અમપાના કોર્પોરેટરો અને પદાધિકારીઓમાં પ્રજાના નાણાંથી પ્રવાસ કરવાનો ચસ્કો

અમદાવાદ,તા.૧૧
અમદાવાદ શહેરના વધુ એક મેયર બિજલ રૂપેશભાઈ પટેલ ૨૪ સપ્ટેમ્બરના રોજ ન્યૂયોર્ક ખાતે આયોજીત હાઈલેવલ પોલીટીકલ ફોરમમાં ભાગ  લેવા નાયબ મ્યુનિસિપલ કમિશનર આર કે મહેતા સાથે રવાના થશે.આ બંનેના પ્રવાસ અંગે મંજુરી માંગતી એક દરખાસ્ત શુક્રવારના રોજ મળનારી સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવી છે

નાયબ મ્યુનિસીપલ કમિશ્નર પણ સાથે

શહેરના મેયર સેવન ફોર સેવન ઈવેન્ટ જે ન્યૂયોર્ક ખાતે યોજાનાર છે એમાં ભાગ લેવા નાયબ મ્યુનિસિપલ કમિશનર આર કે મહેતા સાથે રવાના થશે. આગામી 24 સપ્ટેમ્બરના રોજ આયોજીત આ હાઈલેવલ પોલીટીકલ ફોરમમાં ભાગ લેવા મેયર અને નાયબ કમિશનર જઈ રહ્યા છે એનો ખર્ચ કોણ ઉપાડશે એે અંગે સત્તાવાર કોઈ જ સ્પષ્ટતા કરાઈ નથી.દરખાસ્તમાં માત્ર આ ફોરમમા જઈ અને પરત આવવા સુધીના સમયની ગેરહાજરીની નોંધ લેવાની વાત ઉપર ભાર મુકાયો છે.ભૂતકાળમાં ભાજપના કાનાજી ઠાકોર,અસિત વોરા,ગૌતમ શાહ સહીતના મેયરો વિદેશના પ્રવાસે જઈ આવ્યા હતા.છતાં તેમની આ વિદેશયાત્રાનો અમદાવાદ શહેરને કોઈ લાભ થવા પામ્યો નથી.

સ્ટડીટુરનો શહેરીજનોને કોઈ લાભ નહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં એકબીજાને ભાંડતા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા વિવિધ સ્ટડી ટુરના નામે છેલ્લા પંદર વર્ષમાં એકપણ વખત સ્ટડી ટુરનો રિપોર્ટ રજુ કરાયો નથી.બે મહીના અગાઉ પણ ભાજપના ૧૩૧ અને કોંગ્રેસના ૪૭ કોર્પોરેટરો દક્ષિણભારતના પ્રવાસે જઈ આવ્યા છે.છતાં હજુ સુધી કોઈએ સ્ટડી ટુરનો રિપોર્ટ મુકયો નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો અને પદાધિકારીઓમાં પ્રજાના નાણાંથી પ્રવાસ કરવાનો ચસ્કો ઉપડયો હોય એમ છેલ્લા પંદર વર્ષમાં અનેક દેશ અને વિદેશની ટુર ચૂંટાયેલા કોર્પોરેટરો દ્વારા કરવામાં આવી છે.પણ આ ટુર પૈકી એકપણ ટુરનો સીધો લાભ અમદાવાદ શહેર કે અમદાવાદના નાગરીકોને થવા પામ્યો નથી