અરવલ્લીના માઝુમ ડેમમાં 200, વૈડીમાં 1500 ક્યુસેક પાણી છોડાયું

મોડાસા, તા.13

અરવલ્લી જિલ્લામાં ચોમાસામાં અંતિમ તબક્કામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા પરિણામે જિલ્લાના જળાશયો છલકાઇ જવાના આરે છે. જ્યારે મોડાસાના માઝુમ જળાશયમાં પાણીની સપાટી 156.93 પહોંચતા બુધવારની મધ્યરાત્રિએ જળાશયનો એક ગેટ ચાર ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે અને 200 ક્યુસેક પાણી માઝુમ નદીમાં છોડવામાં આવ્યું છે. સાથે સાથે મેઘરજનો વૈડીડેમ પણ ઓવર ફ્લો થઇ જતાં તેમાથી 1500 ક્યુસેક પાણી છોડાયું છે.

મોડાસા પાસેના માઝુમ જળાશયમાં છેલ્લા અઠવાડિયાના સમયગાળામાં વરસાદી પાણીની વિક્રમી આવક થતાં બંધની સપાટી 156.93 મીટરએ પહોંચતા માઝુમ જળાશયમાં 96.34% પાણીનો સંગ્રહ થઇ ચુક્યો છે. જળાશયમાં ઉપરવાસમાંથી 200 ક્યુસેક પાણીની આવક હોવાના કારણે સિંચાઇ સત્તાવાળાઓ દ્વારા જળાશયનું રૂલ લેવલ જાળવવા બુધવાર રાત્રીએ માઝુમનો એક ગેટ ખોલાયો છે અને 200 ક્યુસેક પાણીની આવક સામે 200 ક્યુસેક પાણી છોડાયું છે.મેઘરજ તાલુકામાં વૈડી ડેમમાં 100% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વૈડીમાં 1500 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. પરિણામે બંધ 100% ભરાઇ ચૂક્યો હોવાથી અત્યારે 1500 ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.