ૨૧૫ કેસ નોંધાયા છે.
ટાઈફોઈડના કેસોમાં પણ ૧૭ ટકાનો વધારો થયો છે. ગતવર્ષે શહેરમાં નવેમ્બરમાં કુલ ૩૦૨ કેસ નોંધાયા હતા. જેની તુલનામાં આ વર્ષે ટાઈફોઈડના કુલ ૩૫૪ કેસ નોંધાયા છે. અમપા દ્વારા કરાયેલા અનેક દાવાઓ છતાં શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબુમાં રાખવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે. શિયાળાની ઠંડીની શરૂઆત સાથે જ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધશે. આ સ્થિતિમાં લોકોએ સ્વયંભુ પોતાના પરિવારજનો ખાસ કરીને બાળકોની કાળજી લેવી આવશ્યક થઈ પડશે.
શહેરમાં ડેન્ગ્યુના કેસોનુ આંકડાકીય ચિત્ર
વય સરકારી હોસ્પિટલ ખાનગી હોસ્પિટલ કુલ કેસ
૧ વર્ષથી ઓછી ૧૪૨ ૧૭ ૧૬૯
૧થી ૪ ૨૫૨ ૧૦૭ ૩૫૯
૫થી ૮ ૩૭૬ ૧૪૫ ૫૨૧
૯થી ૧૪ ૪૭૮ ૨૨૮ ૭૦૬
૧૫ થી વધુ ૧,૪૭૫ ૯૭૦ ૨,૪૪૫
કુલ ૨,૭૨૩ ૧,૪૭૨ ૪૨૦૦
વર્ષ–૨૦૧૦થી વર્ષ–૨૦૧૬ સુધીનુ આંકડાકીય ચિત્ર
વય કેસ મોત
ચાર સુધી ૫૪૬ ૧૦
પાંચથી ૧૪ ૧૭૭૯ ૧૨
૧૫થી ૪૪ ૩૫૮૯ ૧૪
૪૫થી ૬૦ ૩૮૪ ૦૧
૬૦થી વધુ ૨૩૬ ૦૧
પુરૂષ–મહિલા કેટલા
કેસ મોત
પુરૂષ ૩૭૨૫ ૨૫
મહિલા ૨,૭૦૯ ૧૩
કુલ ૬,૪૩૪ ૩૮
વર્ષ મુજબ અમદાવાદના ડેન્ગ્યુના કેસ
વર્ષ કેસ
૨૦૧૫ ૨૧૬૫
૨૦૧૬ ૨૮૫૨
૨૦૧૭ ૧૦૭૯
૨૦૧૮ ૩૧૩૫
૨૦૧૯ ૪૨૦૦
લોહીના સેમ્પલ લેવાની સંખ્યા પણ ઘટી
શહેરમાં નવેમ્બર-૨૦૧૮માં ૨૫મી સુધીમાં કુલ ૧,૨૩,૯૮૯ જેટલા લોહીના નમુના લેવાયા હતા. વર્ષ-૨૦૧૯માં ૨૫ નવેમ્બર સુધીમાં માત્ર ૮૭,૩૨૯ નમુના લેવાયા છે. આ અંગે પૂર્વ વિપક્ષ નેતા બદરૂદ્દીન શેખે એક વાતચીતમાં કહ્યું, રોગના કેસ વધે તે સ્થિતિમાં સેમ્પલ લેવાની સંખ્યા પણ વધવી જોઈએ અને આ વર્ષે ઘટી છે. આજ ભાજપનો વિકાસ હશે.
આ વર્ષે અમદાવાદમાં કમિશનરે આ કામગીરી ન કરાવી
૧. શહેરમાં આવેલી નાની ગટરો સાફ કરવાની કામગીરી ન કરાઈ.
૨. શહેરમાં વિસ્તાર મુજબ સફેદ ચૂનો નાંખવામાં ન આવ્યો.
૩. શહેરમાં સમયસર રેસિડેન્સિયલ ઓઈલ સ્પ્રેની કામગીરી ન કરાઈ.
૪. ફોગિંગ પણ જો કોઈ ફરીયાદ કરે તો જ કરાયું.