અમપામાં કરચોરીના કર્મીઓના કરતૂત

અમપાના અધિકારીઓ-કર્મચારીઓ પાન નંબર પણ ખોટા આપતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ
ઈન્કમટેકસ વિભાગ કાર્યવાહી સામે અમપાએ હાથ અધ્ધર કરી દીધાં

અમદાવાદ

જે અધિકારીઓ પ્રજા સામે દંડનો દંડો ઉગામે છે ,, મિલકત વેરો ન ભરે તો લાલ આંખ કરીને સીલીંગની કામગીરી કરે છે. લોકોને વેરો સમયસર ભરવાની સૂફિયાણી સલાહ આપે છે તેવા જ અધિકારીઓ સરકારને વેરો ભરવા ઠાગાઠૈયા કરે છે અને ઓછો વેરો ભરવો પડે તે માટે આવા ભ્રષ્ટ અધિકારીઓ ખોટુ બોલવામાં પણ સહેજ પણ અચકાતાં નથી.
અમદાવાદ મહાનગર પાલિકાના વહીવટમાં કેટલી હદે અંધેર વહીવટ ચાલે છે એનો અનુભવ ખુદ તંત્રમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓને પણ થઈ ગયો છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૨૪૬ જેટલા વર્ગ-1 અને ૩૯૦ જેટલા વર્ગ-2ના અધિકારીઓ ફરજ બજાવે છે.આ તમામને વારંવાર પરિપત્રો કરી સૂચના આપવા છતાં તેઓ નિયમિત રીટર્ન ફાઈલ કરતા નથી.ઉપરાંત પાન નંબર જે આપે છે એ પણ ખોટા આપતા હોવાની ચોંકાવનારી વિગતો ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ફાઈનાન્સના ધ્યાન ઉપર આવી છે.તેમણે છેલ્લી ચેતવણી આપતા કહ્યુ છે,હજુ સમય છે ચેતી જાવ,નહીંતર ભવિષ્યમાં જો ઈન્કમટેકસ દ્વારા કોઈ કાર્યવાહી કરાશે તો એ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હાથ અધ્ધર કરી દેશે.
આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ઈન્કમટેકસ ભરવાની કેટેગરીમાં આવતા કલાસ-વનના ૨૪૬ અને કલાસ-ટુના ૩૯૦ અધિકારીઓ છે.નાણાં વિભાગના સૂત્રોના કહેવા પ્રમાણે કલાસ-થ્રીમાં ૫૨૮૩ કર્મચારીઓ ફરજ બજાવે છે એ પૈકી પણ ચાલીસ ટકાથી વધુ કર્મચારીઓ રીટર્ન ભરવાને પાત્ર બને છે.આ તમામને અમપાના નાણાં વિભાગ દ્વારા છેલ્લા નવ વર્ષથી વખતોવખત પરીપત્ર કરીને સમયસર રીટર્ન ભરવા ઉપરાંત સંપત્તિની વિગતો જાહેર કરવા કહેવામાં આવ્યુ છે.આમ છતાં નવ વર્ષમાં આ બંને બાબતોનો અમલ કરાયો નથી.તાજેતરમાં આસીસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર બનેલા નિલેષ પટેલ જે સમયે સેન્ટ્રલ ઓફીસનો હવાલો સંભાળતા હતા એ સમયે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારની સુચના મુજબ,તેમણે સંપત્તિની વિગતો જાહેર ન કરનારા ૨૦૦ જેટલા અધિકારીઓને શો-કોઝ નોટીસ પણ ફટકારી હતી.
પરંતુ પાછળથી રાજકીય દબાણ હેઠળ આ આખી પ્રક્રીયા અભરાઈ ઉપર ચઢાવી દેવામાં આવી હતી.નાણાં વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહે ઈન્કમટેકસના મામલે ગંભીરતાપુર્વક તપાસ હાથ ધરતા મોટાભાગના ઈન્કમટેકસ ભરવાની લિમીટમાં આવતા અધિકારીઓ ટીડીએસ કપાત ઓછી થાય એટલે પાન નંબર પણ ખોટો લખતા હોવાનો કે બીજાનો નંબર આપી ઓછી કપાત કરાવતા હોવાની વિગતો ખુલવા પામી છે.
આર્જવ શાહે કરેલી તપાસમાં એવો પણ ઘટસ્ફોટ થયો છે કે,જે વિભાગમાં બિલ કલાર્ક તરીકે ફરજ બજાવનારા પણ આમાં સંડોવાયેલા છે.આ બિલ કલાર્કો અધિકારીઓ દ્વારા ભરાયેલા ફોર્મમાં જે વિગતો આપેલી હોય છે એ સાચી છે કે ખોટી તે ચકાસવાની તસ્દી પણ લીધા સિવાય પગાર બિલો બનાવી દેતા હોય છે.ઈન્કમટેકસના નિયમો મુજબ,કર્મચારી કે અધિકારીના પગારમાંથી કપાતા ટીડીએસ અંગે પાનનંબર આપવો ફરજીયાત છે.
જા પાન નંબર દર્શાવવામાં આવ્યો ન હોય તો એવા કીસ્સામાં ઈન્કમટેકસના નિયમ મુજબ,ટીડીએસ વધુ માત્રામાં કાપવામાં આવે છે.વધારે ટીડીએસ ન કપાય અને પોતાની પગાર ઉપરાંતની આવકો જાહેર ન કરવી પડે એ માટે થઈને અમપામાં ફરજ બજાવતા કલાસ-વન અને કલાસ-ટુના અધિકારીઓ પાન નંબર પણ ખોટા આપે છે.જેને કારણે જે પગાર સ્લીપ આપવામાં આવે છે એમાં પણ પાન નંબર ખોટા આવે છે.

ઘણાં વિભાગો ટેકસની પુરી રકમ પણ કાપતા નથી

આ અંગે ચીફ એકાઉન્ટન્ટ અમિષ શાહને પુછતાં તેમણે કહ્યુ,નાણાં વિભાગ તરફથી છેલ્લા નવ વર્ષથી વખતો વખત આ મામલે પરીપત્રો કરવામાં આવ્યા છે.ઘણાં વિભાગોમાં તો ટેકસની પુરી રકમ પણ કાપવામાં આવતી નથી.જેને પરીણામે પાછળથી એકાઉન્ટ એડજેસ્ટ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

તો બિલ કલાર્કો સામે કાર્યવાહી કરાશેઃઆર્જવ શાહ

આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર્જવ શાહનો સંપર્ક કરતા તેમણે કહ્યુ,ફેબ્રુઆરી-૨૦૨૦ના પગાર પહેલા પાન નંબર સાચા મેળવી યોગ્ય કપાત પગારમાંથી જ કરી લેવાની બિલ કલાર્કોને સુચના આપવામાં આવી છે.જા બિલ કલાર્ક આમ કરવામાં નિષ્ફળ પુરવાર થશે તો તેમની સામે પણ કાર્યવાહી કરાશે.જા જરૂર જણાય તો જાન્યુઆરી-૨૦૨૦ અને ફેબ્રુઆરી-૨૦૨૦ એમ બે પગારમાંથી ઈન્કમટેકસ કપાત કરી પગાર ચુકવવા કહેવાયુ છે.જા આમ નહીં થાય અને ઈન્કમટેકસ વિભાગ ભવિષ્યમાં કાર્યવાહી કરશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ જવાબદારી રહેશે નહીં.